અત્તરકયારી..

અત્તરકયારી…

 

                                                                      સ્મૄતિને ઝરૂખેથી.. 

 

માણસે વર્તમાનમાં જીવવું જોઇએ એ વાત સોળ આના સાચી છે. આમ છતાં માનવીનો પિંડ ભાવનાના અર્કથી બંધાયેલો છે. અને તેથી કદીક  અતીતના કોઇ ખટ મીઠા સ્મરણોની દાબડી ખોલી એની એક ઝલક ફરીથી પામવાની ઝંખના એના હૈયામાં જરૂર જાગતી હોય છે. કદીક પાછા વળીને શૈશવની ગલીઓમાં ઘૂમવાનું મન કોને નથી થતું હોતું ? તો કદીક અતીતની કોઇ વણવિસરાયેલી યાદને વાગોળવાની મજા પણ માણવી ગમતી હોય છે. આજે આવી જ એક ખટમીઠી સ્મરણયાત્રાની નાનકડી ઝલકમાં  આપ સૌને સામેલ કરવાનું ગમશે. વાત છે વરસ 2003ની..એક દાયકા પહેલાની..

ગુજરાતના  છેક છેવાડે આવેલું  મીઠાપુર નામનું ટાઉન જે  જામનગર જીલ્લામાં પવિત્ર યાત્રાધામ દ્વારિકાની સાવ પાસે આવેલું છે. વરસોથી અહીં સેટલ થયા હતા. નાનું પણ રળિયામણૂં ગામ અને સરસ મજાનો દરિયાકિનારો… એ છોડીને એક દિવસ અચાનક..સાવ અચાનક એકદમ પશ્વિમ છેડાથી છેક પૂર્વમાં બીજે છેડે  આવવાનું થયું.  એ નાટકીય  દિવસની યાદમાં આપ સૌને ભાગીદાર બનાવવા ગમશે.

 દસ જાન્યુઆરી  2003 નો એ દિવસ હતો. એ દિવસે અચાનક સાંજે ક્લબમાં પાર્ટીમાં જવાનું આમંત્રણ આવ્યું ત્યારે તો કંઇ નવું ન લાગ્યું કેમકે મીઠાપુરમાં સીનીયર એક્ઝીકયુટીવ માટે આવી પાર્ટીઓ તો બહું સામાન્ય હતી.એટલે રાબેતા મુજબ જ ગયા હતા.

ત્યાં પાર્ટીમાં અચાનક સ્ટેજ પરથી અમારા પ્રેસીડંટ મારા પતિના વખાણ કરવા લાગ્યા. અને પછી તો સ્ટેજ પરથી એ સિલસિલો ચાલુ રહ્યો.વારાફરતી બધા આવી આવીને માઇક પરથી અમારા વિષે બોલવા લાગ્યા.મારા આશ્ર્વર્યનો પાર ન રહ્યો.. અરે, સાવ અચાનક સૌને અમારા પર આટલો બધો પ્રેમ કેમ ઉભરાઇ આવ્યો? આખિર માજરા કયા હૈ ? નક્કી દાળમાં કશું કાળું છે. મેં પતિદેવ સામે જોયું. એ તો કશું બોલ્યા સિવાય મરક મરક મલકતા હતા.

 

અને થોડી વાર પછી  ખબર પડી કે દાળમાં કાળુ નહી, આખી દાળ જ કાળી હતી. અરે, આ  તો અમારી ફેરવેલ પાર્ટી, વિદાય સમારંભ હતો. મને સરપ્રાઇઝ આપવા માટે પતિદેવે પણ મને અગાઉથી જણાવ્યું નહોતું.

એ દિવસે પશ્વિમના એક છેડેથી બીજે છેડે, બંગાળમાં કોલકત્તા પાસે આવેલા એક હલ્દીયા નામના ટાઉનમાં  અમારી બદલી થઇ હતી. હિન્દલીવર ટાટા કેમીકલ્સે લઇ લીધું હતું ત્યારની શરૂ થયેલ અફવાઓનો આ અંત હતો.

હું તો સ્તબ્ધ થઇ ગઇ હતી.હલ્દીયાનું નામ તો શું નકશામાં પણ કદી નહોતું જોયુ.આંખમાં આંસુ છલકાઇ ગયા.આટલા વરસો ગુજરાતમાં સ્વજ્નો સાથે રહ્યા બાદ દૂર જવાનું હતું.અને તે પણ એક છેડેથી બિલકુલ બીજે છેડે. અજાણી ભાષા,અજાણ્યા લોકો,અજાણ્યું વાતાવરણ..અજાણ્યો પ્રદેશ. ગમશે?ફાવશે? શું થશે? કેવું હશે? અસંખ્ય પ્રશ્નોની હારમાળા મનમાં ચાલતી હતી.

હું એકલી આખો દિવસ શું કરીશ ?

અનેક પ્રશ્નો અને કોઇ જવાબ નહી. પણ આવવાનુ તો હતું જ. પતિદેવ તો ઉત્સાહમાં હતા. તેના મનમાં તો છલકતી હતી પ્રમોશન મળવાની ખુશી અને નવી જગ્યાનો રોમાંચ.  જે અવઢવ હતી તે ફકત મારા મનમાં હતી.

અને એક મહિનામાં તો બેગ બિસ્ત્રા બાંધીને અમે  ટાગોરના “ આમાર સોનાર બંગલા” માં કોલકોત્તા પાસે આવેલા  હલ્દીયામાં પ્રવેશ કર્યો.

ભૂગોળની કિતાબમાં ન એનું નામ છે,

આ મામૂલી ભલે રહ્યો,મારો મુકામ છે.

