અત્તરકયારી.વાત નવા વરસની.

 

અત્તરકયારી..

વાત નવા વરસની..

વિક્રમ સંવતનું  નવું વરસ આવી ગયું. હવે ઇ.સ.2015 ને વધાવવાની ઘડીઓ ગણાય છે. અનેક જગ્યાએ 31 ડીસેમ્બરને અલવિદા કહેવાની અને 1 જાન્યુઆરીને વધાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 31 નો શું પ્રોગ્રામ છે ? એવા પ્રશ્નો પૂછાતા રહે છે અને જુદા જુદા જવાબો મળતા રહે છે. જાતજાતની ખાણી પીણી, મ્યુઝીક, ડાન્સ, અંતાક્ષરી, અનેક પ્રકારના રંગારંગ, મનોરંજક કાર્યક્રમોનું આયોજન હોંશભેર થતું રહે છે. કોઇ ઘરમાં જ બેસીને ટીવી પર આવતા કાર્યક્રમો માણે છે. કોઇ ટોળાનું, કોઇ મેળાનું તો કોઇ એકાન્તનું માણસ હોય છે. મુંડે મુંડે મતિર્ભિન્નાઃ અપની અપની પસંદ..અપના અપના ખયાલ.. એમાં કોઇની ટિકા કરવાનો કોઇ સવાલ નથી. દરેકને પોતાની રીતે સુખી થવાનો, આનંદ માણવાનો પૂરો હક્ક છે. દરેકનું સુખ પોતીકું હોય છે. સુખ અને આનંદની  વ્યાખ્યા  વ્યક્તિ વ્યક્તિએ બદલાતી હોય છે.

દર વરસે હું  પણ અનેક લોકોને 31 ડીસેમ્બર તમે કઇ રીતે ઉજવવાના છો એવો સવાલ પૂછતી રહું છું..અને જાતજાતના જવાબ સાંભળવા મળે છે. જેમાં કોઇ બહું મોટો  ફરક નથી હોતો.  મોટે ભાગે દરેકના  જવાબનો  સાર કંઇક આવો હોય છે. ધમાલ, મસ્તી, નાચના, ગાના ઔર ખાના પીના.. ઇસસે જ્યાદા ક્યા કરના હૈ ?

પરંતુ જયારે આનાથી કંઇક હટકે જવાબ મળે છે ત્યારે આંખોમાં એક ચમક ઉભરાય છે. મનમાં બહું સારું લાગે છે. સાચા આનંદની અનુભૂતિ થાય છે.આવો જ એક જવાબ હમણાં મળ્યો. બહું સારો લાગ્યો. નામ આપવાની એમણે ના પાડી છે એથી સાચું નામ તો નહીં લખી શકાય. પણ અત્તરકયારીમાં એ સુગંધની  વાત  લખવી જરૂર ગમશે.

અહીં એક પારસી ફેમીલી છે. સાધનસંપન્ન કુટુંબ છે. બાજુબાજુમાં જ  પાંચ ભાઇઓના પાંચ બંગલા છે. એમાના નાના ભાઇ, ભાભી  સાથે મારે વાત થઇ. કે આ વરસે તમે નવા વરસમાં શું નવું કરવાના છો ?

તેમણે હસીને  જવાબ આપ્યો.

અમે તો નવું કંઇ કરતા જ નથી. એ જ જૂનું જ કરીએ.

એટલે ? મને સમજાયું નહીં.

જુઓ, નાચ ,ગાના, ખાવું પીવું એ બધામાં નવું શું છે ? એ તો નવા વરસ સિવાય પણ થતું જ રહેતું હોય છે. નવા વરસે પણ એ જ કરીએ તો એમાં નવું શું થયું ? મોજમજા ને મસ્તી આપણે તો રોજ કરતા જ હોઇએ છીએને ? એ માટેના કારણો, બહાનાઓની આપણને કયાં ખોટ પડતી હોય છે ? નાનું એવું કારણ મળે ને આપણે શરૂ થઇ જઇએ.

  અમારે ત્યાં જેટલા લોકો કામ કરે છે, કામવાળા, ડ્રાઇવર, માળી, અમારે ત્યાં આવતો દૂધવાળો, છાપાવાળો, ટપાલી, કમ્પાઉન્ડ વાળવાવાળો વગેરેને  તેના કુટુંબ સાથે અમે દર વરસે આ રાત્રે અમારે બંગલે બોલાવીએ છીએ. આખું વરસ તેમણે એક કે બીજી રીતે અમારી સેવા કરી હોય છે. નવા વરસની આ રાત્રે અમે તેમને પીરસીએ છીએ, ખવડાવીએ છીએ. અમારા આ કમાઉન્ડમાં જ આયોજન કરીએ છીએ. રાત્રે આઠ વાગતા સુધીમાં એ લોકો જ બધી તૈયારી કરે છે. આઠ વાગ્યા પછી એ લોકો અમારા ગેસ્ટ બને છે અને અમે હોસ્ટની ભૂમિકામાં .

