મા જીવે છે..

મા જીવે છે…

 

 

દેરીના  ઝાંખાપાંખા દેવ સામે,

 ધ્રૂજતા હાથની આડશ કરી,

હવાઇ ગયેલી માચિસને

ઘસરકા કરતી

દીવાસળીએ આખરે

પેટાવી દીધું એક કોડિયું

અને દેરીના દેવ..

 ઝગમગ..ઝગમગ..

બે ચાર થીગડાં દીધેલા

સાડલામાં વીંટળાયેલી કૃશ કાયા

ભીની આંખે

વંદી  રહી,

 દેરીના ઝાંખુકડા  દેવને….

પાછળથી સરી પડયો..

એક નિ:શ્વાસ ..  

કૃશ કાયાએ ચમકીને

 ફેરવી નજર… 

સામે ઉભેલા ઝળાહળાં રૂપને

એકીટશે તાકી  રહી.

દેરીમાં બેસેલા દેવી પ્રસન્ન થઇને

 સામે આવીને ઉભા કે શું ?

બે ચાર પળ..

નીરવતા.. સન્નાટો ..

પછી..

થોડા શબ્દો.. થોડું મૌન..

અને..  

થોડી વારે બે સ્ત્રીઓ

એકમેકનો  હાથ ઝાલી 

નીકળી પડી.. ચાલતી રહી.

એક નાનકડી ખડકી..અને .. 

મસમોટો લીમડો..

 પંખીડાઓએ..  

કરી મૂકયો કલબલાટ..

‘ બેસ બેટા..’   

‘ બેટા…’  શબ્દ સાથે જ

બંધ સઘળા તૂટયા

ભીતરી જળ ખળભળ્યા

અને ફરી વળ્યા

 ધોધમાર પૂર… 

બસ..પછી તો પૂરના એ વેગીલા પ્રવાહમાં પારિજા અને જાનકીબહેન  ધોધમાર ઠલવાયા. અપરિચિતતાની દીવાલ કડડડભૂસ. અંતરના તાળા ખૂલ્યા.. અતીત ઉલેચાયો.   કહેવા ..સાંભળવા માટે કેટકેટલી વાતો  હતી બંને પાસે..

   બે સ્ત્રીઓ વચ્ચે  આત્મીયતાનું સ્વયંભૂ ઝરણું ફૂટી નીકળ્યું.  પારિજા તો સાસુમા ઉપર ઓળઘોળ બની બેઠી હતી. કોઇ ફરિયાદ નહીં..વ્યથાની કોઇ કથા નહીં.. કેટકેટલા વીતક વેઠયા હશે આ સ્ત્રીએ…એકના એક દીકરાએ તરછોડયાની કેટલી પીડા હશે  અને  છતાં એની  કોઇ વાત નહીં..નિતાંત પ્રસન્નતા…સંજોગોનો સ્વીકાર આ લગભગ અભણ બાઇએ  કેવી સહજતાથી કરી લીધો હતો.. તકલીફ તો પડી જ હશે ને મનને મનાવતા ?

‘ બેટા, તને મળ્યા  પછી  મને  બિરેનની વાત સમજાય છે. ‘  

પારિજા પ્રશ્નાર્થ નજરે સાસુ સામે જોઇ રહી.

‘ બેટા, તારી અને મારી વચ્ચે એને પસંદગી કરવાની હોય તો બિરેન શું કોઇ પણ છોકરો તને જ પસંદ કરે ને ? ‘  કહેતા મા મીઠું  હસી પડી.

‘ મા, મને દુ:ખ એ વાતનું છે કે…’    

‘ બેટા..માણસથી એકવાર ખોટું બોલાઇ જાય પછી એને સાચું  મનાવવા  જીવનભર જાતજાતના  કૂંડાળા રચવા પડતા હોય છે.  માણસ ધારે તો યે એ વમળમાંથી નીકળવું સહેલું નથી બનતું.  એ તું બિરેનની વાત પરથી  સમજી  શકી હોઇશ. ‘

પારિજા  નર્યા નીતરતા સ્નેહથી સાસુ સામે જોઇ રહી.

