ખોવાયેલા સ્મિતની શોધ..

 

 

                                                      ખોવાયેલા સ્મિતની શોધ

વરસો સુધી ધરાઇને બંગાળના ઉપસાગરના ઘૂઘવતા મોજાઓના નાદને ઝિલ્યા પછી ફરી એક વાર અરબી સમુદ્રને ભેટવા, એનાથી ભીંજાવા ગુજરાતમાં પહોચાયું એનો આનંદ, રોમાંચ તન મનને ઉત્સાહથી છલકાવી રહ્યો છે. ગુજરાત અને એમાં પણ વહાલા વતન, જન્મભૂમિ પોરબંદરના અંજળ પાણી હજુ ખૂટયા નથી, હજુ એના દાણા પાણી નસીબમાં લખાયા છે એનો અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં આવવાનું તો ઘણાં સમયથી વિચારાતું હતું, ગજાતું હતું પણ એમાં દૂર દૂર સુધી કયાંયે સૌરાષ્ટ્ર,  પોરબંદરનું તો શમણું યે નહોતું આવ્યું. પણ જીવનમાં અનેક વાત કલ્પના બહારની બનતી જ રહેતી હોય છે ને ? સમયે કરવટ બદલી અને અમે  સાવ અચાનક આવી ગયા જન્મભૂમિમાં જે હવે બની છે અમારી કર્મભૂમિ.

આજે છે  જન્મભૂમિનો  પહેલો દિવસ. પૂરા ચાર દાયકા, ચાલીસ વરસ પછી વતનની ધરતીમાં પ્રવેશીએ ત્યારે કેવી અનુભૂતિથી મન સભર બની રહે. આંખો ચકળવકળ બનીને ચારે તરફ ફરતી  રહે. શું બદલાયું છે અને શું નથી બદલાયું એના લેખા જોખા મનમાં અનાયાસે ચાલતા રહે. આંખો કશુંક જૂનું શોધવા ઝંખી રહે. જૂના દ્રશ્યો પણ નવા વાઘા પહેરીને  સામે આવે ત્યારે આશ્વર્ય ચકિત બની જોઇ રહેવા સિવાય શું બીજું શું થઇ શકે ? અલબત્ત બદલાયું છે એનો અફસોસ ન થયો. બલ્કે ગૌરવ જ થયું કે ના, મારું શહેર પણ સમયની સાથે પરિવર્તન પામ્યું છે. એ સમયથી પાછળ કે પછાત નથી રહી ગયું.  પ્રગતિ  ભણી પાપા પગલી તો જરૂર ભરી છે. બહું દોડયું નથી પણ ચાલ્યું જરૂર છે એની ઝાંખી  ચારે તરફ જોવા  મળી રહી છે. જે બદલાય નહીં એ કાળની ગર્તામાં વિલીન થઇ જાય. પણ મારું શહેર તો ખાસ્સું બદલાયું છે. હજુ મોલ કે મલ્ટી પ્લેક્ષ કલ્ચર વિકસ્યું નથી. પણ ફકત મોલ કે મલ્ટી પ્લેક્ષ થીયેટર જ શું બદલાવની સાબિતી છે ? કેટકેટલા દ્રશ્યો પરિવર્તનની એંધાણી આપી રહ્યા છે ?

સદભાગ્યે થોડૂં જૂનું પણ સંઘરાઇ રહ્યું છે એનો આનંદ પણ ઓછો નથી. આંખો સાવ નિરાશ નથી થઇ. વત્તે ઓછે અંશે કશુંક જૂનું પણ દેખા દે છે અને એની સાથે જ મન વરસો કૂદાવીને શૈશવનો રોમાંચ માણવા તલપાપડ બની રહ્યું છે.

મારી વરસો જૂની ચોપાટીએ હજુ ખાસ કોઇ શણગાર સજયા નથી. ઘૂઘવતા સમુદ્રની સામે વરસોથી અડીખમ ઉભેલા વીલા, જેના પગથિયા ઉતરચડ કરવાની સ્પર્ધા શૈશવમાં અનેક વાર કરતા એ જ વીલામાં અત્યારે થોડા દિવસો માટે અમારો મુકામ છે, એ કંઇ ઓછા રોમાંચની વાત છે ? મને તો હજુ એક શમણાં જેવું જ ભાસે છે.  ટચુકડું ફ્રોક પહેરીને, બે ચોટલા વાળીને જે પગથિયા કૂદતા હતા એ આ જ પગથિયા છે ? આ વીલા ત્યારે રાજમહેલ બનીને અમારી કલ્પના સૃષ્ટિમાં વિહરતા. અંદરથી આ મહેલ કેવા હશે તેની કલ્પના માત્ર જ કરેલી. કોઇ દિવસ એમાં રહીશું એની કયાં ખબર હતી ?

દરિયાના મોજા સામે બાથ ભીડતા આ કાળમીંઢ ખડકોને   શૈશવમાં અનેક વાર દોડી દોડીને કૂદાવ્યા હતા. આજે આધેડ ઉંમરે, જીવનના આ પડાવે ધીમે ધીમે સાચવીને એક એક ડગ ભરતા ઉતરી રહી છું ત્યારે મારી અંદર સૂતેલી એ છોકરી જાણે મને આશ્વર્યથી નીરખી રહી છે. કદાચ મારી ઉપર હસી રહી છે. જો કેવી ભાગતી હતી. બધા ધીમે ધીમે એમ બૂમો પાડતા હતા ત્યારે મા બાપનું કહ્યું કદી માન્યું નહોતું. આજે વગર કહ્યે ગતિ પર બ્રેક લાગી ગઇને ? હા, સમય ભલભલાની  ગતિ પર બ્રેક લગાવી દે છે. એ સત્યથી હું બાકાત કેમ રહી શકું ?

