વાત એક વસમી પ્રતીક્ષાની..

 વાત એક વસમી પ્રતીક્ષાની..

આવે છે..આવે છે..હવે બાર કલાક દૂર છે..દસ કલાક, ચાર, ત્રણ બે, એક ..અને હવે  ગમે તે પળે…કાઉન્ટડાઉન તો કયારનું શરૂ થઇ ચૂકયું હતું. અમારે કરવાની હતી ફકત અને ફકત પ્રતીક્ષા..

કેવી પ્રતીક્ષા ? કોની પ્રતીક્ષા ?

જવાબમાં સાંભરી આવે છે રશીદ મીરની એક પંક્તિ..

પ્રતીક્ષા એટલે હોય શું  બીજુ ?

ક્ષણેક્ષણ આપણે વેંઢારવાનું….

 

હા,આજની પ્રતીક્ષા કોઇ મીઠી પળોની નથી. આજની પ્રતીક્ષા છે ફકત વેંઢારવાની..  પ્રતીક્ષા છે  અસ્તિત્વ આખું થરથરી રહે એવા કુદરતના રૌદ્ર રૂપની..કશુંક અમંગલ બનવાની,  ભાવિના ગર્ભમાંથી કેવી અને કેટલી બિહામણી ક્ષણો પ્રસવશે એની પ્રતીક્ષા..

 

છેલ્લા ત્રણ દિવસથી ફેલિન ( મારું જ નામેરી..? નીલમ ) નામના વાવાઝોડાની ચેતવણી મોસમ વિભાગ સતત આપી રહ્યું હતું. આજે કોઇ પણ ઘડીએ એ ત્રાટકશે. બસ..ચંદ કલાકોનો સવાલ…આભ સામે મીટ માંડીને નિરાધારની માફક ફફડતા હૈયે, ઉચક જીવે સામે ઉભીને થરથર ધ્રૂજતા વૃક્ષોની  શિવજીના તાંડવ નૃત્ય જેવી ડોલન શૈલીને નીરખી રહ્યા છીએ.. કહે છે પશુ પક્ષીઓને કુદરતી આફતના આગમનના એંધાણ અગાઉથી મળી જતા હોય છે. એ વાતનો પુરાવો આપતા પંખીઓ તેના ટહુકાને ભૂલીને તેમના રોજિંદા સમયની પહેલા આવીને ચૂપચાપ પોતાના ટ્ચુકડા માળામાં લપાઇ ગયા છે. રોજ રોફભેર આંટા મારતી,મ્યાઉં મ્યાઉં કરી હળવેકથી ઘરમાં ઘૂસી જતી અમારી માનીતી મીનીમાસી પોર્ચમાં ઉભેલી કારની નીચે મૌનની ચાદર ઓઢીને ઘૂસી ગઇ છે. રોજ કોલોનીમાં બિન્દાસ  રખડતા શ્વાન આજે શોધ્યા નથી મળતા.

 આઠમના નોરતાની રઢિયાળી રાત…બાર ઓકટોબર 2013નો દિવસ. અમારા  પારાદીપના  ચોકમાં  મા દુર્ગા નહીં પણ રોષે ભરાયેલી પ્રકૃતિ ગરબે રમવા ઘૂમવા નીકળી છે. બાજુમાં જ રળિયામણા પંડાલમાં મા દુર્ગાનું સ્થાપન થયેલું છે. એ પંડાલના  શ્વેત કપડાના લીરેલીરા જાણે શાંતિ, સમાધાનની ઝંડી બનીને ચારે તરફ લહેરાઇ રહ્યા છે. આવનાર ચક્રવાતની શરણાગતિ સ્વીકારીને, યુધ્ધવિરામની વિનંતી કરી રૂક જાવની અરજી કરી રહ્યા છે. પણ….

