chapti ujas..192

 

ચપટી ઉજાસ.. 192

                                                                          કસોટીની ઘડી…  

પણ..ના મીલીએ તાવને ભલે છૂમંતર કહ્યું પણ અમીનો તાવ એમ જલદી છૂમંતર થયો નહીં. ડોકટર આવ્યા હતા. દવાઓ ચાલુ થઇ હતી.પણ ખાસ ફરક નહોતો પડતો. હું અને નીરજ ચિંતામાં  ફફડતા હતા.અતિ સ્નેહ હમેશા  અનિષ્ટની શંકા જ કરે એ ન્યાયે મારા મનમાં તો ન જાણે કેવા કેવા  વિચારો ઘૂમરાતા હતા.

તાવે મચક ન આપી એટલે ડોકટરે અમુક ટેસ્ટ કરાવવાના કહ્યા. અમારા મનના આકાશમાં કાળા  ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા. શું હશે ? શું થશે ? અમે  અમીને હોસ્પીટલે લઇ ગયા. અમી અમને હૈયાધારણ આપતી રહી.. મમ્મી, પપ્પા તમે નકામા ચિંતા કરો છો ..આ ડોકટરોને કમાવા માટેના આ બધા આઇડીયા છે.

પણ મને શાંતિ  કેમ વળે ? એક માના હ્રદયમાં ફફડાટ જાગી ઉઠયો હતો. કોઇ અજ્ઞાત ભયથી મન ફફડી ઉઠયું હતું. નીરજ મને સાંત્વના આપવાનો મિથ્યા પ્રયાસ કરતો હતો. અંદરથી તો એ યે ફફડી ઉઠયો હતો.  મારું મન તો ન જણે કેવું યે આશંકિત થઇ ઉઠયું હતું.  કોઇ મોટી બીમારી તો નહીં નીકળેને ?

ટેસ્ટના   રીપોર્ટ આવી ગયા પણ એમાં ખાસ કશું જાણવા ન મળ્યું. ડોકટરોને કોઇ શંકા જાગી હતી  કે શું ? એક પછી એક ટેસ્ટ થતા રહ્યા.હવે અમીને હોસ્પેટલમાં દાખલ કરવી પડી  હતી. અમી મને કેમ ફિક્કી  લાગતી હતી ? અલબત્ત અમી તો  હસતી હતી અમને ચિંતા ન કરવાનું કહેતી હતી પણ  કદી ન થાકનાર અમી હમણાં  જલદી થાકી જતી હતી.તાવની નબળાઇ હશે કે બીજું કંઇ ?

 પૂરા પંદર દિવસ વીતી ગયા હતા. એક એક દિવસ એક એક વરસ જેવો લાગતો હતો.

અને ગઇ કાલે ડોકટરોની આખી ટીમે ચર્ચા કર્રી ને અંતે ન છૂટકે અમને સત્ય હકીકત જણાવી હતી.

અમારી અમીને બ્લડ કેન્સર હતું..અને તે પણ લાસ્ટ સ્ટેજમાં.. બચવાની કોઇ ઉમ્મીદ ..આશાનું કોઇ નાનકડું કિરણ પણ નહીં. વધુમાં વધુ એકાદ બે મહિના.. મારી નાનકડી અમી ..હજુ તો જીવનમાં પા પા પગલી પણ પૂરી નહોતી ભરી. અને કુદરતનો આ કારમો કેર ? આવી નાનકડી કળી જેને  હજુ તો ખીલવાનું..સુવાસ ફેલાવવાનું બાકી હતું. અને એને આવું દરદ ? કુદરત આવી ક્રૂર ? એને બીજું કોઇ ન મળ્યું ? મારી દીકરી..મારી અમી જ શા માટે ? આખરે શા માટે ? શો દોષ હતો એનો ? કયા ગુનાની આ સજા એને મળી રહી હતી ? કાશ ! એને બદલે મને આ બીમારી આવી હોત તો હું કોઇ ફરિયાદ ન કરત.. પણ..

