film review ..Green mile

ગ્રીન માઇલ..

 

કોઇ ના વાંચી શકે, પામી શકે

માનવી તો વણઉકેલ્યો વેદ છે ..

માનવરૂપી આ  વેદ ઉકેલવો કદી આસાન નથી હોતો. હમણાં ગ્રીન માઇલ પિકચર જોયું ત્યારે આ પંક્તિ ભીતરમાં રણઝણી રહી. ઇ.સ. 1999માં રજૂ થયેલી આ અમેરિકન  ફિલ્મ ચાર ઓસ્કાર એવોર્ડ માટે નોમીનેટ  થઇ હતી. કુલ અલગ અલગ  પંદર એવોર્ડ  આ ફિલ્મને મળ્યા હતા. માનવતાના  વસિયતનામા  તરીકે આ ફિલ્મને નવાજવામાં આવી છે. ફિલ્મ જોતા આ વાક્યની સત્યતાની પ્રતીતિ અચૂક થવાની. 

વોર્નર બ્રધર્સ નું આ પિકચર સ્ટીફન કીંગના  પુસ્તક “ ગ્રીન માઇલ “ પરથી  બનાવવામાં આવ્યું છે. એક જુદી જ ભાત અને અલગ પ્રકારની  સંવેદના લઇને આવતું આ ચિત્ર અંતરને ઉંડે સુધી સ્પર્શીને ખળભળાવી જાય છે. પિકચર પૂરું થયા પછી એની અસરમાંથી  જલ્દીથી મુકત થઇ  શકાતું નથી

આ ફિલ્મ જોવી એટલે જાણે એક અલગ દુનિયામાં પ્રવેશવું. અહીં કોઇ શોર્ટ કટ નથી અપનાવાયો. આખી ફિલ્મ એક ઉત્તમ કલાનો નમૂનો છે.  આખું પિકચર લૂઝિયાનાની એક જેલમાં ફિલ્માવાયું છે. ગ્રીન માઇલ આશા, વિશ્વાસ શ્રધ્ધા, મિત્રતા અને દૈવી શક્તિની આલબેલ પોકારે છે. ફિલ્મ જોતા જોતા કયારે હસી પડાય છે, કયારેક રડી પડાય છે, ગુસ્સો આવે છે..ડર લાગે છે. માનવતામાં શ્રધ્ધા જાગે છે. ત્રણ કલાકમાં એક પછી એક જુદી જુદી સંવેદનાના મોજા જાણે ઉછળતા રહે છે.

દરેકને એક દિવસ ગ્રીન માઇલના આ રસ્તે જવાનું છે. પરંતુ કદીક આ રસ્તો બહું લાંબો અનુભવાય છે. કદીક માણસને જીવતરનો યે થાક લાગે છે.

ગ્રીન માઇલ …મોત તરફ દોરી જતી અદ્ર્શ્ય રેખા છે. કોલ માઉંટનની લૂઝિયાનાની જેલનો ઇ બ્લોક જયાં ફકત ફાંસીની સજા પામેલા કેદીઓને જ રખાય છે એને ગ્રીન માઇલ એવું નામ અપાયું છે. મૃત્યુ જીવનનું એક અફર સત્ય છે. કમનસીબે અહીં એ તરફ જવાનો માર્ગ જુદો છે.

જહોન કોફે નામનો એક માણસ  બે બાળકી પર બળાત્કાર અને ખૂનના  આરોપસર ફાંસીની સજા પામેલો કેદી છે. જન્મે એ નીગ્રો છે. દેખાવે પડછંદ, કદાવર,ભયાનક  અને છતાં  આંખોમાં શિશુ જેવી નરી નિર્દોષતા એવી તો છલકાય કે આપણું મન તેને સહેલાઇથી અપરાધી માનવા તૈયાર નથી થતું. તેના વ્યક્તિત્વમાં કશુંક અલગ હોવાની છાપ પ્રેક્ષકોના મનમાં પહેલી જ દ્રષ્ટિએ ઉભી થાય છે. એ તેના મૌન અભિનયની કમાલ છે.

વોર્ડન, જેલર અને કેદી જહોન કોફે ત્રણે વચ્ચે  અલગ ભાત પાડતી  મૈત્રીનો એક નાતો બન્ધાય છે. એક અલગ કેમેસ્ટ્રી રચાય છે. ચમત્કાર ગમે ત્યારે , ગમે ત્યાં થઇ  શકે છે એ અદભૂત ચિત્રણને નકારવાનું કોઇ કારણ પ્રેક્ષકો પાસે રહેતું નથી. 

 ભીતરને વલોવી નાખતા  આ પિક્ચરની વાર્તા  કંઇક  આવી છે.

