chapti ujas..191

 

ચપટી ઉજાસ..191

                                                                             અંતરમંતર છૂમંતર

રાત દિવસ વિચારતા રહીએ તો પણ જેની કલ્પના ન કરી શકાય એવું અનેકવાર જીવનમાં બનતું રહે છે. સમયની બંધ મુઠ્ઠીમાંથી આ પછીની ક્ષણ કેવી નીકળશે એની કલ્પના ફકત અઘરી નહીં  અશકય જ હોય છે.

હમણાં છલ્લી દસ વરસથી ઇશ્વરની કૃપા અમારા પરિવાર પર વરસી રહી હતી. અને મને થતું હતું હવે સુખનો આ સમય કદી પૂરો નહીં થાય. આમ જ જીવન વહેતું રહેશે..દીકરીઓ પરણી જશે અને પછી કોઇ ક્ષણે અમારું અસ્તિત્વ પણ આ પ્રથ્વીના પટ પરથી અદ્રશ્ય થઇ જશે.

પણ સુખ પછી દુખ અને દિવસ પછી રાત આવતી જ હોય છે. કુદરતના  એ ક્રમમાંથી અમે બાકાત કેમ હોઇ શકીએ ?

અમારા કિલ્લોલતા પરિવાર  ઉપર એ દિવસે જાણે વીજળી ત્રાટકી.

બે દિવસથી  અમીને તાવ આવતો હતો. અમી હવે તેર વરસની થઇ ચૂકી હતી. . ભણવામાં  હમેશા પહેલો નંબર અને સંગીતમાં એ સૌથી આગળ..કુદરતે એના ગળામાં ગજબની મીઠાશ ભરી હતી. અને અમી બધી છોકરીઓમાં સૌથી વધારે માયાળુ હતી. મારી એ પહેલી દીકરી હતી. એણે મને પહેલીવાર મા બનાવીને મા  શબ્દનો ..એ અનુભૂતિનો એહસાસ કરાવ્યો હતો.

અમીને તાવ આવ્યો ત્યારે પહેલા એકાદ દિવસ તો બહું ગણકાર્યું નહીં. આવું નાનું નાનું તો ચાલ્યા કરે.અમે દીકરીઓને ફોસી નહોતી બનાવી. અને આમ પણ આગલે દિવસે અનારાધાર વરસાદ વરસ્યો હતો અને વરસાદમાં કોરા રહેતા તો અમે કોઇ શીખ્યા જ નહોતા. આખો દિવસ અમે બધા  ખૂબ  પલળ્યા હતા. નીરજ,  હુ અને અમારી વહાલી દીકરીઓ બધાએ ખૂબ મસ્તી કરી હતી. વરસાદી ગીતો ગાયા હતા અને નાનકડી શચી અને મીલીએ કાગળની હોડીઓ બનાવીને તરાવી હતી. પ્રાચી અને અમી ભીંજાતા ભીંજાતા  મોટેમોટેથી ગીતો લલકારતી હતી.  તો નીલુ અને મીની ત્યાં બાંધેલા હીંચકા પર ઝૂલતા ઝૂલતા મોઢું ખુલ્લુ રાખીને વરસાદને સીધો મોં માં ઝિલતી હતી. હું અને નીરજ વરસાદને અને દીકરીઓના કિલ્લોલને માણતા હતા. છોકરીઓની ચીસાચીસ ચાલતી હતી.. મમ્મી.. પપ્પા.. ના ટહુકા ગૂંજતા હતા અને એના પડઘા વાદળો સુધી પહોંચતા હતા.

પૂરા બે કલાક મસ્તી ચાલી હતી. પછી માંડ માંડ અમે બધાને અંદર લીધા હતા.  કોરા થઇને પછી મહારાજે બનાવી રાખેલા ગરમાગરમ ભજિયા અને ચાને ન્યાય આપતા વાતોના વડા કર્યે જતા હતા. નાનકડી શચીને છીંકો આવવાની ચાલુ થઇ હતી.  અમી અને પ્રાચી બંને તેની ચિંતા કરતી હતી.

મમ્મી, આ શચીને કયાંક શરદી થઇ જશે. શચીને આદુવાળી ચા પીવડાવીને સૂવડાવી દીધી હતી. બીજે દિવસે સવારે શચી તો ઓલરાઇટ હતી. પણ અમી તાવમાં ધીખતી હતી.

મેં અમીને કહ્યું,

જો શચીને બદલે તને જ તાવ આવ્યો ને ? હજુ તો તારે જ વરસાદમાંથી બહાર નહોતું આવવું. શચી તો એ જલસા કરે છે. હવે તારે દવા ખાવાનો વારો આવ્યો.