પહેલા તો હું એ રીપોર્ટ માનવા… સ્વીકારવા તૈયાર જ નહોતી. નક્કી ડોકટરોની કોઇ ભૂલ થઇ હશે..કોઇ બીજાનો રીપોર્ટ ભૂલથી અપાઇ ગયો હશે..

પણ..ના..કોઇ ભૂલની શકયતા નહોતી.. ડોકટરોએ પૂરી ચકાસણી કર્યા બાદ જ રીપોર્ટ આપ્યા હતા. કોઇ સારવારનું પરિણામ મળે તેમ નહોતું એમ ડોકટરોએ સ્પષ્ટ જ કહી દીધું હતું. અમને તે અંધારામાં રાખવા  નહોતા માગતા.જેથી  અમીના છેલ્લા દિવસો અમે તેને આનંદમાં રાખી શકીએ.. તેની બધી ઇચ્છાઓ પૂરી કરી શકીએ..

અમે ડોકટરને વિનંતી કરી કે ગમે તે થાય અમીને આ ખબર ન પડવી જોઇએ..

પણ તમારું વર્તન જ તેને ચોંકાવી દેશે.. તમારે નોર્મલ રહેવું બહું જરૂરી છે. અમી બહું હોંશિયાર છોકરી છે.. એને જો કોઇ શંકા આવી જશે તો ….

ના..અમે હ્રદય પર પથ્થર મૂકી દેશું એને અણસાર પણ નહીં આવવા દઇએ. પણ  ડોકટર પ્લીઝ   તમે તમારા પ્રયત્નો મૂકી ન દેતા. વિદેશમાં પણ કોઇ દવા ..કોઇ ટ્રીટમેન્ટ શકય હોય તો પ્લીઝ અમારી અમીને  બચાવી લેજો.

યુ ડોંટ વરી..અમે તમને સાવધાન કર્યા બાકી અમે ડોકટરો છેલ્લી મિનિટ સુધી ઝઝૂમતા જ રહેવાના.. અને અમીને બહું પેઇન સહન ન કરવું પડે એનું પણ ધ્યાન રાખીશું. હવે તમારે  ચહેરા  પર હાસ્ય ફરકાવતા..પ્રસન્ન રહેતા શીખવું પડશે.. તમારી ભીતરની બધી વેદનાને..પીડાને અંદર જ છૂપાવવાની છે. કરી શકશો ? અમારે હા જ પાડવાની હતી.

નીરજે  ધીમેથી કહ્યું, જૂઇ, આપણે …

પણ એ  યે વાકય કયાં પૂરું કરી શકયો ? મને સાંત્વના  આપતા તે પોતે જ …

હવે અમારે બંને એ એકબીજાને સાચવવાના હતા. નીરજ ભલે પુરૂશ હતો પણ તે મારા કરતા પણ વધારે સંવેદનશીલ  હતો. તેનું હૈયુ ખૂબ કોમળ હતું.

થોડીવાર અમે બંને એકબીજાનો હાથ પકડીને મૌન બેસી રહ્યા.  મનને તૈયાર કરતા રહ્યા.

થોડી વારે મેં જ કહ્યું,

નીરજ, અમી પાસે જશું ? તે રાહ જોતી હશે..

મેં અને નીરજે અમારી ભીની આંખ લૂછી .ચહેરો ધોયો. ફ્રેશ લાગવા જોઇએ.. અમીને કે ઘરમાં બીજી દીકરીઓને કોઇને ખબર ન પડવી જોઇએ.. હવે એ અમારી કસોટી હતી અને અમારે એ કસોટીમાંથી પાર ઉતરવાનું હતું. અમારે હસવાનું હતું અને બધાને હસતા રાખવાના હતા.

જીવનના રંગમંચ પર અમારે ફાળે આવેલું  પાત્ર અમારે સફળતાપૂર્વક ભજવવાનું હતું. અમારી અમીને હસતા રહીને..હસતી રાખીને  વિદાય કરવાની હતી. એ વિદાય કમનસીબે લગ્ન પછીની વિદાય નહોતી. આ તો પરમ પિતાનું તેડું આવ્યું હતું. એનો અનાદર કે આનાકાની કોણ કરી શકયું છે ?   

        

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s