‘ મા.. બિરેનની ડાયરીએ મને ઘણું કહ્યું છે. અને એની વ્યથા.. એનો અફસોસ જોયા પછી જ મેં એને માફ કર્યો છે. નહીંતર હું કંઇ તમારી જેટલી મોટા  મનની નથી કે એમ જલદી માફ કરી શકું.

અને મા, મને અફસોસ એ વાતનો છે કે  લગ્નના ચાર વરસ સાથે રહ્યા પછી યે એ મને ન ઓળખી શકયો..ભૂલ થઇ ગઇ  એટલું જ કહી દીધું હોત તો.. ?

’ જવા દે..બેટા..બિરેન કંઇ દેવ નથી. માણસ તો ભૂલ કરવાનો જ..’   

‘ મા..તમે મને બેટા કહી છે. આજથી બિરેન નહીં  હું તમારી દીકરી..’  

‘ હા..બેટા.. તારા જેવી  દીકરી તો નસીબદારને મળે..’

’ ના..એમ કહેવા ખાતર દીકરી નહીં. સાચી,  સાચુકલી દીકરી.. પાંચ વરસની ઉમરે ગુમાવેલી માનો તો  મને ચહેરો પણ યાદ નથી. પણ એ તમારા જેવો જ હશે નહીં ? ‘

 પારિજાના અવાજમાં ભાવુકતા આવીને બેસી ગઇ હતી.

‘ હા..સાચુકલી દીકરી..બસ રાજી ? અને આમ પણ  બેટા, માના ચહેરા મહોરા જુદા હોય પણ ભીતરનું પોત  તો  બધી યે  માનું એક સરખું. ‘  

‘ તો આ દીકરીનું કહ્યું માનશો ને ? ‘  

‘ હા..પણ.. ‘

‘ મા, વચ્ચે  પણ કેમ  આવ્યું ? ‘

‘ નહીં આવે બસ..  બોલ, મારે શું કરવાનું છે ? તારી સાથે ઘેર આવવાનું છે ? ‘

બોલતા જાનકીમા  હસી પડયા. પાંચ વરસ બાદ કદાચ  આવું  હસવા પામ્યા હતા.   

 ‘ ઘેર તો આવવાનું જ છે..પણ…’  

પારિજા અચકાઇ..

‘ મા, મારી ઉપર,  આ અજાણી દીકરી ઉપર વિશ્વાસ રાખી શકશો ? ‘

‘ આંખ બંધ કરીને !  મને તો તું દેરીમાંથી નીકળી આવેલી દેવી જેવી જ દેખાય છે. ‘

‘ તો એ દેવીની આજ્ઞા માનવાની છે..’  

‘ એટલે મારે તારી સાથે આવવાનું છે ? આજે..અત્યારે ? ‘

‘ ના મા, મારે તમને એ રીતે  નથી લઇ જવા.’  

‘ તો ? ‘

‘ મા, તમારું ગૌરવ..સ્વમાન  તો જ જળવાય..જો બિરેન એની ભૂલ કબૂલે અને જાતે આવીને તમને સાથે લઇ જાય.’  

‘ બેટા, હવે મને એવો કોઇ હરખ શોક નથી.અને સાવ સાચું કહું તો મને હવે  કયાંય જવું ગમશે પણ નહીં.  હા, મરતા પહેલા એક વાર દીકરાને જોવાનું મન હતું. રોજ સાંજે એ એક માત્ર ઇચ્છા  દેરીના માતાજીને કહેતી. અને આજે માતાજી જાણે હાજરાહજૂર..તારા રૂપમાં મળી ગયા. હવે માતાજીનો જે હુકમ થાય એ સાચો..બોલ, મારે શું કરવાનું છે ?  ‘ એ બધું કાલે સવારે કહીશ. આજે આખી રાત તમારી પાસે સૂઇને તમારી વાતો  સાંભળવી છે. ‘  

