દીકરો વહાલનું આસમાન

પત્રસેતુ..દીકરાને..
વહાલા ઓમ,
પોપટ ભૂખ્યો નથી..
તારા મીઠા ટહુકાથી અમ આંગણ રળિયાત હો,
બસ, એથી વિશેષ કયાં કોઇ અપેક્ષાઓનો ભાર છે ?

હાય બેટા, કેમ છો ? અમારો હમેશાનો પ્રશ્ન.. અને તારો રણકાર મારા કાનમાં ગૂંજી ઉઠે.
‘ મમ્મી, પોપટ ભૂખ્યો નથી ને પોપટ તરસ્યો નથી. પોપટ અમેરિકાની ડાળ, પોપટ હોસ્પીટલની પાળ..’
અને પછી વધારે કંઇ પૂછું..ખાસ કરીને બરાબર જમે છે ને ? ત્યારે તું ખીજાય.. શું મમ્મી, હવે કંઇ હું નાનો છું ? એવા સીલી પ્રશ્નો બંધ કર.
પણ બેટા, અમને એવા સીલી પ્રશ્નો પૂછ્યા સિવાય ચાલતું નથી એનું શું ? તમારી જનરેશનને એ પ્રશ્નો ભલે “ સીલી…મૂરખ જેવ કે વાહિયાત લાગતા હોય. તમને ગમતું હોય કે ન ગમતું હોય પણ અમારા એવા પ્રશ્નો તો આવવાના જ. અરે, અમે તો કોઇ એવા ભાવથી, લાગણીથી અમને આવા સીલી પ્રશ્નો પૂછે એ માટે ઝંખતા હોઇએ છીએ. કેમકે ગમે તેમ તો યે અમે તો હજુ જૂની પેઢીના માબાપ જ ગણાઇએ. પણ તમારી પેઢીને શું ખાધું ને શું પીધું એવા પ્રશ્નો કે જવાબ ગમતા નથી. પણ બેટા..એમાં હકીકતે શું ખાધું એ જાણવાનો ભાવ ન હોય.. એ તો અમારી..એક માની તેના દૂર દેશાવર રહેતા પુત્ર માટેની ચિંતા હોય કે તમે બરાબર તો છો ને ? જે વાતો તમને અર્થહીન લાગતી હોય એ વાતો અમને કેવી અગત્યની લાગતી હોય એ તો તમને કયારેક અનુભવે જ સમજાશે. એની વે..હવે તું ખીજાય એ પહેલા ટોપિક બદલું ?
આવતા મહિને મારો બર્થ ડે છે. તેં કાલે મને ફોનમાં પૂછયું કે મમ્મી, તારે શું જોઇએ છે ? ‘
દરેક વખતે તું કંઈક ગીફટ અચૂક મોકલે છે. એ કંઇ કોરો વહેવાર નથી. એ તો એક દીકરાની મા માટેની ભાવના છે. પણા બેટા, આ વખતે મને મારા બર્થ ડે ઉપર બીજી કોઇ ગીફટ નહીં.. તારો સરસ મજાનો પત્ર જોઇએ. તારા હાથે લખાયેલો. જે મારે માટે વધારે અણમોલ બની રહેશે. અલબત્ત પત્ર સરસ મજાનો જ લખવો એવું જરૂરી નથી. તને જે ગમે એ લખી શકે છે. ખીજાવાની પણ છૂટ છે.. જોકે એવી પરમીશનની જરૂર જ કયાં છે ? કોણે માગી છે એવી પરમીશન ? મને ખીજાવાનો તો તારો જન્મસિધ્ધ હક્ક. બરાબર ને ? લખતા લખતા પણ હું હસી પડું છું.