પણ જે બ્રેક લાગી છે તે પગની ગતિ પર જ. મનની ગતિ પર કાળ પણ જલદીથી બ્રેક લગાવી શકતો નથી. આજે મારા પગ ધીમા પડયા છે , એની ગતિ ચોક્કસપણે ધીમી પડી છે પણ મનની ગતિ તો પૂર જોશથી ચાલુ છે. કેટકેટલા દ્રશ્યો નજર સામેથી પસાર થઇ રહ્યાં છે. સમયની સાથે દરેક વસ્તુને ઘસારો લાગે છે. અનેક રંગો અતીતની ગર્તામાં ઝાંખા પડતા જતા હોય છે. પણ મનના રંગોને જલદી કાટ નથી લાગતો. ભીતરમાં એ દ્રશ્યો  આજે પણ એવા જ સદા બહાર…

ડ્રાઇવરને ગાડી સાવ ધીમી ગતિએ  ચલાવવાનું કહ્યું હતું જેથી કોઇ પણ દ્રશ્ય ચૂકી ન જવાય. આમ તો ચાલીને પગપાળા જ આ બધા રસ્તેથી પસાર થવું હતું પણ અત્યારે સમયના અભાવે  એ શકય નહોતું.

કારની બારીમાંથી બહાર નીરખતા અચાનક નજર એક બોર્ડ પર પડી. અરૂણ ફોટો સ્ટુડિયો..

ઓહ..માય ગોડ.. આ એ સ્ટુડિયો હતો.. જેમાં જિંદગીનો પહેલો ફોટો પડાવ્યો હતો.પપ્પા હોંશે હોંશે ત્યાં ફોટો પડાવવા લઇ ગયા હતા. એ દિવસે પહેલી વાર નાનકડા ચણિયા ચોલી પહેલી વાર પહેર્યા હતા. છ કે સાત વરસની એ ઉંમર..એ વખતના ફોટો ગ્રાફરના શબ્દો આજે પણ ભૂલી નથી.

બેટા, સરસ મજાનું હસવાનું.  હસીએ ને તો ફોટો સરસ આવે.

ઓહ..ફોટો સરસ આવવાનો ઉપાય આટલો સીધો સાદો અને સહેલો..!

હું તો ખડખડાટ હસી પડી હતી. અને ફોટો બહું મજાનો આવ્યો હતો એમ બધાએ એકી અવાજે કહ્યું હતું. આજે પણ  જૂના આલ્બમમાં કેદ થયેલો એ  ફોટો વાતની સાક્ષી પૂરે છે.

ત્યારે સાવ સહેલો લાગતો આ ઉપાય જીવનના દરેક પડાવે એવો સહેલો નથી બનતો હોતો એ વાત અનુભવે સમજાવી છે પણ સાથે સાથે એ પણ અચૂક સમજાવ્યું છે કે એ ઉપાય જો કરી શકીએ, જીવનમાં હસી શકીએ તો હમેશા સુંદર જ લાગીએ અને જીવનના અનેક વિઘ્નો આસાનીથી પાર કરી શકાય. પણ કહેવું કે લખવું જેટલું સહેલું છે, કોઇ પણ વાતનો  અમલ જીવનમાં કયાં એટલો સહેલો હોય છે ? હસવા જેવી સામાન્ય વાત પણ જીવનમાં કેવી અઘરી બની ગઇ છે. એ માટે પણ સજાગ રહીને પ્રયત્ન કરવા પડે છે. સહજ રીતે હસવાનું જાણે ભૂલાઇ ગયું છે.જે હસાય છે એ પણ પ્લાસ્ટીકિયું સ્માઇલ, ફોર્મલ સ્માઇલ..

એ ખોવાયેલા સ્મિતની શોધ મારે કરવી છે. મારી આ જૂની ગલીઓમાં.. મારી આ જન્મભૂમિ, ગાંધીના ગામમાં. ગાંધીજીના ગામનું ગૌરવ તો એને જરૂર મળ્યું છે પણ એ ગૌરવ જાળવવું એ તો ખાંડાના ખેલ. આજકાલ તો એવા ખેલનાર કયાં મળવાના ?

આખરે તો જીવનનું એક માત્ર સત્ય..

હસતે હસતે કટ જાયે રસ્તે, જિંદગી યૂં હી ગુઝરતી રહે.

ખુશી મિલે યા ગમ, દુનિયા ચાહે બદલતી રહે..

( અત્તરકયારીમાં પ્રકશિત ..ઓકટોબર 2014 )

4 thoughts on “ખોવાયેલા સ્મિતની શોધ..

  1. તમારો આનંદ સદા તમારો પોતીકો બની રહે
    જીવનમાં સચ્ચાઈ અને સૌ પ્રત્યે સ્નેહ સદભાવ હોય
    તો ખુદ ખુદા જ હાથ ઝાલીને સાથ આપીને
    કસોટી માંથી પાર ઉતારતો રહે છે
    નીલમબેન દીપાવલી ટાણે
    તમસોમાં જ્યોતિમય ગમય ની શુભેચ્છા સહ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.