પારિજા લાડથી  બોલી. તેણે તો બિરેનની મા..એટલે કેવી યે કલ્પના કરી હતી. અહીં તો સામે હતી  નરી ગરવાઇથી છલકતી  સ્ત્રી.. જેના ચહેરા પર  દુ:ખની  રેખા  તો કદાચ હતી  પણ કોઇ દીનતા  નહીં.. ન જાણે કેવી આભા ઝલકતી હતી.

‘ બેટા, તને શું ભાવે છે ? શું બનાવું  તારે  માટે ?

‘ મા, તમારા હાથનું જે બનાવશો એ  નિરાંતે ઝાપટીશ.  કકડીને ભૂખ લાગી છે. બિરેનથી છાનીમાની આવી છું. અને  અજાણ્યા ગામમાં તમને શોધવા સારું એવું  રખડી છું હોં.’   

એ રાત્રે બંને વચ્ચે  બિરેનની..તેના શૈશવની..પારિજાના શૈશવની..પારિજાના  મમ્મી, પપ્પાની..કોલેજની..તેમના લગ્નની ..બિરેનની સફળતાની..કેટકેટલી વાતો .. ખૂટતી જ નહોતી. આ પરમ દ્રશ્યના સાક્ષી બનવા  ચન્દ્ર વારે વારે બારીમાંથી હાઉકલી કરતો રહ્યો.

મોડી  રાત્રે આંખ મીંચાઇ ત્યારે અર્ધ ઉંઘમાં પારિજાના મનમાં   બિરેનની ડાયરીના પાના ફરફરી રહ્યા.  

તારીખ 14 જુલાઇ..

“ એક ચહેરાને, એક યાદને ભીતરમાં ગમે તેટલી ઉંડી છૂપાવી દીધી હોવા છતાં એની સળવળ, એના પડઘા મનના પોલાણમાં ખખડયા કર્યા છે.  એક  અદ્રશ્ય ઝૂરાપો પાંચ વરસથી  ભીતરમાં ઢબૂરાઇને અડ્ડૉ  જમાવી બેઠો છે. એનું ભાન આજે  અચાનક  થઇ રહ્યું છે.  ચાર વરસ પારિજા સાથેના લગ્નજીવનના  અને એ પહેલાનું એક વરસ પરિચય અને પ્રણયનું.. 

પાંચ વરસ પહેલા સાવ નાદાનીમાં હું  કેવી મોટી ભૂલ કરી બેઠો હતો. એનો અહેસાસ હવે થાય છે.  જે શબ્દો આસાનીથી બોલાઇ ગયા હતા. કોઇ ગંભીરતા સમજયા વિના,  એ સમય જતા આવો રંગ ધારણ કરશે એવી કયાં ખબર હતી ? ત્યારે તો નજર સામે  એક જ લક્ષ્ય હતું.. પારિજા..માત્ર પારિજા.. અર્જુનની જેમ પક્ષીની એક આંખ જ દેખાતી હતી. મારા  બોલવાથી કંઇ મા થોડી મરી જવાની હતી ? હા..મરી તો નહોતી ગઇ..પણ  હું  એને જીવતી યે કયાં રાખી શકયો હતો ?

એ દિવસ હમણાં છેલ્લા થોડા સમયથી  રાખમાંથી ફિનીકસ પક્ષીની જેમ  ભીતરમાં અવારનવાર બેઠો થતો રહે છે. 

કોલેજની શરૂઆતના એ દિવસો.. પારિજા સાથે  નવી સવી મૈત્રી થઇ હતી. મધર્સ ડે વિશેનો મારો  આર્ટીકલ વાંચીને પારિજા રડી  પડી હતી. મા નથી ની પીડા તેને પીડતી હતી..