ફિલ્મની શરૂઆતમાં થોડા લોકો હાથમાં ગન લઇને દોડતા દેખાય છે. કોની પાછળ દોડે છે..કે શા માટે દોડે છે એનો રહસ્ય સ્ફોટ પાછળથી થાય છે. એ દ્રશ્ય પૂરું થતા  સામે આવે છે જેલના તોતીંગ  દરવાજા..

અને  પાછળથી શબ્દો પડઘાતા રહે  છે..

ડેડ મેન વોકીંગ ..ડેડ મેન વોકીંગ ..

કોઇ ભારેખમ પગલાના અવાજ સાથે  સંભળાતો આ સાદ પ્રેક્ષકોના મનમાં અનેક પ્રશ્નો જગાવતો રહે છે.  રહે છે. પિક્ચરમાં 1935ના સમયની  વાત છે. આખું પિક્ચર એક જ સેટ પર  જેલર, વોર્ડન અને કેદીઓની આસપાસ  ગૂંથાયેલું  છે. જેલ પણ કેવી ? જયાં કોઇ સામાન્ય   કેદીઓ નહીં પરંતુ ફકત ફાંસીની સજા પામેલા ખૂંખાર કેદીઓને રાખવામાં આવ્યા છે. જેને ઇ  બ્લોક તરીકે ઓળખવામાં આવે છે.

બળાત્કાર અને ખૂનના આરોપમાં રંગે હાથ પકડાઇને ફાંસીની સજા પામેલા જહોન કોફેને  આ ઇ બ્લોકમાં લાવવામાં આવે છે. જહોન કોફે આખા પિકચરમાં  બહું ઓછા શબ્દો બોલે છે પરંતુ તેનું આખું વ્યક્તિત્વ, તેનો ચહેરો, તેની આંખો જે બોલે છે. એને પ્રેક્ષકો પામી શકે છે.

આ ઇ બ્લોકમાં   પર્સી નામનો વોર્ડન છે જે ક્રૂરતા, પાશવતા આચરવામાં પાછો પડે તેમ નથી. ફાંસીની સજા પામેલા દરેક  કેદીને એ ડેડ મેન વોકીંગ કહીને જ લાવે છે દરેક ક્ષણે એ કેદીને ઠંડી ક્રૂરતાથી યાદ કરાવવા માગે છે કે તમે ખતમ થઇ ગયા છો.. મરી ગયા છો. કેદીઓને વિના કારણ  હેરાન કરવાનો,  મારવાનો એક પણ મોકો તે જવા દેતો નથી. મોત પહેલા કેદીને મારવામાં એ માહેર છે.  એના પ્રત્યે જાગતો પ્રેક્ષકોનો ધિક્કાર, આક્રોશ,રોષ  સાબિત કરે છે કે  માનવીની ભીતરમાં રહેલી પાશવી વૃતિને આબેહૂબ રજૂ કરવામાં એ પૂરો સફળ થયો છે.

જેલર પોલ , જે માનવીય  સંવેદનાથી સભર છે. તે હમેશા પર્સીને સમજાવવાનો પ્રયત્ન કરતા  કહેતો રહે  છે.

‘ ઇનફ પર્સી… આ લોકોને તેમના અંતિમ સમયે ઓછામાં ઓછી હેરાનગતિ થાય,  એ રીતે આપણે તેમની સાથે વર્તવું જોઇએ. હોસ્પીટલના આઇ સી યુ વોર્ડમાં કોઇ અંતિમ શ્વાસ લેતા દર્દીઓ સાથે જેવું વર્તન રખાય તેવું જ વર્તન દુનિયાને અલવિદા કહેતા  આ કેદીઓ તરફ રાખવું જોઇએ. તેમણે જે ભૂલો કરી છે તેમની સજા આપણે તેમને તેમનું જીવન છિનવીને આપીએ જ છીએ ને ? અત્યારે તેઓ જીવનના કપરા, વસમા સમયનો  સામનો કરી રહ્યા છે ત્યારે આપણી નૈતિક  ફરજ બની રહે છે તેમને શકય તેટલી ઓછી પીડા સાથે વિદાય આપવી. મોત પહેલા તેમને મારી નાખવાના નથી. ‘

પણ પર્સીને કયારેય આવા કોઇ શબ્દોની અસર થતી નથી.                

     જહોન કોફેમાં  ( અભિનેતા માઇકલ કલાર્ક )  કોઇ દૈવી શક્તિ છે. તે ગોડ ગીફ્ટેડ છે. કોઇનો રોગ..કોઇની પીડા તે લઇ શકે છે. તેને બચાવી શકે છે. આ શક્તિનો ઉપયોગ તે અન્યને મદદ કરવા માટે જ વાપરે છે  અને છતાં…

અહીં રહસ્યના તાણાવાણા એવી તો સરસ રીતે ગૂંથાયા છે. પ્રેક્ષકોની ઇંતેજારી સતર્ક બને છે..ખરેખર આ આરોપ સાચો હશે ?   પ્રેક્ષકના મનમાં આ પ્રશ્ન સતત ઘૂંટાતો રહે છે. જવાબ તો બહું છેલ્લે મળે છે. અને જે મળે છે તે પ્રેક્ષકને હતપ્રભ બનાવી રહે છે.

