ચપટી ઉજાસ..184

 

ચપટી ઉજાસ..184..

                                                                           અને હું મા બની…

હમણાં રોજ સવારે હું ચાલવા જતી હતી. ખુલ્લી હવામાં કયાંય દૂર દૂર સુધી સૂમશામ રસ્તામાં એકલા એકલા ન જાણે કયાં સુધી હું ચાલ્યા કરતી. પગ થાકી ને જવાબ ન આપી દે ત્યાં સુધી હું બસ ચાલ્યા કરતી.

આજે પણ એવી જ રીતે ચાલી જતી હતી. વિચારમાં ને વિચારમાં ખૂબ દૂર સુધી નીકળી ગઇ હતી. ત્યાં રસ્તામાં એક જગ્યાએ મને કંઇક વિચિત્ર અવાજ આવ્યો હું ઊભી રહી ગઇ.  અરે, આ તો કોઇ નવજાત શિશુના રડવા જેવો અવાજ ! હું ચમકી..આસપાસ જોયું. તો ત્યાં એક ઝાડ નીચે કોઇ  નવજાત શિશુ કપડામાં લપેટાઇને પડયું પડયું રડતું હતું. હું રઘવાઇ બની ઉઠી. આસપાસ જોવા લાગી. પણ કોઇ દેખાયું નહીં.. મેં શિશુને ઉંચકી લીધું. તેને શાંત કરવાના પ્રયાસ કરવા લાગી. હૂંફ મળતા શિશુ જરાક શાંત પણ થયું.

હું ગભરાઇ.. આ શિશુનું હવે શું કરવું ? તેને આમ મૂકીને જવાનો તો કોઇ સવાલ નહોતો. જે થશે તે જોયું જશે..એમ વિચારી હું તેને ઘેર  લઇ આવી.ઘેર આવી ચમચીથી થોડું દૂધ પીવડાવવાનો પ્રયત્ન કર્યો.બાળક કદાચ રડી રડીને થાકયું હતું. મેં  હીંચકા પર બેસી તેને ખોળામાં લઇ  સૂવડાવવા લીધું બાળક તુરત સૂઇ ગયું. હવે મારું ધ્યાન ગયું એક બાળકી હતી. કોની હશે ? કોણ આ રીતે રસ્તા પર મૂકી ગયું હશે ? કેવી મજબૂરી હશે ? અનેક વિચારો મનમાં ફરી વળ્યા.

મેં ડ્રાઇવરને બોલાવી છોકરી માટેના થોડા કપડાં  અને બાળક માટે બીજી જરૂરી વસ્તુઓ મગાવી.હું બાળકીને જોતી તેની સામે બેઠી રહી. મનમાં  હેત ઉભરાઇ આવ્યું

કદાચ મારી.. એક સ્ત્રીની ભીતરમાં રહેલું સુપ્ત માતૃત્વ જાગી ઉઠયું હતું કે શું ?  મારા મનમાં એક વિચાર વીજળીની જેમ ચમકી ઉઠયો. .

મેં વકીલ અંકલને ફોન કર્યો. તેમની સાથે બધી વાત કરી.અને કાયદાની દ્રષ્ટિએ જો શકય હોય તો હું આ બાળકીને દત્તક લેવા માગું છું એમ કહ્યું. અને પંદર દિવસમાં તો  એ બાળકી મારી દીકરી બની ગઇ. ના..ના..હું એની મા બની ગઇ. મેં એનું નામ અમી પાડયું.

હવે મારો  આખો દિવસ અમી પાછળ જવા લાગ્યો. એક શિશુની કિલકારી એ મારા આ સૂના બંગલાને હૂંફાળું ઘર બનાવી દીધું. વાહ..આ કેવો જાદુ ! હું મારી બધી યે ઉદાસી ભૂલી ગઇ. હવે  ઉદાસી માટે  સમય જ કયાં હતો ? અમી હસતી અને હું આખી કોળી ઉઠતી..અને એ જરીક રડતી ને હું ઘાંઘી બની જતી. એને દૂધ પીવડાવવું.. સૂવડાવવી, રમાડવી, હાલરડા ગાવા.. એને બહાર ફરવા લઇ જવી.. અને છતાં યે અમારા  અમીબેન તો કયારેક ભેંકડા  તાણે  પણ ખરા… આખરે  એ તો બાળારાજા.. અમી રડે એટલે હું ગભરાઇને કામવાળા મંજુબેનને બૂમાબૂમ કરી મૂકતી.