  20 કિ.મિ.માં ફેલાયેલી  અમારી પારાદીપની ટાઉનશીપ  એટલે નાનું સરખું જંગલ. જ..આ ક્ષણે અહીં છ લાખ  જેટલા આભને આંબતા  ઝાડવાઓ તેમના લાંબા લાંબા  દાંડિયા વડે  ઝૂકી ઝૂકીને રાસ રમી રહ્યા છે.. આભને ઝરૂખે કાળા ડિબાંગ વાદળાઓએ ભરબપોરે ત્રણ વાગ્યાથી ગાઢ અંધકારનો ચંદરવો બાંધી દીધો છે.  જોશથી સૂસવાટા મારતા પવનના ઢોલ, નગારાનો સાદ કાનમાં ઘૂમરાઇ રહ્યો છે. પ્રકૃતિ રૌદ્ર રાસ રમવા  તત્પર બની  છે. શ્રી કૃષ્ણ શરણં મમ નું  રટણ આપોઆપ ચાલુ થઇ ગયું છે.  આસ્તિક હો કે નાસ્તિક જીવનની વસમી, કપરી ક્ષણોએ સર્જનહારની યાદ માનવીમાત્રની ભીતરમાં આપમેળે ચૂપકીદીથી પ્રવેશી જ જતી હશે ને ?  

હમેશની  જેમ  આજે આ અંધકાર ખુશ્બુભર્યો કે રાત સૌરભ ભરી  નથી અનુભવાતી.  એકી સાથે છ લાખ મસમોટા ઝાડવાઓ શરીરમાં માતાજી આવ્યા હોય એમ આંખો મીંચીને ધૂણવા મંડી પડયા હોય ત્યારે કેવું દ્રશ્ય સર્જાય એ અત્યારે નજરે જોઇ રહી છું.  જાણે કુરુક્ષેત્રમાં યુધ્ધ પહેલા શંખનાદ થઇ રહ્યો હોય તેમ પવનના સૂસવાટ કાનમાં સાદ દઇ રહ્યાં છે. અડોઅડ બેસેલા હોવા છતાં એકમેકનો અવાજ સાંભળવો અઘરો બની રહ્યો છે. પ્રકૃતિ ધરતીને  ધમરોળવા શણગાર સજી રહી છે  કે  પોતાના આયુધ તૈયાર કરી રહી છે  એ સમજાતું નહોતું. અમારી નિયતિમાં  તો  આ પળે હતી પ્રતીક્ષા માત્ર અને માત્ર પ્રતીક્ષા..

કેવું અને  કેટલું ભયાનક સ્વરૂપ હશે આ ફેલિનનું તેની અટકળો સતત ચાલુ હતી. ગોપાલપુર, બહેરામપુર અને પારાદીપ..અને આ ત્રણે સ્થળો કંઇ એકમેકથી એવા દૂર તો નથી જ. એકની અસર બીજા પર થવાની જ ને ?                 

 ક્ષણે ક્ષણે વૃક્ષોનું એ નર્તન,  થરથરાટ  વધી રહ્યો છે. પ્રતિક્ષણ  વર્ધમાનમ ..નારદસૂત્રની યાદ મનમાં કયાંથી ઉમટી આવી છે ? આસમાનનો ગભારો ફાટી પડયો છે. સાંબેલાધાર વરસાદ કોને કહેવાય  એની જાણ આ પળે થઇ રહી છે. આભ એની નવલખ ધારે રોઇ ઉઠયું છે કે શું ?  વરસાદ આવે અને ભીંજાવા અચૂક બહાર નીકળનાર અમે આજે કેમ એક ઓરડામાં ભરાઇ ગયા છીએ ? પવનની લહેરખી સાથે આ જ  વૃક્ષો કેવા મત્ત બનીને ઝૂમી ઉઠતા,  મજાનો શીતલ વીંઝણો  અમારી ઉપર  ઢોળતા  અને રૂંવે રૂંવે  રોમાંચની લીલીછમ્મ  કૂંપળો  ફૂટી નીકળતી…એ બધું કયાં ? કયાં ખોવાઇ ગયું એ બધું ?  ભીની માટીની મીઠી ગંધ અત્યારે કેમ નથી અનુભવાતી ? સામસામે ઉભેલા વૃક્ષો વાયરાને સંગે એકબીજાને ભેટીને કેવી રૂડી વિથીકા રચી દેતા..આજે એકબીજાને ભેટવાને બદલે જાણે એકમેક સાથે અથડાઇને રણે ચડયા છે. આવી જાવ..આજે જોઇ લઇએ તમને.. એકબીજાને એવું  આહવાન એકબીજાને આપી રહ્યા છે કે શું ? 