જેલર પોલને યુરીનરી ઇંફેક્શનની સખત પીડા હતી. એ દર્દ સહન નહોતો કરી શકતો. એકવાર જેલમાં અચાનક એ પીડા  ઉપડે છે. કેદી જહોન એ જુએ છે.

પોલનું કામ છે કહીને એ પોતાની કોટડીમાંથી જેલરને નજીક આવવા વિનંતી કરે છે. માનવતાવાદી જેલર સખત દુખાવો થતો હોવા છતાં કેદીને કંઇક કામ છે માનીને તેની પાસે જાય છે. જહોન  સળિયામાંથી  હાથ બહાર કાઢીને જેલરને સખત  રીતે પકડી લે છે.  છે.. કશુંક બબડે છે. અને જાણે   ચમત્કાર  થાય છે.  જેલરની બધી પીડા, દુખાવો ગાયબ થાય છે. આશ્વર્ય અને અહોભાવથી જેલર કેદી સામે જોઇ રહે છે.

જહોન ધીમેથી એટલું જ બોલે છે.. આઇ ટ્રાઇડ ટુ હેલ્પ યુ. અને તે  થાકીને લોથપોથ બનીને ઉંધો ફરીને સૂઇ જાય છે.

જહોનની બાજુની કોટડીમાં બીજા બે કેદી છે. એક  આધેડ ઉમરનો  ડેલ અને  બીજો બિલ નામનો એક બગડેલો નવયુવક. એ બંને પણ  ફાંસી સજા પામેલા કેદીઓ છે. ડેલ પાસે એક નાનકડો તેનો પાળેલો ઉન્દર છે જેને તે ખૂબ પ્રેમ કરે છે  ત તે ઉદરનું નામ તેણે મીસ્ટર  જીંગલ પાડયું હતું. અને તેને જાતજાતના ખેલ કરતા શીખવાડયું હતું. તેની આખરી ઇચ્છા હતી કે આ ઉન્દરને તેના મર્યા પછી કોઇ સારા સરકસમાં મોકલે જયાં બાળકો તેની રમત જોઇને ખુશ થઇ શકે. જેલર પોલે તેને પ્રોમીસ આપ્યું હતું કે તે તેની ઇચ્છા પૂરી કરશે. પણ ક્રૂર વોર્ડન પર્સી એક દિવસ તે ઉંદરને તેના બૂટ નીચે કચડી નાખે છે.ડેલનું છાતીફાટ કરૂણ રૂદન સાંભળીને બધા દોડી આવે છે.

બાજુની કોટડીમાંથી  જહોન તે ઉંદરને પોતાના હાથમાં આપવાનું કહે છે. ઉન્દર લોહી લુહાણ હતો. પરંતુ હજુ જીવતો હતો. જેલર પોલ જહોનના હાથમાં ઉન્દર મૂકે છે. અને ફરી એક ચમત્કાર થાય છે. ઉન્દર જીવતો થાય છે અને પહેલાની જેમ દોડીને ડેલ પાસે પહોંચી જાય છે. એને છાતી સરસો ચાંપતા ડેલ રડતા રડતા  હસી ઉઠે છે. દ્રશ્ય એટલું સરસ રીતે ફિલ્માવાયું છે કે ઉન્દર જીવતો થાય છે ત્યારે  જ પ્રેક્ષકોને પણ હાશકારો થાય છે.

હવે જેલર પોલને ખાત્રી  થાય છે કે આ કેદી જહોન પાસે કોઇ દૈવી  શક્તિ છે જેનો ઉપયોગ તે બીજાને મદદરૂપ થવા  માટે કરે છે.જયારે જહોન બીજાનો રોગ ચૂસી લે છે ત્યારે તેના મોઢામાં કોઇક પ્રકારનું ઝેર આવે છે જેને તે તુરત ધુમાડા રૂપે ફૂંકીને બહાર કાઢી દેતો હોય છે અને આ ક્રિયા પછી અતિશય થાકથી, “  આઇ એમ ટાયર્ડ…ડોગ ટાયર્ડ “  ફકત એટલા શબ્દો બોલીને  ઉન્ધો ફરીને સૂઇ જતો હોય છે.

