ચપટી ઉજાસ..187

 

ચપટી ઉજાસ.. 187..

                                                                              શાંત જળમાં  ઉઠતા વમળૉ..

નીરજને ઘેરથી તે દિવસે આવી ત્યારે હું ખુશ હતી. વરસો પછી જૂનો દોસ્ત મળ્યો હતો..જૂની વાતો યાદ કરી હતી. અને આમ પણ મનની વાત કહું તો કદાચ મને જો પસંદગીની તક મળી હોત તો મેં જીવનસાથી તરીકે નીરજને પસંદ કર્યો હોત.. નીરજને પણ  મારા માટે એવી જ લાગણી હતી એની મને ખબર હતી. પરંતુ અમારી જ્ઞાતિ જુદી હતી અને મને મારા ઘરના સંજોગોની જાણ હતી એથી મેં કદી મનની વાત નીરજને કળાવા નહોતી દીધી.. નીરજે બે ચાર વાર  પરોક્ષ રીતે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ મેં એ વાતનો કોઇ જવાબ નહોતો આપ્યો.જે ગામ જઇ શકાય એમ નહોતું એની વાત કરવાનો અર્થ કયાં હતો ?  અને કોલેજ પૂરી થાય એ પહેલા તો મારી સગાઇ પણ થઇ ચૂકી હતી. અને એ વાત પર પડદો પડી ગયો હતો.હમેશ માટે.

આજે નીરજની મુલાકાતે એ દિવસો …એ વાતો યાદ આવી ગઇ. આજે કમનસીબે અમે બંને જીવનસાથી ગુમાવી બેઠા છીએ.. મને તો જોકે જીવનસાથી સાચા અર્થમાં તો મળ્યો જ કયાં  હતો ? સમાજની નજરે ભલે હું વિધવા હતી..પણ..

ખેર.. હવી બધું  વિચારવાનો કોઇ અર્થ કયાં છે ?

પણ ના.. મને લાગે છે કે આવી કોઇક આકસ્મિક લાગતી  મુલાકાત પણ  નિયતીની ગોઠવેલી હોતી હશે..જેની પાછળ  કોઇ ચોક્કસ હેતુ ..ચોક્કસ અર્થ છૂપાયેલો રહેતો હશે.

એક દિવસ હું અમી અને પરી સાથે રમતી હતી..ત્યાં અચાનક જ નીરજના દાદીમા તેમની  કામવાળી બાઇને લઇને મારું ઘર શોધતા શોધતા ઘેર આવી ચડયા..

મને બહું નવાઇ લાગી. દાદીમા બોલ્યા..બેટા, તને ખબર આપ્યા સિવાય જ અચાનક આવી ચડી છું. માફ કરજે..

ના..દાદીમા, તમે ગમે ત્યારે આવી શકો છો. નીરજ ન આવ્યો?

નીરજને તો હું અહીં આવી છું એની પણ કયાં ખબર છે ? નહીંતર એ મને આવવા દે ખરો ?

કેમ ન આવવા દે ? મેં તે દિવસે જ તમને કહ્યું હતું ને કે તમે એકદમ મારા દાદીમા જેવા જ મને લાગો છો.. તમે ઘેર આવશો તો મને ગમશે.

હા.. તારા એ શબ્દો પર તો આવવાની હિમત કરી છે.

મેં દાદીમને ચા આપતા કહ્યું. દાદીમા, આ મરી દીકરીઓ પરી અને અમી..

વાહ..બહું મીઠી દીકરીઓ છે. પછી હળવેથી ઉમેર્યું. મને નીરજે બધી વાત કરી. બેટા, મને બહું ગમ્યું. ઇશ્વર તને આવી જ શક્તિ આપતો રહે.

થોડી આડી અવળી વતો કર્યા પછી મને થયું કે દાદીમા કોઇ ચોક્કસ હેતુસર આવ્યા છે..પણ  બોલતા નથી. કદાચ અચકાતા હતા.

મેં પૂછી જ લીધું,

દાદીમા, તમે આવ્યા એ મને બહું ગમ્યું.. કોઇ ખાસ કામ હતું ?

બેટા, એનો જવાબ હા માં આપું કે ના માં આપું ? એ સમજાતું નથી.

દાદીમા, ચોખ્ખી વાત કરશો તો મને વધારે ગમશે.

બેટા, મને પણ એ જ ગમશે..ગોળગોળ વાતો કરતા મને ફાવે નહીં..ને આમ પણ છાશ લેવા જવું ને દોણી સંતાડવી બંને એકીસાથે કેમ થઇ શકે ?

હું કશું બોલી નહીં. દાદીમા સામે જોઇ રહી.

