હાશકારો..

હાશકારો..  

વ્હીસલ વાગી અને ગાડી ઉપડી. છેલ્લી ઘડીએ ચડવાવાળા મુસાફરો  રઘવાયા  બનીને દોડી રહ્યા. ટ્રેનમાં ચડતા જ રીવાની નજર આસપાસ ફરી વળી. આજકાલ  તો સેકન્ડ એ.સી.ના ડબ્બામાં પણ આલતુ ફાલતુ મુસાફરો ચડતા હોય છે. બાજુમાં કોણ આવશે ?  ‘ જે આવે તે. મારે શું ? ’  બેફિકરાઇથી બારી પાસે બેસતા રીવા બબડી.

ત્યાં એક આધેડ વયના બહેન અને અને એની સાથે લગભગ રીવા  જેવડી જ એક યુવતી બંને  હાંફતા હાંફતા ચડયા. સીટ નીચે સામાન મૂકી  હાશ કરીને  રીવાની બરાબર સામે  ગોઠવાયા.

 ‘ બિંદી, તને કેટલી વાર કહ્યું છે કે ઘેરથી થોડા વહેલા નીકળીએ. પણ મારું સાંભળે  કોણ ? જોયુંને પછી છેલ્લી ઘડીએ કેવી દોડાદોડી  થઇ ? ‘  

‘ પહોંચી તો ગયા ને ? મારી મા.. હવે બંધ કર.. હવેથી આગલે દિવસે  સ્ટેશને આવીને બેસી જશું.. ઓકે ?’  કહેતા બિંદી  નખરાળું હસી પડી.

રીવાએ એક મેગેઝિન કાઢયું. જોકે વાંચવાની બહું તત્પરતા દેખાઇ નહીં. થોડીવાર બારીના કાચમાંથી બહાર જોવાનો પ્રયત્ન કર્યો. પણ આકાશમાં કાળા વાદળોએ ઘેરો ઘાલ્યો હતો. ગગનના ઝરૂખે પણ ઉદાસી  છવાઇ હતી. રીવાના મનનું પ્રતિબિંબ પાડતું  હતું કે શું ?  રીવાને થયું.. એ.સી. કોચની આ જ તકલીફ..કાચ ઉઘડે તો હવાની લહેરખીઓ આવે કે  દોડી જતા ઝાડવા સાથે અલપઝલપ વાત થઇ શકે. પણ અહીં તો નરી એકલતા..

 એકાએક  રીવા ઉભી થઇ. ટ્રેનના બારણા પાસે જઇને ઊભી રહી. કશુંક અવલોકન કરતી હોય એમ આસપાસ જોતી રહી.  થોડીવાર બારણા પાસે ઉભી કંઇક બબડતી ફરીથી  પોતાની જગ્યાએ ગોઠવાઇ.  

‘ ખરી છે આ છોડી.. જરીયે જંપ નથી. ‘ મા બબડી.

‘ જે હોય તે..એના પગે આવ જા કરે છે ને ? તને શું તકલીફ પડી ? એને  જોઇને તારા ગોઠણ નથી દુ:ખવાના. એ તો આપણે જાતે ચાલીએ તો જ દુખે..એટલે તું એની ચિંતા  કર્યા સિવાય ડબલા ડૂબલી ખોલીને તારું  રસોડું ચાલુ કર  તો કંઇક મજા આવે. એ સિવાય ટ્રેનની મુસાફરી કરી હોય એવું લાગે જ નહીં.

માએ  થેલામાંથી થેપલાનો ડબ્બો અને બટાટાની સૂકી ભાજી, અથાણું..વઘારેલા સેવ મમરા… જાતજાતની વસ્તુઓ કાઢી. એક પેપર પાથરી તેના પર ઢગલો કર્યો.

‘ મમ્મી, પેપર પ્લેટ લેતા ભૂલી ગઇને ? ‘

‘ અમને તો છાપા જ યાદ આવે. પ્લેટુની ટેવ નહીં ને..તારે યાદ રાખવું હતું ને ? ‘

‘ તે રાખ્યું જ છે. કંઇ તારા ભરોસે  નથી રહી. કહેતા બિંદીએ હસીને પેપર પ્લેટ કાઢી.

ત્યાં રીવા ફરીથી પોતાની જગ્યાએ ગોઠવાઇ..

માએ એક પેપર પ્લેટમાં  રીવાને પણ સહજતાથી  થેપલા, શાક આપ્યા..

 રીવાએ  ઇન્કાર  કર્યો..  