સમય થતા ડેલને  ફાંસી આપવા માટે લઇ જવામાં આવે છે. પર્સીએ સામે ચાલીને  એ ફાંસી પોતે જ આપશે એવી માગણી કરેલી. પોલે એ  માટે મંજૂરી આપતી વખતે તેની પાસેથી પ્રોમીસ લીધું  હતું કે એ પછી તે આ નોકરી છોડીને બીજે ચાલ્યો જશે. નહીંતર તે પર્સીની ક્રૂરતાની બધી વાત બીજાને કહી દેશે.  પર્સીને શરત કબૂલ કરવી પડી હતી.. તેની ઠંડી ક્રૂરતાના  અનેક દ્રશ્યો  ફિલ્મમાં અવારનવાર જોવા મળતા રહે છે. કોઇ માનવી કેટલી હદે પાશવી આનંદ માણી શકે ઉદાહરણ એટલે પર્સી..

પર્સી ડેલને ફાંસી આપવા જાય છે ત્યારે તેની ક્રૂરતા પાશવતાની બધી સીમા ઓળંગી જાય છે. હવે તે માનવતાની બધી સીમા વળોટી ચૂકયો હતો. ડેલ જતા પહેલા ભીની આંખે ફરી એકવાર તેના ઉંદર મીસ્ટર જીંગલ માટે ભલામણ કરે છે. તેને ફકત તેને એજ ચિંતા છે. માનવીની કરૂણતા કહો કે વિચિત્રતા કહો કે જે માનવી કોઇ ગંભીર ગુના માટે ફાંસીની સજા પામ્યો છે તેનું દિલ એક નાનકડા પ્રાણી માટે કેવું કોમળ..મુલાયમ છે. તેણે કોઇ નાનો સૂનો અપરાધ નહીં જ કર્યો હોય..અને છતાં…. એક જ માનવીની અંદર શેતાન અને દેવ બંને વસતા હોય છે.

  1935ના એ જમાનામાં  ઇલેક્ટ્રીક ચેર પર કેદીને બેસાડીને કેવી રીતે ફાંસી આપતા તે આખી પ્રક્રિયા દેખાડાય છે. ડેલને મરતા પહેલા રિવાજ ખાતર તેને કશું કહેવું હોય તો તે કહેવા માટે કહે છે. ત્યારે ડેલ ફકત એટલું જ બોલે છે કે . કાશ તેણે એ ન કર્યું હોત તો..

પણ હવે કશું થઇ શકે એમ નથી. સમયને રીવર્સ ગીયર કયાં હોય છે ? ડેલનો પશ્વાતાપ તેની આંખોમાં સાફ છલકે છે. પણ જીવનમાં કેટલીક બાબતો માટે બહું મોડું થઇ ગયું હોય છે. પોઇન્ટ ઓફ નો રીટર્ન પરથી પાછા કેમ ફરી શકાય ?  ડેલના  ચહેરા પર કાળુ  કપડું બાન્ધવામાં આવે છે ત્યારે  પણ ફરીથી તેના જિંગલની ભલામણ કરે છે.પોલ આંખો વડે જ તેને આશ્વાસ્ન આપે છે. કે તે તેની સંભાળ લેશે.  ડેલને હાશકારો થાય છે ત્યાં  જ પર્સી ક્રૂર બનીને તેને કહે છે..

 એ બધી ખોટી વાતો  છે એ તો તું શાંત રહે માટે ખોટા પ્રોમીસ આપ્યા છે. એવું ક્શું થવાનું નથી.

અને… ડેલની આંખો ફાટી રહી જાય છે. પોલ અને બધા વોર્ડનના ચહેરા ગુસ્સાથી ધમધમી ઉઠે છે. પણ પર્સીને કોઇની પરવા નથી. કોઇના જીવનની આખરી ક્ષણે પણ તે તેને દુ:ખી કરતા, પીડા, આઘાત આપતા અચકાતો નતી. અધમતાની સીમા પાર કરી જાય છે.પણ અધમતાની પરાકાષ્ઠા   તો હજુ બાકી છે.

ફાંસી આપવા માટે ઇલેકટ્રીસીટી પસાર કરતા પહેલા કેદીના માથા પર ભીના સ્પોંજનો ટુકડો બાંધવાનો હોય છે જેથી કેદીના શરીરમાંથી  વિદ્યુત  પસાર થઇ શકે. એક ક્ષણમાં ખેલ ખતમ થાય જેથી કેદીને કોઇ પીડા ન  ભોગવવી પડે..અને આ બધું  જોવાની  ફરજ પર્સીની  છે. પર્સી જાણી જોઇને સ્પોંજનો ટુકડો ભીનો કરતો નથી ફકત ભીનુ કર્યાનો દેખાવ કરે છે જેથી મૃત્યુ સમયે  ડેલને શકય તેટલી વધુ પીડા  આપી શકાય.

