ચપટી ઉજાસ..189

 

ચપટી ઉજાસ..189

                                                                                     પ્રભુતામાં પગલા..

પલકના જવાબથી હું વધારે ગૂંચવાઇ. પલક પણ ખરી છે..એક મિનિટમાં ફેંસલો આપી દીધો. આવા મોટા પ્રશ્નનો જવાબ આપતા એને વિચારવાની પણ જરૂર ન લાગી.  આજે ઉમંગી ફૈબા હોત તો શું કહેત ? મને અચાનક વિચાર આવ્યો.

મને લાગ્યું કે કદાચ ફૈબા પણ એ જ જવાબ આપત જે પલકે આપ્યો હતો..નીરજ હવે આ બાબતમાં કશું પૂછતો નહોતો. અમે મળતા હતા ઘણી વાતો કરતા હતા. નાનકડી પ્રાચી પણ મારી સાથે બહું મીક્ષ થઇ ગઇ હતી.

અંતે એક દિવસ અમે પ્રભુતામાં પગલા પાડયા. પલક આવી હતી. બીજા પણ થોડા મિત્રો આવ્યા હતા. અમે કોર્ટમાં જ મેરેજ કર્યા હતા. અમેરિકાથી મમ્મી, પપ્પા, કાકા બધા ખુશ થયા હતા. અને આશીર્વાદ આપ્યા હતા. તેમને તો આવવાનું બહું મન હતું..પણ મેં જ ધક્કો ખાવાની ના પાડી. અને કહ્યું કે

 ચાર  મહિના પછી કાકાને રજા છે ત્યારે જ આવજો. જેથી નિરાંતે રહી શકાય.

નીરજના દાદીમાની ખુશીનો તો પાર નહોતો. તેમણે અમને દિલથી આશીર્વાદ આપ્યા. મારે નીરજને ઘેર જવું કે નીરજે અહીં આવવું એ પણ નીરજે મારી પર છોડયું હતું.  દાદીમાની ઇચ્છા એવી હતી કે પ્રણાલિકા મુજબ હું જ નીરજને ઘેર આવું. નીરજનો બંગલો પણ મોટો હતો. હું અમી અને પરીને લઇને ત્યાં ગઇ. હાલ પૂરતો તો મારો બંગલો ખાલી પડયો. મંજુબેન અને કિશોરી મારી સાથે જ આવ્યા હતા.

અમી, પરી અને પ્રાચી ત્રણે વિકસતા ગયા. મારા લગ્નથી મારી દિનચર્યામાં ખાસ કોઇ ફરક નહોતો પડયો. બલ્કે મને સંગીત માટે વધારે સમય મળતો હતો. કેમકે હવે ઘરમાં મને મદદ કરવા માટે નીરજ અને દાદીમા પણ હતા. દાદીમાનો સ્વભાવ ખૂબ ખૂબ સારો હતો. ત્રણે દીકરીઓને તેમની મમતાનો પૂરો લાભ મળતો.

અમે પહેલેથી નક્કી કર્યું હતું કે અમારે અમારું પોતાનું કોઇ બાળક નહીં  હોય.. જેથી ભૂલથી પણ કોઇ ભેદભાવ ન થાય. હવે મારા જીવનમાં ખુશીના દીપ  ઝળાહળા થયા હતા. જીવન આટલું સુંદર હોઇ શકે..એનો અહેસાસ મને કદાચ પહેલી વાર થતો હતો. જીવન સોળે કળાએ ખીલી ઉઠયું હતું. નીરજનો ઉત્સાહ તો કયાંય સમાતો નહોતો. અમારું સહજીવન નહીં સખ્યજીવન બની શકયું હતું. વગર કહ્યે અમે એક મેકની વાત સમજી શકતા હતા. સ્વીકારી શકતા હતા. એક પતિ તરીકે નીરજે કોઇ અપેક્ષા મારી પાસે નહોતી રાખી. અમે પતિ પત્ની ઓછા અને મિત્રો વધારે હતા. પ્રાચી , અમી અને પરીના વિકાસમાં અમે સતત વ્યસ્ત રહેતા. નીરજના વ્યક્તિત્વના અનેક પાસા મારી સમક્ષ ઉજાગર થતા રહેતા.અને એ દરેક પાસાને હું મુગધતાથી માણતી રહેતી. દરેક પુરૂશ આવો હોય તો ?