‘  મંજુબેન, જલદી આવો..  જુઓને આને શું થાય છે ? કયારની રડે છે..

મંજુબેન હસતા..બેન..કયારની નહીં..એક મિનિટ પણ પૂરી નથી થઇ..હું અહીં જ હતી. 

બેન છોકરા તો કયારેક રડે પણ ખરા…તમે ચિંતા ન કરો.

પણ…  હું જનેતા ભલે નહોતી..પણ મા તો બની જ ચૂકી હતી.મારી અમીએ મને મા બનાવી હતી.. મારા સૂના જીવનમાં અમીએ જાણે પ્રાણ ફૂંકયા હતા..ચેતનનો સંચાર કર્યો હતો. મમતાનું પારેવડું મારી છાતીમાં દિવસ રાત ઘૂઘૂ કરતું હતું.

હવે સંગીત કલાસમાં જવાને બદલે મેં સંગીત શિક્ષકને  વધારે પૈસા આપીને ઘેર બોલાવવા શરૂ  કર્યા હતા. અમીને કામવાળાને ભરોસે મૂકીને જતા મારો જીવ નહોતો ચાલતો.અમી સૂતી એટલી વાર મારો સંગીતનો રિયાઝ ચાલુ રહેતો.

મારા સંગીત ગુરૂ મારી નિષ્ઠાના વખાણ કરતા..એમના કહેવા મુજબ  હવે હું બીજાને  શીખવી શકું એને લાયક થઇ ગઇ હતી. 

અમી અને  સંગીત..આ બે વચ્ચે હું એવી તો ખોવાઇ ચૂકી હતી કે મને બીજું કંઇ યાદ જ નહોતું આવતું. હવે તો સમય ઓછો પડતો હતો. સમયને કેવી યે પાંખો ફૂટી હતી. પલકનો ફોન આવતો કદીક ફરિયાદ કરતી..

જૂઇ, તું તો તારી દીકરીમાં બધાને ભૂલી ગઇ.

હું હસતી.. મારી દીકરી છે જ એવી.

ઓકે..ઓકે..તારી દીકરીને કંપની આપવા હું પણ થોડા સમયમાં  એક  નાનકડું રમકડું…

પલક વાક્ય પૂરું કરે તે પહેલાં જ હું આનંદથી ઉછળી પડી..

વાઉ..પલક,..ધેટસ રીયલી ગ્રેટ ન્યુઝ.. આઇ એમ સો..સો..હેપી..

આઇ નો..જૂઇ.. એટલે તો સૌથી પહેલા સમાચાર તને આપું છું. અમીને  કહેજે તારે નાની બેન  કે નાનો  ભાઇ આવવાનો છે. જૂઇ, તને ખબર છે ? અનીશ તો આ સમચારની  ખુશીથી એવો છલકી ઉઠયો છે કે મને કંઇ જ કરવા નથી દેતો..હવે તો ભાઇ સાહેબ મારી આગળ પાછળ ફર્યા કરે છે.

તારી નહીં..એના બાળકની આગળ પાછળ..

હા.. મેં પણ એને એ જ કહ્યું. કે પહેલા તો મને કંઇ મદદ  નહોતો કરાવતો..અને હવે મને કંઇ કરવા નથી દેતો.. બસ તારે મારી  દીકરીનું ધ્યાન રાખવાનું ..એમ જ કહે છે. પલકના અવાજમાં ખુશીનો રણકો ફોનમાં પણ  વરતાતો હતો. કયાંય સુધી અમારા બંનેની વાતો ચાલતી રહી..ત્યાં અમીના ઉઠવાનો અવાજ આવ્યો અને હું .. ‘ બાય પલક… અમી ઉઠી લાગે છે. પછી નિરાંતે વાત કરીએ..’ કહેતી ફોન મૂકીને  ભાગી..

હમણાં સમયદેવતાએ મારો દામન ખુશીથી ભરી દીધો હતો.એ ખુશીનું નામ અમી હતી. અમી..મારી અમી.મારી દીકરી.. !  

 

      

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s