જેલર કે વોર્ડનને કોઇને આ વાતની  જાણ નથી થતી. પણ  પ્રેક્ષકોના દિલના ધબકારા વધી જાય છે હવે  ?

કોરું સ્પોંજ ડેલને માથે મૂકાય છે. પર્સી ફાંસીનો ઓર્ડર આપે છે રોલ ઓન વન…રોલ ઓન ટુ..

અને કરંટ ચાલુ થાય છે  ડેલની ચીસો પડઘાઇ ઉઠે છે. ડેલ જીવતો સળગે છે. કોઇ કશું કરી નથી શકતું.  વીટનેસ તરીકે બેસેલા બધા ભયભીત બનીને  ભાગવા લાગે છે. એક સ્તબ્ધતા..

સળગતો ડેલ..એની હ્રદયદ્રાવક ચીસો.. પ્રેક્ષકોને સ્તબ્ધ.. એક અમાનુષી ક્રુત્યનો ઓથાર વાતાવરણમાં અને પ્રેક્ષકોના મનમાં પથરાઇ રહે છે. આપણે આખ્ખેઆખા થરથરી ઉઠીએ એવું કમકમાટી ભરેલું અને છતાં ભારોભાર સંવેદનાનો અહેસાસ કરાવતા આ દ્ર્શ્યમાં કોઇ ડાયલોગ નથી. અને કદાચ એથી જ આટલું અસરકારક બની શકયું છે.

  પર્સી જે પોતે આટલો ક્રૂર છે. જેણે આ અધમતા આચરી છે એ  પોતે આ  દ્રશ્ય જોઇ નથી શકતો. અને એથી જોવું ન પડે માટે એ ઉંધો ફરી જાય છે. જેલર અને વોર્ડનને જાણ થાય છે કે પર્સીએ જાણીજોઇને આ અધમ કામ કર્યું છે. આ અમાનુષતા જોઇ ગુસ્સા અને આઘાતથી વ્યાકુળ   બની ગયેલ જેલર પોલ પર્સીને ડેલ સામે લાવીને એને સળગતો જોવાની ફરજ પાડે છે.  ડેલ જીવતો શેકાઇ જાય છે. તેની ચીસાચીસથી કોટડીમાં પૂરાયેલ જહોન બધું સમજી જાય છે. ડેલ ફાંસીરૂમમાં જતા પહેલા પોતાનો ઉન્દર જહોનને સાચવવા આપી ગયો હોય છે. જે આ ચીસો સાંભળીને કશુંક  અજુગતુ બન્યાનું પામી જાય છે અને વ્યાકુળ બની જહોનના હાથમાંથી કૂદી જાય છે.  તેના  માલિક્ને શોધવા માટે..આખી ફિલ્મમાં ઉંદર એક મહત્વનું પાત્ર બની રહે છે. જે અંત સુધી દેખા દે છે.   

 બીજા એક જેલરની પત્નીને બ્રેઇન ટયુમર થયું હોય છે. બચવાની કોઇ આશા નથા રહી. જેલર ભાંગી પડે છે. પત્નીને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે પોલને એક વિચાર આવે છે તેના બીજા બે સાથીને તે વાત કરે છે. અને કોઇને જાણ ન થાય તે રીતે જેલના નિયમની વિરુધ્ધ  જઇને જહોનને જેલની બહાર કાઢીને બોસની પત્ની પાસે લઇ જાય છે. કશું કહ્યા સિવાય પણ જહોન સમજી જાય છે કે તેણે કોઇની મદદ કરવાની છે. એક પણ શબ્દ બોલ્યા સિવાય જહોને ચહેરા અને આંખ વડે જે કામ લીધું છે તે કાબિલે દાદ છે. જહોન નિશબ્દ બની આગળ ચાલે છે.બધા જહોનની પાછળ ચૂપચાપ જાય છે. જહોન જેલરની પત્નીને જુએ છે.. પછી એક પણ શબ્દ બોલ્યા સિવાય  નીચો નમીને તેને હળવેથી, પરમ મૃદુતાથી ચુંબન કરે છે. તેના  રોગના વિષાણુ પોતે ચૂસી લે છે.   બધા વિસ્ફારિત નજરે જોઇ રહે છે.

અને ફરી સર્જાય છે ચમત્કાર.. જેલરની પત્ની સાજી થઇ જાય છે. તે તુરત ઉભી થાય છે. જહોનને ભેટે છે..તેના મોઢામાંથી ધીમા,મ્રુદુ શબ્દો સરે છે.

‘ તું મને સપનામાં  દેખાતો હતો. મને ખબર હતી કે તું આવશે..અને તું આવી ગયો.’

