સ્ત્રી ની દુશ્મન સ્ત્રી જ ? વાત એક નાનકડી…( સંદેશ )
ના, ના..આપણે જયારે આપણા દીકરાને ઓળખીએ છીએ..ત્યારે તેનામાં કોઇ બદલાવ ન આવે, કોઇ સુધારો ન થાય ત્યાં સુધી એના લગ્નનો વિચાર પણ કેમ કરી શકાય ? કોઇ છોકરીની જિંદગી કેમ બગાડાય ?
નીલા, તારી બધી વાત સાચી. આપણે એને સુધારવા માટેના સઘળા પ્રયત્નો કરીએ જ છીએ ને ? બની શકે લગ્નથી એનામાં કોઇ પરિવર્તન આવે. આવનાર છોકરી તેને સુધારી શકે. કોઇનો પ્રેમ એને બદલાવી શકે એ શકયતા નકારી કેમ શકાય ? પ્રેમની તાકાત કંઇ ઓછી નથી જ.
પતિ પત્ની વચ્ચે કયાંય સુધી ચર્ચા ચાલતી રહી. જોકે ઘણાં સમયથી આ ચર્ચા ઘરમાં ચાલી રહી હતી. એક બાજુ ઘરમાં ઉમરલાયક દીકરો, અઢળક સમ્રુધ્ધિ, પણ કમનસીબે પુત્ર ખરાબ દોસ્તારોની સંગતમાં આડે રસ્તે ચડી ગયો હતો. માતા પિતા કમી કહે તો મરી જવાની કે ભાગી જવાની ધમકી આપતો રહેતો. એકના એક પુત્રની આવી ધમકીનો ડર કયા માબાપને ન લાગે ? કયાંક આવેશમાં આવીને દીકરો કશુ આડું અવળૂં પગલું ભરી બેસે તો ?
કોઇ પણ માબાપની જેમ નીલાબહેન અને નિમેશભાઇને પણ સ્વાભાવિક રીતે જ દીકરાના લગ્નની હોંશ હતી જ. અને મનમાં ઉંડે ઉંડે એક આશા પણ ખરી કે લગ્ન પછી કદાચ દીકરો સુધરી જાય.. વહુ આવતા કદાચ ઘરમાં રહેતા શીખે..અને ખરાબ મિત્રોથી છૂટકારો પામે.. વહુનો પ્રેમ દીકરાના પગની બેડી બની રહે ને દીકરાને ઘરમાં બાંધી શકે તો જીવતર સુધરી જાય..આવી કોઇ આશાથી નીલાબહેને દીકરા માટે છોકરીઓની શોઅધખોળ ચાલુ કરી દીધી.
અલબત્ત સમાજમાં, કુટૂંબમાં મોટા ભાગના બધાને અપૂર્વના કુલક્ષણોની જાણ હતી તેથી જલદીથી કોઇ છોકરી આપવા તૈયાર થાય એમ નહોતું. અંતે ખૂબ શોધખોળ પછી પૈસાને લીધે ગરીબ કુટૂંબની એક છોકરી મળી ગઇ. અને લીબહેને પસંદગીનો કળશ અનન્યા પર ઢોળ્યો. અનન્યા સાદ્દી, સીધી અને શાંત છોકરી હતી. ચટ મંગની અને પટ વ્હાય કરવામાં જ નીલાબહેને સલામતી જોઇ. .. છોકરો બધી રીતે બગડેલ હતો..એની છોકરીવાળામાંથી કોઇને ખબર જ નહોતી પડી.તેઓ તો આવું શ્રીમંત સાસરું પુત્રીને મળ્યું તેથી હરખાતા હતા. અને પુત્રીને નસીબદાર ગણતા હતા. બહુ ટૂંક સમયમાં ધામધૂમથી લગ્ન લેવાયા. . અને આંખોમાં નવજીવનના શમણાં આંજી અનન્યા પરણીને સાસરે આવી.
