chapti ujas..197

 

ચપટી ઉજાસ.. 197

                                                                                  સ્મરણો બની  અમી..

અમારી હસતી ગાતી અમી હવે બની ગઇ છે માત્ર છબી..આજે અમીની વિદાયને દસ દિવસ વીતી ચૂકયા છે. ઘરનો સન્નાટો હજુ અકબંધ છે.  અમીની વિદાયના એ  દિવસને મારે યાદ નથી કરવો.. મારે રડવાનું નથી.અમારે કોઇને ઉદાસ બનવાનું નથી. પહેલાની જેમ જ ટહુકતા રહેવાનું છે. કિલ્લોલતા રહેવાનું છે. આ અમીની આખરી ઇચ્છા છે. એનો હુકમ છે.

કેવા અંધારામાં રહ્યા હતા અમે ? કે અમીને કશી જ ખબર નથી. એનું કેન્સર  પ્રાથમિક સ્ટેજમાં છે એવી વાત કેટલી સહેલાઇથી એણે સ્વીકારી લીધી હતી.પણ..ના એ અમારો  ભ્રમ હતો જે તેણે મરતા સુધી  જાળવી રાખ્યો હતો. ડોકટરની વાત તો તે પહેલે જ દિવસે સાંભળી ગઇ હતી. અમને છેતરી ગઇ હતી અમી. અને તેને સાથ આપ્યો હતો પ્રાચીએ.. પ્રાચીને ખભ્ભે માથું મૂકી તેણે  એકવાર રડી લીધું હતું. બંને બહેનોએ કદી અમને ખબર ન પડવા દીધી જેથી અમને દુખ ન થાય. કદાચ પ્રાચી અમને  કદી ખબર ન પડવા દેત.

પણ.. એણે કહેવું પડયું હતું. જયારે…

મમ્મી, અમીની ઇચ્છા હતી કે એની આંખ ડોનેટ કરવામાં આવે. એની જ સ્કૂલમાં ભણતી એક છોકરીને..

હું નીરજ સ્તબ્ધ.. ત્યારે  પ્રાચીએ ધ્રૂજતા અવાજે ફોડ પાડયો હતો કે અમીને બધી જ ખબર હતી. અને…

અમીનો છેલ્લો પત્ર પ્રાચીએ અમારા હાથમાં મૂકયો હતો.

મમ્મી, પપ્પા..સોરી..તમને છેતરવા માટે..પણ જેમ તમે મને દુખી નહોતા જોઇ શકતા તેમ હું પણ તમે દુખી કેમ જોઇ શકું ? મને માફ કરશો ને ? જનમોજનમ મને તમે જ માબાપ તરીકે જોઇએ..પ્રોમીસ આપશોને ? બનશો ને આવતા જન્મે મારા મારા પણ  મા બાપ ?  વધારે લખવાની શક્તિ નથી. બાકી બધી વાત પ્રાચીને કહી છે. અને તમે એ માનશો જ એની મને ખબર છે. મમ્મી, પપ્પા આવજો.. મને યાદ કરવાની છે ..પણ દુખી થયા વિના.. હસવાનું છે ઉદાસ થયા વિના.. 

તમારી અમી..

અમે અનરાધાર વરસ્યા હતા.. એક વાર ..બસ એક જ વાર..અને પછી જાતે જ આંસુ લૂછી નાખ્યા હતા. અમીએ જે તેર ચૌદ વરસો અમને સુખ અને આનંદ આપ્યા હતા એ જ અમે યાદ રાખીશું. બેટા, જયાં હો ત્યાં સુખી રહે..અમે હવેથી આંસુ સારશું નહીં. ઇશ્વરની ઇચ્છાનો સ્વીકાર કરીશું.

પ્રાચી અમને વળગીને આખો દિવસ રડતી રહી હતી. શાબાશ અમારી આ બહાદુર દીકરીને.! જેણે બહેનની સાથે આખરી ક્ષણ સુધી રહી તેની બધી ઇચ્છા પૂરી કરી હસતે મોઢે .અમીને દરેક વાતમાં સાથ આપ્યો.

અમીની આંખો તેના જ કલાસની કુંતીને અપાઇ..અને કુંતીની દુનિયામાં અજવાસના પહેલા કિરણે ડોકિયું કર્યું તે દિવસે કુંતીની આંખમાં સમાઇ ગયેલી અમી કેવી હસતી હતી. !