મને અને નીરજને એમ જ હતું  કે ગઇ કાલે બહું ભીંજાયા એનું જ આ પરિણામ.. ગરમ રાબ બનાવીને અમીને પરાણે પીવડાવી.

પપ્પા, તમે બંને ખરા છો..એક જરાક તાવ આવ્યો એમાં આટલી ચિંતા કરવા બેસી ગયા ..અને હવે મારી ઉપર દવાનો હુમલો ..જાતજાતના અખતરા થવાના..એની મને ખબર છે. આ રાબની શરૂઆત થઇ ગઇ. હવે પછી શેનો વારો છે ?

અમી ખડખડાટ હસતી હતી. પ્રાચી કહે,

અમી, આજે નકામી માંદી પડી. આજે તો આમ પણ સ્કૂલમાં રજા છે એથી કોઇ ફાયદો નહીં થાય. કાલે તાવ આવ્યો હોત તો એક દિવસ રજા મળી જાત.

એ ય પ્રાચી, હું કંઇ તારી જેમ સ્કૂલની ચોર નથી. કે રજાની રાહ નથી જોતી. મને તો સ્કૂલ ગમે છે.

તો પછી  રવિવારની રાહ તો સૌથી વધારે તું જ જોતી હોય છે.

 રવિવારે મમ્મી કયાંનો પ્રોગ્રામ બનાવે છે એની રાહ તો આપણે બધા કયાં નથી જોતા ?

પાંચ વરસની મીલી તો અમીનું માથું દબાબવા બેસી ગઇ હતી.

દ્દીદી, માથું દબાવી આપું ?

અરે..વાહ આવી સેવા મળતી હોય તો કયારેક માંદા પડવાની પણ મજા આવી જાય..

એ તો હમણાં  મમ્મી જાતજાતના ઉકાળાનો મારો ચાલુ કરશે ને ત્યારે જ મજાની ખબર પડશે.

ઓહ..નો..મમ્મી..પ્લીઝ..નો ઉકાળા હોં. અરે,  જોજોને કાલે તો મારો તાવ પણ ગાયબ..

આજે સ્કૂલમાં રજા હતી એટલે બધી બહેનો આખો દિવસ અમીની આસપાસ ઘૂમતી રહી. થોડી  થૉડી વારે મસ્તી ચાલતી રહી. મેં જોયું તો અમીની આંખો ઘેરાતી હતી.

નીરજ કહે,

‘ હવે  ચાલો બધા પોતપોતાનું કામ કરો. અમીને ઉંઘ આવે છે. એને સૂઇ જવા દો..થોડો આરામ કરશે તો કાલે સારું  થઇ જશે.  મેં અમીનો તાવ માપ્યો તો 101 જેવો હતો. નીરજે અમીના માથા પર ઠન્ડા પાણીના  પોતા મૂકવા  માંડયા.

જૂઇ, તું કોઇનું હોમવર્ક બાકી હોય કે એવું કંઇ હોય તો જોઇ લે.. હું અમી પાસે બેઠો છું. હું બધાને લઇને અંદર ગઇ. અમીને કદાચ થાક લાગ્યો હતો. તેણે આંખ  મીંચી.

 મીલી જતા જતા  મોટેથી બોલી ઉઠી. ,

“ અંતરમન્તર..જાદુમંતર અમીદીદીનો તાવ છૂમંતર.. છૂમંતર ..” 

      

 

One thought on “chapti ujas..191

  1. મને ખબર નથી કે તમારી આ એક વાર્તા છે કે સાચી હકીકત. હું મારા મિત્રની બે વર્ષની નાની ઢીંગલીને ખુબ જ રમાડતો હતો. એક દિવસ તેને તાવ આવ્યો અને મિત્ર દવાના ડોઝ બોટલ ઉપર વાંચીને આપતો હતો પરંતુ બોટલ ઉપરના ડોઝ તદ્દન નાના છોકરાઓ માટે હોય છે, મોટા છોકરાને ડોઝ વધારે આપવો પડે. પેલી ઢીંગલી ડોળા ચઢાવી ગઇ અને અમે બધા બેબાકળા થઇ ગયા. શું કરવું સમજ નહી પડી, ઇમરજન્સીમાં હોસ્પીટલ ભેગી કરી અને ડોકટરે ત્યારે કહ્યું કે ડોઝ વધારે આપવો પડે. તે વખતે અમે બધા ખુબ જ શોકમગ્ન થઇ ગયા હતા. તમે લખ્યું તેમ એકદમ આનદથી ખેલતા પરિવારમાં આવું બને ત્યારે ખુબ જ દુઃખી થઇ જવાય છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s