અનન્યા બધી રીતે સંસ્કારી અને શાંત છોકરી હતી. દરેક છોકરીની માફક અંતરમાં એક થનગનાટ અને અગણિત ખ્વાબ સાથે તે સ્વસુરગૃહે આવી. પરંતુ થોડા દિવસોમાં જ તેને પતિના સાચા સ્વરૂપની જાણ થઇ ગઇ. અપૂર્વ રોજ દારૂ પીતો હતો અને મોડી રાત સુધી દોસ્તો સાથે બહાર રખડતો રહેતો. . નશામાં ચૂર બનીને ઘેર આવતો ત્યારે અનન્યાને દરેક રીતે ત્રાસ આપવામાં કોઇ કસર નહોતો છોડતો. નીલાબહેને ખૂબ કાળજી રાખી હતી..પરંતુ સત્ય અંતે કયાં સુધી છૂપાઇ શકે ? અનન્યાએ પતિને સુધારવા માટેના દરેક પ્રયત્નો પોતાની રીતે કરી જોયા. નીલાબહેને પણ અથાક મહેનત કરી..પરંતુ પરિણામ શૂન્ય.
નીલાબહેનની આશા પર પાણી ફરી વળ્યું. લગ્ન પછી દીકરો સુધરી જશે એવી તેમની માન્યતા ખોટી પડી. કોઇ પ્રયત્નોનું પરિણામ ન આવ્યું. લગ્ન પછી પણ અપૂર્વના વર્તનમાં કોઇ ફરક ન પડયો. એક દિવસ અનન્યાએ પતિને એ બાબત અંગે કશુંક કહ્યું અને બસ….અપૂર્વનો પિત્તો ગયો. તેણે અનન્યાને ઢોર માર માર્યો..અને બેશરમ બનીને કહી દીધું કે એ તો એમ જ રહેશે.તારે આ ઘરમાં રહેવું હોય તો રહે..નહીંતર…..તારા બાપને ઘેર જતી રહે..તને અહીં રોકવાવાળું કોઇ નથી. મારી કોઇ વાતમાં તારે માથું મારવાની જરૂર નથી. હું જે છું..જેવો છું..એવો જ રહેવાનો છે..શું સમજી ? મારી પત્ની હોવાનો કોઇ દાવો કયારેય કરતી નહીં મારી જિંદગીમાં તારું કોઇ સ્થાન નથી. મમ્મી, પપ્પાને લીધે મારે લગ્ન કરવા પડયા છે. તો એની વહુ બનીને રહેવું હોય તો રહે. મારી પત્ની નહી>
અનન્યા ડઘાઇ ગઇ..હવે ?
અનન્યાએ રડીને તેના મમ્મી, પપ્પાને બધી વા કરી. અનન્યાનું પિયર સાવ ગરીબ હતું. ..તેના માબાપને થયું કે દીકરી પાછી આવશે તો આખી જિંદગી કેમ સાચવીશું ? ને સમાજમાં આબરૂ શું રહેશે ? હજુ દીકરાનું કરવાનું બાકી છે. દીકરી કાયમ ઘરમાં બેસેલી હશે તો પુત્રને જલદી છોકરી આપવા કોઇ તૈયાર નહીં થાય..આવા બધા કારણોને લીધે મા બાપે દીકરીને કહી દીધું કે તારા નસીબ..અમે તો સારું જોઇને જ પરણાવી હતી..હવે આવું નીકળ્યું એમાં અમે શું કરી શકીએ ? થોડી ધીરજ રાખીને સહન કરી લે..ધીમે ધીમે બધું સારું થઇ જશે.ઘરમાં બીજા બધા તો સારા છે ને ?ખાધે પીધે તો કોઇ દુ:ખ નથી ને ? હવે તો પડયું પાનુ નિભાવવું જ રહ્યું. અને પ્રશ્નો તો જીવનમાં કોને નથી આવતા ? ‘
આમ પુત્રીને તેમણે સારા શબ્દોમાં શિખામણના શબ્દો સાથે જાકારો આપ્યો. હમેશ માટે દીકરીને રાખવાની અશક્તિ જાહેર કરી મા બાપ તો ખસી ગયા.ઘરમાં બીજું કોઇ દુ:ખ તો નથી અને પૈસા છે..સાસુ સારા છે. ઘણાંને તો એટલું પણ નથી મળતું. ધીમે ધીમે અપૂર્વ પણ સુધરશે..એમ કહી દીકરીને સાસરે મોકલી દીધી.
અનન્યા લાચાર થઇ ગઇ. હવે કોને કહે ? કયાં જાય ? જન્મ દેનાર મા બાપ જ જયાં આઘા ખસી ગયા. ત્યાં કોની આશા રાખી શકે ?