તું નાનો હોઇશ ત્યારે અમે ઘણીવાર તને ખીજાયા હોઇશું.. ગુસ્સો કર્યો હશે.. સલાહો આપી હશે..દરેક બાળકને માતા પિતા કદીક તો વઢતા જ હોય છે. ગુસ્સો કરતા જ હોય છે. પણ એ દરેકની પાછળ હોય પોતાના સંતાન માટેની ચિંતા. એ ગુસ્સાની પાછળ નીતરતું હોય છે નર્યું વહાલ. એ વહાલ, એ ચિંતા એ સમયે તમને ન સમજાયા હોય એવું બની શકે.. અને માબાપ ખરાબ લાગ્યા હોય..આકરા લાગ્યા હોય ..એવું બનવું પણ સહજ છે. ( એવી જ કોઇ ક્ષણે તેં મારું નામ “ મુગેમ્બો” પાડી દીધું હશે.. ! )
માતા પિતા અને સંતાનો વચ્ચે એક પૂરી પેઢીનો સમયગાળો દીવાલ બનીને ઉભો રહી જતો હોય છે. માતા પિતાની વાત સંતાનોને સાચી નથી લાગતી અને સંતાનોની વાત માતા પિતાને ગળે નથી ઉતરી શકતી.વત્તે ઓછે અંશે બધાની સાથે આવું કશુંક બનતું જ રહેતું હોય છે. પરંતુ એથી કોઇ નેગેટીવ તત્વ, કોઇ નેગેટીવ ફીલીંગ્સ, નકારાત્મક ભાવના બાળકના મનમાં જનમવી ન જોઇએ. કેમકે માતા પિતા ગુસ્સે થયા હોય તો એ કોઇ નકારાત્મક ભાવનાથી નહીં..પરંતુ સંતાનની પ્રગતિ માટે, એની સફળતા માટેની ઝંખના માટે જ એ બધું અનાયાસે થતું હોય છે. કોઇ જ માતા પિતા જીવનમાં પોતે જે ભૂલ કરી હોય તે ભૂલ એનું સંતાન કરે એ કદી ન ઇચ્છે. અને એથી જ એને રોકવાના પ્રયત્ન એ પોતાની રીતે કરતા રહે છે. અલબત દરેક વખતે એ રીત સાચી જ હોય એ જરૂરી નથી. પરંતુ એ સમયે એ સંજોગોમાં જેને જે સૂઝે તે પોતાની રીતે બધા કરતા હોય છે. કયારેક સંતાનોનો આક્રોશ સાચો પણ હોય છે. માબાપ દરેક વખતે સાચા જ હોય એવું જરૂરી નથી હોતું. પણ કદાચ એ સમયે એ એમની સમજણની ભૂલ હોઇ શકે. એને વહાલની ઉણપ તરીકે ન જોઇ શકાય. ન જ જોવાવી જોઇએ.
આવું અનેક ઘરમાં બનતું રહે છે. બે પેઢી વચ્ચેનો તફાવત વધતો રહે છે. આ માટે માતા પિતાએ બહું નાનપણથી જ જાગૃત રહેવું પડશે. પહેલા પાંચ વરસમાં જો સારો પાયો નખાયો, દરેક પગલું વિચારીને ભરાયું તો આવા પ્રશ્નો ઉભા થતા અટકી શકે કે ઓછા ઉભા થાય.આજે દરેક મા બાપ પોતાના બાળકને અનેક સગવડો, ભૌતિક સાધનો આપે છે. જાતજાતની મોંઘી રમતોનો ખજાનો સંતાન સામે ઠાલવી દે છે..પણ તેની સાથે બેસીને રમવાનો સમય નથી આપી શકતા..બસ..ખાટલે મોટી ખોટ અહીં જ આવે છે. બાળકને જે જોઇએ છે તે નથી મળતું. કોઇ વસ્તુ માબાપના સ્નેહ અને સમયની અવેજીમાં મળે તેનું મૂલ્ય કેટલું ?
તું જમવામાં બેદરકાર છો.. તેથી તને નથી ગમતું એ જાણતી હોવા છતાં એ કહ્યા સિવાય રહેવાતું નથી. બેટા..આજે બરાબર જમ્યો હતો ?
ફોનમાં કહું તો તું મોટેથી કહેવાનો.. મમ્મી બસ હવે..
ઓકે બેટા..બસ હવે..આવજે..
મમ્મીનું વહાલ

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s