વિશ્વ દીકરી દિવસ શા માટે ?

વિશ્વ દીકરી દિવસ શા માટે ઉજવવો પડે છે ?

                                        વિશ્વ દીકરી દિવસ.. world daughter day

દીકરી એટલે પ્રેમનો પર્યાય ..વહાલનો દરિયો, અંતરનો ઉજાસ,  બારમાસી વાદળી.. સ્નેહનું નિરંતર વહેતું ઝરણું.. દીકરી એટલે  આંગણાનો તુલસી કયારો..દીકરી એટલે બે કુટુંબને ઉજાળતી ઘર દીવડી.. કેટકેટલા વિશેષણોથી દીકરીને આપણે નવાજીએ છીએ..

 નરસિંહ મહેતા જેવા દ્રઢવૈરાગી પિતા પણ કુંવરબાઇના સ્નેહથી બંધાયેલ હતા. ગુણવંત શાહે સાચું કહ્યું છે. ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.

 અને છતાં વાસ્તવિકતા કંઇક જુદી કેમ દેખાય છે ? દીકરી વહાલનો દરિયો એમ કહેવું પડે છે. દીકરી વિશે…દીકરી વહાલનો દરિયો, દીકરી એટલે દીકરી, દીકરી મારી દોસ્ત, વહાલી આસ્થા જેવા  અનેક પુસ્તકો લખાતા રહે છે.  કેમકે દીકરી વહાલી હોવી આપણા સમાજમાં હજુ પણ સર્વસામાન્ય કે સર્વસ્વીકૃત વાત નથી. સમાજ માટે હજુ પણ વાત આગવી છે. જરા “ હટકે “  છે અને તેથી લખવું પડે છે..કહેતું રહેવું પડે છે.   એકવીસમી સદીમાં હજુ આજે પણ દીકરીને સ્થાપિત કરવી પડે છે. “બેટી બચાવો”  આંદોલન કરવા પડે છે કે વિશ્વ દીકરી દિવસ ઉજવવાની જરૂર પડે છે. આજે પણ દીકરીએ સમાજમાં એની ઓળખ માટે ઝઝૂમવું પડે છે. પોતાના આગવા વ્યક્તિત્વની મથામણ કરતી સ્ત્રીને નારીવાદીનું લેબલ લગાડાય છે.

 જયારે દીકરો તો વહાલો હોય જ…એમાં કહેવા જેવું શું છે ? એમાં નવી વાત શી છે ?  સદીઓથી સમાજમાં એનું સ્થાન સ્થાપિત થયેલું છે. એને પોતાના સન્માન માટે ઝઝૂમવું નથી પડતું. અને તેથી કદાચ એક સ્ત્રીની પોતાની આગવી ઓળખ માટેની  મથામણને તે સમજી કે સ્વીકારી શકતો નથી. વેદકાળથી  આપણો સમાજ પુરૂષપ્રધાન રહ્યો છે. દીકરા માટે યુગોથી લોકો ઝંખતા રહ્યા છે. માનતાઓ માનતા રહ્યા છે. તરસતા રહ્યા છે. દીકરાને સ્વર્ગની સીડી ચડાવનાર મનાયો છે. દીકરો માબાપનું તર્પણ કરી શકે, અગ્નિદાહ દઇ શકે, દીકરો ભવિષ્યમાં પોતાનો સહારો બની શકે, દીકરો એટલે વંશવેલો વધારનાર,  કૂળને તારનાર,  વૃધ્ધાવસ્થાની ટેકણ લાકડી, માબાપનું ગૌરવ, દીકરો એટલે“ પૂં “ નામના નરકમાંથી ઉગારનાર….દીકરાનું મહત્વ દર્શાવતી અનેક ઉક્તિઓ આપણા લોકસાહિત્યમાં પથરાયેલી જોવા મળે છે. જે આપણા સમાજની માન્યતાઓનું સુપેરે પ્રતિબિંબ પાડે છે. દા. ત.  

 પહેલું સુખ તે જાતે નર્યા,  બીજું સુખ તે પેટ દીકરા,

 ત્રીજુ સુખ તે કોઠીએ જાર, ચોથું સુખ તે સુલક્ષણી નાર.

કે પછી..   

  જેવો તો યે ચૂડલો , ઘરડો  તો યે તોખાર,   હીણો તો યે દીકરો, સારો તો સુનાર

 જયારે  દીકરી એટલે તો પારકી થાપણ..સાપનો ભારો..કે પેટે પાકેલો પાણૉ …  એવી અનેક માન્યતાઓને આધારે  લોકો દીકરા માટે  ઝૂરતાં રહ્યાં છે.  ઘણી  વખત તો  દીકરાની  પ્રતીક્ષામાં એકથી વધુ દીકરીઓને મને, કમને જન્મ આપતા રહ્યા છે,….કે કયારેક જન્મ્યા પહેલા છાને ખૂણે ભ્રૂણહત્યા થતી રહે છે. ફકત કાયદાથી ખાસ કશું થઇ શકે. જનજાગૃતિ પાયાની જરૂરિયાત છે.

વિશ્વ દીકરા દિવસ ઉજવવાની જરૂર કેમ નથી જણાતી ?

