હસના મના હૈ..

 

અત્તરકયારી….

                                                           હસના મના હૈ…

દોસ્તો, ગયા વરસે આપ સૌ સમક્ષ મેં મારા નવા વરસના શુભ સંકલ્પો રજૂ કર્યા હતા. આજે સમય છે એ સંકલ્પોનું સરવૈયુ આપવાનો. એમાંથી કેટલા સંકલ્પો પાળી શકાયા અને કેટલા ન પાળી શકાયા…અને એનું પરિણામ શું આવ્યું એના  હિસાબ કિતાબ  પ્રામાણિકતાથી આપવા જ રહ્યા ને ? એ પછી જ નવા સંકલ્પોની વાત થઇ શકે ને ?  મારા ગયા વરસના સંકલ્પો આપ સૌ ભૂલી જ ગયા હો એ સહજ છે. પણ મેં તો એ બધા સંકલ્પો પાળવાની મથામણ રાત દિવસ કરી છે એથી હું તો કેમ ભૂલી શકું ?

ગયા વરસે મારો પહેલો સંકલ્પ હતો કે જયારે પણ મોકો મળે ત્યારે વગર પૂછયે બધાને સલાહ શીખામણ આપતા રહેવું. કોઇને જરૂર હોય કે નહીં.એની ચિંતા કર્યા સિવાય..કેમકે ગીતામાં ભગવાને જાતે જ કહ્યું છે કે કર્મ કર્યે જા.ફળની ચિંતા ન કરીશ. એથી ફળની ચિંતા કર્યા સિવાય મેં મારા  સ્વજનો અને મિત્રોને બધાને  વગર માગ્યે સોનેરી, કે રૂપેરી સલાહ સૂચનો આપતા રહીને મારો એ સંકલ્પ જરૂર પાળ્યો છે. અલબત  એનું પરિણામ એ આવ્યું કે મારા મિત્રોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો છે અને સ્વજનો મારાથી દૂર ભાગતા રહ્યા છે. પણ  હજું હું હિમત  હારી નથી.

મારો ગયા વરસનો બીજો શુભ સંકલ્પ એ હતો કે  કોઇને બોલવાની તક આપ્યા સિવાય હું એકલી જ બડબડ કર્યા કરીશ. જેથી મૌન રહીને બીજાને ફાયદો થાય. ગયા વરસે આ સંકલ્પ પાળવાનો પણ મેં પૂરી નિષ્ઠાપૂર્વક  પ્રયત્ન કર્યો છે. પણ ઘણી વાર એવું પણ બન્યું છે કે હું બોલી લઉં ત્યારે મને જાણ થાય કે સામે સાંભળનારું કોઇ બચ્યું જ નહીં. બધા ધીમે ધીમે કયારે સરકી ગયા એની મને જાણ  જ ન થતી. પરંતુ એથી નુકશાન એ જનાર મિત્રોને જ થયું છે એમ મારું દ્રઢપણે માનવું છે. કેમકે મારા અમૂલ્ય પ્રવચનનો લાભ એમણે ગુમાવ્યો છે. એ અજ્ઞાનીઓને ખબર જ નથી કે એમણે શું ગુમાવ્યું છે. ભગવાન ઇસુએ પણ કહ્યું જ હતું ને કે એ લોકો શું કરી રહ્યા છે એની એમને જ જાણ નથી. કંઇક એના જેવું જ. પણ એથી કંઇ હિમત હારીને મારો સંકલ્પ થોડો જ ચૂકાય ? એટલે દોસ્તો, મેં મારો બીજો સંકલ્પ પણ યથાશક્તિ પાળ્યો જ છે.

ગયા વરસનો મારો એક સંકલ્પ એ પણ હતો કે હું કોઇને મારે ત્યાં આવવાનું આમંત્રણ આપીને એમને  ધક્કા નહીં ખવડાવું. જેથી એમને આવવા જવાના ખર્ચા ન કરવા પડે. એને બદલે ભલે મને ખર્ચા થાય પણ હું જ બધાને ત્યાં સહકુટુંબ જવાનું રાખીશ. એ સંકલ્પ પણ પાળવાનો મેં તો પૂરો પ્રયાસ કર્યો છે પણ એમાં મને બહું સફળતા મળી નથી. કેમકે મારી જેમ કદાચ મારા મિત્રો અને સ્વજનોએ પણ કદાચ એવું કશું નક્કી કર્યું હતું એમ મને લાગ્યું છે. જેથી હું એમને ત્યાં જાઉં એ પહેલા એ લોકો જ મારે ઘેર આવી જતા હતા. પરિણામે હું મારો એ સંકલ્પ  ગયા વરસે તો  પાળી શકી નથી. આશા છે આ વરસે પાળી શકું. આમાં મને મિત્રોના સાથ, સહકારની અપેક્ષા  રહેશે.

