નવા વરસના શુભ સંકલ્પો..

અત્તરકયારી…

                                                                        હાસ્યં શરણં ગચ્છામિ..

હાસ્યં બ્રહ્મા, હાસ્યં વિષ્ણુ, હાસ્યં દેવો મહેશ્વર:

હાસ્યં સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી હાસ્યાય નમ:

 

જીવનમાં હાસ્યના મહત્વથી આપણે કોઇ અજાણ નથી.હસતા ચહેરા સૌને જોવા ગમે છે.  લાફટર ઇઝ ધ બેસ્ટ મેડીસીન એવું અમસ્તું નથી કહેવાયું.હાસ્યના અનેક ફાયદાને લીધે જ આજકાલ ઠેર ઠેર લાફીંગ કલબ ચાલે છે.જયાં સૌ સાથે મળીને ખડખડાટ હસવાની કસરત કરે છે.

નવા વરસની શરૂઆત હાસ્યથી થાય એનાથી વધારે રૂડું બીજું શું હોઇ શકે ?  આપ સૌના ચહેરા હમેશા હાસ્યથી ઝગમગતા રહે એવી હાર્દ્કિ ભાવના સાથે આજે અહીં અત્તરકયારીમાં હાસ્યના અત્તરથી તરબતર થઇશું ?

દોસ્તો, નવા વરસને નવા ઉત્સાહ સાથે વધાવી લીધું ? બધાને હળીમળી લીધું ? આનંદ માણી લીધો ? નવા વરસની ઢગલો વધાઇ મળી હશે અને આપી પણ હશે. ફોન,એસ.એમ.એસ. ફેસબુક,વોટ્સ અપ..કેટકેટલા આસાન સાધનો આજે આપણી સેવામાં હાજર છે.  એકી સાથે અનેકને એક કલીકથી પતાવી દેવાના… હાશ..! કામ પત્યું.

અને હા, નવા વરસે નવા સંકલ્પો કર્યા કે નહી ? નવા વરસમાં કંઇ નવું કરીએ તો નવું લાગે ને ? નહીંતર તો એ જ સૂરજ, એ જ ચાંદ તારા અને એ જ રાત દિવસની રામાયણ..કે મહાભારત. તો દોસ્તો, એકાદ નાનો મોટો સંકલ્પ તો સૌએ કરવો જ જોઇએ એવું નથી લાગતું ?

ના..ના હું પણ નથી ભૂલી.બીજાને સલાહ આપતા પહેલા જાતે અમલ કરવામાં હું માનું છું.એટલે મેં તો મારા નવા વરસના સંકલ્પો કરી જ લીધા છે અને આપ સૌ મિત્રોએ પણ જો એકાદો સંકલ્પ પણ  ન કર્યા હોય તો યાદ આપવા માટે જ આજે બેઠી છું. કેમકે આજનો મારો પહેલો સંકલ્પ જ એ છે.

1 દરેક સ્વજનને કે  મિત્રને વગર માગ્યે સલાહ સૂચના આપતા રહેવું. કોઇ બિચારું માગતા શરમાતું  હોય તો ? એટલે આપણે શુભસ્ય શીઘ્રમની જેમ જયાં અને જયારે તક મળે ત્યારે  તુરત બે ચાર સોનેરી સલાહો ફટકારી જ દેવાની. આપણી પાસે સુવિચારો કે સલાહોનો કયાં તૂટો હોય છે ? અને નવા નવા સુવિચારોની  જરૂર પડે તો ગૂગલ મહારાજ આપણી સેવામાં હાજર છે જ ને ?જસ્ટ એક કલીક અને સુવિચારોનો મસમોટો ઢગલો..પસંદ પડે એ વીણી લો.

2 સંકલ્પ નંબર બે..