પવનનું નામ આજે વંટોળિયો ..ખતરનાક,ભયાનક  વંટોળીયો બની ગયું છે.

 “ એક તિનકેને,

 કિસી તૂફાનકે સાથ

ઉડકર જબ લિયા, આકાશ છૂ..”

 આજે અમે પણ પવનની સાથે ઊડીને આભને આંબી જવાના કે શું ? કદી પાછું ન ફરી શકાય એવી રીતે આંબવા માટે હજુ તૈયાર નહોતા. પણ તૈયાર કે વગર તૈયાર એમાં કયાં કોઇનું ચાલતું હોય છે ?  અમારું પણ નહોતું  ચાલવાનું એની જાણ જ કદાચ મનને અસ્વસ્થ બનાવતી હતી.

  અમારી પારાદીપની રળિયામણી ટાઉનશીપે આજે  વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. જે વૃક્ષોએ આજ સુધી આનંદ આપ્યો છે, અમને લીલાછમ્મ રાખ્યા છે. એનો જ આજે ભય લાગતો હતો. “ જે પોષતું તે મારતું. “ કવિ કલાપી યાદ આવ્યા સિવાય કેમ રહે ? પવનના ફૂંફાડાથી થરથર ધ્રૂજતા, આખ્ખે આખ્ખા લહેરાતા એ ઝાડવાઓ કોઇ પણ પળે જમીનદોસ્ત થવાના એની ખાત્રી હતી.

અચાનક નજર સામે દેખાય છે સામેની કયારીમાં ઉભેલા  ગુલાબના ટચુકડા છોડવાઓ પર…અહો આશ્વર્યમ… એ તો નિરાંતવા જીવે લહેરાઇ રહ્યાં હતાં. તોફાન સામે એ તો ઝૂકી જવાના.. વાયુદેવને નમન કરીને બચી જવાના..જે ઉપર ચડયા જ નથી એમને વળી પડવાનો ડર કેવો ?

 ઘરબાર  છોડીને  તોફાનની પ્રતીક્ષા કરતી નિતાંત એકલી બેઠી છું.પતિદેવ અહી તાત્કાલિક ઉભા કરાયેલા કંટ્રોલરૂમમાં વ્યસ્ત છે. અમારી પી.પી.એલ.ની ટાઉનશીપના ફાઇવ સ્ટાર હોટેલ જેવા સરસ મજાના  ગેસ્ટ હાઉસમાં છું પણ  જાણે નિર્વાસિતની છાવણીમાં નોધારી બેઠી હોઉં એવી સંવેદના ભીતરમાં જાગી રહી છે. સાથે સાથે મનમાં પ્રશ્ન પણ જાગે છે..કે સરકારી રાહત કેમ્પમાં, જયાં ખાસ કોઇ સાધન સગવડ નથી હોતા ત્યાં મજબૂરીથી  ઘર છોડીને જતા અસંખ્ય લોકોને  કેવી ફીલીંગ થતી હશે ?  પાંચ લાખ લોકોનું સ્થળાંતર એટલે શું ? એ આ ક્ષણે સમજાઇ રહ્યું છે.  ગરીબ હોય કે અમીર, નાનું હોય કે મોટું ઘર છોડવાની  સંવેદના તો દરેકના મનની સરખી જ હોવાની ને ? તોફાન શમી ગયા પછી  જયારે એ લોકો પાછા ફરશે ત્યારે જેને ઘરનું નામ આપ્યું હતું એ ઘરને શોધવા બહાવરી આંખો ચારે તરફ ઘૂમી વળશે..અને  જીવંત ઘરને બદલે સીધી સપાટ જગ્યા જોઇને તેમના મનમાં કેવી અનુભૂતિ જાગશે  ? ખોરડા મટીને  ખંડેર બનવું એ જ તેમની નિયતિ.  તેમના કાચા મકાનો આ તોફાન સામે થોડા જ ઝિંક ઝિલી શકવાના હતા ?

ચક્રવાતે ફૂંકયો મંતર મંતર…

અણુ અણુએ જાગે કંપન કંપન..

