chapti ujas..183

 

ચપટી ઉજાસ..183

ઘડીક હસવું..ઘડીક રડવું..

અમેરિકાથી આવીને ફરી એકવાર મારા રુટિનમાં ગોઠવાઇ ગઇ છું. આમ તો રુટિન જેવું ખાસ કશું રહ્યું છે જ કયાં ? એકલરામને વળી રુટિન શા ?

હમણાં પલક આવી હતી. ખાસ બે દિવસ મારી  સાથે  રોકાવા..કોઇ  આપણને  યાદ કરીને, સમય કાઢીને  આ રીતે ખાસ મળવા માટે  આવે એ મનને કેટલું સારું લાગે ? પલક આવી એ મને બહું સારું લાગ્યું.

રાત્રે અમે બંને નિરાંતે બેઠા હતા. ત્યારે પલકે મને પકડી. જે ક્ષણથી હું ભાગતી હતી એ ક્ષણ અંતે અવી પહોંચી. મને ખબર હતી કે પલક મને પકડવાની જ છે.. અને મારે એને તો જવાબ આપવો જ પડશે..એને એમ વાતોમાં ઉડાવી નહીં શકાય.

જૂઇ, હવે બોલ તેં આગળ શું કરવાનું વિચાર્યું છે ?

પલક, સાવ સાચું કહું તો મને કંઇ જ સમજ નથી પડતી.. હજુ સુધી મેં કશું વિચાર્યું જ નથી. મને કોઇ રસ્તો  સૂઝતો નથી.  બસ સંગીત ગમે છે.. એટલે હમણાં તો અકહો દિવસ એમાં જ..

સંગીત..સારો રસ્તો છે એની ના નહીં.. પણ જીવનમાં  અતીતને ભૂલીને આગળ પણ વધવું રહ્યું. જૂઇ, મને લાગે છે કે તારે સારું પાત્ર જોઇને બીજા મેરેજ કરવાનું વિચારવું જોઇએ. તું કહે તો હું ને અનીશ એ માટે

પ્રયત્ન કરીએ.. અનીશનું સર્કલ બહું મોટું છે. પલકના પતિનું નામ અનીશ હતું.

નહીં પલક, ખબર નહીં કેમ પણ મન એ દિશામાં વિચારવા તૈયાર જ નથી થતું.

એમ ન ચાલે.જૂઇ, મનને સમજાવવું પડશે..રસ્તામાં કયારેક કોઇ અકસ્માત થાય તો એથી આપણે રસ્તા પર ચાલવાનું છોદી નથી દેતા. આપણ ઈ ભૂલીને રસ્તા પર નીકળતા જ હોઇએ છીએ ને ? જૂઇ, કોઇ દરવાજા સજ્જડ બંધ કરીને બેસી ન જવાય..જીવનનું નામ જ આગળ વધવું..

પલક, તારી વાત સાચી છે. પણ મને વિચારવા માટે સમય જોઇએ..હું એ દિશામાં વિચારીશ બસ ? મને  થયું પલક એમ સહેલાઇથી મને નહીં છોડે.. એટલે મેં આવું કહીને  શરણાગતિ સ્વીકારી લીધી અને એ વાત પર તે દિવસે ત્યાં જ પૂર્ણવિરામ મૂકી દીધું. હકીકતે મને અંદરથી એ વિચાર કરવો પણ નહોતો ગમતો.

જૂઇ, તને આગળ ભણવાનું મન નથી થતું ? તું તો પહેલેથી ભણવામાં હોંશિયાર હતી..હજુ કંઇ એવું મોડું નથી થયું..

તારી વાત તો સાચી છે..પલક, મને પણ આગળ ભણવાની ખૂબ હોંશ હતી.. પણ હવે મને થાય છે કે બીજું કશું ભણવા કરતા પણ મને સંગીતમાં વધારે રસ પડયો છે. મને થાય છે કે હું એમાં જ આગળ વધું અને પછી સંગીત કલાસ કે એવું કશું ચાલું કરું તો મને કદાચ વધારે ગમશે અને મારો સમય પણ પસાર થશે.

