ચપટી ઉજાસ..188

 

ચપટી ઉજાસ.. 188

                                                                                           શુભસ્ય શીઘ્રમ  ?

શાંત પાણીમાં નાનકડી કાંકરી નહીં પણ મસમોટો પથરો પડયો છે. અને પાણીમાં એક પછી એક વર્તુળૉ ..વમળો ઉઠી રહ્યા છે.  મારું મન એ વમળૉમાં ઘેરાયેલું રહે છે.  મુશ્કેલી એ છે કે મનમાંથી  સ્પષ્ટ  નકાર પણ મળતો નથી. ત્રાજવાનું પલ્લુ ઇધર ઉધર નમતું રહે છે. વચ્ચે બે વાર નીરજના ફોન આવી ગયા. અને અમે  રૂબરૂ મળી પણ લીધું. દાદીમાએ નીરજને સમજાવવાનું કામ બરાબર કરી લીધું હતું. નીરજે મને  કોઇ ફોર્સ નથી કર્યો. તેણે બધું મારી ઉપર છોડયું છે.

જૂઇ, દાદીમાએ ભલે તને વાત કરી પણ  હું નથી ઇચ્છતો કે તું કોઇ આવેશમાં આવીને નિર્ણય લે.. તને જરા પણ હિચકિચાહટ થતી હોય..તારા સપના પૂરા કરવામાં..તારી મંઝિલે પહોંચવામાં આપણો સંબંધ કોઇ અડ્ચણ ઉભી કરે તો ? આવી કોઇ શંકા મનમાં થતી હોય તો તું વિચારીને જ નક્કી કરજે. મને તારો દરેક ફેંસલો ખુશી ખુશી મંજૂર હશે.

હા..એક વાત નક્કી છે કે તારો જે પણ ફેંસલો હોય તે…  પણ આજથી મારું સપનું તારા સપના સાથે જોડાઇ ગયું છે. તારા દરેક કાર્યમાં તન, મન ધનથી હું  જોડાયેલો છું એ નક્કી માનજે. આપણે મિત્ર છીએ અને  રહીશું. આપણે આપણા સંબંધને કોઇ સામાજિક નામ આપીએ કે ન આપીએ.. એથી કોઇ મોટો ફરક નથી પડી જતો. હા જીવનસંધ્યાએ  આપણી દીકરીઓ પરદેશી પંખી બનીને એના  પોતાના આગવા માળામાં ઊડી જશે ત્યારે બની શકે આઅપણને એક્મેકની હૂન્ફનો સહારો મળે..પણ એ તો મિત્રતાના સંબંધમાં પણ  મળશે જ..

હું નીરજની વાત મૌન બનીને સાંભળી  રહી. મનમાં થતું હતું..નીરજ બોલ્યા કરે ને હું આમ જ મૌન બનીને સાંભળ્યા કરું..

નીરજ, અત્યારે  મારે બે જ દીકરીઓ છે.અમી અને  પરી..પણ મારે તો પૂરી દસ દીકરીઓ જોઇએ છે.

દસ નહીં પ્રાચી અગિયારમી દીકરી હશે..આપણી તો પૂરી ક્રિકેટ ટીમ હશે.. એક એકથી ચડિયાતી.. એની ચિંતા ન કર.. તારું મારું સપનું  સહિયારું  હશે.. અને આપણે પતિ પત્ની હોવા છતાં સાચા અર્થમાં મિત્રો બની રહેશું..પૂરી સ્વતંત્રતા સાથે.. બસ. મારા તરફથી હું એટલું જ કહીશ.. તારું દિલ જે કહે એ જ કરજે..કોઇ ઉતાવળ નથી. આપણે મિત્રો છીએ જ..અને નિયતિએ ફરી એકવાર આપણને ભેગા કર્યા છે તો કોઇ પણ સ્વરૂપે ભેગા રહીશું. માટે બહું ચિંતા કરવાની કે ટેન્શન લેવાની જરૂર નથી.