અમે બધા આ વેકેશનમં ઋષિકેશ આવ્યા છીએ.. અહીં ગંગામાં અમીના ફૂલને વિસર્જન કરવાના છે.  મનને શાંતિ મળે એ માટે પાંચ છ દિવસ અહીં ગંગાને કિનારે રોકવાના છીએ.. આ પહેલા પણ એકવાર અમીને લઇને અમે અહીં આવ્યા હતા. આ જગ્યા અમીની મનપસંદ જગ્યા હતી. આજે પણ  અમી અમારી સથે હતી જ ને ?

વહેલી સવારે અમે બધા ગંગાના કિનારે આવ્યા. પ્રાચીના હાથમાં  લાલ કપડું વીંટાળેલી એક નાનકડી મટકી હતી. અમે બધા ગંગાના પાવન નીરમાં ઉભા હતા નીરજના હાથમાં  ત્રણ વરસની શચી  હતી અને મારો  હાથ પકડીને ચાર વરસની મીની ઉભી  હતી. બીજી બધી દીકરીઓ એક્મેકનો હાથ પકડીને ઉભી હતી. પ્રાચીએ મારી અને નીરજની સામે જોયું.  પ્રાચીની આંખો ધૂંધળી બની હતી. અમે આંખોથી જ સંમતિ આપી. અને પ્રાચીએ ધીમેથી  મટકીને વહેતા નીરમાં મૂકી..અમે બધાએ વંદન કર્યા. મનોમન અમીને અલવિદા.. કહ્યું.  નાનકડી મટકી ગંગાના નીર પર સવારી કરીને ઉછળતી કૂદતી આગળ વધતી  રહી અને થોડી ક્ષણોમાં અમારી નજરથી ઓઝલ થઇ ગઇ. સદાને માટે..આજે બીજી વાર અમીને વળાવી હતી.

પ્રાચી અમને ભેટી પડી.. મમ્મી.. બીજા કોઇ શબ્દો એના ગળામાંથી બહાર ન નીકળી શકયા. ચૌદ વરસની પ્રાચી  આજે અચાનક મોટી થઇ ગઇ હતી એવું અમે અનુભવી રહ્યા. નીરજે પ્રાચીના માથા પર હાથ  મૂકયો.

તે દિવસે સાંજે અમને કોઇ યાત્રીએ કહ્યું,

અહીં સુધી આવ્યા છો તો ઝિલમિલ જોઇ ?

ઝિલમિલ ? એ વળી શું છે ?

અરે, આમ તો અહીંની સંસ્થા છે. પણ એને કંઇ સંસ્થા ન કહેવાય. એને તો નજરે જુઓ તો જ ખબર પડે.

કેટલી બધી દીકરીઓ અહીં કેવી રીતે રહે છે..અને પાંગરે છે. એકવાર જોવા જેવી છે.

અમને બધાને કુતુહલ થયું. ચાલો, જઇ આવીએ.. દીકરીઓની વાત સાંભળીને હું જવા તૈયાર થઇ.બાકી આ વખતે  કયાં ય જવાનું મન નહોતું.પણ મનને  વિચારોને બીજી દિશામાં  વાળવાનું  પણ જરૂરી હતું. બધી છોકરીઓનું ધ્યાન પણ બીજે વળે એ અગત્યનું હતું. ફરી એકવાર અમારે જીવન જીવવાનું  હતું..સારી રીતે જીવવાનું  હતું. હજુ દસ દીકરીઓની મોટી જવાબદારી અમારા ખભ્ભા પર હતી. એ સારી રીતે પૂરી કરવાની હતી.  

તે દિવસે સાંજે અમે બધા ઝિલમિલ પર  પહોંચ્યા. વાહ.સુંદર મજાની .મેઘધનુષી ઇમારત  બહાર મોટું બોર્ડ ચળકતું હતું..” ઝિલમિલ.. “ 

હળવે પગલે અમે અંદર ગયા. મારું મન ન જાણે કેમ પણ કોઇ અનોખી અનુભૂતિથી છલકતું હતું. કંઇક ..કંઇક તો અહીં એવું હતું જે મને ખેંચતું હતું. શું હશે ? મને કેમ આવી લાગણી થાય છે ?

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s