chapti ujas..195

 

ચપટી ઉજાસ..195

                                                                           નજરૂ લાગી કાળની..  

આજે અમે અમીને ઘેર લાવ્યા છીએ. ઘરમાં આવીને અમી બહું ખુશ થઇ. તેનો હાથ પકડી અમે તેને તેની રોજની જગ્યાએ સૂવડાવી. હાશ..મમ્મી, ઘર જેવી મજા કયાંય ન આવે. હોસ્પીટલથી તો છૂટી. બધાએ ભેગા  મળીને અમીને વેલકમ કરવા માટે તેનો રૂમ સરસ રીતે ડેકોરેટ કર્યો હતો. અને ઘણું બધું લખ્યું પણ હતું. અમીની આંખો છલકાઇ આવી. વાહ.. મમ્મી, મારી બહેનોએ મારે માટે  કેટલું સરસ કર્યું છે. નાનકડી મીલી અને શચી સુધ્ધાં  આવીને અમીને ભેટી પડી. ઘરમાં થોડીવાર ખુશીનો માહોલ ફરી વળ્યો.

પછી મેં ધીમેથી બધાને કહ્યું, હવે આપણે અમીદીદીને થોડી વાર આરામ કરવા દેશું ને ?

બધા બાય અમીદીદી..કહેતા ગયા. પ્રાચી પણ જતી હતી ત્યાં અમી બોલી, પ્રાચી, પ્લીઝ તું મારી પાસે બેસ ને.. અને મમ્મી તું થોડી વાર આરામ કરી લે.મારી પાછળ તું કયારની દોડે છે..

બેટા, હું કંઇ થાકી નથી.

ના મમ્મી, હુ કહું એમ કરવાનું..બીમાર હું છું કે તું ? માન્દા હોય અને દવા પીતા હોય એનું બધાએ માનવાનું હોય ને ? કહેતા અમી હસી.

ઓકે..બેટા.. પ્રાચી, તું બેસ અમી પાસે..

બેટા, મારે બેસવાનું છે કે જવાનું  છે ? અમારી અમીરાણીનો શું હુકમ છે ?

નો..પપ્પા… આજે ફકત હું ને પ્રાચી.

ઓકે..એઝ  યુ વીશ..

અને હું અને નીરજ રૂમની બહાર નીકળ્યા. આમ પણ  કાલે અમીનો બર્થ ડે હતો. બહાર કયાંય જઇને તો ઊજવી શકાય તેમ નહોતો. ઘરમાં જ તેને ગમે એવું કશુંક કરવાનું મન હતું. પણ સાચું કહું તો આ વખતે પહેલી વાર  ખબર નહોતી પડતી કે હું શું કરું ? મારી અમીનો આ છેલ્લો જન્મદિવસ હું ઉજવવાની હતી ?  

નીરજ અને હું વિચાર કરતા બેઠા રહ્યા.

અચાનક નીરજ કહે,

આમ તો આપણે કયારેય કેક કાપતા નથી કે બહારના કોઇને બોલાવતા નથી. આ વખતે આપણે બીજા કોઇને નહીં  પણ એની સ્કૂલની બહેનપણીઓને બોલાવીએ  તો ? એને ગમશે. અને આ વખતે બધા જે રીતે ઉજવે છે એવી ધમાલ કરીને રીતસરની બર્થ ડે પાર્ટી જ કરીએ..

પણ અમીને ગમશે ? એવી ધમાલ ? હા..મને લાગે છે ગમશે. એને ખબર છે કે આ વખતે એ બહાર જઇ શકે એમ નથી.

હા..મને લાગે છે તારી વાત તો સાચી છે. અને આપણે એને આપીશું શું ? એ આપણી અંતિમ ભેટ હશે. બોલતા મારી અંખો વરસી પડી.

જૂઇ, આંસુ સાચવી રાખ..પાછળથી એની ઘણી જરૂર પડવાની છે. નીરજની વાત સાચી હતી. અમે થોડી વાર મૌન બેસી રહ્યા.

