28 રૂણાનુબંધ..
યાયાવર ગાન છીએ આપણે
સમંદરને પાર જેનાં સરનામા હોય એવાં
વણજાણ્યા નામ છીએ આપણે…
બેટા ઓમ,
આજે સવારે પપ્પા એનો કપડાંનો કબાટ ખોલીને ઉભા હતા. હેંગરમાંથી પોતાનું કોઇ શર્ટ શોધી રહ્યા હતા..અને મળતું નહોતું. મને પૂછયું. મેં હસતા હસતા જવાબ આપ્યો કે એ તો શિકાગોના કબાટમાં પહોંચી ગયું.
એક યાદ..અને હું ને પપ્પા બંને ખડખડાટ હસી પડયા..યાદ છે ? તું મોટો થયા પછી કદીક પપ્પાના કબાટમાંથી તને કોઇ શર્ટ ગમતું દેખાય તો એ ઉપાડીને તું તારા કબાટમાં મૂકી દેતો..અને તને ન ગમતું કોઇ શર્ટ હોય તો એ પપ્પાના કબાટમાં ગોઠવાઇ જતું. હવે તો..’
તે હિ નો દિવસો ગતા : ‘
વચ્ચે એકવાર જૂના કપડાંના થપ્પામાંથી અચાનક તારી મરૂન કલરની સ્કૂલની ટાઇ હાથમાં આવી. ખબર નહીં કયા ખૂણે ભરાઇ રહી હશે. એમ જ ગાંઠ બાંધેલી સ્થિતિ આજે પણ અકબંધ હતી. હું એ ટાઇ હાથમાં લઇને કેટલીયે વાર એમ જ ઊભી રહી ગઇ. કે.પી.એસ.ની બ્લ્યુ રંગની ટાઇ અને હાઇસ્કૂલની મરુન રંગની. આજે એ ટાઇએ ઘણી વાતો..અતીતના અનેક દ્રશ્યો નજર સામે લાવી દીધા. વચ્ચેના વરસો ખરી પડયા. એ ટાઇએ મને ફરીને અતીતના એ સમયખંડમાં પહોંચાડી દીધી. અને વોટરબેગ અને દફતર ઝૂલાવતો દોડી જતો મારો નાનકડો બાબુ મારી સામે દેખાઇ રહ્યો. મારી આંખમાં ફરી એકવાર ભીના ભીના વાદળો છવાયા.
નજર સામે જ તું મોટૉ થયો હતો. પણ છતાં કયારે મોટો થઇ ગયો તે જાણે કદી સમજાયું નહીં. મારી જેમ કોઇ માતાપિતાને નહીં સમજાતું હોય. સમય પંખી બનીને ઊડી ગયો. ( હકીકતે સમય નહીં…આપણે પસાર થઇ ગયા એમ કહેવું કદાચ વધારે યોગ્ય ગણાશે. ) પાછળ રહી ગયા એના તોફાની, ખાટા..મીઠા અંતરને ભીંજવતા ટહુકા..અને મને સાંભરી આવી.. પ્રણવ પંડયાની આ પંક્તિ…
સ્મરણો તો અતિથિ જેવા છે ના પૂર્વગણતરી થઇ શક્તી
ધાર્યા હો તમે એના કરતા એકાદ વધારે આવે છે.
યાદ કરવા બેસું છું તો નાના મોટા અનેક પ્રસંગો મારી સમક્ષ જાણે લાઇનમાં ઊભા છે. અમને લો..અમને લો….અને સતત આવતા એ મોજાઓમાંથી કોઇ એકને છૂટા પાડવાનું કામ કંઇ આસાન નથી જ હોતું. દરેક માતા પિતા પાસે..( માતા પાસે હમેશા આ સંસ્મરણો થોડાં વધારે જ હોવાના એ સમજી શકાય તેવી વાત છે. ) પોતાના સંતાનોના કેટકેટલા સ્મરણો…પ્રસંગો હોય છે. દરેકની ભાત જુદી, નાત જુદી, પ્રસંગો, વાતાવરણ, સ્થળ જુદા અને છતાં દરેક માતાનો આનન્દ અને અનુભૂતિ તો સરખી જ. જાણે વિવિધતામાં એકતા. કેમકે માનવીના હૈયાને કોઇ નાત જાત નથી હોતા. આ અનુભૂતિનું આકાશ તો સૌનું એક સરખું. વાત્સલ્યનું ઝરણું તો કયા મા બાપના હૈયામાં વહેતું ન હોય ?
