સમય બદલાયો છે….!
અવનીશને તેના પિતાએ માંડમાંડ ભણાવ્યો હતો. જોકે નાનપણથી ભણવામાં તે હોંશિયાર હતો. અને અભણ પિતાને પુત્રને ભણાવવાની હોંશ હતી. તેથી પેટે પાટા બાંધીને પણ પુત્રને ભણાવ્યો હતો. પૈસા ન હોવા છતાં ગમે તેમ કરી ઉછીના લઇ ને પણ શહેરમાં મોકલી કોલેજમાં પણ દાખલ કરીને જ રહ્યા.
અને અવનીશે અંતે બી.એ. અને બી. એડ. પૂરું કરી સ્કૂલમાં નોકરી લીધી. ત્યાં પિતા ઇશ્વર આગળ હરખ કરવા ઉપડી ગયા. તેમનું સપનું, તેમનું જીવન કાર્ય જાણે પૂરું થયું હતું. અને અવનીશનો સંસાર શરૂ થયો. સાદાઇથી ગામની જ એક છોકરી સાથે તેના લગ્ન થયા. અને હવે ઢીંગલી જેવી દીકરી પણ તેના સંસારને ઉજાળતી હતી. જોકે તેને તથા તેની પત્નીને બંનેને દીકરાની જ ઇચ્છા હતી. પણ અંતે મને..કમને લક્ષ્મી કહી દીકરીને વધાવી હતી..કે વધાવવી પડી હતી. અને જીવન યાત્રા આગળ ચાલી હતી.
સ્કૂલમાં ઇતિહાસ એ અવનીશનો પ્રિય વિષય હતો. વર્ગમાં ઇતિહાસ ભણાવતાં ભણાવતાં બાળકોને તે એ સમયમાં લઇ જઇ શકતો. છોકરાઓ નજર સમક્ષ તે ઇતિહાસ અનુભવી શકતા. એ અવનીશની ભણાવવાની સિધ્ધિ હતી. અને તેથી અવનીશ છોકરાઓનો પ્રિય શિક્ષક હતો.
આજે તે છોકરાઓને રજપૂત યુગ વિષે સમજાવતો હતો.તે યુગની ખામીઓ અને ખૂબીઓ બતાવતો હતો.તેમાંથી દહેજ પ્રથા,સતી પ્રથા અને છોકરીઓને કેવી રીતે દૂધપીતી કરીને મારી નાખતા, તે બધું સમજાવતા, સમજાવતા તે આવેશમાં, જુસ્સામાં આવી ગયો હતો. સતીપ્રથાની વાત કરતા કરતા તેનો અવાજ અનાયાસે ઉંચો થઇ ગયો હતો. ત્યાં એક છોકરાએ તેને સવાલ પૂછયો,
” સર, દૂધપીતી કરે એટલે શું કરે ? ’ અવનીશે સમજાવ્યું કે કેવી રીતે જન્મેલી છોકરીઓને દૂધભરેલ વાસણમા ડૂબાડીને મારી નાખતા. છોકરાઓના મોઢામાંથી અરેરાટી નીકળી ગઇ.’ સર, એમ છોકરીઓને મારી નાખતા કેમ જીવ ચાલતો હશે ? ’
સરે સમજાવ્યું કે ‘ એ જમાનો, એ સમય જુદો હતો. ત્યારે છોકરીઓ બોજારૂપ ગણાતી. દીકરીને પરણાવવા માટે દહેજનો મોટો પ્રશ્ન હતો. ગરીબ મા બાપ એ બધી જરૂરિયાતો પૂરી કરી ન શકે. કે પછી ઘણીવાર આબરૂના બીજા સામાજિક પ્રશ્નો ઉભા થતા એટલે દીકરી જનમતાં જ…..! અને ત્યારે સમાજમાં જાગૃતિ નહોતી, શિક્ષણ નહોતું..
’ જોકે હવે સમય બદલાયો છે, મૂલ્યો બદલાયા છે. હવે જાગૃતિ આવી છે. આજે દીકરી મા બાપ માટે બોજારૂપ નથી. આજે દીકરીનું, સ્ત્રીનું સમાજમાં એક ચોક્કસ સ્થાન છે. આજે સ્ત્રી જીવનના દરેક ક્ષેત્રમાં પહોંચી શકી છે અને પોતાનું અને માતા પિતાનું નામ ઉજ્જવળ કર્યું છે. નારીશક્તિના કેટકેટલા જવલંત ઉદાહરણો આપણી સમક્ષ છે. અરે, દીકરી તો બે કુળને તારી શકે છે. પારકાના ઘરને પણ રોશનીથી ઝળાહળા કરી શકે છે. દીકરીને આજે સાપનો ભારો નહીં.. પણ તુલસી કયારો ગણવામાં આવે છે. ‘
જુસ્સાથી બોલતા બોલતા અચાનક અવનીશનો અવાજ બંધ થઇ ગયો. તેના હાથ પગમાંથી જાણે ચેતન ચાલ્યું ગયું. તે બેસી ગયો. છોકરાઓને થયું કે સરની તબિયત બરાબર નથી.
તેમને શું ખબર કે તેમના સર..આજે જ તેમના પત્નીનું એબોર્શન કરાવવાનું નક્કી કરી આવ્યા હતા ! ગર્ભમાં બીજી છોકરી હોવાની ખબર પડવાથી. !