‘ અરે, બેટા,  ના ન પડાય..  અહીં તો આપણે સૌ પ્રવાસીઓ. ઘડીભરની આવનજાવન..  આ તો પંખીનો  માળૉ. ‘

  જૂની પુરાણી ફિલસૂફી  કાને અથડાઇ. રીવાનો  હાથ તો યે  ન લંબાયો.

’  તું તો અમારી આ બિંદી જેવી જ  કહેવાય. લઇ લે બેટા. તને મૂકીને અમે ખાઇએ એ કંઇ સારું ન લાગે.’   

‘ મમ્મી, એમ અજાણ્યા લોકો પાસેથી આજકાલ ટ્રેનમાં કોઇ તારા થેપલા લે નહીં. આજકાલ કેવા કિસ્સા બનતા હોય છે  ? ‘

‘ અરે, આપણે કંઇ….’   

વાકય પૂરું થાય  તે પહેલા જ રીવા બોલી  ઉઠી. 

‘ ના..ના આંટી..એવું નથી. બધા કંઇ એવા  થોડા હોય ? ‘

‘ તો પછી લે ને બેટા..નામ શું તારું? ’    

 રીવાએ આંટીની આંખમાં જોયું. ન જાણે શું  દેખાયું. તેણે ચૂપચાપ  પ્લેટ હાથમાં લીધી..

‘ થેંકયુ આંટી..અને હા, મારું નામ રીવા છે. ’  

 રીવાને ખાવાનું  જરાયે મન નહોતું. પણ  કોઇ મોટેરાનું દિલ દૂભાવવાનું મન ન થયું. ખાસ કરીને આજે તો નહીં જ.. આમ પણ મન વિનાની કેટકેટલી વાતો જીવનમાં  કરાતી જ આવી છે ને ? છેલ્લી એક  વાર વધારે..શો ફરક પડે છે ?

પણ  એકાદ ટુકડો ખાધો..ત્યાં શાકનો સ્વાદ ગમી ગયો. અને નહોતું ખાવું તો પણ આપોઆપ પ્લેટ ખાલી થઇ. 

’ બેટા, એકલી જ છો ? મુંબઇ જાય છે  ? ‘

રીવાનું  માથું હકારમાં  જરીક અમથું હલ્યું.  

‘ સારું..સારું.. આજકાલ તો છોકરીઓ યે એકલી ફરે છે. અમારા જમાનામાં તો ..’

’ બસ..મમ્મી હવે અમારા જમાનામાં.. આ શબ્દ જો બોલી,  તો તું  ઘરડી છે એ આપોઆપ સાબિત થઇ જશે..’

બોલતી  બિંદી હસી પડી.  

‘ બોલ બેના,  હું એવી ઘરડી લાગું છું ? ‘  

‘ ના રે આંટી, તમે તો સરસ દેખાવ છો. બિલકુલ મારી મમ્મી જેવા.. અને..

અચાનક રીવા અટકી ગઇ. જાણે કંઇક ન બોલવાનું બોલી નાખ્યું હોય તેમ …

ત્યાં તેનો મોબાઇલ રણકયો. રીવાએ એક નજર નંબર પર નાખી.. ફોન ઉપાડવાને બદલે  સ્વીચ ઓફ કરી નાખી. આંટી  કશુંક બોલવા જતા હતા ત્યાં દીકરીએ તેનો હાથ હળવેથી  દાબી માને રોકી.

એકીટશે રીવાને નીરખતી બિંદીની નજર જાણે  રીવાને  વાંચી રહી હતી.

રીવાએ આંખો  બંધ કરી. પાંપણે આવતા પાણીને  રોકી રાખવા મથતી હોય તેમ હોઠ સખતાઇથી ભીડાયા. કશુંક ગળે ઉતારવા મથી રહી.

થોડી વારે તે ફરીથી ઉભી થઇને દરવાજા તરફ ચાલી. તેના  ખોળામાનું મેગેઝિન નીચે પડી ગયું..એનું યે ધ્યાન ન રહ્યું.

બિંદીએ  પડી ગયેલું મેગેઝિન  ઉપાડયું. રીવાની સીટ પર મૂકવા જતી  હતી  ત્યાં મેગેઝિનમાંથી ગડી વાળેલો એક કાગળ નીચે સરકી પડયો.  કાગળ ફરીથી મેગેઝિનમાં મૂકવા જતી હતી ત્યાં કાગળ ઉપર લખાયેલા બે શબ્દોએ તેનું ધ્યાન ખેંચ્યું.  તેણે ઝડપથી કાગળ  ખોલ્યો. નજર કાગળ પર ફરી રહી. કાગળ કંઇ બહું મોટૉ નહોતો. તેણે  કાગળ માના હાથમાં  મૂકયો. માએ પણ વાંચ્યો. તેનો ચહેરો  ગંભીર બની ગયો. કંઇક બોલવા જતી હતી ત્યાં બિંદીએ ચૂપ રહેવાનો ઇશારો કર્યો. અને ઝડપથી કાગળ ફરીથી મેગેઝિનમાં  મૂકી દીધો. મેગેઝિન જગ્યાએ  મૂકી,  માને બેસી  રહેવાની નિશાની કરી  તે  ઊભી થઇ અને  અને  ઝડપથી  ડબ્બાના દરવાજા પાસે પહોંચી.