મને બહું સારું લાગ્યું. અમે મળતા રહીએ છીએ.. હજુ મેં કોઇ જવાબ નથી આપ્યો. હકીકતે હમણાં  અમીને બે દિવસથી થોડો તાવ હતો. હું બધું ભૂલીને એની ચિંતામાં પડી હતી. મારો તો જીવ ઉંચો થઇ ગયો હતો. પણ હવે સારું છે.

મનમાં  વિચારોના વંટૉળ ફૂંકાતા રહે છે. શું કરવું જોઇએ એ સમજાતું નથી. કોને પૂછું ?

અચાનક મને પલક યાદ આવી. એની પાસે હું દિલની બધી વાત કહી શકું છું. એ મને બરાબર ઓળખે છે. અને સમજે છે. એ જ મને સાચી સલાહ આપી શકશે..

મેં પલકને ફોન કર્યો. હવે તેને આઠમો મહિનો ચાલે છે. આમ પણ અમે અવારનવાર વાતો કરીએ જ છીએ..

પહેલા તો કેવી રીતે વાતની શરૂઆત કરવી એ જ ન સમજાયું. થોડી વાર આડી અવળી  વાત ચાલી..પણ  આજે મારી વાતમાં કોઇ દમ નહોતો. પલકથી તે એક અજાણ્યું રહે ?  

જૂઇ, જે કહેવું હોય તે સીધી રીતે કહે..મૂંઝાવાની જરૂર નથી. અમારા જૂઇબેન કયાં ગૂંચવાયા છે ? અને નો પ્રસ્તાવના.. સીધી સટ વાત શરૂ..

હું હસી પડી. એક હળવાશ અનુભવાઇ. આ પલક પણ જબરી છે. પછી મેં નીરજની  વાત કરી.

પલકે શાંતિથી વાત સાંભળી..થોડા પ્રશ્નો પૂછયા.પછી લાગલું જ મને કહે..

આમાં કોઇ પ્રશ્ન જ નથી. અરે, તારા પોતાના દિલે તને જવાબ આપી જ દીધો છે. આ તો તું કન્ફર્મ કરવા માટે મને પૂછે છે.

પલક, શું પાગલ જેવી વાત કરે છે ? મેં કંઇ નક્કી નથી કરી નાખ્યું. હું તો તારો મત  પૂછું છું.

ઓકે.. નક્કી નથી કર્યું તો કરી નાખ.. કર કંકુના.. જૂઇ, મને લાગે છે.કુદરતે જ તને આ તક આપી છે.. અને  તારે એ ઝડપી લેવી જોઇએ.મને લાગે છે નીરજ સાથે  તું સુખી થઇશ..

એય બેનબા..સુખી તો હું અત્યારે પણ છું જ..

એની ના નથી પાડતી અને છતાં જીવનની  એક અધૂરપ આ લગ્નથી પૂરી થશે એનો અહેસાસ તને લગ્ન પછી થશે.

મનગમતી વ્યક્તિનો સાથ એટલે શું ? એનો અનુભવ તને કદી મળ્યો જ નથી. જૂઇ, તારી વાત સાંભળીને મને તો ત્યાં દોડતા આવીને તારો હાથ પકડી નીરજ સાથે ફેરા ફેરવી દેવાનું મન થાય છે.

અરે.બાપ રે..મને તો એમ કે તું એમ કહીશ કે હું વિચારીને જવાબ  આપીશ પણ તેં તો એકદમ જ..

જૂઇ, સાચું કહું ? હકીકતે હું હમેશા એ વિચારતી હતી કે જૂઇ કોઇ  સારું પાત્ર શોધી લે તો સારું. હું ને અનીશ  તો  તારા માટે કોઇ  સારા છોકરાની તલાશમાં જ હતા.  એટલે  વિચારવાની જરૂર જ ન પડી. હું તો કહું છું.. શુભસ્ય શીઘ્રમ  

હવે હું ખરેખર સીરીયસલી વિચારમાં પડી.    

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s