‘ નહીં બિરેન, મા ન હોવાની પીડા તું કયારેય ન સમજી શકે. એ તો જેને એ અહેસાસ હોય એ જ સમજી શકે. ઘાયલની ગત ઘાયલ જાણે…  

ત્યારે વાતોના પ્રવાહમાં વહીને  આગળ પાછળનું કશું વિચાર્યા સિવાય હું  બોલી ગયો હતો.કદાચ અભાનપણે જ શબ્દો સરી પડયા હતા. .

’ પારિજા,  આપણે સમદુખિયા છીએ. મેં પણ માને ગુમાવી છે. એથી એ પીડા હું ન સમજી શકું તો કૉણ  સમજી શકે ? ‘ 

અને એ દિવસથી મેં  માને ગુમાવીને પારિજાને મેળવી હતી. એક સમાન ભૂમિકા બંધાઇ હતી. બુધ્ધિથી વિચારતા એ સોદો એ ક્ષણે તો  ફાયદાનો જ લાગ્યો હતો.

ગામડામાં ઉછરેલો, સ્કોલેરશીપ લઇને માંડ માંડ ભણતો, ગરીબ, વિધવા માનો દીકરો.  પારિજા જેવી ગર્ભશ્રીમંત પિતાની હોંશિયાર, સંસ્કારી, રૂપવાન પુત્રી એના  નસીબમાં કયાંથી ? બંનેએ શૈશવમાં મા ગુમાવી છે એ એક કોમન પ્લેટફોર્મ..સમદુખિયાને નાતે  પહેલાં સહાનુભૂતિ અને પછી જલદીથી  નિકટતા સધાઇ હતી. જે  ધીમે ધીમે પ્રણયમાં અને અંતે લગ્નમાં પરિણમી હતી.

એક અસત્ય અનેક અસત્યોને જન્મ આપતું હોય છે એ ન્યાયે એક જુઠાણાને સાબિત કરવા એક પછી એક કેટલા અસત્યો ઉચ્ચારવા પડશે એની કલ્પના મનમાં કદી  નહોતી આવી. માને લગ્નમાં નહોતી બોલાવી શકાઇ.  કુટુંબમાં નજીકનું કોઇ નથી કહીને  લગ્ન  કોર્ટમાં જ કર્યા.   મનના  ખટકાને ઉંડે ઉંડે દફનાવીને, પાછળ જોયા સિવાય પારિજાના પ્રેમમાં મનને મનાવી લીધું.     

શરૂઆતમાં  કદીક ભીતરમાં કંઇક ખૂંચતું..પણ ધીમે ધીમે નહીં..બહું જલદી ચડાતી જતી સફળતાની સીડીઓની વચ્ચે એ ખટકો અદ્ર્શ્ય બની રહેતો.  સમયની સાથે ભાગવામાં ધીમે ધીમે તો જાણે મને ખુદને યે  યાદ નહોતુ આવતુ કે મારી  મા ખરેખર  જીવે છે. એક અસત્ય વારંવાર ઉચ્ચારવાથી  તે સત્યના વાઘા પહેરી લે છે.

એકવાર પારિજા માની  મરણતારીખ પૂછી બેઠી ત્યારે હું કેવો  બોખલાઇ ગયો હતો.જાણે મારી ચોરી પકડાઇ ગઇ હતી. અજાણતા જ   હું એક તારીખ બોલી બેઠો હતો. જે  માની જન્મતારીખ હતી.. 

જીવનની  ગતિ એટલી તેજ બની છે  કે  હવે લાંબુ વિચારવાનો, કોઇને યાદ કરવાનો સમય જ કયાં બચે છે   ? પારિજાની પ્રેરણાથી  બહું ઓછા સમયમાં પ્રતિષ્ઠિત લેખક  બની શકયો. અનેક શિબિરો, કાર્યક્રમો, લેખન, ભાષણૉથી ભરચક્ક જીવન. ભીતર સુધી સ્પર્શી જાય એવા શબ્દો  કેવી સહજતાથી નીકળતા રહ્યા.