 રીવા  બારણા પાસે કોઇ વિચારોમાં ઉભી હતી. બાજુમાં બીજા પણ બે ચાર જણા ઊભા હતા. કદાચ પોતાનું સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં. રીવાના ચહેરા ઉપર આ  બધાની હાજરીનો સાફ અણગમો ઝલકતો હતો..

રીવાને જોઇ  બિંદીએ એક નિરાંતવો શ્વાસ લીધો. હાશ!

 હવે બિંદી દરવાજાની એકદમ નજીક જઇને ઊભી. રીવાનું ધ્યાન તેના પર પડયું.  તે બિંદી સામે જોઇ ફિક્કુ હસી.. બિંદીનો  ચહેરો એવો જ ગંભીર રહ્યો. જાણે કશુંક નિરીક્ષણ કરતી હોય તેમ દરવાજાની બહાર જોયું..

‘ ના..સ્ટેશન આવતું લાગે છે. આ યોગ્ય સમય ન કહેવાય..’ બિંદી ધીમેથી બબડી .

  રીવાના કાન ચમકયા. તેના ચહેરા પર હવે આશ્વર્યની રેખાઓ ફરી વળી..કશું બોલી નહીં. પણ હવે તે ધ્યાનથી બિંદીનું, .તેની એક એક ક્રિયાનું  અવલોકન કરી રહી.  બિંદી એકાદ મુસાફરને ધક્કો મારી સાવ બારણા પાસે આવી ગઇ.  આ છોકરી હમણાં કદાચ ઝંપલાવી દેશે કે શું ? રીવાથી બિંદીનો હાથ પકડાઇ ગયો. બિંદીએ પોતાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. પણ રીવાએ મચક ન આપી.

ત્યાં સ્ટેશન આવતા ગાડી ઊભી રહી. ચડવાવાળાઓના ધક્કો લાગવાથી બિંદી અને રીવા બંને અંદરની  તરફ ધકેલાયા.  

‘ મારો હાથ કેમ પકડયો ? ‘  બિંદીએ કહ્યું.

‘ તમે  બહાર એવી  રીતે નમીને જોતા હતા કે મને બીક લાગી કે કયાંક પડી  જશો તો ? ‘

તો શું ?

રીવા ચમકી..  

‘ શું કરવું  છે આ છોકરીને ? શું તે યે ?

 રીવા આગળ કશું વિચારે તે પહેલાં તેની નજર બિન્દી પર..

બિન્દી બહાર ઝંપલાવવા જતી હતી.પણ…પાછળથી રીવાએ તેને મજબૂત રીતે પકડી લીધી.

’ શું કરે છે બિંદી ? ‘  

મને છોડ રીવા..પ્લીઝ..

અરે, પાગલ થઇ છે કે શું ??

તને ભાન છે કે શું કરી રહી છે તું ?

હા..ભાન છે.. અને એટલે જ ..

શું ભાન છે ? તને ભાન છે કે  આ તું  શું કરી રહી છે ?

હા..મને ભાન છે. જીવનમાં આમ પણ બચ્યું યે શું છે ?

તારા આવા કોઇ  પગલાથી આંટીને.. તારી મમ્મીને કેવું દુ:ખ થશે એનો વિચાર કર્યો છે ?  આંટી કેટલા પ્રેમાળ છે એ હું  આ થોડા સમયમાં પણ જાંઈ શકી છું.  

‘ હા.. પણ મારા જીવનથી જે દુ:ખ થશે એના કરતા મોતથી ઓછું દુ:ખ થશે. એ પ્રેમાળ મમ્મીને હજુ કોઇ વાતની ખબર નથી એટલે..જાણ થશે એટલે એ જ કહેવાની કે આના  કરતા મરી ગઇ હોત તો  વધારે સારું થાત.’  

‘ એવું બધું શું છે ? કોઇ મા એવું ન કહે..’  

 બોલાઇ ગયા પછી  રીવા  એકદમ અચકાઇ.

