અત્તરકયારી..

ભવ્ય ભૂતકાળથી ઉજ્જવલ ભાવિ તરફ કયારે ?

” રથયાત્રા, લોકસમૂહ, મહા ધૂમધામ, ભક્તો આળોટી કરે છે પ્રણામ,
પથ માને હું છું દેવ,રથ માને સ્વામી, મૂર્તિ માને હું છું દેવ, હસે અંતર્યામી. “
શ્રી ટાગોર.

વિશ્વમાં દરેક દેશ પાસે પોતાની આગવી સંસ્કૃતિ છે. ભવ્ય ગાથાઓ છે. દરેક દેશને, વ્યક્તિ ને પોતાના સાંસ્કૃતિક વારસાનું ગૌરવ હોય તે સ્વાભાવિક છે..અને હોવું પણ જોઇએ. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથા આપણે સદીઓથી ગાતા આવ્યા છીએ. અને એમાં કશું જ અઘટિત નથી. એ પુરાતન વારસાનું યથાયોગ્ય ગૌરવ, સન્માન આપણામાં હોવું જ જોઇએ. આપણા વેદ,પુરાણ, ગીતા, રામાયણ કે મહાભારત, આપણી કલા, શિલ્પ, સંગીત, સ્થાપત્ય, સંસ્કાર, અજોડ શિક્ષણ સંસ્થાઓ, આપણા શ્રેષ્ઠ ઋષિમુનિઓ…..શું યાદ કરીએ અને શું ભૂલીએ…? અતીતની યશોગાથા જરૂર ગાઇએ…પણ……..

દિવાળી આવે અને આપણે ઘર એકદમ સાફ, ચકચકિત કરીએ..ખૂણા ખાંચરા સુધ્ધાં ઝળહળી ઉઠે. તાંબા પિત્તળના વાસણો ચકચકિત બની ને સુવર્ણની માફક ઝગમગી રહે..એ બધું જોઇને… મન પ્રસન્ન થઇ જાય.ઘર નવો અવતાર ધારણ કરીને સોહામણું બની રહે. આવનાર દરેક આપણી પ્રશંશા કરે. અને આપણે ફૂલ્યા ન સમાઇએ. પરંતુ આપણે એના ગુણગાન ગાતા રહીએ…અને પછી કશું જ ન કરીએ.. કોઇ સાફસફાઇ ફરી ન કરીએ તો ? થોડા સમયમાં જ એ ઘર કેવું બની જાય ? સાવ સાદી સીધી વાત છે ને ? બસ…
આપણા ભવ્ય ભૂતકાળના ભવ્ય વારસાને પણ સમયે સમયે માંજતા રહીને ચકચકિત રાખવાની આપણી કોઇ જવાબદારી ખરી કે નહીં ? એકવાર જે સરસ હતું.. સુંદર હતું એ કયાં સુધી એમ જ સુંદર રહી શકે ?
પરિવર્તન એ સમયની માંગ છે. સમયની સાપેક્ષમાં ઘણાં જીવનમૂલ્યો પણ બદલાતા રહે છે.એક સમયે જે સત્ય હતું..શાશ્વત લાગતું હતું.. એ પણ સદીઓ પછી સુધારા વધારા માગે જ છે. દરેક વાત, દરેક વિચાર, દરેક ધર્મ એના સમયની માંગ, સ્થળ, કાળની જરૂરિયાત પ્રમાણે રચાયો છે. અને એની ઉપર એની સંસ્કૃતિના મંડાણ થયા છે., ગાથાઓ રચાઇ છે.. ગવાઇ છે.
આજે વિશ્વને આપણે જુદી દ્રષ્ટિથી જોઇએ છીએ..જોઇ શકીએ છીએ..વિજ્ઞાને બ્રહ્માંડના ઘણાં રહસ્યો ઉકેલી આપ્યા છે અને હ્જુ ઉકેલશે..કોમ્પ્યુટર, અવકાશયુગ અને ઇલેક્ટ્રોનીકસ ના આ સમયમાં જૂના રીતિરિવાજો, પ્રથાઓ, માન્યતાઓ, અંધશ્રધ્ધાઓ કે વહેમો ન બદલાય તે કેમ ચાલે ? યુવાનોને ધાર્મિક બનાવવા હશે તો ક્રિયાકાંડ નહીં ચાલે. ધર્મમાં પણ વિજ્ઞાનનો સમન્વય નહીં સધાય તો ધીમે ધીમે નવી પેઢી એ બધાથી વિમુખ બનતી જશે. કોરી ગૌરવગાથાઓ એને વધારે સમય આકર્ષી કે બાંધી નહીં શકે.

આપણે વડલા, પીપળાની પૂજા કરીએ..અને વૃક્ષોને કાપતા રહીએ..આપણે ગંગા નદી ને મા નો દરજ્જો આપીએ અને પછી એમાં અગણિત કચરા ઠાલવતા રહીએ…
કવિઓ આ માટે ગાઇને પોતાનું કવિકર્મ કરતા રહે છે.
”પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા, અને પાણી નો રજવાડી ઠાઠ ઓણ સાલ નદીયું નજરાઇ ગઇ અને પાણી માં પડી મડાગાંઠ..”
સ્વામી આનંદ, કાકા કાલેલકર કે સ્વામી સચ્ચિદાનંદ જેવી અગણિત વ્યક્તિઓ નદીમાં ઠલવાતી ગન્દકી સામે આક્રોશ વ્યકત કરતા રહે છે.પણ…..આપણે તો ઠેરના ઠેર. બહું થાય તો થોડો બળાપો ઠાલવી લઇએ પણ વાણીવિલાસથી આગળ વધીને સક્રિય બનતા તો જાણે આપણે શીખ્યા જ નથી એટલે બધી વાતો પોથીમાના રીંગણ .કે શોભાના ગાંઠિયા જેવી જ બની રહે.

