હવે શાંતિ સલામત હતી..

અત્તરકયારી…

 આજે ધર્મને નામે અનેક જગ્યાએ ધતિંગ થતા રહે છે. ધર્મ હવે પૂરેપૂરો પ્રોફેશનલ બની ગયો છે.ત્યારે અનેક લોકો ખાસ કરીને યુવા પેઢીને  મંદિરો સામે, કહેવાતા ધર્મ સામે વિરોધ જાગે એ સ્વાભાવિક છે. દેવ દર્શનને એ તૂત માને છે. રોજ સવારે દર્શને ઉપડનાર લોકોને જૂનવાણી ગણે છે.એવા લોકોની ટિકા કરે છે. પણ  જેમ સિક્કાની બે બાજુ હોય છે તે જ રીતે દરેક વાતની બે બાજુ હોય છે. આ બીજી બાજુનો..બીજી દ્રષ્ટિએ પણ વિચાર કરી શકાય તો બની શકે  કોઇને નિરર્થક લાગતી વાત પણ સાર્થક લાગે. ઘણાં કુટૂંબોમાં વડીલોને સવારે નિયમિત રીતે દર્શન માટે જવાની આદત હોય છે. એ આદતને હસીને ઉતારી પાડવાને બદલે જરા બીજી રીતે એનું મૂલ્યાંકન કરીએ તો ? આજે આવી જ કોઇ વાત.

નિમુબાને રોજ સવારે મંગળાના દર્શન કરીને પછી જ દૂધ પીવાનો નિયમ. ત્યાં સુધી તેઓ  મોઢામાં કશું ન નાખે. સવારે પાંચ વાગ્યામાં ઉઠી , નાહી ધોઇને મંદિરે જવા નીકળી જાય. પાછું સાંજે પણ પાછા શિવમંદિરે અચૂક જવાનું. સાથે સાત વરસની  પૌત્રી પણ હોય જ. દાદીમા સાથે દર્શન કરીને તે  મંદિરના બગીચામાં એના જેવડા  બાળકો સાથે રમતી રહે અને નિમુબા બેંચ પર બેસીને માળા કરતા હોય કે પછી કયારેક એમના જેવડું કોઇ મળી રહે તો ગામગપાટા  પણ ચાલતા હોય. આમ નિમુબાનો સમય કયાં પસા થઇ જાય કંઇ ખબર ન પડે.

રાત્રે નિમુબા રામાયણના બે ચાર પાના વાંચે. બધાએ ફરજિયાત સાથે બેસવાનું  કયારેક નિમુબા વાંચે તો કયારેક હમણાં જ વાંચતા શીખેલી પૌત્રીના હાથમાં રામાયણ પકડાવે એ ધીમે ધીમે વાંચે અને બધા સાંભળે..

 હમણાં  નિમુબાના ભાઇની યુવાન દીકરી, જેના,  અમેરિકાથી આવી હતી. અને દસેક દિવસ રોકાવાની હતી. જેના અમેરિકાના વાતાવરણમાં ઉછરેલી છોકરી હતી.દરેક વાતને તર્કના ત્રાજવે તોલવાની એની આદત.એને નિમુબાની બહું માયા. આ વખતે પૂરા પાંચ વરસ પછી દેશમાં આવી હતી. નિમુબાની વહુ શુભા સાથે પણ તેને સારું બનતું. જેનાએ  ફૈબાની  દિનચર્યા જોઇને તેમને કહ્યું

’  ફૈબા ભગવાન તો આપણી અંદર છે. ભગવાન કંઇ તમે બધા માનો છો એમ મંદિરમાં રહેતા નથી. અરે, આજના મંદિરો તો પ્રોફેશનલ બની ગયા છે. બધા  વેપાર કરવા બેઠા છે. બધું   ધતિંગ બની ગયું  છે.. ધતિંગ .. ફૈબા, એવા કોઇ ક્રિયાકાંડની આપણે જરૂર જ નથી. બસ આપણું  મન સાફ હોય, શકય તેટલી કોઇને  મદદ કરીએ , એ જ  સાચો ધર્મ..જનસેવા એ જ પ્રભુ સેવા.  આજે યે તમે રામ સીતાની વાતો પોપટની જેમ પઢયે જાઓ છો.. એનાથી કોનું ભલું થવાનું છે ? એ બધો સમયનો બગાડ છે. ભગવાન  પાસે બધું છે જ એમ તમે પણ માનો છો.. તો પછી આટલા બધા પ્રસાદના દંભ શાના ? આ અન્ન્નકૂટ ને એવા દેખાડા શા માટે ? અરે, ધંધો માંડીને બેઠા છે આ બધા પંડાઓ ને પૂજારીઓ..તમે જ કહો  છો ને કે ભગવાન તો કણકણમાં  બધે છે.. તો પછી એને માટે બહાર જવાની શી જરૂર ?

જેના હમણાં જ બનારસમાં  જઇ આવી હતી અને ત્યાં  પંડાઓને લીધે જે હેરાનગતિ ભોગવી હતી તેને લીધે વધારે ઉશ્કેરાટમાં હતી.