‘ રીવા, પ્લીઝ મને છોડી દે..મને જવા દે..’  

‘ એટલે કે  મરવા  દઉં ? મારી નજર સામે  કોઇ  ઠેકડો મારે અને હું જોતી ઊભી રહું..કે હા, બેન, તું તારે સુખેથી સિધાવ એમ ? મારી જગ્યાએ તું હોય તો તું પણ  મને ન મરવા દે..’

‘ રીવા પ્લીઝ..તું મારા વિશે.. મારા સંજોગો વિશે કંઇ નથી જાણતી.’  

‘ સંજોગો વિશે નથી જાણતી ..પણ તારી સાથે તારી પ્રેમાળ મમ્મી છે એટલી મને જાણ છે જ..’  

‘ એ પ્રેમાળ મમ્મીનો પ્રેમ  દીકરી કોઇ ભૂલ કરી બેસે ત્યારે વરાળ થઇને કેવો ઊડી જાય છે  એ તને નહીં સમજાય રીવા..  જીવનના અમુક સત્યો  જાત અનુભવ સિવાય કદી સમજાતા નથી.  રીવા, પ્લીઝ મને જવા દે.. મારે  માટે એક જ રસ્તો બચ્યો છે.’  

રીવા એકાદ પળ અચકાઇ. કદાચ શું બોલવું તે સમજાતું નહોતું.

  બિંદીએ રીવાને  ધક્કો મારી નીચે ઝંપલાવવાની ફરીથી  એક નાકામ કોશિશ કરી જોઇ.  

રીવાએ બિંદીને ઝંઝોડી નાખી. અને જાણે માતાજી આવ્યા હોય એમ  એકીશ્વાસે બોલતી રહી. .

‘ બિંદી, દીકરી એવી કોઇ ભૂલ કરે ત્યારે મા ખીજાતી  ચોક્કસ હશે. કદાચ ન બોલવાના આકરા બોલ પણ બોલી જતી હશે.. પણ એની પાછળ એના ગુસ્સા કરતા એની વેદના..એની પીડા જ વધારે હોય છે. અને આપણા જીવન પર ફકત આપણા એકલાનો જ હક્ક  હોય છે ? બિંદી, જીવન એટલું સસ્તું નથી. અને… ’  

‘  રીવાએ નાનું સરખું લેકચર જ કરી નાખ્યું.

બિંદી રડી પડી. ‘ રીવા, તારી વાત સાચી છે પણ  મારાથી સહન નથી થતું. નહીં થાય.  

‘ અને  તારા ગયા પછી  તારી મમ્મી, જીવનભર દીકરીને યાદ કરીને દુ:ખી થઇને રડતી રહેશે એ તારાથી  સહન થશે ? ગ્રેટ..બિંદી..’

‘ આપ મૂએ પીછે ડૂબ ગઇ દુનિયા..પાછળથી  મારે કયાં જોવાનું છે ? દેખવું  યે નહીં ને દાઝવું યે નહીં.’  

‘ મને ખબર નહોતી તું આટલી સ્વાર્થી હોઇશ.’  

‘ સ્વાર્થી ? ‘

‘ હા..સ્વાર્થી જ તો. મા  આકરા વેણ કહે એટલે એ ભલે દુ:ખી થાય હું તો આ ચાલી..મને તમે કહ્યું જ કેમ ? અમે ગમે તે ભૂલ કરીએ.. તમને કશું  કહેવાનો હક્ક નથી. એમ જ ને ? ‘

‘ ના..સાવ એવું તો નહીં  બિંદી જરીક  ગૂંચવાઇ. માબાપને ખીજાવાનો હક્ક તો ખરો જ. ‘   

‘ અને ખીજાયા પછી એ જ મા વહાલ કર્યા સિવાય રહી શકવાની ખરી ? ‘

રીવાએ પોતાની વાત ચાલુ રાખી. મન પર એક ઝનૂન સવાર થયું હતું. ગમે તેમ કરીને આ છોકરીને બચાવવી જ રહી. ખબર પડયા પછી આમ કંઇ કોઇને મરવા થોડું દેવાય ?

‘ રીવા..’  

‘ બિંદી, પ્લીઝ..મારી વાત પર વિચાર કર. બેન, જીવન બહું અણમોલ છે. અને દરેક પ્રશ્નનો ઉકેલ હોય જ છે. બસ શોધવો પડે..એટલું જ. આવતી કાલ કોઇ ચમત્કાર લઇને ઉગે એવી શકયતા નકારી કેમ શકાય ? અને આમ પણ મરી તો ગમે  ત્યારે  શકાય જ છે ને ? આવડી ઉતાવળ શું ?