અમે જાતે તેમને પીરસીએ છીએ. આગ્રહ કરીને જમાડીએ છીએ,તેમની સાથે અમે પણ જમીએ છીએ. પછી તેમનું મનગમતું, તેમની પસંદગીનું  મ્યુઝીક લગાડીને તેમની સાથે, તેમની રીતે નાચીએ પણ છીએ. તેમની રમતો રમીએ છીએ. તેમની વાતો સાંભળીએ છીએ, તેમના બાળકો અને વૃધ્ધ માતા પિતા સહિત દરેકને નાનકડી ગીફટ આપીએ છીએ.અરે, એ લોકો પણ ખાલી હાથે નથી આવતા. એ બધા સાથે મળીને અમારે માટે કોઇક વસ્તુ જરૂર લાવે છે અમે એ પ્રેમથી સ્વીકારીએ છીએ અને હમેશા ઘરમાં રાખીએ પણ છીએ. રાતે બાર વાગ્યે રાષ્ટ્રગીત ગાઇએ છીએ, એકમેકને વીશ કરીએ છીએ અને પછી છૂટા પડીએ છીએ. બસ ઉજવાઇ ગયું અમારું નવું વરસ.

તેમની વાત મને બહું સ્પર્શી ગઇ.  આપણે સૌ અવારનવાર મોજમજા કરીએ છીએ પણ કદી બીજાને એવી મજા કરાવવાનો વિચાર કયાં આવતો હોય છે ?  અહીં કોઇ ગરીબને બટકુ રોટલો ફેંકવાની , કે એમને કોઇ દાન કરવાની વાત નથી. અહીં તો જેમણે આખૂં વરસ આપણું કામ કર્યું છે ભલે પૈસા લઇને પણ આપણી સેવા તો કરી જ છે ને ? એ બધા નાના લોકો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવાવાની આ રીતે મને બહૂ ગમી  ગઇ. આખું વરસ એ લોકો આ પારસી કુટુંબની દિલ દઇને સેવા કરે છે.  કારણ આજ સુધી અન્ય કોઇએ તેમના માટે વિચાર નથી કર્યો. જયારે આ કુટુંબ તેમને માણસનો દરજ્જો આપે છે.  

સામાન્ય રીતે આપણે નીચેના માણસો આપણા માટે જે કામ કરે છે તેની  કદર, કે બે સારા શબ્દો પણ આપણે તેમને કહેવાનું ચૂકી જતા હોઇએ છીએ ? ઓફિસમાં બોસ આપણા કામની કદર કરે, બે સારા શબ્દો કહે એવી અપેક્ષા આપણે રાખીએ જ છીએ ને ?  કોઇ બે સારા શબ્દ કહે તો આપણે કેવા ખુશ થ ઇએ છીએ ? તો  આપણે પણ આપણી નીચેના કોઇને બે સારા શબ્દ કહીને, કે અન્ય કોઇ રીતે કદર કરીને, કૃતજ્ઞતા દર્શાવીને તેમને ખુશી ન આપી શકીએ ?

મોજમસ્તી કરીએ, અને કદીક બીજાને પણ કરાવીએ તો ? આપણી ખુશીમાં ફકત મોટા લોકોને જ નહીં નાના લોકોને પણ સામેલ કરી શકીએ તો ? બની શકે, મોટી પાર્ટીમાં પ્લાસ્ટીકિયા સ્માઇલ કરીને, ચીલાચાલુ વાતો કરીને, કૃત્રિમતાનો અંચળો ઓઢીને, મહોરા પહેરીને જે આનંદ માણવાનો દાવો કરીએ છીએ તેના કરતા કઈક અલગ જ આનંદનો એહસાસ થાય. એક નવો જ અનુભવ મળે અને નવું વરસ ખરા અર્થમાં નવું બની રહે. અને આપણું જોઇને કદાચ અન્ય કોઇ પણ એનું અનુકરણ કરે, એમાંથી પ્રેરણા મેળવે તો ધીમે ધીમે એક નવી શરૂઆત થઇ શકે, નવી કેડી કંડારી શકાય અને દીપથી દીપ જલતા વાર કેટલી ? યુવાનોને કંઇક  નવું કરવું હમેશા ગમે જ છે ને ? તો આવું નવું પણ કરી શકાય ને ? કરીશું કોઇ નાનકડી શરૂઆત ? આ જ નહી. નવું કરવાની બીજી પણ અનેક રીત તમે જાતે વિચારી શકો. અને અમલમાં મૂકી શકો એ ભાવના સાથે આપ  સૌ  મિત્રોને હેપી ન્યુ યર. હેપી 2015.આપનું વરસ નવું બની રહે, મંગલમય બની રહે એ પ્રાર્થના સાથે અસ્તુ,

2 thoughts on “અત્તરકયારી.વાત નવા વરસની.

  1. ઉત્સવો ઉપર એકલા એકલા ખાવા કરતાં વર્ષભર આપણે માટે કામ કરતાં માણસો સાથે બેસીને ખાવાની

    મજા આવી રીતે બધાં લોકો લેતા થાય તો કેવું સારું !

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s