chapti ujas..196

 

ચપટી ઉજાસ.. 196

બુઝાવા પહેલાનો ઉજાસ

આજે સવારે  અમી  મોડે સુધી સૂતી હતી..કદાચ રાત્રે પ્રાચી સાથે મોડે સુધી વાતો કરી હતી. શું વાત કરી હશે બંને બહેનોએ ? પછી નિરાંતે પૂછીશ. આજે તો અમીનો બર્થ ડે છે. મને યાદ આવી રહ્યો હતો એનો પહેલો જન્મદિવસ..જે દિવસે હું તેને આ ઘરમાં લાવી હતી..અને હવે  દુર્ભાગ્યે મારે આ માસૂમ ઉમરે તેને આ ઘરમાંથી વિદાય આપવાની હતી.

મમ્મી, આજે ઉદાસ રહેવાનું  નથી કે નથી કોઇ વિચારો કરવાના ‘

..પ્રાચી મારી પાસે આવીને બોલી. આજે સેલીબ્રેશન…મમ્મી, આજે અમીની બધી બહેનપણીનો સાંજે બોલાવી છે. અને અમે આખા દિવસનો કાર્યક્રમ નક્કી કર્યો.  અમીને થાક ન લાગે એનું પણ અમે ધ્યાન રાખ્યું છે.માટે ડોટ વરી મમ્મી..

થોડીવારમાં અમીના પલંગ પાસે અમે બધા એકઠા થયા હતા. અને બધાનું  હેપી બર્થ ડે.નું સમૂહ ગાન શરૂ થયું. .અમીએ આંખ ખોલી. બધાને પોતાની પાસે જોઇ ખુશ થઇ ઉઠી. તે હજુ થેંકસ કહે તે પહેલા તેની ઉપર ગુલાબની પાંખડીઓનો વરસાદ વરસ્યો. અમીની આસપાસ ચારે તરફ સરસ મજાના શુભેચ્છાના ..અભિનંદનના કાર્ડ જે બધી દીકરીઓએ  જાતે બનાવ્યા હતા તે સરસ રીતે ગોઠવાયા હતા. અમી એક પછી એક હાથમાં લઇને  જોતી રહી..વાંચતી રહી અને મલકાતી રહી.

તે કંઇક બોલવા જતી હતી ત્યાં મીલી બોલી ઉઠી.

અમી,  નો નીડ ઓફ થેંક્સ..તું તો અમારી વહાલી દીદી છે. મેં અને નીરજે પણ અમીના હાથમાં એક  સુંદર મજાનું આલ્બમ મૂકયું. જેમાં અમીના નાનપણથી શરૂ કરીને આજ સુધીના બધા ફોટા  હતા અને  બધા ફોટા નીચે અમે કંઇક સરસ કોમેન્ટ લખી હતી.

ઓહ્હ..વાઉ.. મમ્મી..પપ્પા..બેસ્ટ ગીફટ ઓફ ધ ડે..અમી એક પછી એક પાના ફેરવતી રહી. તેનો ચહેરો ખુશીથી ચમકી ઉઠયો હતો. ફોટાઓ નીચે ખાલી મેં અને નીરજે નહીં..અમારી બધી દીકરીઓએ કશુંક લખ્યું હતું. અમી હસતી ગઇ અને જોતી ગઇ.

ભગવાન તેનું આ હાસ્ય સલામત રાખે એવું પણ હું ન બોલી શકી. મારાથી ત્યાં રહેલી ભગવાનની મૂર્તિ સામે જોવાઇ ગયું. ઇશ્વર, કયારેક તું ચમત્કાર પણ કરી શકે છે. મારી નાનકડી દીકરી માટે એકાદ ચમત્કાર નહીં કરે તું ? મારા બે હાથ જોડાઇ ગયા. અને ફકત મારા જ નહીં..નીરજના..પ્રાચીના..પરીના બધાના હાથ જોડાઇ ગયા હતા. અમીએ પણ ભગવાનને વંદન કર્યા. અને હસતા હસતા બોલી.

હે ઇશ્વર, આ બધાએ મારે માટે કંઇક આડું અવળું માગ્યું  હોય તો એ કબૂલ કરતા પહેલા બે વાર વિચારજે હોં.. આ બધા તોફાની બારકસોનો ભરોસો કરવા જેવું નથી.

અને તે  ખડખડાટ હસી પડી. આજે જાણે તે સાવ સાજી હોય એમ તેનો ચહેરો ચમકતો હતો.