મધુર સ્મૃતિઓ તો જીવનનું ..સંબંધોનું લુબ્રિકંટ ..ઊંજણ છે. જે સંબંધોની કુમાશ જાળવી રાખે છે.
હમણાં આપણા જ એક પરિચિત મિત્રએ તેના માતા પિતાની યાદગીરી માટે એક જાણીતા મન્દિરમાં લાખો રૂપિયાનું દાન કર્યું. માબાપના નામની તકતીઓ લગાવી.એના ઉદઘાટન નિમિત્તે સરસ મજાનું ફંકશન રાખેલું. બધે તેમની વાહ વાહ થઇ ગઇ. પરંતુ તેમને નજીકથી ઓળખનારા બધા જાણતા હતા કે આ જ માતા પિતા જીવતા હતા ત્યારે તેમને કેવી રીતે રાખેલા.. અને કેવા હેરાન કરેલા.. હું પણ એના માબાપની દુર્દશાની સાક્ષી હતી. દંભ અને દેખાડાના આવા અનેક ઉદાહરણો સમાજમાં જોવા મળતા રહે છે.
માતા પિતાના અવસાન પછી અનેક લોકોને આંસુ સારતા..પશ્વાતાપ કરતા જોયા છે..કે કાશ તેઓ માટે અમે આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો…?
પરંતુ પછી એ પસ્તાવાનો કોઇ અર્થ ખરો ? આમ પણ જીવનની કઇ ક્ષણ છેલ્લી છે એનો પાર કદી પામી શકાય છે ખરો ? માટે તો આજની ઘડી રળિયામણી….
હમણાં આપણા એક દૂરના સગા મહિનભાઇના મા બીમાર છે. એટલે તેમની પાસે અવારનવાર જતા હોઇએ છીએ. મહિનભાઇના બા એંસી વરસના છે. અને આ માંદગીમાંથી બેઠા થઇ શકે એમ નથી. એની બધાને જાણ છે. આવરદાનો જેટલો સમય બાકી હોય એ કાઢવાના. મહિનભાઇ આર્થિક રીતે તો સમૃધ્ધ છે …
પરંતુ એનાથી યે વધારે દિલના સમૃધ્ધ છે. તે કહે,
‘ મને એટલો સંતોષ છે કે ઇશ્વરે અમને અગાઉથી જાણ તો કરી છે..કે હવે અમારી પાસે બહું સમય નથી. એટલે બાની બધી ઇચ્છાઓ પૂરી કરવાની તક અમને મળી છે. આખો દિવસ બાની સેવામાં કાઢે છે. બાને મનગમતું ખવડાવવું.. એને શકય હોય ત્યારે બહાર લઇ જવા, ઘરમાં એમને ગમતી વ્યક્તિઓને બોલાવવી, એમને ગમતા ભજન, સત્સંગ કરાવવા, એમને હાથે સેવાના જે કામ કરવાનું એમને મન થાય એ કરવાનું. એ તો હસીને બાને કહે છે,
‘ જો..બા..તારા ગયા પછી અમે તારી પાછળ કંઇ કરવાના નથી. કેમકે ગમે તે કરીએ તું કયાં જોઇ શકવાની છે કે તને કયાં ખબર પડવાની છે ? એટલે અત્યારે તારે હાથે જે કરાવવું હોય એ બધું કહી દે.. અમે હોંશથી કરીશું. તારી પાછળ બીજાઓને લાડવા ખવડાવવાના નથી. તને જ ખવડાવી દઇએ..એટલે પાછળથી અમારે એવી જરૂર જ ન પડે. માને શું ગમે છે..શું નહીં એનો પૂરો ખ્યાલ છે. દરેક નાની વાતનું ધ્યાન રાખે છે. મહિનભાઇએ નિકટના બધા સ્વજનોને બા સાથે રહેવા બોલાવ્યા છે. બાને ગરબા બહું ગમતા..તેથી રોજ રાત્રે બધા સાથે મળીને ગરબા કરે છે..આનંદ કિલ્લોલ કરે છે. બા પોતાને હાથે બધાને લહાણી આપે છે. કયાંય કોઇ કલેશ, કોઇ વિષાદ નથી. જીવનના આખરી દિવસો બા ખુશીથી માણી શકે એની તકેદારી રખાય છે.
