chapti ujas..185

 

ચપતી ઉજાસ..185

                                                                                              ઇશ્વરીય વરદાન..

મારી દીકરી અમી હવે બેસતા શીખી ગઇ છે. મને જોઇને કેવી ખિલખિલ હસી ઉઠે છે..મારી દુનિયા અમીથી શરૂ થાય છે અને અમીથી પૂરી થાય છે. હવે તો  રોજ કંઇક નવું બને છે. આજે અમી શું શીખી..આજે એણે શું કર્યું ? એ બધી નાની નાની વાતો મારે માટે એક સમાચાર બની રહે છે.

હમણાં મને એક બીજો વિચાર આવે છે. શહેરમાં કેટલાયે અનાથાશ્રમો છે. હું નાની હતી ત્યારે ફૈબા સાથે એમાં ઘણીવાર ગઇ હતી.. એ બાળકો સાથે રમી હતી. આજે મારી  પાસે અઢળક  પૈસા છે..આવડો મોટો બંગલો છે. કામ કરનારા માણસો છે. બધી સગવડ છે. તો હું એક જ અમી શા માટે બીજી પણ બે ચાર દીકરીઓની મા ન બની શકું ? એ વિચારબીજની સાથે જ જાણે મારી નજર સામે મારા જીવનનું ધ્યેય મળી ગયું હોય એવી  અનુભૂતિ હું કરી રહી. આમ પણ  ફરીથી લગ્ન કરવાનું  મને મન જ નથી થતું. એ મારો રસ્તો  નથી એવું મને ફીલ થવા લાગ્યું. ઇશ્વરે કદાચ એટલે જ મને આવી..આટલી બધી સગવડ અને સ્વતંત્રતા આપી  છે એ મારા દ્વારા આવું કોઇ કામ કરાવવા માગે છે.

 દિવસે દિવસે મારા મનમાં આ વિચાર દ્રઢ થવા લાગ્યો. મારું ઘર ..આ બંગલો બાળકોથી કિલ્લોલતો હોય એનાથી વધારે રૂડું બીજું શું હોઇ શકે ? અને સારા કામમાં  સપોર્ટ મળી જ રહેવાનો.. હું કંઇ ફકત વિચાર કરીને બેસી રહું  એવી નહોતી જ..એનો કઇ રીતે અમલ  કરી શકાય  એ હું સતત વિચારતી રહી. અલબત્ત મારે કોઇ સંસ્થા..કોઇ અનાથાશ્રમ નહોતું ઊભું કરવું. એટલું બધું કરવું કદાચ મારા ગજા બહારની વાત હતી. અને મને એ બધી  પળૉજણમાં પડવાનું મન પણ નહોતું થતું. મારે તો બસ પાંચ સાત દીકરીઓની મા બનવું હતું..કોઇ સંસ્થા નહોતી સ્થાપવી. પહેલાના જમાનામાં આઠ દસ બાળકો બધાને હતા જ ને ? તો મારે આજે કેમ ન હોઇ  શકે ? મારા એ બાળકો  અનાથ નહીં હોય..બિચારા નહીં હોય.. એ એના જ ઘરમાં એની મા સાથે રહેતા હશે..કિલ્લોલ કરતા હશે..

હું હવે એ દિશામાં કામ કરવા મંડી  પડી. જાણે એક મોટો પ્રોજેકટ હાથમાં લીધો હોય એમ બધી તૈયારી શરૂ થઇ. વકીલ અંકલને મારી પર બહું સ્નેહ હતો. એ દરેક વાતમાં સતત મારી સાથે રહ્યા છે. બીજા પણ ઘણાં મિત્રોનો સાથ  છે જ.  નાની નાની અનેક વાતોની  વકીલ અંકલ સાથે  રોજ ચર્ચા  વિચારણા થતી રહી. મારે હવે એ એક જ ધ્યેય હતું. અને એ માટે હું બધું કરવા તૈયાર હતી.  અને આમ પણ આ કંઇ કોઇ સંસ્થા ઊભી કરવાની વાત નહોતી. અને મારે ફકત દીકરીઓ જ જોતી હતી..કેમકે છોકરા, છોકરીઓ બંનેને સાથે રાખું ને ભવિષ્યમાં કોઇ પ્રોબ્લેમ થાય તો ? મિલ્કતના કે કોઇ પણ જાત ના..દીકરીઓ તો પરણીને પોતપોતાને ઘેર ચાલી જવાની.. એવા કોઇ વિચારે કે ન જાણે કેમ પણ મેં ફકત દીકરીઓને દત્તક લેવાની વાત કરી.