એવામાં મારા પપ્પાએ  અચાનક અમેરિકમાંથી  જ આખરી અલવિદા લીધી. ઉંઘમાં  જ હાર્ટ એટેક આવ્યો હતો અને સવારે ઉઠયા જ નહોતા. મારા જીવનના એક પછી એક પાત્રો ઓછા થતા જતા હતા ..નીરજે કહ્યું કે દીકરીઓની સંભાળ તે રાખશે..તારે આ સંજોગોમાં તારી મમ્મી પાસે જવું જોઇએ..

અને હું એક મહિના માટે અમેરિકા ગઇ. હું આવી તેથી મમ્મીને ખૂબ સારું લાગ્યું. મા દીકરીએ એકમેકને વળગીને રડીને દુખને હળવું  કરવાનો પ્રયાસ કર્યો.  મને થયું.. પપ્પા હવે કદી જોવા જ નહીં મળે ? પપ્પા છબી બની ગયા હતા ..ફકત છબી ?

જયે  ત્યાં  મેરેજ કરી લીધા હતા અને હવે તે અલગ રહેતો હતો. મમ્મી કુન્જકાકા સાથે હતી.

કાકાને સમજાવીને હું મમ્મીને મારી સાથે લાવી હમેશ માટે.. મમ્મીને મનમાં હતું કે પરણેલી દીકરી સાથે હમેશા કેમ રહેવાય ? જમાઇને કેવું લાગે ?  મમ્મી હંજુ તેના જૂનવાણી વિચારો.. જેને તે ભારતીય સંસ્કાર કહેતી હતી તે છોડી  નહોતી શકતી. આખરે  મેં કહ્યું

મમ્મી, એક કામ કરજે..તું એકાદ મહિનો મારી સાથે રહી જો..પછી  તને એવું લાગે તો તું મારો બંગલો પણ ખાલી છે અને આપણું જૂનું ઘર પણ છે જ ને ? તારે જયાં રહેવું હોય ત્યાં રહેજે હું બધી સગવડ કરી આપીશ..

મમ્મી કબૂલ થઇ. દાદીમા તો મમ્મીના આવવાથી  ખૂબ રાજી થયા. નીરજની ખુશીનો પણ પાર નહોતો. મમ્મી નીરજને જોઇને , મળીને બહું ખુશ થઇ. અને એક મહિનામાં નીરજનો જે પરિચય એને થયો એણે સામેથી જ કહી દીધું કે એ અમારી સાથે જ રહેવા માગે છે. મને અપાર ખુશી થઇ. થેંક્સ ટુ નીરજ..

મમ્મી. દાદીમા, મંજુબેન અને કિશોરી બધાએ મળીને ત્રણે દીકરીઓની જવાબદારી એવી તો સરસ રીતે સંભાળી લીધી હતી કે હવે બીજી  દીકરીઓને અમારા પરિવારમાં સમાવી લેવા તત્પર થયા હતા.  

 સમય દોડતો રહ્યો..જીવનનો એક એક દિવસ રળિયામણો લાગતો હતો. રોજ રાત્રે સૂતા પહેલા અમારો આખો પરિવાર સાથે મળીને ઇશ્વરની પ્રાર્થના કરતો ત્યારે હું ભગવાનને એક જ વિનંતી કરતી. ઇશ્વર, તેં ખોબલે ખોબલે આપ્યું છે હું લેતા થાકી જાઉં એટલુ આપ્યું છે હવે એને સંભાળવાની..સાચવવાની અખંદ રાખવાની જવાબદારી પણ ઉપાડીશ ને ?

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s