પણ ધીમે ધીમે શબ્દો  ખોખલા થતા જાય છે એવું કેમ લાગે છે  ?  હવે શબ્દો આવે છે તો  આદતથી.. વાંચનથી.. બાકી મન  તો સાવ કોરૂકટ..ધોધમાર વરસાદમાં શરીર તો ભીનું થાય પણ ભીતરમાં એક છાંટો પણ કયાં ? જે લખાતું તે બીજાને સ્પર્શતું હતું. મને   નહીં.  

બે મહિના પહેલા  એક સુંદર સવારે   પારિજા  હળવેકથી  કાનમાં ટહુકી હતી.અને ત્યારે..

મારે તો તારા જેવી પરી જ જોઇએ.. નાનકડી ઢીંગલી.. એકદમ  તારા જેવી..હું ભાવુક બનીને બોલી ઉઠયો હતો.

 ‘ ના, મને તો નાનકડો બિરેન જોઇએ..તારા જેવો જ.. 

‘ મારા જેવો જ..?  અચાનક હું આખ્ખો ને આખ્ખો  ધ્રૂજી ઉઠયો હતો. ભીતરમાં વીજળીનો ઝટકો…અસ્તિત્વ આખું થરથર ધ્રૂજી ઉઠયું. મારા જેવો  એટલે ? જે પણ મોટો થઇને  મારી  જેમ જ જીવતી  માને….? .

અને ભીતરને ઘેરી વળ્યો એક અજંપો.. શું કરું હું ? નથી વેઠાતો હવે આ વલોપાત..કહી દઉં પારિજાને બધું ? તે મને માફ કરી શકશે ? આવડા મોટા અસત્યને જીરવી શકશે ? મને નફરત કરશે ? છોડીને ચાલી જશે તો ? ના..ના.. 

પારિજા મારો  પ્રાણ છે. પારિજાને દુ:ખ થાય એવું હું  કંઇ નહીં કરી શકું.

પણ આ પાંચ વરસ માએ કેવી રીતે કાઢયા હશે ? એ શું કરતી હશે ? કેમ કરતી હશે ? મારા વિશે કેવું કેવું વિચારતી હશે ?  શા માટે પોતે એવું બોલી ગયો ? કેવી રીતે બોલી શકયો એ એવું ? અને  આજ સુધી સાચી વાત ન કહી શકયો ?  શબ્દોમાં જ વાઘ છે બાકી  પોતે કાયર..સાવ કાયર..  આત્મઘૃણાથી  મન ભરાઇ આવ્યું છે. 

પારિજાની વાતોમાં વારંવાર તેની મમ્મી ડોકિયા કરી જાય છે.  માની  યાદની સાથે જ પારિજાની આંખોમાં કેવો સાગર ઉમટી આવે છે.   એકવાર તેણે મને પૂછયું હતું. 

‘ બિરેન, તું તો તારી મમ્મીની,  મારા  સાસુમાની વાત કદી નથી કરતો. તને કોઇ દિવસ મા યાદ નથી આવતી ?

શું જવાબ આપું હું ? મૌન ઓઢીને બેસી રહ્યો.  મારો  ઉતરેલો ચહેરો જોઇને….

 ‘ બિરેન સોરી, તારા જેવી સંવેદનશીલ  વ્યક્તિને કેટલું દુખ થતું હશે નહીં ? મેં યાદ કરીને તને દુ:ખી કરી દીધો..

કેવી યે નિર્દોષતાથી પારિજા બોલી ઉઠી હતી. અને હું..? 

માનો ગુનેગાર,પારિજાનો ગુનેગાર એક નાલાયક પુત્ર બિરેન….

બસ.. આટલું જ લખાયું હતું..બિરેનની ડાયરીમાં.. જે અનાયાસે પારિજાના હાથમાં આવી ચડી હતી.

