ચાર ચિંતા

 

અત્તરકયારી….

                                                                                                            ચાર ચિંતા….

 

ચિંતાથી ચતુરાઇ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન,

ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન

 

ચિંતા  ન કરવી જોઇએ..એમ  ડાહ્યા માણસો અવારનવાર પોતપોતાની રીતે કહેતા રહેતા  હોય છે. પણ એમ કોઇના કહેવાથી કંઇ લોકોની ચિંતા થોડી છૂટી શકે ? દૂર રહીને તો બધા બોલી શકે..  એ તો જેને માથે વીતતી હોય એને જ  ખબર પડે. બરાબરને દોસ્તો ? અતીતના ઓથાર કે ભાવિની ચિંતામાંથી છૂટવું કોઇ પણ માનવી માટે એટલુ આસાન નથી બનતું.

સમાજમાં ..આપણી આસપાસના  રોજબરોજના જીવનમાં  અનેક ચિંતાઓ  દેખા દેતી હોય છે. આજે જોઇએ આવી થોડી અલગ અલગ પ્રકારની  ચિંતાઓ..

ચિંતા નંબર 1

સૌથી મોટી ચિંતા શગુન અને આંચલ જેવી સ્ત્રીઓની.. કરોડપતિની..અર્થાત મોટા ઘરની  વહુઓ કે દીકરીઓ..

કેટકેટલી ચિંતાઓ તેમને વળગેલી જ હોય.

હમેશા શોપીંગમાં, કીટી પાર્ટીઓમાં,બ્યુટી પાર્લરમાં, કલબોમાં નવી ફેશનમાં વ્યસ્ત રહેતી આવી સ્ત્રીઓના  બાળકો શિક્ષકો અને ડ્રાઇવરની છત્રછાયામાં મોટા થતા હોય છે. બાળકો પાછળ બગાડવા માટે તેમની પાસે  ફાલતુ સમય હોતો નથી.  એટલે સદનસીબે બાળકોની ચિંતાથી તો તેઓ મુકત હોય છે.

પણ કઇ જગ્યાએ શું નવું આવ્યું છે..એ જાણવાની ચિંતા.  અને એ પછી પોતાની પહેલા બીજુ કોઇ ત્યાં પહોંચી ન જાય  એની ચિંતા ! પોતાનો ડ્રેસ ડિઝાઇનર કે જવેલરી ડિઝાઇનર બીજા કોઇ માટે ખાનગીમાં કામ નથી કરતો ને ? તેની પણ ચિંતા.

 

અરે, ખાવાની પણ મોટી ચિંતા.. ડાયેટ ફ્રી જ ખાવું પડે.  કયાંક કેલેરી વધી જાય ને ફીગર બગડી જાય તો ? તેમની કેટલીયે પ્રિય વાનગીઓ તેમને લલચાવતી રહેતી  પણ એ ખવાઇ ન જાય તેની  ચિંતા,

પાર્ટીમાં કોઇએ  પોતાનાથી  વધારે સારા કપડાં કે વધારે સારી..નવી જવેલરી તો નથી પહેરીને  ? એની ચિંતા તો હમેશની

ઉપરાંત  હમેશાં પોતે જ ચર્ચામાં રહેવી જોઇએ અને બીજા પોતાનાથી કેમ નીચા દેખાય..અને તે માટે શું કરવું જોઇએ. એની યુક્તિઓ શોધવી, એ પ્રમાણે આયોજન કરવું. આ બધી જેવી તેવી ચિંતાઓ હતી ?

 

