ચપટી ઉજાસ..186

 

ચપટી ઉજાસ  186

                                                                               વરસો પછી..

અમી અને પરી.. હું બે દીકરીઓની મા ..! અમી તો હવે કાલુ કાલુ બોલતા પણ શીખી ગઇ છે. તે જયારે મમ્મા બોલે છે અને દોડીને મને વળગે છે ત્યારે મારું અંતર જ નહીં આખું અસ્તિત્વ  હરખાઇ ઉઠે  છે..અમીને પરી બહું ગમે છે. પરી ઘરમાં આવવાથી જાણે તે બહું મોટી થઇ ગઇ હોય એમ પરીને રમાડવા જાય છે. પરીની પાછળ પાછળ તે દોડતી રહે છે. બંને બહેનોની કિલકારીથી ઘર ગૂંજી રહે છે. ઘરમાં મંજુબેન વરસોથી કામ કરતા હતા અજે પણ તે ઘરની બધી જવાબદારી સંભાળે છે. હવે તેમની વહુ  કિશોરી   પણ એ કામમાં  તેની સાથે જોડાઇ  છે. કેમકે કામ વધ્યું છે. મને એ બંનેની બહું મદદ મળી રહે છે. બંને હવે ઘરના સભ્યો જેવા જ બની ગયા છે. પરી અને અમી પણ તેમના હેવાયા થઇ ગયા છે.

હમણાં મારી સાથે કોલેજમાં ભણતો નીરજ અચાનક મળી ગયો. હું મોલમાં ગઇ હતી.અમી અને પરી માટે થોડી  વસ્તુઓ લેવા માટે ફરતી હતી. ત્યાં પાછળથી નીરજનો અવાજ આવ્યો,,

અરે, જૂઇ, કેમ છે ? કેટલા વરસો બાદ તું દેખાઇ..

હું પણ નીરજને જોઇ ખુશ થઇ. વરસો પછી આમ અચાનક કોઇ દોસ્ત મળી જાય એની ખુશી કંઇક અલગ જ હોય ને ?

હાય હેલ્લો પછી અમે એકમેકના સમાચાર પૂછતા રહ્યા. નીરજ કહે,

મારું ઘર બાજુમાં જ છે.. જૂઇ, થોડી વાર  આવ..વરસો પછી મળ્યા છીએ તો થોડા ગપ્પા મારીશું.

મેં હસતા હસતા કહ્યું,

તારી પત્નીને પૂછયું છે ને ?

નીરજ થોડો ગંભીર બની ગયો.

જૂઇ, એને પૂછવા માટે તો મારે ઉપર જવું પડે..શી ઇઝ નો મોર..

ઓહ..રીયલી સોરી..નીરજ..મને સપને ય કલ્પના નહોતી કે આવું કશુંક ….

વચ્ચેથી જ નીરજે કહ્યું..

ઇટસ ઓકે.. જૂઇ, કલ્પના તો મને યે કયાં હતી આવી ? સમયના ખેલ છે બધા..

પણ ચાલ, આપણે ઘેર બેસીને નિરાંતે ચા પીતા પીતા વાતો કરીશું.

મેં ઘડિયાળમાં જોયું..અમી અને પરીના ઉઠવાના સમયની હજુ વાર હતી. વાંધો નહીં આવે. અને આમ પણ ઉઠી જાય તો પણ તેની સંભાળ લેવા  માટે મંજુબેન અને કિશોરી હતા જ .. એ બંને બહું માયાળુ હતા.. એથી એવી કોઇ ચિંતા નહોતી.

હું નીરજ સાથે તેને ઘેર ગઇ. .

જૂઇ, આ મારા દાદીમા… અને આ અમારી વહાલી ઢીંગલી પ્રાચી. હમણાં જ બે વરસની થઇ. અને દાદી, આ જૂઇ .. અમે  કોલેજમાં સાથે ભણતા હતા.