‘ રીવા….બિંદીનો અવાજ ગળગળો બન્યો.

‘ બિંદી, હું તને એ નહીં પૂછું કે તું શું ભૂલ કરી બેઠી છો કે તારા સંજોગો કેવા છે ?  તારી અંગત વાતમાં માથું નહીં મારું..મને એવો કોઇ હક્ક નથી.  છતાં  એટલું ચોક્કસ જ કહીશ કે મમ્મી કે કોઇ પોતીકું સ્વજન  બોલે ત્યારે  મૌન રહીને સાંભળી લેવું. આપણી  ભૂલ થઇ હોય તો કબૂલ કરી  લેવી અને પછી માના ખોળામાં  માથું મૂકીને શરણાગતિ સ્વીકારી લેવી..

‘  બોલો,  હવે તમે  જ રસ્તો  બતાવો..ભૂલ તો મેં કરી જ છે. હવે તમે  કહે એમ હું કરું..જે સજા આપો  એ મને કબૂલ બસ..જીવન, મરણ બધું માને ખોળે સોંપી દેવું..’   

રીવા એકી શ્વાસે બોલી રહી.. તેના મનમાં આ  શું ઉઘડી  રહ્યું હતું ? પોતે આવું બોલી શકતી હતી ? વિચારી શકતી હતી ? આ બધું તે કહી રહી હતી ?

 ‘ થેંકયુ રીવા.. તેં મને આજે બચાવી લીધી. તારી વાત સાચી છે. હું સ્વાર્થી છું.  મેં ફકત મારો જ વિચાર કર્યો. મારા સ્વજનોનો નહીં.  મારી આત્મહત્યાથી મારા કુટુંબની કેવી બદનામી થાત..મારી નાની બહેનના લગ્નમાં  પણ કદાચ વિઘ્ન આવત.  મારી ભૂલની સજા મારા કુટુંબને હું આપતી હતી ?  રીવા, હું સાચું  કહું છું. હું આવી કાયર તો કદી નહોતી. ક્ષણિક આવેશમાં આવીને….નહીં રીવા, હું સામનો કરીશ..મોત માટે જે હિમત એકઠી કરી હતી એ  હિમત હવે જીવન માટે  વાપરીશ. રીવા, તારો ખૂબ ખૂબ આભાર..તારી આ વાત હું કદી નહીં ભૂલું.. કદી નહીં. રીવા, પ્લીઝ મારી મમ્મીને આ વાતનો અણસાર ન આવવો જોઇએ. એ ભાંગી પડશે. પ્લીઝ..રીવા..

કહેતા બિંદીએ પોતાની  આંખો  ફરી એકવાર લૂછી.અને પોતાનો હાથ લંબાવ્યો.

‘ ફ્રેંડ ? ‘

રીવાએ એ હાથમાં પોતાનો હાથ મૂકયો. હળવેથી દબાવ્યો. તેની આંખો પણ ભીની બની હતી.  તેના ચહેરા પર એક જિન્દગી બચાવાયાનો આનંદ..એક નશો  તરવરતો હતો. કોઇની જિન્દગી બચાવવી એટલે શું ? એ અનાયાસે સમજાયું હતું.

એકબીજાનો  હાથ પકડી બંને ધીમેથી પોતાની જગ્યાએ પાછા ફર્યા.

બિંદીની મમ્મી  ઉચાટ જીવે બેઠી હતી.   બિંદી આવતા જ તેણે પ્રશ્નાર્થભરી નજરે દીકરી સામે જોયું.  જવાબમાં માત્ર મમ્મી જ સમજી  શકે એવું નાનકડું વિજયી સ્મિત કરી બિંદીએ મા સામે આંખ મીંચકારી. માએ હાશ  કરી ફરીથી લંબાવી દીધું.

 બિંદી અને રીવા બંનેના મનમાં  એક હાશકારો છવાયો હતો.

 ઘેરાયેલું આકાશ ચોખ્ખું ચણાક બનીને નિરાંતવા જીવે વરસી પડયું. આકાશનો ગોરંભો છૂમંતર..   

 ગાડી દોડતી રહી. રીવાએ થોડી વારે પેલા મેગેઝિનમાંથી કાગળ કાઢયો. ફાડીને ઝીણા ઝીણા ટુકડા કર્યા. મોબાઇલની સ્વીચ ઓન કરી..

‘  હેલ્લો ….. ‘

( મમતા મેગેઝિન ડીસેમ્બર 2013 માં પ્રકાશિત )   

    

   

 

4 thoughts on “હાશકારો..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.