આ તો ફકત એક ઝાંખી છે. બાકી તેમની  ચિંતાઓનો તો  પાર નથી


હવે જોઇએ અમિતા અને નમિતા જેવી  ઉચ્ચ મધ્યમવર્ગની ગૃહિણીઓની ચિંતાઓ.
પોતાના બાળકો હમેશાં આગળ, પ્રથમ નંબરે જ રહેવા જોઇએ. સતત જીતતા જ રહેવા જોઇએ..એને દરેક પ્રવૃતિ આવડવી જોઇએ. એમ માનતી આ સ્ત્રીઓને   એક કલાસમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા…એમ  સતત હાંફતા હાંફતા બાળકને લેવા..મૂકવાની ચિંતા !  ડાન્સીંગ, સીન્ગીંગ,  ડ્રોઇંગ..કરાટે…અને  વેકેશનમાં  સમર કેમ્પ કે   ટ્રેકીંગમાં  મોકલવાની ચિંતા !  પોતાના બાળકને સારામાં સારી અર્થાત્  સૌથી મોંઘી સ્કૂલમાં એડમીશન લેવાની ચિંતા તો ઉભી જ હોય. પોતાના અધૂરા સપનાઓ, અધૂરી મહત્વાકાન્ક્ષાઓ સંતાનો વડે કેવી રીતે પૂરી કરવી, .સતત હરિફાઇમાં રહેવું  ને બાળકોને પણ રાખવા એ સૌથી મોટી  ચિંતા. સમાજમાં કયાંય ખરાબ ન દેખાવું જોઇએ કે પોતે કોઇથી ઉતરતા  તો ન જ દેખાવુ જોઇએ ને ?   વીક એન્ડમાં..રવિવારે કઇ હોટેલમાં જમવા જવું, કયા થિયેટરમાં  પિકચર જોવા જવું, કયા મોલમાં શોપીંગ કરવા જવું એની ઝંઝટ..
તેમને હોંડા સીટી કે મારુતિ જેવી ગાડીઓથી ચલાવી લેવું પડતું હોય. મર્સીડીઝ જેવી  મોટી ગાડી લેવાના  સપના  પૂરા કરવાની  ચિંતા તો ઉભી જ હોય.   મધ્યમ વર્ગને તે નીચા સમજતા હોય એટલે એટલે હાઇ સોસાયટીના કલ્ચરમાં  સતત  ટકી રહેવાની, સ્ટેટસ જાળવી રાખવાની ચિંતા… આ બધું  કંઇ ઓછું કહેવાય  ?

અને હવે વાત સંગીતા અને કોમલા જેવી  સામાન્ય મધ્યમ વર્ગની ગૃહિણીઓની.


તેમની સૌથી મોટી ચિંતા પોતાના બાળકને અંગ્રેજી માધ્યમની સારી  સ્કૂલમાં મૂકવાની. સસ્તી છતાં સારી સ્કૂલની તેમને સતત શોધ રહેતી.  બાળકોને શકય તેટલું ઘેર ભણાવીને અને  એકાદ બે  ટયુશનની વ્યવસ્થા કરવાની ચિંતા,  સાથે સાથે સાઇડમાં પોતે પણ  કંઇક આર્થિક ઉપાર્જન કરીને બે છેડા સારી રીતે ભેગા થઇ શકે તેની સતત ચિંતા. નાની મોટી આવકનું સાધન  સતત શોધતા રહેવા માટે તેમને દોડતું રહેવું પડતું !  સમાજમાં રહીને સગાવહાલાઓના  વહેવાર સાચવવા..કયારેક સેલમાંથી સારી સાડી લેવી કે  કદીક બાળકોને પ્રવાસ કે પિકનીકમાં  જવા દેવાની સગવડ કરવી. આ બધી ચિંતામાં તેઓ સતત ગૂંચવાયેલી  રહેતી. બીજી બહેનપણીઓ કે સગાઓ પાસે ફોર વ્હીલર હોય ત્યારે પોતાને હજુ ટુ વ્હીલરથી જ  ચલાવવું પડે છે. એ કંઇ ઓછી ચિંતાની વાત  કહેવાય  ?

અને હવે વાત સવિતા અને મંજુલા જેવી સાવ નીચલા વર્ગની સ્ત્રીઓની.    

 

સૌથી નસીબદાર આ વર્ગ.!  તેમને કદી ખાસ કોઇ ચિંતા હોતી જ નથી. તેમને નથી હોતી ચિંતા તેમના બાળકોને કઇ સ્કૂલમાં ભણવા મૂકવા તેની, નથી  ચિંતા પાર્ટીઓમાં જવાની કે  કોઇ ફેશનની ચિંતા. કયાં કયું સેલ ચાલે છે તેવી તેને કોઇ ચિંતા કયાં હતી ? નહોતી કંઇ વસાવવાની કે સજાવવાની ચિંતા.