હા..આમ તો એ વાત પણ ખોટી નથી. સંગીત તો ઇશ્વરીય  ચમત્કાર છે. ભગવાનનું વરદાન છે.હું સાચા દિલથી પ્રાર્થના કરું છું કે ઇશ્વરનું એ વરદાન તને પ્રાપ્ત થાય. તું એમાં તારી બધી યે પીડાને ભૂલી શકીશ..

છતાં મેં કહ્યું એ દિશામાં વિચાર કરવાનું ભૂલીશ નહીં.

મેં હા પાડી કે હું જરૂર વિચાર કરીશ..અને એવું કંઇ હશે તો તને જાણ કરીશ.

પછી તો અમે બંને ગહ્ણી વાત કરતા રહ્યા. પલક તેના સંસારમાં ખુશ હતી એ હું તેની વાતમાંથી  અનુભવી શકી..અને મને બહું સારું લાગયું.થોડી વાર હળવી હસી મજાકની વાત થતી રહી.બીજે દિવસે પલક અને હું બહાર શોપીંગ  માટે ગયા હતા.  ઘણાં સમય પછી હું આ રીતે બહાર નીકળી હતી. અમે બંને એ ધૂમ શોપીંગ કર્યું. ખાસ કોઇ વિચાર સિવાય જ.. જે મનમાં આવ્યું તે લેતી ગ ઇ. મજા આવી. થોડું  રીલેક્ષ અનુભવાયું.

રાત્રે મારે પલકની જિદ આગળ ઝૂકી ને સિતાર વગાડવી પડી. સિતારના તાર રણઝણી રહ્યા કે મારું દિલ ? પલક કહે અરે, વાહ!  તું તો ખરેખર સારું વગાડતા શીખી ગઇ છે. હવે મને લાગે છે કે તારો નિર્ણય સંગીત માં અગળ વધવાનો છે એ બિલકુલ યોગ્ય છે. જૂઇ, ઇશ્વરના  આ વરદાનને જાળવી રાખજે..એના જતન કરજે.. પલક ભાવાવેશમાં આવીને ઘણું બોલતી રહી. હું હળવી ફૂલ જેવી બની ગઇ. પલકની વાત સાંભળીને એક વિશ્વાસ જાગ્યો.. હું કશુંક જરૂર કરી શકીશ..

બીજે દિવસે પલક ગઇ. ખબર નહીં કેમ પણ હું એને ભેટીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. પલકની  આંખો  પણ  કયાં  કોરી રહી શકી હતી ? જૂઇ, જયારે એકલા જેવું લાગે ત્યારે એક ફોન કરી દેજે..હું આવી પહોંચીશ અને દર વખતે એકલી નહીં..અનીશને  પણ  સાથે લાવીશ.. એક ઉપર એક ફ્રી..અને અનીશ ની ગાંડાઘેલી જેવી વાતો સાંભળીને તું હસી હસીને  ઉન્ધી વળી જઇશ.

અરે, બાબા.. એક ઉપર એક નહીં.. મારે તો એક ઉપર બે ફ્રી જોઇએ.. એક નાનકડી પલક  કે નાનકડો અનીશ પણ જોઇએ..

અરે..બાબા.. એટલા સમય સુધી કંઇ મારે  આવવાનું નહીં ?

અને અમે બંને ખડખડાટ હસી પડયા.

ઘડીક હસવું, ઘડીક રડવું,

પૃથ્વી વિણ કયાં જડવું ?

મેં સંગીત કલાસ શરૂ કરવાનું નક્કી કરી લીધું. પણ નક્કી કરનાર વળી આપણે કોણ ? નક્કી તો ઉપરવાળો કરતો રહે છે. આપણે પાસા ફેંકતા  રહીએ પણ દાવ દેવો કે ન દેવો એ તો જ  એના હાથમાં  ને ?

કદાચ ભાવિએ મારે માટે કંઇક બીજું જ નિર્માણ કર્યું હતું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s