આ મામૂલી મુકામ એટલે…પશ્વિમ બંગાલમાં..મીદનાપુર જીલ્લામાં આવેલ નાનકડું છતાં સતત ધમધમતું એવું હલ્દીયાનું ક્લ્સ્ટર 19 માં આવેલી ટાટા કેમીકલ્સની કોલોની અને તેમાંનું અમારું નાનકડું ઘર.

 સાહિત્યના શોખને લીધે હું  બંગાળી સાહિત્યથી  સારી રીતે પરિચિત હતી. ટાગોર, વિવેકાનંદ, શ્રી રામકૃશ્ણ પરમહંસ, બંકિમબાબુ કે શરદબાબુ  જાણે મારા ચિર પરિચિત. આમાર સોનાર બાંગલા વિષે ઘણું વાંચ્યું હતું આજે અમે એ સોનાર બાંગલાની આ દુનિયામાં પ્રવેશ્યા હતા.


શરૂઆતમાં સૌથી મોટો પ્રશ્ન ભાષા સાથે સાથે ખોરાકનો પણ આવ્યો.અમે રહ્યા  જૈન,પૂરા શાકાહારી. ઇંડાથી પણ ભાગનારા. અને અહીં અમને તો ચારેબાજુ માછલીઓ અને મુર્ગીઓ જ દેખાતી હતી. ક્યાંય પાર્ટીમાં જઇએ તો શરૂઆતમાં તો કોઇની બાજુમાં બેસીને ખાઇ જ ન શકાય. કોઇ ચમચો અડી ગયો હશે તો? નજર ફેરવીને  એકાદ બે શાકાહારી વાનગીઓના કોળિયા  પરાણે ગળે ઉતારવા પડતા હતા. બાજુમાં બેસેલા બંગાળી બાબુનું અપમાન તો ન જ કરી શકાય ને ? એ તેમનો પ્રિય ખોરાક હતો.તેમના શબ્દોમાં કહું તો  અમે તો ઘાસ ફૂસ ખાનારા માછલીનો સ્વાદ શું જાણીએ ?


ધીમે ધીમે સમયની સાથે બંગાળી લોકોનો,તેમની સંસ્ક્રુતિનો  પરિચય થતો ગયો. અને મારે કહેવું જોઇએ કે એ પરિચય ખૂબ સરસ રહ્યો. અહીંની ગ્રીનરી..લીલુછમ્મ વાતાવરણ, ઘરની આસપાસ નાના પુકુરો ધીમે ધીમે આકર્ષતા જતા હતા.

અમારી ટાઉનશીપ ખરેખર રળિયામણી હતી. અહીંની વિશ્વકર્મા પુજા,દુર્ગાપુજા,લક્ષ્મીપુજા,કાલિપુજા આ બધાએ બંગાળી સંસ્ક્રુતિનો પરિચય કરાવ્યો.એમની શ્ર્ધ્ધાથી અભિભૂત થઇ જવાયું. વિશ્વકવિ ટાગોર અને શ્રી વિવેકાનંદની ભૂમિને અનાયાસે પ્રણામ થઇ ગયા.બંગાળી લોકોના સ્નેહથી, તેમની સંવેદનાથી, તેમની કલાથી, તેમના સાહિત્યપ્રેમથી આકર્ષાયા સિવાય કેમ રહી શકાય ?

 

 

દર વરસે  જાન્યુઆરીમાં આવતો હલ્દીયા ઉત્સવ અહીંની આગવી વિશિષ્ટ્તા છે એમ કહું તો જરાયે ખોટું નહીં ગણાય. પૂરા દસ દિવસ.રાઉન્ડ ધ કલોક ચોવીસ કલાક  ચાલતા આ ઉત્સવમાં ગુજરાત સહિત દેશના લગભગ દરેક રાજ્યના  સ્ટોલ હોય છે. અને અદભૂત કારીગીરીના દર્શન થાય છે. આખી રાત રોજ જુદા જુદા સાત સ્ટેજ પર સતત જાતજાતના કાર્યક્રમ ચાલતા રહે છે.  

કોઇ સ્ટેજ પર બંગાળી જાતરા, ગુજરાતીમાં જેને આપણે ભવાઇ તરીકે ઓળખીએ છીએ.તે ચાલતી હોય,તો કયાંક ક્લાસીકલ સંગીતની ભવ્યતા હોય, કયાંક લોકલ ડાંસર તેની ક્લા દર્શાવતા હોય તો કોઇ સ્ટેજ પર ફિલ્મી કલાકાર રંગત જમાવતા હોય. અહીં  સલમાનખાન, શાહરૂખ ખાન જેવા ફિલ્મી કલાકારો પણ  જાતજાતની મીમીક્રી કરીને, તો ઉષા ઉપ્પલ, આશા ભોસલે જેવા ગાયકો તેમના મધુર સ્વરથી આ ઉત્સવને ચાર ચાંદ લગાવી દેતા હોય છે.

સબ ભૂમિ ગોપાલકીની જેમ બહું ઓછા સમયમાં બંગાળે અમને અપનાવી લીધા કે અમે બંગાળને અપનાવી લીધું હતું એ આજે યે સમજાયું નથી. ગુજરાતીની આ જ તો વિશિષ્ટતા છે કે એ જયાં જાય તેને એ ભૂમિ અપનાવી લે છે કે પછી એ પોતે એ ધરતીને અપનાવી લે છે. દોસ્તો, મારી વાત સાથે આપ સૌ સહમત છો જ ને ? જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત..

( published in Gujarat Guardian date 15th June 2014 )

 

 

One thought on “અત્તરકયારી..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s