ન બોલવામાં નવ ગુણ.. મૌનના અનેક ફાયદા છે. તો આજથી હું મારા નહીં પણ મિત્રો અને સ્વજનોના ફાયદા જ જોઇશ. તેમને માટે જ વિચારીશ. આજથી સ્વાર્થી બનવાનું બંધ.આજ સુધી હું મૌન રહીને બધાની વાતો સાંભળી ને ફકત મારો જ ફાયદો જોતી હતી.પણ હવેથી હું એવી સ્વાર્થી નહીં બનું.  આજથી, આ ક્ષણથી  મિત્રો કે સગાઓ સાથે વાત કરતી વખતે  એ લોકોના ફાયદો  માટે એમને બોલવાની તક આપ્યા સિવાય હું એકલી જ બડબડ કર્યા કરીશ. મને નુકશાન થાય એ કબૂલ પણ બીજાને તો નહીં જ થવા દઉં.

3 મારા આ બીજા સંકલ્પથી બની શકે મારા આ સંકલ્પથી મારા મિત્રોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય એટલે મારો ત્રીજો સંકલ્પ છે કે મિત્રોની સંખ્યા ઘટશે તો પણ હું એની ચિંતા નહીં કરું તૂ નહીં તો ઔર સહી.. ફેસબુકમાં નવા મિત્રોની કમી કદી કયાં પડતી હોય છે ?

4  મારો ચોથો સંકલ્પ છે.. કે આ વરસે હું કોઇને મારે લીધે ખોટો ખર્ચ ન થાય એનું ધ્યાન રાખીશ અને તેથી કોઇ મિત્રોને કે સગાઓને મારે ઘેર આવવાનું આમંત્રણ આપીશ નહીં. કોઇને આવવા જવાનો  ખર્ચો કરાવવો મને ગમે નહી.આજકાલ પ્લેન ટ્રેનના ભાડા કેટલા વધી ગયા છે.  આમ પણ ઘર ગમે તેનું હોય મહત્વ તો મળવાનું જ છે. તેથી હું જ સહકુટુંબ  બધાને ઘેર જઇશ. મારો સ્વભાવ આમ પણ પહેલેથી પરગજુ..કોઇ મારે માટે ધક્કા ખાય એના કરતા હું એટલી અગવડ વેઠી લઇશ.

5 મારો પાંચમો સંકલ્પ છે કે  હું કદી વડાપ્રધાનપદની ઉમેદવારી નહીં નોંધાવું. આ વરસે જ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી અર્થાત ભાજપ અને કોંગેસ્ર બંનેએ મને આ આ માટે ખૂબ વિનંતી કરી પણ મેં પૂરી નમ્રતાપૂર્વક ઇન્કાર કર્યો છે કે પ્લીઝ મને આવો દુરાગ્રહ ન કરો.  કેમકે મને પણ તેમની જેમ ખાત્રી છે કે જો ભૂલથી પણ મેં ઉમેદવારી કરી તો મારા અસંખ્ય અર્થાત ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વિણાય નહીં એટલા વાચકોનો પ્રેમ મને જિતાડવાનો જ છે.પણ મને સત્તામાં કોઇ રસ નથી.મને તો બસ અપ સૌ વાચકોનો સ્નેહ મળે એટલે ભયો ભયો. વાચકોના પ્રેમને ગુમાવીને મને સત્તાની કોઇ ખુરશી ન ખપે.

6 મારો છઠ્ઠો સંકલ્પ છે કે ગમે ત્યારે  ફોન કરીને હું કોઇને ડીસ્ટર્બ નહીં કરું. એને બદલે ફકત મીસ કોલ કરીશ.જેથી સામેની વ્યક્તિ પોતાની અનુકૂળતાએ  ફોન કરી શકે. બીજાની સગવડનો ખ્યાલ પહેલા રાખવો એ મારી પવિત્ર ફરજમાં આવે છે.જેનું હું ચુસ્તપણે પાલન કરીશ.