અમી, ચાલ જલદી તૈયાર થઇ જા.. થોડીવારમાં અમી પ્રાચીની મદદથી તૈયાર થઇ ગઇ. બધા હસી મજાક, મસ્તી કરતા નાસ્તો કરતા હતા. આજે અમીના ફેવરીટ આલુ પરોઠા બન્યા હતા.

મમ્મી, આજે કયાં જશું ? એવું અમી પૂછશે એવો મને ડર હતો. પણ અમીએ  એવું કશું ન પૂછયું.

આજે અમીના દુર્બળ બની ગયેલા શરીરમાં ન જાણે કયાંથી શક્તિ ઉભરાઇ આવી હતી. તે એકદમ ફ્રેશ લાગતી હતી.

મમ્મી, આજે ગાવાનો મૂડ થયો છે.તું વગાડ અને હું  ગાઉં.  આજે  ફિર એકબાર આપણી જુગલબન્દી  હો જાય ? મને વગાડવાનો કોઇ મૂડ નહોતો.પણ અમીને ના પાડવાનો કોઇ સવાલ નહોતો.

છોકરીઓએ તાળી પાડી. નાનકડી શચી તો અમીના ખોળામાં ઘૂસી ગઇ હતી. નીરજ તેને લેવા જતો હતો.પણ અમીએ ના પાડી. નીરજ અને પ્રાચી અમીની આસપાસ ગોઠવાયા..

અમીએ મારું પ્રિય ગીત શરૂ કર્યું.

અય, માલિક તેરે બન્દે હમ..

વાતાવરણ સૂર તાલથી ભરાઇ ગયું. અમીઆંખ બંધ કરીને ગાતી હતી..જાણે કોઇ સમાધિમાં મગ્ન બની હતી. નીરજ અને પ્રાચીની આંખો ન જાણે કેમ પણ વરસતી હતી. નીરજે મૂવી ઉતારી. ફોટાઓ પાડયા.. કેવો અદભૂત માહોલ સર્જાયો હતો. એક પછી એક ગીતો આજે ગવાતા રહ્યા.અમારી મા દીકરીની  જુગલબંદી ચાલુ રહી હતી.થોડીવાર બધા બધું ભૂલી ગયા હતા. આ ક્ષણે કોઇ વિષાદ નહીં.. કોઇ વિચાર નહીં..અમે બધા કયાંક ખોવાયા હતા.

સાંજે અમીની બધી બહેનપણીઓ આવી ચડી. અમી તો બધાને જોઇ ખુશખુશાલ..

અરે.વાહ.. આ તો ખરેખર સરપ્રાઇઝ મળી ગયું મને.બધાને મળવાની ખૂબ ઇચ્છા હતી મને. આજે તો રુટિન મુજબ કેક કપાઇ..અમીએ ફૂંક મારીને મીણબત્તી ઓલવી અને મારો જીવ જાણે તાળવે ચોંટી ગયો. ના..નથી ઓલવવી આ જ્યોત..આજે મારે નથી ઓલવવી. !

નીરજે મારો હાથ ધીમેથી દાબ્યો.  તાળીઓનો ગડગડાટ થતો રહ્યો. અમીએ  બધાને કેક ખવડાવી. પોતે પણ થોડી ખાધી. મમ્મી, આજે બધાની ગીફટ હું અત્યારે જ ખોલીશ હોં.. બધાએ હા પાડી.

અમી એક પછી એક બોક્ષ  નાના છોકરાના કુતૂહલથી ખોલતી રહી અને ખુશ થતી રહી. નીરજ આજે આખો દિવસ આ બધી પળૉને કચકડામાં  કેદ કરવામાં ગૂંથાયો હતો. જે થોડા સમયમાં અમારે માટે સ્મૃતિઓ બની રહેવાની હતી..ફકત સ્મૃતિઓ..

અમીની બહેનપણીઓ અને પ્રાચી જાતજાતની રમતો ગોઠવી હતી.જેમાં અમીને શ્રમ ન પડે  એની ચોકસાઇ રાખવાનું  પ્રાચી ભૂલી નહોતી. આજે તો ઘરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. પણ કોને જાણ હતી કે  આ તો  દીવાનો બૂઝતા પહેલાની રોશની હતી.

અને અમને કયાં ખબર હતીકે અને હવે અમારે દીવાના બૂઝાવાના  દિવસો નહીં કલાકો ગણવાના જ બાકી રહ્યા હતા. ?

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s