દીકરાની વાતોમાં અને સ્વજનોની હૂંફમાં.. કુટુંબમેળાના કંકુછાંટણામાં બા ખુશીથી ગદગદ બની રહે છે. શરીરની પીડા વિસરાતી રહે છે. ઘરમાં જાણે સતત એક યજ્ઞ ચાલુ છે. માની સેવાનો યજ્ઞ.માની ખુશીનો યજ્ઞ. મોતને પાછું તો ઠેલી શકાય તેમ નથી એટલે અહીં તો ચાલે છે..મૃત્યુનો મહોત્સવ.. માને અંતિમ વિદાય આપતા પહેલા એમની ક્ષણેક્ષણ ખુશીથી ભરી દેવાની ઝંખના.. મને લાગે છે આવા ઘરમાં કોઇ પૂજાપાઠ ન થતા હોય તો પણ એ પૂજા ઇશ્વરને જરૂર પહોંચતી હશે.
તેમની બા ખુશ થઇને ઇશ્વરનો આભાર માને છે. આવા સંતાનો આપવા બદલ. બોલતા રહે છે..
‘ બેટા, હું બહું સુખી છું. બહું સંતોષ પામીને જાઉં છું. મારી પાછળ હવે કશું જ કરશો નહીં. મારે જે કરવું હતું તે તારા જેવા દીકરાને લીધે મારી જાતે જ હું કરી શકી છું. હવે બીજી કોઇ ઇચ્છા નથી. મને ભવેભવ તારા જેવો જ દીકરો મળજો..’
માએ અંતિમ શ્વાસ લીધા ત્યારે કોઇ રોકકળ નહીં.. ભીની આંખે વંદન કરી સ્વજનોએ માને શાંતિથી વિદાય આપી.
કયાંક વાંચેલું એક સરસ મજાનું કાવ્ય યાદ આવે છે. એકાદ પંક્તિ નહીં..આખું કાવ્ય ઉતારવાનો લોભ જાગે છે.
When I will be dead,
Your tears may flow,
But I won’t know,
Cry for me now instead
When I will be dead,
You will send flowers,
But I won’t see,
Send them now instead.
When I will be dead,
You will forget my faults,
But I won’t know,
Forget them now instead.
When I will be dead,
You will say words of praise,
But I won’t hear,
Praise me now instead.
When I will be dead,
You would wish that,
You could have spent,
Some more time with me
Spent it with me now instead.
કેટલી સાચી વાત છે. જેણે માબાપના જીવતા આ બધું કર્યું છે એને મા બાપના મર્યા પછી કશું…કોઇ વિધિ કરવાની જરૂર નથી એમ હું માનું છું..બાકી માબાપ જીવતા હોય ત્યારેની કોઇ કેર ન લીધી હોય અને એમના મર્યા પછી એમની યાદગીરી માટે ગમે તેટલા મોટા સ્મારકો બંધાવે તો પણ એની કીમત કેટલી ? એ બધું મોટે ભાગે પોતાની વાહ વાહ માટે થતું હોય છે. હા..કોઇ સ્મારક પાછળ દિલની સાચી ભાવના હોય એવું પણ બને… બધા સ્મારકો..યાદગીરીઓ દેખાડા માટે જ હોય છે એવું નથી હોતું.
આજે આ વહાલયાત્રા..સ્મરણયાત્રા પૂરી કરતી વખતે મનમાં એક પ્રશ્ન જાગે છે.
આપણે કોઇને મદદ કરી હોય..કોઇની કેર લીધી હોય, થોડી તકલીફ વેઠીને પણ કોઇ માટે કશુંક કરી છૂટયા હોઇએ.. પછી એ વ્યક્તિ કદીક આપણી સાથે કશું ખરાબ વર્તન કરે તો આપણને કેટલું દુ:ખ થાય છે ? આપણે તુરત એની ટીકા કરીએ છીએ..સાવ નગુણૉ છે. કંઇ કીમત જ નથી. મેં એના માટે આટલું કર્યું..પણ એને કદર કયાં છે ? નાની એવી વાતમાં આપણે કેટલાયે બળાપા કાઢીએ છીએ..
