chapti ujas..198

 

 

 

ચપાટી ઉજાસ..198

                                                                            ભકત , ભગવાનનું મિલન ?

અમે ઝિલમિલમાં અંદર પ્રવેશ્યા ત્યાં કોઇએ પૂછયું, શું કામ છે ? કોઇને મળવું છે ? પૂછનારના અવાજમાં એક વિવેક, નમ્રતા, છલકતા દેખાતા હતા.

અમે જસ્ટ અહીં જોવા આવ્યા છીએ..કોઇએ સૂચન કર્યું એટલે..

આવો.. પહેલા ઉમંગી દીદીને મળવું છે ? કે સાહેબને ?

ઉમંગી દીદી..?  

હું ચમકી..મારું આખું અસ્તિત્વ થરથર્યું.

જોકે તુરત મનમાં થયું..ઉમંગી કંઇ ફકત મારા ફૈબાનું  એક નું જ નામ  થોડું હોય ? પણ છતાં એ નામની વ્યક્તિને મળ્યા સિવાય કેમ રહી શકાય ?

મેં  વ્યાકુળતાથી નીરજ સામે જોયું અને તુરત કહ્યું.. ઉમંગી દીદીને..

ઓકે..ચાલો..મારી સાથે.

અમે.. હું અને નીરજ  એને અનુસર્યા.

અમારી નજર ચારે તરફ ફરતી જતી હતી. વાતાવરણમાં એક પ્રસન્નતા પથરાયેલી હતી. વૃક્ષો, પુષ્પો..કમળ ભરેલી તલાવડીઓ.. કયાં  જોવું અને કયાં ન જોવું ? એવો પ્રશ્ન થાય એવું વાતાવરણ હતું. સ્વચ્છ્તા ઊડીને આંખે વળગે એવી હતી. અને ખાસ તો થોડે થોડે અંતરે સરસ મજાની કાવ્યપંક્તિઓ લખાયેલી હતી. વિશાળ જગ્યા હતી. ઘણી બાળાઓ રમતી દેખાઇ. હું પ્રસન્નતાથી જોઇ રહી.

ત્યાં  તે બહેન બોલ્યા..પેલી સામે દેખાય છે તે દીદીની ઓફિસ..તમે જઇ શકો છો.

હું ને નીરજ તે તરફ ગયા. ઓફિસ પાસે પહોંચ્યા. કોઇ બહેન ફોન પર વાતો કરતા હતા. હું એકદમ જોઇ રહી..બસ જોઇ જ રહી..આ..આ ચહેરો ? મારી કોઇ ભૂલ તો નથી થતીને ? ના, ના..એવી ભૂલ ન થાય. આ ચહેરો હું ગમે તેટલા વરસો પછી જોઉં તો  પણ ભૂલ ન કરું.. પણ એ અહીં ? કે પછી હું સપનું જોઉં છું ?

મેં આંખો  ચોળી. નીરજને કંઇ સમજાયું નહીં. તે મારી સામે જોઇ રહ્યો..

મેં  કહ્યું.. ફૈબા..ઉમંગી ફૈબા.. ?

 મારો અવાજ સાંભળી સામેની સ્ત્રી ચમકી. એકાદ મિનિટ તે પણ મારી સામે જોઇ રહી. તેની હાલત પણ મારી જેવી જ હતી. અમે છૂટા પડયા ત્યારે હું દસ વરસની છોકરી હતી.અને અત્યારે ચાલીસીએ પહોંચેલી સ્ત્રી. તેથી મારામાં  ઘણાં ફેરફારો થયા હોય પણ ફૈબા તો ત્યારે  પચીસ  વરસની આસપાસના હશે. અમારી વચ્ચે પૂરા ત્રણ  દાયકાનું અંતર હતું. 

પણ એ અંતર એકાદ મિનિટમાં જ ખરી પડયું.

જૂઇ..ઓહ..બાપ રે..માય ગોડ..જૂઇ..મારી જૂઇ ?

હવે હું મારી જાતને કેમ રોકી શકું ? હું ફૈબા બોલતી અંદર દોડી. બીજી મિનિટે અમે ભેટી પડયા..

ફૈબા અને જૂઇ એ બે શબ્દ સિવાય બીજું કંઇ બોલવુ અમને બેમાંથી  કોઇને સૂઝતું નહોતું. ફૈબાનો હાથ મારા પર ફરતો રહ્યો. થોડીવારે અમે સ્વસ્થ થયા.