7 સપ્તપદીના સાત વચનની જેમ મારો સાતમો અને આખરી સંકલ્પ છે કે આ વરસે મારા કોઇ પણ  પુસ્તક માટે હું કોઇ એવોર્ડ સ્વીકારવાની નથી એની આગોતરી જાહેરાત કરી દઉં છું જેથી પાછળથી મારે કોઇને ના કહીને દૂભાવવા ન પડે. નોબેલ પ્રાઇઝ મળે તો પણ આ વરસે તો નહીં જ સ્વીકારી શકું. એથી  જ્ઞાનપીઠ પુરસ્કાર કમિટિ,દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ કમિટિ કે નોબેલ પ્રાઇઝ કમિટિના મેમ્બરોને વિનંતી છે કે આ વરસે મને નોમીનેશનમાંથી પણ બાકાત રાખે.આમ પણ મારા અનેક પુસ્તકોને એટલા બધા એવોર્ડ મળી ચૂકયા છે કે હવે એવા કોઇ એવોર્ડોની હું મોહતાજ નથી રહી. તો મારે બદલે એ ઇનામ બીજા સાહિત્યકારોને આપવા વિનંતી. આ વરસે હું સ્વેચ્છાએ મારો હક્ક જતો કરું છું.

હવે છેલ્લી ને અગત્યની વાત..આ બધા સંકલ્પો હું આ વરસે પ્રાણાન્તે પણ પાળીશ. એમાં કોઇ ફેરફારને અવકાશ નથી. મારા આ સંકલ્પોમાં આપ સૌને તન, મન ધનથી સહકાર આપવા આગ્રહભરી વિનંતી..

અહીં હું મારા આ વરસના સંકલ્પો  પૂરા થયેલા જાહેર કરું છું. આવતા વરસે નવા સંકલ્પો સાથે આપ સમક્ષ જરૂર હાજર થઇશ.અને આ વરસના સંકલ્પોનું શું થયું, કેવી રીતે પાળ્યા એનો વિગતવાર અહેવાલ મારા વહાલા વાચકમિત્રોને જરૂર આપીશ. અને હા દોસ્તો આપ કોઇએ પણ નવા વરસના સંકલ્પો કર્યા હોય તો જણાવશો ને ?  તમારાથી એક ફોન, ઇમેલ, ફેસબુક કે વોટ્સ અપ ના અંતરે જ છું હોં.

( ગુજરાત ગાર્ડિયનમાં પ્રકાશિત કોલમ અત્તરકયારી )

 

15 thoughts on “નવા વરસના શુભ સંકલ્પો..

  1. મારો લેખ “નવા વર્ષના સંકલ્પો” મેં તમને મોક્લ્યો તો છે. ના મળ્યો હોય તો જણાવશો. મારા લેખમાં હાસ્ય/કટાક્ષ છે અને તમારા આ સંકલ્પોમાં બીજાને સલાહ આપતાં પહેલા કંઇ કરી બતાવવાની પહેલ છે જેને મારી સલામ!.
    હવે, તમે બહું વિચારી, વાગોળી આ સંકલ્પો જાહેર કર્યા છે તો એના ભંગ તરફ અંગુલી નિર્દેશ કરવાની તક તમે નહિ જ આપો. તેમ છતાં સમય, સંજોગો અને સ્થળને કારણે તમે ચુક્યા તો ? આશા રાખુ કે મારો આ પ્રતિભાવ યાદ કરાવશે તમને ત્યારે.
    નવા વર્ષની શુભેચ્છા સાથે સંકલ્પોની સફ્ળતા ઇચ્છતો.
    ચીમન પટેલ ‘ચમન’

    Liked by 1 person

  2. Mitro hu tmne gamu ke na gamu pan mane aa duniyana badhaj param mitrone radythi chahu chu, mujthi jane ajane koine taklif thyi hoy to aa jivne maf karjo, hu sahune maf kru chu, fkat smbadho mheke toy ghanu

    Liked by 1 person

  3. પિંગબેક: ( 370 ) નવા વર્ષ ૨૦૧૪ના શુભ સંકલ્પો – બે હાસ્ય લેખો | વિનોદ વિહાર

  4. પિંગબેક: ( 833 ) નવા વરસે નવલા રે થઈએ ….. | વિનોદ વિહાર

  5. નવા વર્ષની શુભકામના. ” નવું નવ દિવસ ‘ આપના સંકલ્પો’ ટકી રહે તેની શુભ કામના.

    Like

  6. પિંગબેક: ( 996 ) નવા વરસ ૨૦૧૭ ના પ્રથમ દિવસે …… | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.