પણ ના, ના, ભગવાન કોઇને  યે સાવ ચિંતામુકત થોડો રાખે છે ?

જોકે  આ સવિતા અને મંજુલાની ચિંતા તો ઠીક જાણે સમજયા…! તેમની ચિંતાઓ હોય  સાવ  નાની નાની.

જેમકે..આજે સાંજે પેટ ભરીને જમવા મળશે કે નહીં  ? આજે કોઇ કામ મળશે કે નહીં ?  ચૂલો સળગાવવા લાકડા લેવા કઇ જગ્યાએ જઇએ તો વધુ લાકડા મળે કે પછી શિયાળામાં ઠંડીથી ધ્રૂજતા નાના બાળકોને કેમ બચાવવા?  એવી નાની નાની  ચિંતાઓ જ હતી.  બાળકો  બીમાર પડયા હોય તો દવાના પૈસા કયાંથા કાઢવા ? એવી નાની નાની ક્ષુલ્લક ચિંતાઓ.  ખાસ કોઇ મોટી ચિંતા તેમને કદી નહોતી સતાવતી.

હવે આવી સાવ  નાની નાની ક્ષુલ્લક ચિંતાઓની વળી આપણે શું વાત કરવાની ? એવી નાનકડી વાતોની ચિંતા  આપણે કોઇ થોડા જ કરીએ ? હજુ ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગ્યો નથી ત્યાં સુધી આપણૉ અંતરાગ્નિ કયાં જાગવાનો ?   આપણા આંખ અને અંતર બંને બંધ.

 પછી આગળ જતા પડશે એવા દેવાશે..આપ શું કહો છો દોસ્તો  ? 


7 thoughts on “ચાર ચિંતા

  1. જે ત્રીજા વર્ગને ચિંતા છે, તેટલી ચોથા વર્ગને નથી, ભલે ભણેલા નહોય તો પણ, જો, ઘરના દરેક લોકો નાનું મોટું કોઈ પણ કામ કરતાં હોય તો…..આજે તો ઘરકામ કરનારા નોકરો કે નોકરાણીઓ નાના શહેરમાં કે મોટા શહેરમાં ૩-૪ કામ મેળવીને ૪ થી ૧૦-૧૨ હજાર મહીનાના કમાઈ લ્યે છે, અને સામે ખર્ચો બહુ હોતો નથી, (ઘર)કામ હોય કે દરજી કામ, સુતાર-રંગારા, પ્લંબર વગેરે જેમને કરવુંજ હોય તેને તો મળીજ રહે છે, અને દવા-ડોક્ટર પણ સરકારી ઈસ્પિતાલમાં મળી શકે છે, મરો છે તે ફક્ત ત્રીજા વર્ગને વધારે છે…….કમાણી એટલી બધી હોતી નથી અને ખર્ચામાં પહોંચાતું નથી…..

    Liked by 1 person

  2. તમે કરેલા વિશ્લેષણ ઉપરથી તમારું નિરીક્ષણ કેટલું ઉડું ,સચોટ અને ગહન છે તે સમજી શકાય છે.આવી ગંભીર સમસ્યા સુલઝાવવા શું કરવું?આ સવાલ નો જ્વાબ પણ તમે જ આપો તે વધુ યોગ્ય રહેશે।

    Like

  3. ચિંતા દરેકની અલગ અલગ હોય છે.. માત્ર ચિંતા કરવાથીચિંતા દૂર થતી નથી.

    ઘણીવાર પેટ ચોલીને પણ શૂળ ઉભું કરે છે. સુંદર રીતે રજૂઆત કરી છે તમે.

    http://www.pravinash.wordpress.com

    પ્રવિણા અવિનાશ

    Like

  4. નિલમબેન,
    તમારો હળવાસભર્યો લેખે, એક જુના રૂઢી પ્રયોગ નાનપણમાં સાંભળેલ યાદ આવ્યો ,
    ચિંતાને ચાકળે મુકો, ફિકરની ફાકી કરો.
    આ શીખવા જેવુ ખરુ!!!..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s