મારો ગયા વરસનો એક સંકલ્પ એ પણ હતો કે હું આ વરસે વડાપ્રધાન પદની કે કોઇ જ અન્ય હોદ્દા માટે ઉમેદવારી નહીં નોંધાવું. અને એ સંકલ્પ પાળ્યો છે એ તો આપ સૌ જાણો જ છો. મેં ઉમેદવારી ન નોંધાવી તેથી જ આપણા માનીતા, લોકલાડીલા શ્રી નરેન્દ્રભાઇને દેશની સેવા કરવાની અમૂલ્ય તક સાંપડી ને ? મોદી સાહેબ આ માટે મારો દિલથી આભાર માનવાનું પણ ચૂકયા નથી.

ગયા વરસનો એક સંકલ્પ એ પણ હતો કે હવેથી હું કોઇને ગમે ત્યારે ફોન કરીને ડીસ્ટર્બ નહીં કરું. બસ ફકત મીસકોલ જ કરીશ. જેથી લોકો એની અનુકૂળતાએ મને ફોન કરી શકે. પણ ખબર નહીં કેમ મારા મીસ કોલ પછી લોકોને બહું અનુકૂળતા મળી હોય એવું લાગ્યું નહીં. મારા મીસકોલનો મને એવો હૂંફાળો પ્રતિસાદ નથી સાંપડયો.એનો મને અફસોસ છે. આ વરસે આ સંકલ્પ ચાલુ રાખવો કે નહીં એ હું હવે થોડું વિચારીને નક્કી કરીશ.

મારો એક સંકલ્પ એ પણ હતો કે આ વરસે હું  મારા કોઇ પણ પુસ્તક માટે સાહિત્યનું નોબેલ પ્રાઇઝ, જ્ઞાનપીઠ એવોર્ડ  કે એવા કોઇ નાના, મોટા ઇનામો, અવોર્ડો સ્વીકારીશ નહીં. અને એ સંકલ્પ મેં અગાઉથી જ સંબંધિત કમિટીઓને જણાવી દીધો હતો. સદનસીબે એમણે મારી વિનંતી માન્ય રાખીને મારો એ સંકલ્પ પૂરો કરવામાં મને સક્રિય સાથ, સહકાર આપ્યો એનો મને આનંદ છે. અને આમ છતાં મારી નવલકથાને બહું મોટો નહીં તો યે એક નાનકડો એવોર્ડ તો તેમણે આપી જ દીધો છે. ખેર !

દોસ્તો, આ વરસે અમુક સંકલ્પો  સંપૂર્ણપણે નથી પાળી શકાયા એનો મને અફસોસ છે પણ એથી ગભરાઇને હું મારા એ સંકલ્પો છોડી દેવાની નથી. બલ્કે બમણા ઝનૂનથી હું એ ચાલુ રાખીશ. કેમકે ડગલું ભર્યું કે ન હટવું..શું કહો છો દોસ્તો ?

અને યસ આ બધી તો ગયા વરસની  વાતો થઇ. તમે મને ચોક્કસ પૂછવાના કે આ વરસનું શું ? આ વરસે કોઇ નવો સંકલ્પ નહીં ?

ના..ના..સાવ એવું નથી. આ વરસે મેં ફકત એક જ સંકલ્પ રાખ્યો છે કે હવેથી  મારે ઘેર આવનાર દરેકને હું બીજે કયાંય આડે અવળે બહાર લઇ જવાને બદલે રોજ બે  ચાર કલાક  મારી કવિતાઓ, લેખો વગેરે સંભળાવીને મારા સાહિત્યપ્રેમનો લાભ જરૂર આપીશ. ઘેર બેઠા ગંગાની જેમે તેમને ઘેર બેઠા આવો  મજાનો લાભ આપવાનો મારો શુભ સંકલ્પ છે. અને તેમની હેલ્થનો ખ્યાલ રાખીને તેમને કયાંય બહાર હોટેલ, રેસ્ટોરન્ટમાં ખાવા નહીં લઇ જાઉં. આશા છે આપ સૌ મિત્રો આ વરસે મારે આંગણે જરૂર પધારશો. હું મારો આ સંકલ્પ જરૂર પાળીશ તેની ખાત્રી આપું છું.

 તો મિત્રો., મોસ્ટ વેલકમ.. મને અને મારી કવિતાને આપની પ્રતીક્ષા રહેશે.

3 thoughts on “હસના મના હૈ..

  1. નીલમબેન
    આ તો મોસાળે જમણ ને મા પીરસે /—–તમારે ઘેર આવીને તમારા સ્વ કંઠે તમારી કૃતિઓ આસ્વાદવા મળે –એથી રૂડું શું ?

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.