જૂઇ, બેસ.. નિરાંતે વાત કરીએ.. અચાનક એમનું ધ્યાન નીરજ તરફ ગયું..

આ.. ? તારા પતિદેવ ?

મેં માથું હલાવી હા પાડી.. નીરજ.. આ ..

હા.. મને સમજાઇ ગયું બધું. આજે ભકતને ભગવાન મળી  ગયા. ભકત અને ભગવાન મળે ત્યારે એમનું મિલન કેવું હોય એ આજે ખબર પડી.

અરે.વાહ..જૂઇ, નીરજને તો સરસ બોલતા આવડે છે.

હજુ હું એમની સામે જોતા ધરાતી નહોતી. અચાનક હું બોલી ઉઠી..

કીટ્ટા ..ફૈબા તમારી કીટ્ટા ..તમે તમારી જૂઇને પણ ભૂલી ગયા ?

ભૂલી ગઇ જૂઇને ? સામે જો..

મારું ધ્યાન સામેની દીવાલ પર પડયું.

ઓહ્હ્હ્હ્હ્હ.. ત્યાં મારા નાનપણના કેટલા યે ફોટા મારી હાજરી પૂરાવતા હતા. બીજી બાજુ એક સમૂહ ફોટો હતો..જેમાં દાદીમા અને અમે બધા હતા.

ફૈબા..આગળ શું બોલવું તે મને સમજાયું નહીં.  

 ઘણાં પ્રશ્નો છે ને જૂઇ ? મારે પણ ઘણું કહેવું છે..ઘણું સાંભળવું છે. ત્રીસ ત્રીસ વરસોની વાતો કંઇ એમ થોડી થશે ? એ વાતો આમ ઉભડક રીતે અહીં નહીં..

પહેલા અમારા જમાઇની આગતા સ્વાગતા તો કરી લઉં..ફૈબા કશુંક મગાવવા જતા હતા. મેં  કહ્યું

 ફૈબા એ બધું પછી.. હવે હું કંઇ અહીંથી એમ થોડી જવાની છું ?

જવાનો સવાલ જ નથી ને? એક મિનિટ જૂઇ, તારે બીજા કોઇને મળવું છે ?

હું તેમની સામે જોઇ રહી. સમજવાનો પ્રયત્ન કર્યો. પછી ધીમેથી માથુ6 હલાવ્યું.

હા..અસદ અંકલ ..?

ઓહ..હજુ નામ યાદ છે ?

નીરજ કહે તમારી કઇ વાતો યાદ નથી ? જૂઇને જ નહીં મને..અમને બધાને ગોખાઇ ગયું છે.

ફૈબાએ ફોન કરીને અસદ અંકલને  જલદી બોલાવ્યા.

પછી ધીમેથી કહે, જૂઇ.. આપણા ઘરમાં… ? 

મેં કહ્યું..હવે હું અને કુંજકાકા.. કાકી,  જય  બસ…

ફૈબાની આંખો ભીની બની ઉઠી. હું કેવી કમનસીબ..

પણ ફૈબા..

એ બધી વાતો પછી..જૂઇ… આંસુ લૂછતા ફૈબા બોલ્યા. મારી આંખો તો સતત વરસતી હતી.

ત્યાં અસદ અંકલ આવ્યા.

શું થયું ઉમંગી ? અત્યારે કેમ જલદી બોલાવ્યો ? હું મારા કામમાં..

અરે ઉમંગી, તું રડે છે ? શું થયું ?

અચાંક તેમનું ધ્યાન મારા પર પડયું. ઉમંગી, આ ..આ કોણ ?

અસદ.. આ..આ મારી જૂઇ..

જૂઇ..? ઓહ..માય ગોડ આટલી મોટી થઇ ગઇ ? જૂઇ અહીં ? કયાંથી ?  કયારે ? હું તો હજુ સુધી નાનકડી જૂઇની જ વાતો સાંભળ્યા કરું છું.

કાળનું ચક્ર રીવર્સ ઓર્ડરમાં ફર્યું હતું કે શું ? .. હું ને ફૈબા ત્રીસ વરસ પાછળ કૂદી ગયા હતા.  

 

   

 

 

3 thoughts on “chapti ujas..198

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s