હમણાં નજરે જોયેલી એક વાત.. એક મિત્રને ત્યાં દીકરીનો જન્મ  થયો.. ત્યારે તે સ્ત્રીના સાસુ, સસરા અને પતિ સુધ્ધાં એક શબ્દ બોલ્યા સિવાય ત્યાંથી  ચાલતા થઇ ગયેલા. ડીલીવરી સુધી બધા ત્યાં હોંશથી હાજર હતા. પરંતુ તેમને પ્રતીક્ષા હતી પુત્રની..પરંતુ જેવા પુત્રી જન્મના સમાચાર આવ્યા કે  નિરાશ થઇને સૌ ત્યાંથી નીકળી ગયા. સ્ત્રીની આંખો વરસતી હતી. ઘેર જઇને હવે શું થશે..કેમ બોલાવશે..કેવું વર્તન કરશે તે ચિંતામાં એક મા ફફડતી હતી.! તેનો દોષ ફકત એટલો હતો કે તેણે દીકરીને જન્મ આપ્યો હતો. જેના માટે સ્ત્રી  પોતે તો જવાબદાર પણ નથી હોતી. અને છતાં  સહન કરવાનું તો સ્ત્રીને  ભાગે આવતું હોય છે. આપણા  પુરુષપ્રધાન સમાજની કડવી વાસ્તવિકતા છે. હું તેને આશ્વાસન આપતી હતી…પણ પોતાની પરિસ્થિતિથી તે પૂરેપૂરી વાકેફ હોવાથી મારું આશ્વાસન તેને કામ કેમ લાગે ?

આવી તો અગણિત સ્ત્રીઓ સમાજમાં  છે.  જેમને પોતાનું સંતાન છોકરી હોવાથી  તેના જન્મનો આનંદ માણવાને બદલે ચિંતા અને અફસોસ કરવો પડતો હશે.  પુત્રનો જન્મ સ્ત્રીને ગૌરવ પ્રદાન કરે છે. વઢકણી વહુએ દીકરો જણ્યો.. આવી કોઇ કહેવત એથી આવી હશે.

શું   સમાજનું વલણ એકવીસમી સદીમાં યે નહીં  બદલાય ? “ દીકરી વહાલનો દરિયો..” શું સાહિત્ય માટે કે સમાજના ગણ્યાગાંઠયા વર્ગ માટે રહેશે ?

પ્રશ્નો તો અનેક ઉઠે છે મનમાં. પણ જવાબ……?

મન થોડું ઉદાસ જરૂર થઇ જાય છે. આવા વિચારોથી.. પણ, નિરાશ શા માટે થવું ?

“ Every Cloud Has A Silvar Lining ” આવું કંઇક સ્કૂલમાં ભણ્યા હતા..ભૂલી કેમ જવાય ?  ક્ષણે મનમાં ગૂંજી રહી છે  કયાંક વાંચેલી પંક્તિ…. 

કેલેન્ડર કહે છે…આજે આપનો જન્મદિન દિવસે, વરસો પૂર્વે…તમે ખોલી હશે આંખ. ચોતરફ અજાણ્યો….અજાણ્યાનો… ઘૂઘવતો હશે સંસાર….એવામાં મળી હશે વત્સલ જનનીની…લાગણી નીતરતી પાંખ ને તે ક્ષણે તમને લાગ્યું હશે.

આપણે બંદા નથી રે રાંક.! ”

 આજે વિશ્વ દીકરી દિવસ ઉજવીએ છીએ ત્યારે વિશ્વની કોઇ દીકરી કયારેય રાંક બને પ્રાર્થના સાથે અસ્તુ..

અને આવા કોઇ દિવસ ઉજવવાની આપણને જરૂર જ ન પડે એવી આસ્થા સાથે.

 

 

 

 

 

 

2 thoughts on “વિશ્વ દીકરી દિવસ શા માટે ?

  1. બહુ જ સાચી વાત છે. મિલ્કતના ભાગમાં પણ દીકરીને તો બાકાત રખાય જ છે પરંતુ જો દીકરાને ત્યા દીકરો ન હોય તો પણ પિતા તેને મિલ્કતમાં અન્યાય કરે છે . દીકરી અન્યના ઘરમાં મિલ્કત ન લઈ જાય તે વિચાર કરવામાં દીકરા વગરના દીકરો જરૂર પડ્યે કોને કહેશે ? તે વિચાર પણ એકબાજુ થઈ જાય છે. મને લાગે છે સ્ત્રીની પ્રેમ શક્તિને આદર ન આપી શકતો સમાજ અંતે કુદરતી શક્તિથી વિમુખ થઈ અવનતી તરફ જ જતો હોય છે. સ્ત્રી શક્તિને આદર આપ્યા વગર સમાજની ઉન્નતિ શક્ય જ નથી. સ્ત્રીને અન્યાય કરતો સમાજ પોતાના પગ પર કુહાડા મારે છે તેમ કહી શકાય!

    Like

  2. પિંગબેક: ( 452 ) વિશ્વ દીકરી દિવસ..World Daughter Day / વિશ્વ દીકરી દિવસ શા માટે ?….. લેખિકા- નીલમ દોશી | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.