 વિચારોમાં ખોવાયેલી, થાકેલી પારિજાને અંતે નીન્દરરાણીએ પોતાની આગોશમાં સમાવી લીધી.   

બીજે દિવસે સવારે જાનકીબેનને ભેટીને ઘેર જતી પારિજાના મનમાં અનેક વમળો ઉઠતા રહ્યા.  

ઘેર પહોંચી ત્યારે બિરેન તેની રાહ જોઇને જ બેઠો હતો. થોડી સામાન્ય વાતચીત પછી… 

 ‘ બિરેન, બે દિવસ પછી શ્રાધ્ધ શરૂ થાય છે. પપ્પાએ જ મને યાદ કરાવ્યું. મારી મમ્મીનું શ્રાધ્ધ તો ત્યાં થાય જ છે. આપણે પણ મમ્મીનું શ્રાધ્ધ કરવું જોઇએ. બિરેન, હું કાલે જ બધી તૈયારી કરું છું. કેવી રીતે કરવું, શું કરવાનું છે બધું  મેં પપ્પા પાસેથી જાણી લીધું છે. તેં કહેલી તારીખ પરથી પપ્પાએ મમ્મીની  મૃત્યુની તિથિ પણ  જાણી લીધી છે. તેમનું શ્રાધ્ધ પહેલે જ દિવસે આવે છે.  

બિરેન આખો  ને આખો ધ્રૂજી  ઉઠયો. જીવતી માનું શ્રાધ્ધ ?  પારિજા તેની સામે તાકી  રહી.

‘ પારિજા, પ્લીઝ..મને એવી કોઇ વાતમાં વિશ્વાસ નથી અને આપણે એવું  કંઇ કરવું  નથી. હું ના પાડું છું ને નથી કરવું કશું.. હું નથી માનતો એવી બધી વાતમાં.. ‘

‘ પણ હું તો માનું છું ને ?  મમ્મીના આત્માને શાંતિ થાય એ માટે પણ આપણે  કરવું જ રહ્યું. હું નથી ઇચ્છતી  કે એને લીધે ભવિષ્યમાં આપણને કંઇ  નડતરરૂપ થાય.  બિરેન,  હું મા બનવાની છું એ સંજોગોમાં હું કોઇ રીસ્ક લેવા નથી માગતી. અને આપણે માનીએ કે ન માનીએ, કરવામાં કંઇ નુકશાન તો નથી જ..

અને  બધી વિધિ તારે હાથે જ થવી જોઇએ. એમ પપ્પાએ ખાસ કહ્યું છે. તેથી નો બહાના અલાઉડ.. ‘ કહીને પારિજાએ  ફોન જોડયો.

હા, પંડિતજી, પરમ દિવસે આવી જશો. તમે લખાવેલા લીસ્ટ મુજબ બધું  આવી જશે. તો પરમ દિવસે ભૂલાય નહીં.

અચાનક બિરેન નાના શિશુની જેમ  રડી ઉઠયો..મોટે મોટેથી રડી ઉઠયો. ફફક ફફક રડી ઉઠયો. ચોધાર, મુશળધાર રડી ઉઠયો. સૂપડાધારે રડી ઉઠયો.

અને ડૂસકાં ભરતા  બિરેનનો થરથર ધ્રૂજતો અવાજ  દિગંતમાં રેલાઇ રહ્યો.   

‘ માનું શ્રાદ્ધ નહી થાય..પારિજા..નહીં થાય. મા…મારી મા મરી નથી.. પારિજા..એ મરી નથી..એ જીવે છે.. જીવે છે..તેં સાંભળ્યું..પારિજા, મા જીવે છે. ‘   

  ( મેગેઝિન મમતા માં પ્રકાશિત વાર્તા ) 

                                                                                                                                                     

 

 

 

 

 

 

 

 

 

  

 

  

1 thoughts on “મા જીવે છે..

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.