ટીવી.માં સતત દેખાડાતા સમાચાર જોઇને સાત સાગર પાર રહેલા સંતાનોના, સ્વજનોના, કે નજીકના મિત્રોના જ નહીં પણ એ સિવાય બીજા અનેક ન  કલ્પેલા મિત્રોના, મહાનુભાવોના ફોન અમારી આશાના દીપમાં શ્રધ્ધાનું દીવેલ પૂરતા રહ્યા.મારા પ્રિય લેખક ધ્રુવ ભટ્ટ,  શરીફાબહેન વીજળીવાળા,, હરીશ્ચન્દ્રભાઇ જોશી, વિષ્ણૂ પંડયા, અરૂણાબહેન જાડેજા,જયંતભાઇ મેઘાણી, તરૂબેન કજારિયા, હર્ષદ ત્રિવેદી, યોગેશ જોશી, અલકેશ પટેલ, ડો,કીર્તિ ચુડાસમા,ડો.સ્વાતિબેન પોપટ,  બિંદુબેન ભટ કે સતીષ ડણાક..કેટકેટલા નામો ગણાવું ?  આવા અનેક  નામો સ્વજન બનીને દૂરથી શબ્દો વડે હૂંફ  આપી એક સધિયારો આપતા રહ્યા. અમે પોતે કે કોઇ જ સ્વજન કશું કરી શકે તેમ નથી એ જાણવા છતાં એ સધિયારો નાનોસૂનો નહોતો. દૂર હોવા છતાં વહાલભરી ચિંતા કરતા  આટલા બધા સ્વજનો, મિત્રો  અમારી સાથે છે એ વાત એક   શાતા જરૂર આપી રહી  છે. અલબત્ત  વાત કરવામાં , ફોન વાપરવામાં પૂરી કંજૂસાઇ કરવી પડે તેમ છે. એકવાર ફેલિનની અહીં પધરામણી થઇ જશે, જમીનને સ્પર્શી જશે પછી વીજળી ગૂલ થઇ જવાની, મોબાઇલ ફોન બંધ થઇ જવાના એની જાણ છે. બધાને આગોતરું કહી દીધું છે કે હવે કોઇ પણ ક્ષણે ફોન ન લાગે, કોઇ સંપર્ક ન થાય તો ચિંતા ન કરશો..શકય બનશે ત્યારે અમે જાતે જ સંપર્ક કરીશું. પવન અને ધરાનું મિલન કેટલું ભયાનક નીવડશે એની અટકળો સતત ટીવી પર ચાલુ છે.

1999માં આવેલા આ ફેલિને 15000 માણસોને ચિર નિદ્રામાં પહોંચાડી દીધા હતા અને કાળો કેર વર્તાવ્યો હતો એની યાદ હજુ લોકોના મનમાં જીવંત છે. આ વખતે આધુનિક ટેકનોલોજીએ આગોતરી જાણ કરી દીધી છે. દર એક કિલોમીટરના અંતરે સરકારે રાહત કેમ્પ ઉભા કર્યા છે. પણ લોકોને પોતાનું ઘર છોડાવવું કંઇ સહેલું નથી જ. નાનું ખોરડું હોય કે તૂટીફૂટી ઝૂંપડી..દરેક માટે એ એનો નાનો સરખો વિસામો છે.

 ભૂગોળની કિતાબમાં ન એનું નામ છે,

મામૂલી ભલે રહ્યો, એ અમારો મુકામ છે.

 કયાંક વાંચેલી આવી કોઇ પંક્તિ યાદ આવી રહી છે. 

એ વિસામાને છેલ્લી વાર જોઇએ છીએ..એ ભાન સાથે એને છોડવો કંઇ સહેલી વાત નથી જ. પણ છોડયા સિવાય છૂટકો પણ કયાં છે ?

મન આવા અનેક વિચારોમાં ગોથા ખાઇ રહ્યું છે.

બરાબર એ જ ક્ષણે  આકાશમાં જોરદાર  વીજળી ઝબૂકી ઉઠી. જાણે ઇશ્વરે પોતાના હસ્તાક્ષર કર્યા..પોતાની મંજૂરીનું મત્તુ માર્યું. કયા દસ્તાવેજ પર ? જીવનના, મરણના કે વિનાશના ?