 આ શબ્દોમાં જે નજાકત ઠલવાઇ છે.  પ્રેમની જે પરાકાષ્ઠા ઠલવાઇ છે  તે એ દ્રશ્ય માટે શબ્દો વામણા સાબિત થાય.  તે પોતાના ગળામાંથી  ચેન કાઢીને જહોનને  વહાલથી પહેરાવે છે.  જહોન ના પાડે છે..પણ પ્લીઝ ..મારા માટે થઇને.. આ શબ્દો સાથે જહોન માથું નીચું નમાવે છે.

 જહોનને સખત ઉધરસ ચડે છે. પણ દર વખતની જેમ આ વખતે તે મોઢામાંથી રોગના  વિષાણુ  બહાર કાઢતો નથી. તેની હાલત જોઇ જેલર પોલ તેને થૂંકી નાખવા વિનંતી કરે છે. પણ આઇ એમ ઓલરાઇટ કહીને જહોન  તેમ કરતો નથી. પોલ તેને ફરીથી તેની કોટડીમાં લાવે છે.

આટલી અધમતા કર્યા બાદ પણ પર્સીને હજુ કોઇ પસ્તાવો નથી. પર્સી જહોનની કોઇ મજાક કરવા જાય છે. જહોનની સહનશક્તિની સીમા આવી જાય છે તે  કોટડીમાથી તેનો હાથ બહાર કાઢી નજીક ઉભેલા પર્સીને  ખેંચીને પક્ડે છે અને અત્યાર સુધી  પીડા સહન કરીને પણ પોતે મોઢામાં ભરી રાખેલા રોગના  પેલા વિષાણુ  જોશથી પર્સીના મોઢામાં ફૂંકે છે. પછી પર્સીને ધક્કો મારે છે. પર્સી પાગલ જેવો બની જાય છે. ત્યારે બાજુની કોટડીમાંથી બિલ પર્સી પર હસે છે. પાગલ જેવો બની ગયેલો પર્સી એક સેકન્ડમાં ગન કાઢી ધડાધડ ગોળીઓથી બિલને વીંધી નાખે છે. બિલ મરી જાય છે. એ જોઇ જહોનના ચહેરા પર રાહતના ભાવ છવાય  છે એ  જોઇ અચાનક પોલના મનમાં જાણે વીજળીનો ઝબકારો થાય છે અને તે ધીમેથી જહોનને પૂછે છે..

પેલી છોકરીઓ પર બિલે બળાત્કાર કરીને ખૂન કર્યું હતું. રાઇટ ? ‘

 જહોન સ્વીક્રતિમાં  માથું હલાવે છે. પોલ તેને પૂછે છે કેવી રીતે શું થયું હતું ? તો પછી તું કેવી  રીતે પકડાયો ?

જહોન પહેલી વાર મોઢું ખોલે છે..

‘ યુ સી યોર સેલ્ફ.. ‘ કહીને તે પોલનો હાથ પકડે છે. જહોનની  દૈવી શક્તિનો  પોલમાં સંચાર  થાય છે અને પોલને અતીતનું  આખું  દ્રશ્ય  દેખાય છે.

હકીકતે વિકૃત મગજના બિલે આ બંને નાનકડી છોકરીઓ પર બળાત્કાર કરેલો અને પછી તેનું ખૂન કરીને ભાગી છૂટયો હતો. બરાબર ત્યારે જહોન ત્યાં આવી ચડતા તેણે બંને છોકરીઓને લોહીવાળી જોઇ તેને પોતાની પાસે લઇને બચાવવાનો પ્રયાસ કરતો હતો. પણ તે જરાક મોડો પડયો હતો. તે કશું કરી શકે તે પહેલા છોકરીઓ મરી ગઇ હતી. અને  ત્યારે જ તે છોકરીના માતા પિતા પોલીસને લઇને શોધતા શોધતા ત્યાં આવ્યા હતા અને જહોનને ખૂની સમજીને પકડયો હતો. ફિલ્મની શરૂઆતના દ્રશ્યનું અહીં અનુસંધાન રચાય છે. પોલીસ ગુનેગારને શોધવા દોડતી હતી અને જહોનને ખૂની સમજીને પકડયો હતો.

આખું દ્ર્શ્ય નજરે જોતા પોલ પરસેવે રેબઝેબ બની ગયો. જહોન..દોસ્ત.

મિત્રતાનો હાથ લંબાવાય છે.  અને માત્ર બે મિત્રનો મૌન સંવાદ…એક પણ શબ્દ વિનાનો..

રોગના વિષાણુને લીધે  મર્સી અવાચક અને પાગલ બની જાય છે. તે પાગલ બની જાય છે અને તેને  મેંટલ હોસ્પીટલમાં  ભરતી કરાય છે. કરેલા કર્મના ફળ તો ભોગવવાના  જ ને ?