તો જે માબાપે આપણને મોટા કર્યા હોય..એ માબાપને દુ:ખ થાય તેવું કોઇ સંતાન કરે ત્યારે ?
બસ… આટલો જ વિચાર કરાય તો ? માણસ ભવિષ્યની અનેક યોજનાઓ વિચારી શકે છે. પ્લાન ઘડી શકે છે. પણ આવી કોઇ વાત કેમ વિચારી શકતો નથી ? મોટા થયા બાદ માબાપનો આભાર માનવામાં ..કે માબાપના ઋણનો સ્વીકાર કરવામાં પણ ઘણાં દીકરાને નાનપ લાગતી હોય છે. એ કામ અઘરું કેમ લાગે છે ? દરેક વખતે શબ્દોની જરૂર નથી હોતી એ વાત સાચી હોવા છતાં એ ન ભૂલાવું જોઇએ કે એવા કોઇ મીઠા શબ્દો માબાપના હૈયાને ટાઢક પહોંચાડે છે, શાતા આપે છે, હૂંફ આપે છે. માબાપ કદાચ અઢળક સાધનો ન આપી શકયા હોય..તો પણ દુખના વંટોળૉ તો નથી જ આવવા દીધા ને ? દીકરાને માથે તાપ આવે એ પહેલા કોઇ પણ માતાપિતાએ અચૂક રીતે જાતે એ તાપ વેઠયો હોય છે. જીવનમાં અનેક વખતે લાગણી અને બુધ્ધિ વચ્ચે સંઘર્ષ ચાલતો રહે છે. લાગણી અલગ રીતે વિચારે છે. બુધ્ધિ અલગ રીતે.. બુધ્ધિ દરેક ઉપકારનુ, શબ્દનું, સંજોગોનુ પોસ્ટમોર્ટમ કર્યા કરે છે..
પપ્પાએ આમ નહોતુ કરવુ જોઇતુ. મમ્મીએ આમ ન બોલાય. પણ લાખ રૂપિયાનો પ્રશ્ન એ છે કે દીકરાની બુધ્ધિમાં ન બેસે તે બધું મા બાપે છોડી દેવાનું ?
મા બાપને સ્વભાવ બદલવાનુ કહેવા કરતા એ સ્વભાવ નિભાવી લેવાનું.. માબાપ ખરેખર એવી કોઇ ભૂલ કરતા હોય તો પણ એ ભૂલોને અવગણવાનું શીખી ન શકાય ? જીવનમાં અનેક સ્વજનો, મિત્રોની ભૂલને આપણે અવગણવી જ પડતી હોય છે ને ? સંતાનોના સ્વભાવને માતા પિતા પ્રેમથી નિભાવી જ લેતા હોય છે ને ? અમુક ઉમરે સ્વભાવ જલદીથી બદલી ન શકાય. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એવી કહેવત એટલે જ પડી હશે. હા..અમુક વાત પૂરતો સુધારો..પરિવર્તન જરૂર લાવી શકાય..અને લાવવું પણ જોઇએ.. પરંતુ દરેક વખતે એ વાત શકય ન પણ બને ત્યારે અકળાવાને બદલે એને સહજ સ્વભાવ.. એમની પ્રકૃતિ ગણીને મનમાં કોઇ અભાવ લાવ્યા સિવાય ચલાવી લેવું જ રહ્યું. આવતી કાલે તમારા સ્વભાવની અમુક વાતો પણ તમારા સંતાનોને નથી જ ગમવાની. આજે ઘણાં માબાપ દીકરાને કંઇ કહેવું હોય..મનની કોઇ વાત કરવી હોય તો ડરતા હોય છે. મા બાપ દીકરા પાસે મોકળાશથી પોતાનું હૈયુ પણ ન ઠાલવી શકે ? કે પોતાને કોઇ જરૂરિયાત હોય તો અચકાયા સિવાય દીકરાને ન કહી શકે ? સૌથી નિકટનો આ સંબંધ આજે કેમ ઝંખવાતો જાય છે ?
કે પછી કવિ શ્રી સુનીલ શાહ કહે છે તેમ
“ દીધા કર્યું છે વ્હાલ તમે જેમને સતત,
છે શક્ય, એ રડાવશે, એવો રિવાજ છે.”