જે હોય તે..પણ એ રૂપેરી ઝબકારમાં મનનો બધો વિષાદ, બધો ડર કયાંયે છૂમંતર થઇ ગયો.  જાણે વીજળીના ઝબકારે ભીતરમાં આસ્થાનું પરમ  મોતી પરોવાઇ ગયું.  

 જિંદગી દુઃખમાં વધુ ઝળહળતી લાગે છે.

નદીમાં પથ્થર હો તો ખળખળતી લાગે છે.

કોણે લખેલું છે એ તો આ ક્ષણે યાદ નથી આવતું. પણ આવી અનેક વાતો મેં પણ મારા અનેક લેખોમાં કયાં નથી કરી ? એ હું કેમ ભૂલી જાઉં છું ?

 આજની ઘડી રળિયામણી.આજ સુધી અનેક લેખોમાં અતીત કે ભાવિની ચિંતા છોડીને આજની ક્ષણને માણવાની સૂફિયાણી સલાહો અન્યને આપી છે. પાનખર પછી વસંત અને વિનાશ પછી જ નવસર્જનની દિવ્ય પળો આવે છે એ બધી વાતો ગાઇ વગાડીને  કહી છે. આજે  એને જીવવાની ક્ષણ આવી છે ત્યારે હું પાછી પડીશ ?

 

ના..બિલકુલ નહીં. હવે મનમાં પ્રસન્નતા વ્યાપી રહી. હું હવે નચિંત બનીને નીતરતા આભલા નીચે એકલી એકલી દોડી ગઇ.  જમીન પર મજબૂત રીતે પગ ખોડીને  ઉભી રહી. હવે ઝાડવાઓ સાચ્ચે સાચ નર્તન કરતા હોય એવું અનુભવાયું. બે વરસ પહેલા નાયગ્રા ધોધના બેસૂમાર ઠલવાતા જળને  કેવા અદભૂત રોમાંચથી, આનંદની ચિચિયારી સાથે માથા પર ઝિલ્યું હતું  એનું સ્મરણ થઇ આવ્યું. આજે પણ  આસમાનમાંથી ધોધમાર ઠલવાતા જળને બે પાંચ ક્ષણ જરૂર ઝિલ્યા. અલબત્ત તુરત દોડીને નહીં પણ  ઉડીને અંદર આવવું પડયું.  

આમ પણ  જેમાં ઇશ્વરના હસ્તાક્ષર હોય એને હસીને સ્વીકારવા જ જોઇએ ને ? જે   વસંતનો વૈભવ આપી શકે છે એ કવચિત રૌદ્ર રૂપ દર્શાવે તો એના  સ્વીકારમાં  ફરિયાદ શાને ? શાપ કે વરદાન દરેકનો સહજ સ્વીકાર. ધાર્યું ધણીનું થાય..રક્ષા કરવાવાળો એ બેઠો છે. આવું આજ સુધી રટયું છે. આ પળે શું એ ભૂલી જવાનું ? ઇશ્વરના દરેક કાર્ય પાછળ કોઇ શુભ સંકેત જ સમાયેલો હોય છે. પણ  દરેક વખતે એ સમજી શકવાનું આપણું ગજુ કયાં ? એ માટે આપણો પનો કદાચ ટૂંકો પડે છે.

આપત્તિ તો આવશે પણ એ પછી માનવતાની સરવાણી પણ અચૂક વહેશે. બની શકે થીજી ગયેલી , ઠીંગરાઇ ગયેલી માનવીની ચેતના સંકોરવાની ઇશ્વરની આ યોજના હોય.

કયાંક વાંચેલી એક નાનકડી વાત યાદ આવે છે. એક રાજા પોતે જે ખાય તે પહેલા પોતાના એક પ્રિય  નોકરને આપતો. નોકર ચાખે, વખાણે અને પછી રાજા ખાય. એકવાર રાજાએ તેને કાકડી આપી.કાકડી એકદમ  કડવી હતી પણ નોકરે તો હમેશની મુજબ જ પ્રસન્ન ચહેરે, સ્મિત સાથે ખાઇને વખાણ કર્યા. જયારે રાજાએ ખાધી ત્યારે કડવી લાગી એથી નોકરને પૂછયું,

નોકરે જવાબ આપ્યો.. આજ સુધી તમે આપેલી મીઠી, સારી વસ્તુઓ અનેક વાર ખાઇને આનંદ  માણ્યો છે તો કદીક કોઇ કડવી વસ્તુ આવી જાય તો એમાં હું મોં કેમ બગાડી શકું ?