 પૂરા બે દિવસ સુધી તેણે નિમુબાનું બ્રેઇન વોશ કર્યા કર્યું. નિમુબા જેનાની કોઇ વાતને ન સ્વીકારી શકયા કે ન નકારી શકયા. તેની બધી વાતોનો જવાબ જેનાએ જોરદાર દલીલોથી આપ્યો હતો.  

એટલે, આટલા વરસો સુધી હું જે કંઇ કરતી આવી છું એ બધું ખોટું ? નિમુબા મનોમન વિચારી રહ્યા. જેનાની વાત ખોટી તો નહોતી જ લાગતી. પણ છતાં મન નહોતું માનતું. શું કરવું તે નહોતું સમજાતું નહોતું.  જાણે શાંત જળમાં  કાંકરી પડી હતી અને વમળો ઉઠયા હતા.

શુભાએ જેનાની બધી વાત સાંભળી હતી. તેણે જેનાને પાસે બોલાવી.

‘ જેના, તું કહે છે એ બધી વાત સાચી. આજે મંદિરો પ્રોફેશનલ બની ગયા છે. પૂજારી, પંડા ..અન્નકૂટ એ બધી તારી વાત સાચી કોઇ ક્રિયાકાંડ જરૂરી નથી. હું પોતે એવું કશું કરતી નથી. શું સાચું ને શું ખોટું એવી કોઇ ચર્ચા આપણે નહીં કરીએ. પણ જેના, મમ્મી જે કરે છે એ તેને માટે.. અમારા બધા માટે બહું જરૂરી છે.

‘ ભાભી, મને સમજાયું નહીં.’

‘ જો, હું તને સમજાવું. આપણે  બીજી રીતે વિચારીએ. રોજ સવારે ચાલવા જવું મમ્મી માટે સારું ગણાય કે નહીં ?

‘ ઓફ કોર્સ સારું જ  ગણાયને. વોક તો જરૂરી છે જ.

‘ તો ફૈબાને  તું આ ઉંમરે મોર્નીગ વોકમાં જાવ એમ કહે તો એ જાય ખરા ? એને બદલે મંગળાના દર્શન કરવા માટે થઇને રોજ કેટલું ચાલી આવે છે. સવારે ભગવાનની સેવાપૂજા કરે છે તો એમાં જીવ પરોવાઇ રહે છે. નહીંતર ઘરમાં આ કામ નથી થયું ને અહીં આમ પડયું છે આમ ન કરાય વગેરે સૂચનાઓ ચાલુ જ રહે. સ્વાભાવિક રીતે જ તેમની અને મારી કામ કરવાની રીતમાં ફરક હોવાનો જ.. એ મારું ન સ્વીકારી  શકે કે હું એની રીતે ન કરી શકું.. એને બદલે સેવાપૂજામાં એમનો  સમય પસાર થાય છે તો અમારી વચ્ચે મતભેદ થવાની શકયતાઓ ઘટી જાય છે. સાંજે પણ મંદિરને બહાને ચાલી આવે છે ત્યાં એના  જેવડા કોઇને મળે..કયારેક બે વાતો કરીને મનનો ઉભરો ઠલવાઇ જાય.  આવીને થાકી ગયા હોય એટલે  બીજી કોઇ પંચાતમાં પડે જ નહીં. દરેક ઘરમાં વત્તે ઓછે અંશે બે પેઢી વચ્ચે જનરેશન ગેપ હોય અહીં પણ છે..પણ  અહીં તને એ અનુભવાય છે ખરો ? કારણ સમય જ નથી બચતો એ બધા માટે..

અને રાત્રે  રામાયણ વાંચવાનો કાયદો તો મને બહું  ગમે છે.એ બહાને બધા સમયસર જમી લે છે.. શાંતિથી બધા સાથે થોડીવાર  બેસીએ છીએ બાળકોને એક  સંસ્કાર પડે છે. મોહિતને રોજ જમ્યા પ્છી બહાર ભાઇબંધો સાથે  પાન ખાવા જવાની આદત હતી એને બદલે મમ્મીએ આ નિયમ કર્યો છે એટલે  પરિવાર સાથે બેસે છે એ કંઇ ઓછા ફાયદાની વાત છે ? બોલ, હવે બીજી બધી વાતો જવા દે..પણ  મમ્મી જે કરે છે એમાં ખોટું શું છે ?

બીજે  દિવસે જેનાએ ફૈબાને કહ્યું,  ‘ ફૈબા,  હું તો તમારી પરીક્ષા કરતી હતી. બાકી અમારા જેવા  યુવાનો તો મનમાં  જે આવે તે બોલ્યે રાખે.. આજે મંદિરે જાવ ત્યારે ભગવાન પાસે મારી યે થોડી લાગવગ લગાડજો હોં.. મને સારો છોકરો મળે એવી પ્રાર્થના કરશો ને મારા વતી ? ફૈબા, તમારે તો એની સાથે સીધો નાતો..

નિમુબા હરખાઇને દર્શન માટે ઉપડયા. જેના અને શુભા હસી રહ્યા. હવે ઘરની શાંતિ સલામત હતી.

  

 

       

 

 

4 thoughts on “હવે શાંતિ સલામત હતી..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s