 

ત્યાં મીલી અને મીની બંને આવ્યા. મમ્મી, અમે અમી દીદી માટે  આ ઢીંગલી બનાવી છે.  કાલે એને આપવા માટે. જુઓ તો..

હું તો જોઇ જ રહી. મીલી અને મીની ક્રાફ્ટ કલાસમાં જતી હતી એમને એવું બધું બહું ગમતું હતું. ત્યાં  દસ દિવસ મહેનત કરીને બંને એ અમી જેવડી જ એક સરસ મજાની મોટી ઢીંગલી બનાવી હતી.એને દુલ્હનની જેમ સજાવી હતી. ખૂબ સુંદર થઇ હતી. આમ પણ અમીને ઢીંગલીઓ બહું ગમતી. એણે નાનપણથી અત્યાર સુધીની બધી ઢીંગલીઓ  સાચવીને રાખી હતી. એને માટે એ  નિર્જીવ ઢીંગલી નહોતી એની બહેનપણીઓ હતી. અમી એની સાથે કલાકો વાતો કરી શકતી.

મને ને નીરજને આ વાત ગમી ગઇ. તે રાત્રે અમી કહે,

મમ્મી, આટલા દિવસ હોસ્પીટલમાં તું જ મારી પાસે સૂતી હતી આજે પ્રાચીનો વારો.

ના બેટા, રાત્રે તને કંઇ જરૂર પડે તો હું બાજુમાં હોવી જોઇએ ને ?

કેમ હું કંઇ હવે એવી નાની નથી. હું અમીનું ધ્યાન રાખીશ. મમ્મી, તું સૂઇ જા..

બંને બહેનોએ મને પરાણે ધકેલી. અને મારે તો અમીની બધી  વાત માનવાની હતી ને ?

બેટા, બહું વાર વાતો ન કરતા હોં. પ્રાચી, એને સૂઇ જવા દેજે..થાકી જાય એવું  ન કરતી.

ઓકે..મમ્મી, તું ચિંતા ન કર. મેં  અમીને બરાબર ઓઢાડયું. તેને માથે હળવું ચુંબન કર્યું અને મારી આંખ છલકે એ પહેલા હું  ગુડ નાઇટ કહીને હળવે પગલે ત્યાંથી સરકી ગઇ.

આખી રાત મને ઉંઘ ન આવી. થોડી થોડી વારે હું અમીની રૂમમાં જતી હતી..મારી દીકરી બરાબર છે ને ? મોડી રાત સુધી અમી અને પ્રાચી કંઇક ગુસપુસ કરતા હતા એવું મને લાગ્યું હતું. શું વાત કરતા હશે ? પ્રાચીને બધી સાચી વાતની ખબર હતી. પણ મને પ્રાચીની મેચ્યોરીટી પર વિશ્વાસ હતો એ અમીને જાણ ન જ થવા દે.. એટલે એવી તો કોઇ ચિંતા નહોતી. અમી થાકી જશે એવો ભય હતો. પણ પ્રાચી સાથે વાત કરવાથી એને સારું લાગતું હોય તો ભલે વાત કરીને હળવી થતી. એમ વિચારતી હું પથારીમાં પડખા ફેરવતી રહી. નીરજની પણ એ જ દશા હતી.

દિવસો કેવા ફિક્કા અને રાત કેવી અંધારી લાગે છે. નીરજ કે હું કોણ કોને સાંત્વના આપે ? અમારા શબ્દો ખોવાઇ ગયા છે. અમી પાસે હોઇએ એટલી વાર સતત હસતા અને હસાવતા રહીએ છીએ..અમીની આસપાસનું વાતાવરણ જરા પણ ઉદાસીન ન બને એ માટે હમેશા સતર્ક  રહીએ છીએ.  પણ  એકલા પડીએ ત્યારે..? કાળની કેવી  નજર લાગી ગઇ અમારા હર્યાભર્યા સુખ ઉપર ?     

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s