સમાજમાં..આસપાસમાં જોવા મળતી આવી કથાઓ..વ્યથાઓ મનને ઝકઝોરતી રહે છે. આવા સંબંધોને લેણદેણ..કે ઋણાનુબંધનું નામ આપીને મન મનાવતા રહેવું પડે છે. પણ સામાન્ય રીતે દીકરાના લગ્ન પછી જ લેણદેણ ખૂટી જતા કેમ અનુભવાતા હોય છે ?
અનેક વડીલોને અને સંતાનોને એકમેક સામે અગણિત ફરિયાદો દેખા દેતી રહે છે. અને બંનેને પોતાની વાત જ સાચી લાગવાની એ તો કોઇ પણ ફરિયાદ વખતે વણલખ્યો નિયમ છે. દરેકને એમ જ લાગે છે..કે પોતાની વાત જ સાચી છે. કેમકે બીજાની દ્રષ્ટિથી જોતા આપણે શીખ્યા જ નથી હોતા. બની શકે પોતપોતાની રીતે બંને સાચા હોય.. જે પણ હોય તે.. ન્યાય..અન્યાયની વાતો તો અદાલતમાં શોભે..ઘરમાં તો સમાધાન, સમજણ અને સ્નેહની વાતનું જ ગૌરવ હોય. ઝાઝી વાતે ગાડા ભરાય..પણ એક વાત હમેશા યાદ રાખીએ કે કુરુક્ષેત્ર બનાવવા માટે જિંદગી બહું નાની છે. બાકી તો..
વેદોકે અક્ષર પોથીમેં મિલતે હૈ
અર્થ જીવનમેં ખોજના હોતા હૈ
આ દેશે તો સૂર્યને કે વૃક્ષને પણ નમસ્કાર કર્યા છે. તો આજની પેઢીને માતા પિતાને પગે લાગવામાં કઇ શરમ નડે છે ? માતાપિતાને તમારા વંદનની જરૂર નથી.. પણ એ તમારા સંસ્કાર છે.. તમારું ગૌરવ છે. આપણી સંસ્કૃતિ છે. પણ આજે એ બધી વાતો જાણે જૂનવાણી..આઉટ ઓફ ફેશન ગણાય છે. પણ બેટા.. અમુક વાતો કયારેય જૂની નથી થતી.
આ ક્ષણે મનોજ ખંડેરિયાની એક પંક્તિ ભીતરમાં ગૂંજી રહી છે.
“ સન્ધ્યાટાણે સતત બજતા ઘંટ જેવી ક્ષણો આ
એક જીવન કેટલા સ્તરો પર જીવાતું હોય છે.”
યેસ.. બેટા.. આ વહાલયાત્રાની સફર દરમ્યાન મેં કેટલા સ્તરો પર જીવન જીવી લીધું એનું ભાન આજે આ યાત્રાની પૂર્ણાહૂતિ કરું છું ત્યારે થાય છે કે ઘણું લખાયું અને છતાં કેટલું યે રહી ગયું..જે લખવાનું હતું એના કરતા કશુંક અલગ જ લખાયું.. અધુરૂ લખાયું એવું અનુભવાય છે.
આપણું ભાવવિશ્વ આમ જ વરસતું રહેશે ..વિકસતું રહેશે એની પાક્કી શ્રધ્ધા અંતરમાં છે જ.
માના ખૂબ ખૂબ વહાલ અને અઢળક આશીર્વાદ સાથે..
શીર્ષક પંક્તિ..ધ્રુવ ભટ્ટ
તા.ક.
એક આખરી વિનંતી..
સામાન્ય રીતે દરેક માનવીને પોતાના હાથ પગ ચાલે ત્યાં સુધી જ જીવવું ગમતું હોય છે. પરવશ જિંદગી મારાથી તો કેમે ય સહન થાય તેમ નથી. મારું પોતાનું કામ જાતે કરી શકું ત્યાં સુધી જ જીવવું…જો જીવનમાં એવો સમય આવે કે હું મારી રોંજિંદી ક્રિયાઓ પણ મારી જાતે ન કરી શકું..તો આજે જાહેરમાં તમને..મારા સંતાનોને વિનંતિ કરું છું કે મારી છેલ્લી ઇચ્છા..અંતિમ ઇચ્છા એ છે કે મને મર્સી કીલીંગનો હક્ક આપી શાંતિથી, સમજપૂર્વક વિદાય આપજો. કોઇ મોહ રાખ્યા સિવાય કે સમાજ શું કહેશે એની પરવા કર્યા સિવાય માની અંતિમ ઇચ્છા પૂરી કરશો. બાકી ઇચ્છા તો એવી જ છે કે તમારે એવો કોઇ કપરો નિર્ણય લેવાની ઘડી જ ન આવે અને હું મારી જાતે જ મારા પપ્પાની જેમ ગ્રેસફુલ એકઝીટ કરી શકું.