નીરજે બંનેને ઓળખાણ કરાવી. મેં દાદીમાને પ્રણામ કર્યા. દાદીમાએ આશીર્વાદ આપ્યા. એમને જોઇને મને મારા દાદીમા યાદ આવી ગયા. અને મારી આંખો સજળ બની ઉઠી. મેં પ્રાચીને મારા ખોળામં બેસાડી. પણ તે છટકીને દાદીમા પાસે ભાગી.

પ્રાચીને અજાણ્યા સાથે ભળતા  થોડી વાર લાગે છે.

ઇટસ ઓકે.. બાળક તો પોતાના મનનો રાજા..એને ગમે એ જ કરે ને ?

  જૂઇ, મમ્મી પપ્પા કોઇ  હવે રહ્યા નહીં. દાદીમા વ્રધ્ધ બની ગયા છે. જોકે ઘરમાં ચોવીસ કલાકની બાઇ છે જે પ્રાચીનું ધ્યાન સારી રીતે રાખે છે તેથી એવી કોઇ  ચિંતા નથી.

ચિંતા તો ઘણી યે હોય બેન..હું તો હવે ખર્યું પાન કહેવાઉં.. મારા ગયા પછી દીકરી તો કામવાળાને ભરોસે જ  ને ?  હું નીરજને સમજાવું છું કે બેટા, આ ઉમરે એકલા ન રહેવાય..બીજા લગ્ન કરી લે..પણ નીરજ માન એતો ને ? બેટા, બને તો તું સમજાવજે એને.. 

દાદી, તું યે શું બધા પાસે એક જ રામાયણ લ ઇને બેસી જાય છે ?

તો શું કરું ? તું બીજા લગ્નની રામાયણ નથી કરતો એટલે મારે ઘરમાં મહાભારત કરવું પડે છે.

પ્રાચીને દૂધ પીવડાવવા  દાદીમા અંદર ગયા.

દાદીમાને  હમણાં આ ટોપિક સિવાય બીજું ક્શું સૂઝતું જ નથી.નીરજ ફિક્કુ હસ્યો.

પણ નીરજ, દાદીમાની વાત કંઇ ખોટી નથી.

સાચી કે ખોટી એ તો મને નથી ખબર..પણ પ્રાચી માટે હું નવી મા લાવવા નથી માગતો.

દરેક નવી મા કંઇ ખરાબ જ  હોય  એવું જરૂરી નથી હોતું.

પણ કઇ મા સારી નીવડશે ને કઇ ખરાબ નીવડશે એ કંઇ કપાળ ઉપર લખેલું નથી હોતું.

એની  વે..જવા દે..આપણે પહેલી વારમાં જ આ ચર્ચાએ કયાં ચડી ગયા ? બોલ, ચા કે કોફી શું ગમશે ?

ચા પછી કોફી..

અને અમે બંને એકી સાથે હસી પડયા. અમારો કોલેજનો જૂનો ડાયલોગ..

અને.. વચ્ચેના દસ વરસો એકસામટા ખરી પડયા. ચા પીતા પીતા થોડી વાર હસી મજાકનો દોર ચાલ્યો. પછી નીરજે મારા ફેમીલી વિશે પૂછયું. મેં બધી વાત કરી. અમી અને પરીની વાત સાંભળીને નીરજ તો એવો ભાવવિભોર બની ગયો. તેણે ઉભા થઇને નાટકીય અન્દાજમાં મને સલામ કરી.

જૂઇ,  ધીસ ઇઝ જ્સ્ટ ગ્રેટ.. આ તું જ વિચારી શકે અને કરી શકે.. જૂઇ,  ખરેખર મને આ બહું ગમ્યું.. તું કોલેજમાં હતી ત્યારે પણ બધાથી અલગ હતી અને આજે પણ તેં તારી એક અલગ કેડી કંડારી છે એનું મને એક મિત્ર તરીકે ગૌરવ છે.

થોડી વારે નીરજની રજા લઇ હું ઘેર આવી ત્યારે મારા મનમાં નીરજની વાતો ઘૂમતી હતી.

 

 

One thought on “ચપટી ઉજાસ..186

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s