બસ…

ભીતર આખં ઝળાંહળાં…

જે ગમે જગતગુરૂ દેવ જગદીશને..નરસિંહના પદના સ્મરણે રહ્યો સહ્યો ભય પણ ખંખેરી નાખ્યો.

તોફાન આવ્યા પહેલાની આ પળૉ છે. તોફાનના વરતારા વાતાવરણમાં ફરી વળ્યા છે. પવન, વરસાદ, અંધકારનું જોર બરાબરનું જામ્યું છે.

મુશળની ધારે વરસ,

વરસાદ કંઇ માપીને વરસે નહીં.

દિલીપ જોશીનું કાવ્ય એ સાંભળી ગયું હોય તેમ બસ આંખ મીંચીને વરસવા મંડી પડયું છે.

આજની રાતને કોઇ  કયામતની રાત કહે છે તો કોઇ કાળરાત્રિ કહે છે.   જે નામ આપો તે..કાલની સવાર કેવી ઉગશે.એની આ પળે જાણ નથી. સવાર તો પડશે જ..પણ મેઘરાજા હમણાં  થોડા દિવસો  સૂરજદાદાને બંદીવાન જ રાખવાના એની જાણ છે. કે પછી કદાચ સૂરજદેવનું દિલ  કોમળ, મુલાયમ છે.  તોફાન પછી લોકોની હાલત જોઇ શકે તેમ નથી. એથી થોડા દિવસો અંતર્ધ્યાન જ રહેવાના.. દેખવું યે નહીં ને દાઝવું યે નહીં એવી કોઇ ભાવના હશે ?

માનવીમાત્રમાં દૈવી અને આસુરી બંને વૃતિ એકીસાથે ઉછરતી હોય છે.  એક જ માનવીમાં શેતાન અને દેવદૂત બંનેનો વાસ છે. એ વાતની સાક્ષી સારા, ખરાબ દરેક સમયે મળતી રહે છે. અહીં પણ એ કેમ દેખા ન દે ?

આવે સમયે પણ માણસો પોતાના અમુક આગ્રહો કે પોતાનો સ્વભાવ છોડી નથી શકતા એનું આશ્વર્ય  થાય છે. આજે અહીં અમારી ટાઉનશીપમાં લગભગ 1500 કામદારોને  હોસ્પીટલ અને સ્કૂલમાં ઉતારો અપાયો છે. તેમના કાચા મકાનોમાંથી  ખસેડીને તેમની સલામતી માટે બધી વ્યવસ્થા અમારી  કંપનીએ કરી છે. બે દિવસથી તેમને ત્રણ ટાઇમ જમવાનું અને ચા, નાસ્તો બધું મળી રહે એની તકેદારી રખાઇ છે. તેમની સેવા માટે એક આખી કમિટી નીમી છે. આજે બપોરે તેમને ખીચડી અને શાક આપ્યા ત્યારે તેમણે ધમાલ મચાવી દીધી.ખાવાનો બહિષ્કાર કર્યો. તમે બધા શું ખાવ છો એ અમારે જોવું છે. અમારે  દાળ ભાત જ જોઇએ તેવી માગણી કરી. 1500 માણસોની ખીચડી   નકામી ગઇ અને ફરીથી દાળ ભાત બનાવવા પડયા..બિસ્કીટના પેકેટ અને પૌંઆ,  વગેરે પૂરા પાડવા પડયા. આવા તોફાનમાં આટલા માણસો માટે બનાવવાનું,પર્યાપ્ત પૂરવઠો ભેગો કરી રાખવો એ બધું કંઇ આસાન નહોતું જ. જેમને ઘેર બે ટંક પેટપૂરતું ખાવાના પણ સાંસા હતા એ લોકોની આવે સમયે આવી વૃતિ  કેમેય સમજાતી નથી કે ગળે નથી ઉતરતી. 