 હવે ખરી કસ્મકશ શરૂ થાય છે.  જહોન પોલ અને બીજા બંને ગાર્ડનો પરમ મિત્ર બની ગયો હતો. પણ તેઓ તેને બચાવી શકે તેમ નહોતા જ. બીજે દિવસે ફાંસી દેવાની હતી.પોલની પત્ની જહોન માટે તેની પ્રિય વાનગી બનાવતા  ભીની આંખે પતિને પૂછે છે ખરેખર કંઇ થઇ શકે  તેમ નથી ?

પોલ લાચારીથી નકારમાં  માથું હલાવે છે. એની એ મજબૂરી પ્રેક્ષકોને ખળભળાવી રહે છે. પતિની આંખના મજબૂરીના આંસુ જોઇ પત્ની પોલને આશ્વાસન આપતા કહે છે.

‘ તું જહોનને પૂછ કે હું તારા માટે શું કરી શકું ? વોટ યુ વોંટ મી ટુ ડુ..   

પોલ જહોન પાસે આવે છે. એની પત્નીએ પોતાને હાથે બનાવેલું  છેલ્લું ભોજન એને આપે છે. જહોન આભાર સાથે આનંદથી ખાય છે. પોલ પોતાની નોકરીનો વિચાર કર્યા સિવાય તે જહોનને  તેને ભાગી જવા સમજાવે છે. એક નિર્દોષ મિત્રને તે કેવી રીતે પોતાના હાથે ફાંસી આપે ?

 જહોન ભાગી જવાની  ના પાડે છે.. શા માટે ?

 પોલની નોકરી ન જાય માટે. તે કહે છે શા માટે આ દોડાદોડી  ?  

જહોન, હું ઉપર જઇશ ત્યારે ઇશ્વરને શો જવાબ આપીશ ? કે મારી નોકરી બચાવવા માટે..મારી નોકરી માટે ?

ફોર માય જોબ ? પોલના આ શબ્દોમાં કેવી યે પીડા વણાયેલી છે એ નજરે જોઇએ ત્યારે જ સમજાય. એક મિત્રને , સાચા માણસને પોતે બચાવી નથી શકતો. એની પીડા એના ચહેરા પર અળપાઇ રહે છે.  

જહોન કેફે તેને સાંત્વના આપતા કહે છે.

‘ તું ઇશ્વરને કહેજે..તેં મારી પર કરૂણા કરી છે. મને આ દુનિયામાંથી મુક્તિ આપીને.. વિશ્વમાં માનવ માનવ વચ્ચેના  આ વેરઝેર, આટલી પીડા મારાથી સહન નથી થતી. કાચની કરચની જેમ એ મારી ભીતર  ખૂંચ્યા  કરે છે. પાણીમાભીંજાતીચકલીનીજેમહુંએકાકીપણું  અનુભવુંછું. લોકોનીભીતરના  એકબીજાપ્રત્યેનાકદરૂપપણાથીહુંથાકીગયોછું. દુનિયાનાદુખોજોઇનેથાકીગયોછું. દોસ્ત,  મારે મુક્તિ જોઇએ છે ‘   

પોલ આગ્રહ કરે છે કે મારા માટે પણ કંઇક કહે, હું શું કરી શકું  તારે માટે ?

એના સંતોષ માટે જહોન કહે છે. મેં કદી ફલીકર શો નથી જોયો.મારે એકવાર એ જોવો છે.

જહોનની ઇચ્છા પૂરી થાય છે.

બીજે દિવસે સવારે જહોનને ફાંસી અપાય છે. પોલ અને  વોર્ડનની સાથે પ્રેક્ષકોની આંખો છલકાય છે. ફાંસીએ લઇ જતા પહેલાં પોલ જહોનના ગળામાંથી મેડમે આપેલો ચેન માગે છે. ઇલેક્ટ્રીક કરંટ અપાતી વખતે મેટલની કોઇ વસ્તુ ન હોવી જોઇએ. કેવી આકરી ફરજ.. !

જહોન, હું તને પછી આપી દઇશ.

જહોનના ચહેરા પર  મૌન સ્મિત રેલાય છે અને પોલની  આંખો ભીની..પછીનો અર્થ અહીં છે  જહોનના  મોત પછી..

જહોનને અપાતી  ફાંસીનું દ્રશ્ય સ્ક્રીન પર ..અને ફાંસીનો ઓર્ડર પોલને આપવો પડે છે. આવે સમયે ગળામાંથી  શબ્દો નીકળવા કેટલા અઘરા બની રહે એ સહેજે સમજી શકાય છે. કયાંય કોઇ શબ્દો નહીં.. કોઇ વેવલાવેડા..લાગણીનો કોઇ દેખાડો કે દંભ નહીં ચૂપચાપ ફાંસી આપવાની એક પછી એક ક્રિયા થતી રહે. અને છતાં આખા દ્રશ્યમાં જે સંવેદના છલકી છે એ જોવાનો અહેસાસ ચૂકવા જેવો હરગિઝ નથી. વગર બોલ્યે ચહેરો, આંખ કેટલું  બધું કહી શકે છે.

