જીવન હજાર રૂપિયાની નોટ

અત્તરકયારી..
જીવન, હજાર રૂપિયાની નોટ…
મને મળી નિષ્ફળતાઓ અનેક,
તેથી સફળ થયો કૈક હું જિન્દગીમાં…

આપણે છાપાઓમાં અવારનવાર આત્મહત્યાના સમાચાર વાંચતાં રહીએ છીએ.. આપણી આસપાસ બનતાં આવા અનેક કિસ્સાઓ સાંભળતાં રહીએ છીએ.
વિદ્યાર્થીઓ કોઇ અગત્યની પરીક્ષામાં નાપાસ થાય કે યુવાન વયમાં પ્રેમમાં નિષ્ફળતા મળે, કોની બેવફાઇનો અનુભવ થાય, કદીક આર્થિક પ્રશ્નોનો ઉકેલ ન મળતો હોય તો કદીક લાંબી બીમારીથી કંટાળીને કોઇ વ્યક્તિ નાસીપાસ બને છે. હિંમત હારી જાય છે. જીવન આકરું લાગે છે, અને ક્ષણિક આવેશમાં આવીને જીવનથી હાથ ધોઇ બેસે છે. પણ દોસ્તો, નિષ્ફળતા કોના જીવનમાં નથી આવી હોતી? લગભગ દરેક સફળ માનવીની પાછળ શરૂઆતની નિષ્ફળતાની દાસ્તાન અચૂક વણાયેલી જાણવા મળશે. એ નિષ્ફળતાથી ડગ્યા સિવાય તેઓએ તેમાંથી રસ્તો શોધવાની હિંમત કરી, સખત મહેનત કરી આગળ વધ્યા હોય છે. સફળતાનો કોઇ શોર્ટકટ કે સખત પરીશ્રમનો કોઇ વિકલ્પ નથી હોતો.

બીજો એક પ્રશ્ન…આત્મહત્યા કરવાનો આપણને કોઇ અધિકાર છે ખરો ? તમારું જીવન ફક્ત તમારા એકલાનું જ છે? એના પર બીજા કોઇનો હક નથી? તમારા કુટુંબે તમને કયારેય પ્રેમની બે ચાર પળ પણ નથી આપી? જો ખરેખર એવું હોત તો તમે આટલા મોટા થયા જ ન હોત. કદાચ આજે કોઇ કારણસર તમારા ઘરના કોઇ વડીલ તમારા પર ગુસ્સે થઇને બે-ચાર કડવા શબ્દો કહી બેઠાં હોય તો પણ એ ક્ષણિક જ હોવાના એની ખાતરી રાખજો. મરી જઇને એમને બતાવી દઇશ જેવા નિર્માલ્ય વિચારોથી ચેતવું જ રહ્યું. તમે ખરેખર એટલા સ્વાર્થી છો કે તમારાં માતા, પિતા, સંતાનો, પતિ, પત્ની, ભાઇ, બહેન વગેરે સ્વજનોને દુ:ખ પહોંચાડવાનું તમને ગમશે? જરા થોભો, વિચાર કરો. મરવું તો સહેલું છે. મરવું જ હશે તો આજે નહીં તો આવતીકાલે પણ મરાશે. પણ આવતીકાલે ફરીથી જીવતું નહીં થવાય. દૂધના ઊભરાને શમવા દો.. દિલના આવેશોને શાંત થવા દો..મનના ડહોળાયેલા પાણીને ઠરવા દો. પછી શાંત બનીને વિચારો. અણી ચૂક્યો સો વરસ જીવે એવી કહેવત યાદ આવે છે ? બસ..એ આવેશમય એક પળને વહી જવા દો.

જીવનમાં બંધ દરવાજા તરફ એટલી બધી વાર ન તાકી રહો કે બીજા કોઇ ખુલ્લા દરવાજા તરફ નજર જ ન પડે. એક દરવાજો બંધ થાય ત્યારે બીજો કોઇ દરવાજો અચૂક ખૂલતો હોય છે. જરૂર છે એની તલાશ કરવાની. એને શોધવાની, મહેનત કરવાની. એ તરફ દ્રષ્ટિ વાળવાની, અને શોધનારને શું નથી મળતું?

આત્મહત્યા એ માનવજીવનનું અને એ દ્વારા ખુદ ઇશ્વરનું અપમાન છે. જેણે જીવન આપ્યું છે એને જ એ જીવન પાછું લેવાનો હક્ક છે. અમને દુખ કેમ આપ્યું? અમને નથી ગમતું..જા, નથી રમવું એમ રિસાઇને જીવન ફેંકી ન દેવાય. જગન્નિયંતાનું અપમાન ન કરાય. જેણે જીવન આપ્યું છે એના પર શ્રદ્ધા રાખતાં શીખવું જ રહ્યું. આપણે સહુ પરમ ના એક અંશ છીએ.એ કદી ન ભૂલાવું જોઇએ. બની શકે તો ઇશ્વરને દોસ્તના રૂપમાં જોતા શીખીએ. એ દોસ્ત કદી આપણને નિરાશ નહીં કરે એની શ્રધ્ધા રાખીએ તો જીવનમાં કદી હતાશા નહીં આવે..આવશે તો પણ એ ક્ષણિક હશે.
એક જાણીતું ઉદાહરણ યાદ આવે છે.
એક હોલમાં વિદ્વાન વક્તાને સાંભળવા ઘણા લોકો એકઠા થયા હતા. આખો હોલ ખીચોખીચ ભરાયેલો હતો. વકતાએ પોતાના પ્રવચન પછી હજાર રૂપિયાની નોટ કાઢી અને ત્યાં બેઠેલા લોકોને પૂછ્યું,
‘આ નોટ અહીં બેઠેલા તમારામાંથી કોઇ એક નસીબદારને મળવાની છે. જેને જોઇતી હોય તે પોતાનો હાથ ઊંચો કરે. હું એમાંથી કોઇ એકને પસંદ કરીશ. તુરત જ લગભગ બધાના હાથ ઊંચા થયા.’’

હવે વિદ્વાને એ નોટનો ડૂચો કરી નાખ્યો અને પછી ફરીથી પૂછયું
‘‘હવે આવી ડૂચા જેવી નોટ કોને જોઇએ છે?

ફરીથી લગભગ બધાં જ હાથ ઊંચા થયા.

હવે વક્તાએ ડૂચા જેવી નોટને જમીનમાં નાંખી ધૂળમાં પગ નીચે દાબીને વધારે રગદોળી..લગભગ ફાટવા જેવી કરી નાખી. અને ફરીથી તે જ પ્રશ્ન ફરી કર્યો કે આવી ફાટેલી ડૂચા જેવી નોટ કોને જોઈએ છે ? અને ફરી એકવાર બધાં જ હાથ ઊંચા થયા.

વકતાએ પોતાની વાત સમજાવતા કહ્યું

હજાર રૂપિયાની નોટ ચોળાયેલી હોય તો પણ તેનું મૂલ્ય ઘટતું નથી. એવી જ રીતે આપણા જીવનમાં સંજોગો ગમે તેવા હોય તો પણ એનાથી એક માનવી તરીકેનું આપણું મૂલ્ય ઓછું નથી થતું.

આ નોટ નીચે પડેલી હોય..ચોળાયેલી હોય કે ડૂચા જેવી થઇ ગઈ હોય તો પણ આપણે સૌ એ લેવા માગીએ છીએ કેમકે આપણે જાણીએ છીએ કે નોટ ગમે તેવી હોય તો પણ તેની કિંમત હજાર રૂપિયા છે. ચોળાયેલી હોવા છતાં આપણે માટે એની કિંમત ઘટી નથી.

જીવનમાં પણ આવું જ બનતું હોય છે. ઘણી વખત જિંદગીમાં આપણે પણ નીચે ફેંકાઇ જઇએ..નિષ્ફળતાઓથી ઘેરાઈને ડૂચા જેવા થઇ જઈએ ત્યારે પણ આપણા સાચા સ્નેહીઓ માટે, સગાંસંબંધી માટે તો આપણે અમૂલ્ય જ હોઇએ છીએ એ કેમ ભૂલાય ? કદાચ કયારેક કોઇ બે શબ્દ આકરા કહી દે ત્યારે પણ એને આપણે માટે લાગણી નથી રહી એવું વિચારવાની ભૂલ ન જ કરાય.

અનેક નિષ્ફળતા પછી પણ માતા માટે તમે વહાલસોયા પુત્ર જ રહો છો..પત્ની માટે પતિ અને પુત્ર માટે તમે વત્સલ પિતા છો. અને તમારા માટે તો તમે અમૂલ્ય છો જ. જેવા છીએ તેવા જાતનો સ્વીકાર કરતા , ઇશ્વરે આપેલા જીવનનો આદર કરતા શીખવું જ રહ્યું. સ્કૂલમાં ગાયેલી આ પ્રાર્થના હમેશા યાદ રાખીએ અને ખુમારીથી ગાઇએ.

સુખ કે બદલે, દુખ દેને કી અગર ભાવના તેરી,
દુખ કો સહનેકી શક્તિ દે, યહી પ્રાર્થના મેરી..

જીવન ઇશ્વરે આપેલું અણમોલ વરદાન છે તેનો આદર જ હોય. હજાર રૂપિયાની નોટ ચોળાયેલી હોય તો પણ તેનું મૂલ્ય ઘટતું નથી. એવી જ રીતે આપણા જીવનમાં સંજોગો ગમે તેવા હોય તો પણ એનાથી એક માનવી તરીકેનું આપણું મૂલ્ય ઓછું નથી થતું.

શું કહો છો દોસ્તો? ગમે તેવા સંજોગોમાં પણ આપણે આત્મહત્યાનો વિચાર કરીને જીવનનું અપમાન નહીં જ કરીએ ને ? અને હતાશ બનીને આવો વિચાર કરનારને પણ પ્રેમથી સમજાવીશું ને ?

One thought on “જીવન હજાર રૂપિયાની નોટ

  1. હજાર રૂપિયાની નોટનું મુલ્ય એના કાગળમાં નથી પણ એ શું ખરીદી શકે છે એમાં છે .

    ચોળાયેલી નોટ જેટલું ખરીદી શકે એટલું જ ચકચકાટ નવી નોટ ખરીદી શકે .

    એવું જ માણસના મૂલ્યનું પણ। ……

    નીલમબેન, હમ્મેશની જેમ આપનો આ ચિંતનશીલ લેખ ગમ્યો .

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s