( આમીન..તથાસ્તુ.. એવા કોઇ સાદની પ્રતીક્ષામાં..)
( ટૂંક સમયમાં આવનાર પુસ્તક ” દીકરો વહાલનું સરનામું “નો છેલ્લું પ્રકરણ.. ગુર્જર પ્રકાશન અમદાવાદ )
“મા બાપને સ્વભાવ બદલવાનુ કહેવા કરતા એ સ્વભાવ નિભાવી લેવાનું.. માબાપ ખરેખર એવી કોઇ ભૂલ કરતા હોય તો પણ એ ભૂલોને અવગણવાનું શીખી ન શકાય ? જીવનમાં અનેક સ્વજનો, મિત્રોની ભૂલને આપણે અવગણવી જ પડતી હોય છે ને ? સંતાનોના સ્વભાવને માતા પિતા પ્રેમથી નિભાવી જ લેતા હોય છે ને ? અમુક ઉમરે સ્વભાવ જલદીથી બદલી ન શકાય. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એવી કહેવત એટલે જ પડી હશે. હા..અમુક વાત પૂરતો સુધારો..પરિવર્તન જરૂર લાવી શકાય..અને લાવવું પણ જોઇએ….”.
કેટલું બધું એકદમ સત્ય તમે કલ્પ્યું છે…??? તમારી વાત જરાય ખોટી નથી, ખરેખર તો ૨-૪ અપવાદ છોડી દો તો, બાકી લગભગ બધાની જિંદગીમાં આવુંજ બને છે…..બહુ બહુ તો આપણે એમ મન મનાવીએ કે પંખીને પાંખ આવી અને ઉડી ગયું….બીજું આપણે શું માનવું…???? અને ભારત હોય કે અમેરીકા, સંતાનો મોટા થાય એટલે બધાને જુદા-સ્વતંત્ર રહેવું હોય…ભારતમાં તો જુદું ઘર લેવું બહુ-અતિશય મોંઘુ છે, પણ અમેરીકામાં તો લોન લઈને કે ભાડેથી એપાર્ટમેંટ લઈને પણ સંતાનો જુદા રહેતાં હોય છે.
M.D.Gandhi
U.S.A.
LikeLike
અનુભૂતિનું આકાશ તો સહુનું એક સરખું. વાત્સલ્યનું ઝરણું તો ક્યા માબાપના હૈયામાં વહેતુ ન હોય?
સાવ સાચી વાત, આ ઝરણુ તો દીકરો પરણે, બાપ બને તો પણ અસ્ખલીત વહેતુ જ રહે .
.તમારી કલ્પનામાં આપે આજના જમાનાના ઘણા સત્યો રજુ કર્યા છે… આજકાલ અમેરિકામાં જ્યારે દીકરા દીકરી, કે પૌત્ર પૌત્રી ને હાય ડૅડ, હાય મોમ ….હાય દાદા, હાય દાદી…બોલતા સાંભળીએ ત્યારે, પાશ્ચાત્ય ભૂમીની અસર ડંખે છે…ખેર હવે તો આપણા દેશમાં પણ મોર્ડન સોસાયટીમાં આ સંબોધન બોલાય છે…આપની વાત સાચી છે,મા બાપને પગે લાગવાની કઇ શરમ નડે છે? ભલે પગે ન લાગે બે હાથ જોડી જૈ શ્રી કૃષ્ણ ,કહે કે જય સીયા રામ, કે જે કોય ભગવાનને માનતા હોય તેનું નામ લઇ સંબોધન કરે તો કેટલું સારું લાગે.. મા બાપની છાતી ગદ ગદ ફૂલે..
ઇન્દુ શાહ
Richmond Tx
U S A
LikeLike