પણ ના..અહીં તો જાણે ચમત્કાર થયો. નીલાબહેનને જયારે ખબર પડી કે અનન્યાના પિયરવાળા પણ તેને રાખવા તૈયાર નથી. ત્યારે તેમની અંદરની સ્ત્રી જાગી ઉઠી. અનન્યાનો કોઇ વાંક કયાં હતો ? પોતાનો સિક્કો સાવ જ ખોટો છે એની જાણ હોવા છતાં પોતે એક છોકરીની જિંદગી સાથે રમત રમ્યા હતા…દીકરો સુધરી જશે એ આશાએ એક છોકરીને છેતરી હતી..અંધારામાં રાખી હતી. પોતે પોતાની આ ભૂલનું પ્રાયશ્વિત કરવું જ રહ્યું.
નીલાબહેને સામે ચાલીને અનન્યાની માફી માગી કે અમને તો બધી જાણ હતી જ..છતાં લગ્ન પછી દીકરો સુધરી જશે એ આશાએ અમે બધી વાત છૂપાવી અને તને ઘરમાં લાવ્યા ને તારી જિંદગી બગાડી..બેટા, અમે તારા ગુનેગાર છીએ. હું સ્ત્રી થઇને એક સ્ત્રીની દુશ્મન બની.
પણ તારે હવે જરાયે ચિંતા કરવાની જરૂર નથી. મારી ભૂલ હું જ સુધારીશ. તું આજથી મારી વહુ નહીં દીકરી બનીને આ ઘરમાં રહીશ. તેમણે જોઇ લીધું હતું કે પુત્રમાં કંઇ ફરક પડે તેમ નથી જ.
અનન્યા સાસુને વળગીને રડી પડી…નીલાબહેને અનન્યાને હૈયુ ઠાલવવા દીધું.
બેટા, તું જરાયે ચિંતા કરીશ નહીં..તારી જિંદગી અમારે લીધે બગડી છે અને હવે એ સુધારીશું પણ અમે જ…તારા મા બાપ અમે બનીશું અને મા બાપનું કર્તવ્ય નિભાવીશું.
સાસુ, સસરાએ સામે ચાલીને દીકરા, વહુના છૂટાછેડા કરાવ્યા..જે પ્રશ્નો આવ્યા તે બધા ઉકેલતા ગયા. થોડા સમયમાં અનન્યાના છૂટાછેડા થઇ ગયા. હવે નીલાબહેને દીકરા સાથે પણ હમેશ માટે છેડો ફાડી નાખ્યો.
અનન્યાએ કહ્યું કે હું હમેશ માટે તમારી દીકરી બનીને અહીં જ રહીશ.તમે જ મારા સાચા માવતર છો. .’
અનન્યાને સાસુ માટે અથાગ લાગણી જન્મી હતી.
‘ના બેટા, દીકરીને કંઇ હમેશ માટે ઘરમાં થોડી જ રખાય છે ? તો તો અમે સ્વાર્થી કહેવાઇએ.
તે અનન્યા માટે સારું પાત્ર શોધતા રહ્યા. અને થોડા સમયમાં જ બધી સાચી હકીકત જણાવીને અનન્યાના લગ્ન પોતાના જ એક દૂરના સગામાં કરાવ્યા. દીકરી માનીને વહુનું કન્યાદાન એક સાસુએ કર્યું. વહુ બનેલી દીકરી વિદાય થતી વખતે સાસુને ભેટીને રડી પડી..મારી જન્મદાત્રી મા આવે સમયે દૂર ખસી ગઇ..પણ તમે ….
બાકીના શબ્દો તેના ગળામાં જ રૂન્ધાઇ ગયા. ભીની આંખે સાસુ, વહુ બંને ભેટી રહ્યાં.
કંઇ જન્મ આપવાથી જ મા બની શકાય એવું થોડું જ છે ? જન્મ આપીને જનેતા બની શકાય..મા તો સ્નેહના..પ્રેમના..લાગણીના અધિકારે પણ બની જ શકાય ને ?
આજે પણ અનન્યાનું પિયર નીલાબહેનનું ઘર જ છે. અને સગી દીકરીની માફક જ નીલાબહેન અનન્યાને બધા વહેવાર કરે છે.
અને અનન્યા પણ નીલાબહેનને જ મા માને છે..
કોણ કહે છે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે ?