પત્રસેતુ

 

પત્રસેતુ સાસુનો..

                                                                           વાત એક નવતર..

વહાલી નીરજા,

કેમ છો બેટા ? તારા પત્રની રાહ જોઉં છું. આમ તો મને ખબર છે કે આ વખતે તારે પત્ર લખવામાં મોડું થવાનું છે. કેમકે તમે લોકો ચાર દિવસ બહારગામ જવાના હતા. એથી સ્વાભાવિક રીતે જ તારો પત્ર આ વખતે લેઇટ મળવાનો.

આજે હું લખવા બેઠી છું. એનું એક કારણ છે. મને હમણાં મારા એક વાચકે થોડો અલગ પ્રકારનો પ્રશ્ન કર્યો.

મને કહે, મારા પુત્ર માટે છોકરી શોધીએ છીએ..અમારું કુટૂંબ બહું આધુનિક નથી. થોડા જૂનવાણી વિચારો, રીતિરિવાજોનો આગ્રહ આજે પણ અમારા ઘરમાં છે. અને એમાં બહું બાંધછોડ અમારે માટે શકય નથી. મારો પુત્ર એન્જીનીયર છે. હમણાં એક એના જેટલી જ ભણેલી અને સારી નોકરી કરતી છોકરીનું માગુ આવ્યું છે. પણ મારી પત્ની કહે છે કે આપણે એટલું બધું ભણેલી અને નોકરી કરતી છોકરી નથી જોઇતી. સામાન્ય  ગ્રેજયુએટ હોય એટલે ઘણૂં. કેમકે નોકરી કરતી છોકરી ઘર ન સાચવે. આપણે પૈસાની નહી ઘર સંભાળે એવી છોકરીની જરૂર છે. તો બહેન, તમે શું માનો છો આ બાબતમાં ? તમારો મત જાણવો અમને ગમશે.

હું તો એનો પત્ર વાંચીને ધર્મ સંકટમાં મૂકાઇ ગઇ છું. કોઇને પૂરા ઓળખ્યા સિવાય આવી વાતનો જવાબ આપવો અઘરો બની રહે છે.  જોકે આવતી કાલે તેઓ મને ફોન કરવાના છે. ત્યારે એમની પાસેથી વિગતવાર વાત જાણીને પછી જે યોગ્ય લાગશે તે કહીશ.

 

પણ એમના પ્રશ્ન પરથી મને આ ક્ષણે મને  એક મિત્રના ઘરની વાત યાદ આવી ગઇ. એ વાત મને થોડી નવતર, જરા હટકે લાગી અને બહું ગમી. વાત કંઇક આવી છે.

એ મિત્રના ઘરમાં પતિ , પત્ની અને સાસુ એમ ત્રણ જણા જ હતા. વહુ વિરાજ એમ.બી.એ. થયેલી આધુનિક યુવતી હતી. તેનો પતિ અસીમ કોઇ ધાર્મિક વિધિઓમાં, ક્રિયાકાંડમાં માનતો નહીં.  એવી કશું કરવાનું આવે  ત્યારે તેનો મિજાજ હમેશા  છટકતો.

તેની વિધવા માતા સ્વાતિબહેન આવી બધી વાતમાં આસ્થા રાખતા હતા. પુત્રને માતા માટે લાગણી જરૂર હતી. પરંતુ આવું કશું કરવાની વાત મા કરે ત્યારે અસીમ હમેશા ના પાડી દેતો.

એક દિવસ સવારથી સ્વાતિબહેન થોડાં અસ્વસ્થ હતા. પુત્રને કહેવું કે ન કહેવું એની અવઢવમાં હતા.

વિરાજે આજે સાસુને અસ્વસ્થ જોઇ પૂછયું,’કેમ મમ્મી,  ઢીલા દેખાવ છો ? ‘

’ના, ના, ખાસ કશું નહીં…’ સ્વાતિબહેને જવાબ આપ્યો.

’ના, મમ્મી, કંઇક વાત તો છે..મને કહેશો તો મારાથી શકય હશે તે હું જરૂર કરીશ. ‘

પણ સ્વાતિબહેન મૌન રહ્યા. દીકરો જ જયાં પોતાને નથી સમજતો ત્યાં વહુ….

’ના, એવું ખાસ કશું નથી..’’

 ’ખાસ ન હોય તો કહેવામાં શું વાંધો, મમ્મી ? હું કદાચ કશું કરી નહી શકુ તો પણ મનની વાત કયાંક ઠાલવીને તમે હળવા તો જરૂર થશો..’’

વહુનો આગ્રહ હવે સ્વાતિબહેન ટાળી ન શકયા.તેણે અચકાતા અચકાતા કહ્યું કે અસીમના પિતાની પુણ્યતિથિ  હમણાં આવે છે ત્યારે ઘરમાં કથા અને સત્સંગ કરાવવાની તેમની બહું ઇચ્છા છે. અને પછી  ઉમેર્યું,

’મને ખબર છે ..તમે લોકો આવી બધી વાત માનો નહીં. અસીમને પણ આવું બધુ ગમતું નથી..પણ હું એવી સુધારાવાદી નથી..

 કહી સ્વાતિબહેન મૌન થઇ ગયા.

’અરે, મમ્મી, આવી નાની વાતમાં તમે આમ મૂંઝાવ છો ? અમે માનીએ કે ન માનીએ..એ અલગ વાત છે. અને તમારી લાગણીની વાત અલગ છે. તમે ચિંતા ન કરો..બધું થઇ જશે..’

’પણ..અસીમને નહીં ગમે.. તને ખબર છે  તેનો સ્વભાવ થોડો આકરો છે..ખાસ કરીને આવી બધી બાબતમાં…’’

’ મમ્મી,એ બધી ચિંતા તમે છોડી દો…અને એક વાત કહું ? આજ સુધી તમે પણ તમને ન ગમતી ઘણી વસ્તુ અસીમ માટે કરી હશે..તો કયારેક તેને ન ગમતી વાત તે પણ મા માટે કરી જ શકે..તમે જરાયે ચિંતા ન કરો..અને બીજી વાત કહું મમ્મી ? ‘

સ્વાતિબહેન પ્રશ્નભરી આંખે મૌન રહી વહુના કદી  ન જોયેલા આ નવા સ્વરૂપ સામે જોઇ રહ્યા. વહુને ઓળખવા મથી રહ્યા.

’મમ્મી, તમને તો ખબર છે..હું સંયુકત કુટુંબમાં મોટી થઇ છું… મારા દાદીમાને આવું બધું ખૂબ ગમતું. અમારા ઘરમાં કથા, સત્સંગ  આવું બધું ખૂબ થતું. મારા દાદીમા તો કેટલા ધાર્મિક અને મરજાદી હતા…ખબર છે ? ‘  પછી વિરાજે  પોતાના દાદીમાની કેટલીયે વાતો સ્વાતિબહેનને કરી તેમનો બધો ભાર હળવો કરી નાખ્યો.

 

  વિરાજે અસીમને શી વાત કરી,…અને કેવી રીતે અસીમને સમજાવ્યો તે તો સ્વાતિબહેનને ખબર ન પડી પરંતુ પતિની પુણ્યતિથિએ તેમની ઇચ્છાથી પણ વધારે સારી રીતે કથા, સત્સંગ  બધું થયું. સ્વાતિબહેન ખુશખુશાલ થઇ ગયા. આવી વહુ મળવા બદલ પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા.. હંમેશ માટે સાસુ વહુ વચ્ચે સાચા મિત્રોનો સંબંધ મહોરી ઉઠયો. બંને એકબીજાને અનૂકુળ થવાની સ્નેહભરી હોડમાં જાણે ઉતર્યા હોય તેમ વર્તી રહ્યા.  સ્નેહના સરોવરમાં સંબંધોનું સૌન્દર્ય કમળની માફક ખીલી ઉઠયું.

 વાત સાવ નાની..પરિણામ ?

ફરવામાં મજા આવી હશે. થાક ઉતરે એટલે નિરાંતે વિગતવાર વાત જાણવી ગમશે.

 હું ને પપ્પા પણ કેરાલા જવાનું પ્લીનીંગ કરી રહ્યા છીએ. પપ્પાને કોઇ સેમીનાર માટે જવાનું છે. હું પણ હવે પપ્પાના દરેક પ્રોગ્રામ વખતે સાથે જઉ છું. તારીખ નક્કી થશે એટલે ફોનથી જણાવીશ.ત્યાં બધા મજામાં હશે. 

લિ. સાસુ નામનો વિલન ?( આમાં સાથ ન પૂરાવતી હોં..)

 

                                         

 

 

 

 

 

 

 

 

3 thoughts on “પત્રસેતુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s