હમણાં અલ્હાબાદના મહાકુંભમાં જવાનું થયેલું. ગમે તેટલી સૂચનાઓ પછી પણ નદીમાં કચરો ન નખાય એ વાત મોટા ભાગના લોકોના મગજમાં ન જાણે કેમ પણ ઉતરતી જ નથી. વારાણસીમાં ગંગાના પ્રવાહમાં અધવચ્ચે અર્ધ અબળેલા મ્રુતદેહોની કોઇને નવાઇ નથી લાગતી એ નજરે જોયું ત્યારે ગંગાનો મોહ કેમ ટકી શકે ? કે એ ગંગાજળ ગળે કેમ ઉતરે ?

પથ્થરની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરી આપણે તેને ઇશ્વર બનાવી પૂજીએ છીએ..પણ સ્વયં ઇશ્વરે જેને પ્રાણપ્રતિષ્ઠિત કરેલ છે એ માનવને ભૂલી જઇએ છીએ. બાળકનૈયાની પૂજા કરીએ છીએ અને બાળમજૂરી કરાવતાં જરાયે અચકાતા નથી. શિવલિંગ પર લોટા કે હવે તો સીધી દૂધની કોથળીઓ ઠાલવીએ છીએ પણ અનાથ શિશુને એ દૂધ પીવડાવી શકતા નથી. આપણૉ ધર્મ ક્રિયાકાંડમાં જ સમાઇ ગયો છે.

આજે માનવી ધર્મ માટે લખશે, લડશે, મરશે…પણ જીવશે નહીં. સાચા અર્થમાં ધર્મના મૂળ તત્વને ઓળખી તેનો અમલ નહીં કરે.. રામના નામે વિવાદો થતાં રહે, રાજકારણ ના આટાપાટા ખેલાતા રહે, ક્ષુલ્લ્ક વાતમાં માનવીની કહેવાતી ધાર્મિક લાગણીઓ દુભાતી રહે.. અને સત્તાની સગડીમાં સૌના પાપડ શેકાતા રહે. ત્યારે કોઇ સાચા માનવીઓના હૈયામાં આક્રોશ ઉઠે પણ..મોટે ભાગે એ વાંઝિયો જ બની રહે. ભણેલગણેલ માનવી પણ અંધશ્રધ્ધા,વહેમ કે દોરા ધાગા થી બાકાત નથી જ. ધર્મને નામે લોકો પાસે કંઇ પણ કરાવી શકાય છે.

“ ધાર્યું ધણીનું થાય….કે કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું શીદને ચિંતા ધરે ? “

અખૂટ શ્રધ્ધાની આવી બધી અનેક વાતોના આપણે મનગમતા અર્થ કાઢી તેને આપણી નિષ્ક્રિયતા બનાવી દીધી. અને પછી આપણી આ નિષ્ક્રિયતાને ધર્મ, પ્રારબ્ધ જેવા નામ આપી એક છટકબારી શોધી લીધી મંદિરોને ,શિક્ષણને, મેડીકલ સેવાઓને પૂરેપૂરા ધંધાદારી બનાવી દીધા. કથાવાર્તાઓ,વૈભવી મંદિરોમાં ધન,સમય, માનવશક્તિ વેડફયા કરીએ છીએ.કયાં સુધી ? આખરે કયાં સુધી ?
ભૂતકાળ ગમે તેટલો ભવ્ય હોય…એમાં સમય પ્રમાણે સુધારા વધારા ન થાય તો એ બંધિયાર બની જાય અને ખાબોચિયાની જેમ વાસ મારી જાય. વહેતું જળ જ નિર્મળ રહી શકે..જૂનું જાય અને નવું આવે તો જ એની નિર્મળતા સચવાય અને તે વહી શકે અને કોઇની પ્યાસ બૂઝાવી શકે. નિરંતર વહેવું ગાવું…એ જ સાચી જીવન કલા છે. કાળના પ્રવાહમાં ટકવું હોય તો અતીતની ગલીઓમાંથી બહાર નીકળી તેમાં જરૂરી સાફસૂફી કરી તેને રાજમાર્ગ બનાવવો જ રહ્યો.

“નહીં માનવીથી અદકેરું કંઇ..” સાચા અર્થમાં સ્વીકારી શકીશું ?

ભૂતકાળની ગાથાઓ બહું ગાઇ લીધી હવે ભવ્ય ભૂતકાળને બદલે ગૌરવવંતા વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્ય તરફ એક ડગલું ભરી શકીશું ?

સાચા અર્થમાં વિશ્વ આખું ભારતીય સંસ્કૃતિની ગાથા ગાઇ રહે એવા ભારતનું નિર્માણ કરી શકીશું ? અને એ વડે એક નવા વિશ્વના નિર્માણમાં આપણો ફાળો આપી શકીશું. ? હવે એક નવો ઇતિહાસ રચવા માટે સંકલ્પ કરીશું ? અરે, બીજું વધારે કશું કદાચ ન કરી શકીએ તેમ હોઇએ તો પણ ચૂંટણીના સમયે કોઇની પણ શેહમાં આવ્યા સિવાય, નાત જાત કે ધર્મના ભેદભાવ અવગણીને સાચી, સારી, અને યોગ્ય વ્યક્તિને મત આપીએ એટલું તો ચોક્કસ જ કરી શકીએ ને ?

2 thoughts on “અત્તરકયારી..

  1. Vachan fakt vachavanu nathi shu vachu chu, eno shu labh che ene jivanma utarvu jaruri che to samy ave sadupyog krvo ene aachranma lavie to j vachan kahevay, fakt thotha ke granth to pothi mana rigna che prcticaly gyan ej hakikat che.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s