ફાંસી અપાયા બાદ જહોનના  મૃતદેહના ગળામાં પોલ  પેલો ચેન કેવી યે નાજુકાઇથી પહેરાવે છે.  એક પણ શબ્દ વિના એ દ્રશ્ય એવું તો સરસ ફિલ્માવાયું છે.

પિક્ચરમાં અનેક દ્રશ્યો એવા તો સરસ રીતે ઝિલાયા છે કે દિગ્દર્શક ફ્રેંક ડરબ્ંટ્ને સલામ કર્યા સિવાય ન રહી શકાય.  એક પણ ક્ષણ કયાંય  નકામી વેડફાઇ નથી. કે એક પણ  શબ્દ અર્થહીન નથી. આખું પિક્ચર અતિ સંવેદનશીલ  છે છતાં પણ લાગણીનો, ભાવુકતાનો એક પણ એવો શબ્દ ઉચ્ચારાયો નથી. એ જ એની ખૂબી બની રહે છે.   

ફિલ્મના અંતમાં વૃધ્ધ બનેલો જેલર પેલા ડેલના ઉંદરને પ્રેમથી  ખવડાવતો નજરે ચડે છે.અહીં પણ કોઇ શબ્દોનો આશરો નથી લેવાયો.

 ફિલ્મ પૂરી થયા બાદ અનેક પ્રશ્નો સહ્ર્દયી  પ્રેક્ષકોના મનમાં ખળભળતા રહે છે.  જેલર અને કેદી વચ્ચે નેહનો જે નાતો બંધાયો છે એ પ્રેક્ષકોને જકડી રાખે છે.

દુનિયામાં  સારા અને નરસા બંને પ્રકારના માણસો  વસે છે.  અહીં  પ્રેમ છે, નફરત છે. કરૂણા છે, દયા છે , ક્રોધ છે. ખુશી છે, ઉદાસી છે. માનવીની અંદરનો શેતાન પણ અહીં છે અને માનવીની અંદર વસેલો દેવ પણ અહીં જ છે. અને બધાની ઉપર છે અણિશુધ્ધ માનવતા.. લાગણીના કોઇ વેવલાવેડા નહીં પરંતુ દિલની સાચી સંવેદનાઓ અહીં છલકે છે અને તે પણ બહું ઓછા શબ્દોમાં.. અહી ફેન્ટસી છે. પણ એ ફેંટસી વડે માનવીની ભીતરનો ઝળાહળા પ્રકાશ દેખાડવાનો સ્તુત્ય પ્રયાસ થયો છે. જેલરે અનેક જાતના મોત અહીં જોયા છે. તેણે ફકત પોતાની ફરજ બજાવવાની છે. બીજાનું જીવન છિનવી લેવાની ફરજ.. એ ફરજ સહેલી નથી અને છતાં દરેક સંવેદનાને કોરાણે મૂકી તેણે તેનું કામ કરવાનું છે. વ્યક્તિ નિર્દોષ છે કે દોશિત તે જોવાનું તેનું કામ નથી. અને જયારે તેને જાણ થાય એ જેને તે ફાંસી આપી રહ્યો છે તે વ્યક્તિ સાવ જ નિર્દોષ છે ત્યારે તેની  કેવી મજબૂરી હોય છે. સાક્ષીભાવે તેણે તેનું આ ક્રૂર  કામ કરવાનું છે.

અંતરે આંસુના નીરના કૈ ઝરા,

તે છતાં મૌન છે કેટલા  ક્રન્દનો

દોસ્તો, એકવાર આ ફિલ્મ જોવાનો લહાવો ચૂકવા જેવો હરગિઝ નથી. ફિલ્મમાં બીજા પણ અનેક દ્રશ્યો માણવા જેવા છે પણ એ માટે તો આખી ફિલ્મ જોવી રહી.  પૂરા ત્રણ કલાકની હોવા છતાં એ લાંબી નહીં લાગે એની ખાત્રી.. ફિલ્મજોયાબાદસંવેદનશીલમાણસપોતાની  ભીતર  ઝાંકવામાટેજાણેમજબૂરબનેછે. 90નાદાયકાની     એક ઉત્તમ  ફિલ્મછેએમાં કોઇ શંકા નથી.

આખરે એક દિવસ તો આપણે સૌએ ગ્રીન માઇલના રસ્તેથી પસાર થવાનું જ છે ને ? કયારે ? કયાં ? કેવી રીતે ? એ ખબર નથી.

 

( published in ” parab ” april 2014 )

 

 

6 thoughts on “film review ..Green mile

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s