અને એ પણ એકી સાથે નહીં..એક પછી એક..એક દીકરી ઘરમાં સેટ થાય..એ મારાથી અને હું એનાથી ટેવાઇ જાઉં પછી જ બીજી દીકરીનો વારો..

 દર વરસે એક દીકરી આવે એવી મારી ઇચ્છા હતી. એ માટે શું કરવું જોઇએ શું થઇ શકે એ બધી જવાબદારી વકીલ અંકલને સોંપી હતી. અંકલે પહેલા તો ના પડી..

બેટા, બહું મોટી જવાબદારી છે આ.. તું  મેનેજ કરી શકીશ બધું ?

હા..અંકલ, તમે તો મને ઓળખો છો.. હું જરૂર કરીશ.. મારી જ દીકરીઓ માનીને ઉછેરીશ.. અંકલ પ્લીઝ.. મને જીવવાનું એક સબળ કારણ તો જોઇએ ને ? અને હું બધાથી કંઇક અલગ કરવા માગું છું. મારા ઉમંગી ફૈબાનું એ સપનું હતું કે હું મોટી થઇને  બધાથી કંઇક જુદુ કરું.. અને મને એવા જ સંજોગો ઇશ્વરે આપ્યા ..કદાચ એ જ મારી નિયતી હશે..એ જ મારી મંઝિલ હશે.. તો જ આવા સંજોગો મળે ને ? અંકલ, મારામાં વિશ્વાસ રાખો..આ બધું હું કંઇ ક્ષણિક આવેશમાં આવીને  નથી કહેતી.. મેં ગંભીરતાથી બધું વિચાર્યું છે અને પછી જ તમને કહું છું.

મારે અન્કલ સાથે  ઘણી  વાતોની સ્પષ્ટતા થઇ. અંતે અંકલ બહું  ખુશ થયા. અળગળા થઇને મને કહે,

બેટા, તારી ભાવનાની હું કદર કરું છું. ભગવાન તારા કામમાં  તને મદદ કરશે.. નહીંતર આ યુવાન ઉમર..આટલો પૈસો અને પૂરી સ્વતંત્રતા.. કોઇ કહેવાવાળું કે ટોકવાવાળું નહીં ત્યારે તારી જગ્યાએ બીજું કોઇ હોય તો શું કરે ?  બેટા, મને તારું અભિમાન છે. અને હું તારી સાથે જ છું. તારા આ કામમાં થોડે અંશે પણ મદદરૂપ થઇ શકીશ તો મને આનંદ અને સંતોષ  થશે. બેટા, મારા તને આશીર્વાદ છે. તું જૂઇ છે..અને જૂઇના ફૂલની જેમ તારી સુવાસ પ્રસરી રહે..

બસ..અંકલ, તમારા આશીર્વાદ મને મદદ કરતા રહેશે.. પછી તો અમે બીજી ઘણી ચર્ચાઓમાં ગૂંથાઇ રહ્યા.

અને એક દિવસ વકીલ અંકલે અમીની નાનકડી બહેન છ મહિનાની પરીને મારા હાથમાં મૂકી.. અમી ત્યારે એક વરસની થઇ ગઇ હતી અને આખા ઘરમાં દોડતી હતી..હવે મારે બે દીકરીઓ  થઇ હતી.  ઇશ્વરની પરમ  કૃપા વિના આ બધું  શકય કેમ બની શકે ?   ઇશ્વરે મને અમી અને પરીના રૂપમાં વરદાન આપ્યું હતું..જીવનનું વરદાન..      

3 thoughts on “chapti ujas..185

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s