દાદીમા કહ્યું

બેટા, મનની વાત કહેવા આવી છું . તને ન ગમે..ખરાબ લાગે તો માફ કરી દેજે..અમને ઘરડાં લોકોને જે વાત મનમાં હોય તે કહી દેવી ગમે.

બેતા, મને થાય છે કે તું ને નીરજ કાયમ માટે એક ન  થઇ શકો ?

એટલે ?

એટલે એમ જ કે તમે બંને લગ્ન કરી લો તો..? તમે બંને એકબીજાને ઓળખો છૉ. હજુ તો માંડ ત્રીસીએ પહોંચ્યા છો તમે બંને.. તમારા વિચારો મળતા આવે છે. તમારે ત્રણ  દીકરીઓ હશે. પ્રાચી, અમી અને પરી..તમને બંને ને એકમેકની હૂંફ મળશે.. બેટા, અમુક ઉમરે પહોંચ્યા પછી આ દીકરીઓ એમના નોખા  માળામાં ઊડી જશે ત્યારે એકલતા લાગશે.ત્યારે કોઇનો  સાથ હોય તો શું ખોટું ?

મેં હજુ નીરજને પણ વાત નથી કરી. પહેલા તને પૂછી  લઉં..પછી જ એને વાત કરી શકું .

મારો કોઇ દુરાગ્રહ નથી. તારી ઇચ્છાને હું માન આપીશ.અપ્ણ બેટા, એકવાર મારી વાત વિચારીશ તો ખરી ને ? પછી તને જે ગમે એ નક્કી કરજે.. બેટા, મનની વાત કહ્યા સિવાય હું રહી શકી નહીં.કંઇ ખરાબ લાગ્યું હોય તો મને  માફ કરજે.. તે દિવસે તને જોયા પછી મને આ વિચાર આવ્યો છે. કેમકે તું  મને ગમી ગઇ છે અને નીરજને પણ તું ગમે છે એ હું જાણી શકી છું

દાદીમા,નીરજે તમને એવું કંઇ કહ્યું ?

બેટા, સંતાનોની  કેટલીક વાતો  કહ્યા સિવાય પણ સમજી શકાતી હોય છે.  અને હા, તારી કોઇ શરત હોય તો પણ મને એ કબૂલ  છે.

દાદીમા શરતની કોઇ વાત નથી. જીવનભરના સંબંધો કંઇ  શરતો ઉપર ન ટકે. પણ સાચું કહું તો હજુ સુધી આ દિશામાં મેં કંઇ વિચાર્યું જ નથી. 

બેટા, ન વિચાર્યું હોય તો એકવાર શાંત મને જરૂર વિચારજે..મનના આગળિયા બંધ કર્યા સિવાય ખુલ્લા મને વિચારજે.. પછી તને જે યોગ્ય લાગે એ કરજે.. બેટા , વિચારીશ ને ?

અંતે મારી પાસેથી  વિચારવાનું પ્રોમીસ લઇને દાદીમા ગયા. અને શાંત જળમાં  કાંકરો નહીં પથ્થર  ફેંકતા ગયા હતા જેના વમળોમાં હું અટવાતી રહી.       

2 thoughts on “ચપટી ઉજાસ..187

  1. દાદીમાની વાત બંને એ સ્વીકારવી જ જોઈએ ! જૂનવાણી કહેવાતા દાદીમા કેટલું સરસ અને સ્પષ્ટ વિચારી શકે છે !

    Like

  2. “નીરજને ઘેરથી તે દિવસે આવી ત્યારે હું ખુશ હતી. વરસો પછી જૂનો દોસ્ત મળ્યો હતો..જૂની વાતો યાદ કરી હતી. અને આમ પણ મનની વાત કહું તો કદાચ મને જો પસંદગીની તક મળી હોત તો મેં જીવનસાથી તરીકે નીરજને પસંદ કર્યો હોત.. ”
    “જે ગામ જઇ શકાય એમ નહોતું એની વાત કરવાનો અર્થ કયાં હતો ?”
    દાદીમા,:-“કેમકે તું મને ગમી ગઇ છે અને નીરજને પણ તું ગમે છે એ હું જાણી શકી છું”
    આ બધા મુદ્દા ખ્યાલ્મા લ ઇ ,સંજોગો…સ મ ય બદલાય …કુદરત્તનો સંકેત હોય તો વૈચારિક માહોલ ભીતર ના સુક્શ્મ અવાજ ને અનુસરી બેઉ પાત્રો ચોક્કસ ફેર-વિચારણા કરી જ શકે ! કોઇ ડાય્લેમા/દ્વિધા હોય તો અંગત વ્યક્તિ ની સલાહ પણ લઇ શકાય …

    Like

Leave a reply to La' Kant જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.