તો સિક્કાની બીજી બાજુ પણ દેખા દે જ છે. અનેક લોકો, લશ્કરના માણસો વરસતા વરસાદમાં, તોફાનની પરવા કર્યા સિવાય જાનના જોખમે લોકોને ખસેડવામાં, તેમને જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં જાતને ભૂલીને અનેક જગ્યાએ ફરી વળ્યા છે.અમારી જ કોલોનીના ઓફિસર એક ગંભીર બીમાર દર્દીને  પોતાના જાનની પરવા કર્યા હોસ્પીટલમાં પહોંચાડવા તત્પર છે.

આજ સુધી ટી.વી.માં કુદરતના આ ભયાનક રૂપ અનેકવાર જોયું હતું. પરંતુ ટીવી.માં કોઇ દ્રશ્ય જોવું અને એ જાતે અનુભવવું એ બંનેમાં આભ જમીનનો તફાવત છે એ આ ક્ષણે સમજાઇ રહ્યું છે.

જીવન કભી ઠહરતા નહીં,આંધી ઔર તૂફાનસે રૂકતા નહીં હૈ..

ઇદમ અપિ ગમિષ્યતિ..આ દિવસો, આ ક્ષણો પણ ચાલી જશે..તોતીંગ વૃક્ષો ભલે પડી જશે પણ નવી,મખમલી  કૂંપળો અવશ્ય હાઉકલી કરી રહેશે.

 વાવાઝોડાના થોડા કલાકો પહેલા આ લખી રહી છું. જીવતા રહ્યા તો તોફાન પછીની ક્ષણોની વાત કદીક જરૂર કરીશ.  

બસ હવે પ્રતીક્ષા..કુદરતની સંહારલીલાની અને પછી ચાલુ થશે સર્જન પ્રક્રિયા…બચાવ કાર્ય ,રાહત કાર્યો ચાલુ થશે અને જીવન ખળખળ વહેતા ઝરણાની માફક ફરી એકવાર વહેતું રહેશે.  

 સર્જન ને સંહાર,

ઊભા હારોહાર,

અનંતને દરબાર.

 દોસ્તો, આપ સૌના સ્નેહને સલામ સાથે સ્મરીને હવે આવનાર ચક્રવાતની પ્રતીક્ષામાં.

( published in shabdsrushti jan.2014 ) 

5 thoughts on “વાત એક વસમી પ્રતીક્ષાની..

 1. નીલમબે…..ન !
  અત્યંત સંવેદનશીલ અને બહુજ રોમાંચક….આવી પરિસ્થિતિમાં પણ, માણસના સ્વભાવ,વૃત્તિ અને વહેવારનાં તાદૄશ શબ્દચિત્રીકરણથી માત્ર વાંચીને ય જાણે ક્યાંક આસપાસમાં જ હોઇએ એવું અનુભવાયું ત્યારે, તમે તો ખરેખર એ વેદના,સંવેદના વચ્ચે સમય પસાર કર્યો……ઈશ્વર સહુનું ધ્યાન રાખે છે અને સહુને ધ્યાનમાં પણ રાખે છે…!

  Like

 2. નિલમબહેન
  અત્યંત તાદ્રશ સંવેદના ભરપૂર ,પ્રતીક્ષા લેખ વાંચ્યો ,વાંચતા ઘણીવાર આંખ ભીની થૈ,..પ્રભુ આવી પ્રતીક્ષા ફરી ના કરવે એજ પ્રાર્થના.

  Like

 3. ખરું લખ્યું છે, ટીવીમાં જોવું અને જાતે નજર સામે અનુભવવું એ બન્ને વચ્ચે આસમાન જમીનનો તફાવત છે…. અત્યંત તાદ્રશ સંવેદના ભરપૂર ,પ્રતીક્ષા લેખ વાંચ્યો ,વાંચતા ઘણીવાર આંખ ભીની થઈ આવી,..પ્રભુ આવી પ્રતીક્ષા ફરી ના કરાવે એજ પ્રાર્થના. આગળ શું થયું તે પણ તમે લખ્યું જ હશે, તેની લીંક મોકલાવ્શો…???

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s