chapti ujas..182

 

ચપટી ઉજાસ.. 182

                                                                                            અમેરિકામાં..  

જીવન ફરી એકવાર થાળે પડતું જાય છે. કુદરતે માનવીમાં અપાર જિજિવિષા મૂકી છે. જો એ ન  મૂકી હોત તો નાની નાની વાતમાં ..ક્ષણિક આવેશને વશ થઇને માણસ આત્મહત્યા કરી પોતાનો વિનાશ જાતે નોતરી બેઠો હોત.. પણ ઇશ્વરની કોઇ યોજનામાં ખામી નથી. કયારેક આપણને ખામી દેખાય છે એ દોષ આપણી  પોતાની નજરનો છે. ગમે તેવા  આઘાત પછી યે માનવી ફરીથી બેઠો થઇ શકે છે. સમય ભલભલાને ઘાને રૂઝાવી શકે છે..એની  ઉપર મલમપટ્ટા કરી શકે છે.  માનવી ફિનિકસ પંખીની જેમ રાખમાંથી ફરીથી બેઠો થઇ શકે છે. અને નવસર્જન પામી ફરી એકવાર જિંદગીની લડાઇ લડવા કટિબધ્ધ બની શકે છે. એ જ સંસારનું પરમ રહસ્ય છે. પરમ સત્ય છે.

હું પણ એ સત્યનો અનુભવ કરી રહી છું.. સમયના અમોઘ ઓસડિયાની મદદથી  ફરી  એકવાર જીવન જીવવાનું બળ મેળવતી રહું છું.  ઇશ્વરે માનવી જેવું અણમોલ વરદાન આપ્યું છે. એને વેડફી કેમ શકાય ?

હમણાં  મારો મોટા ભાગનો સમય સંગીત કલાસમાં જાય છે. મેં વિશારદની પરીક્ષા આપી દીધી છે. પૈસાનો કોઇ પ્રશ્ન નથી. આર્થિક રીતે મારા સાસુ..સસરાએ જે સધ્ધરતા આપી છે એને માટે હું એમની ઋણી છું. વચ્ચે તેમને શોધવા માટે એકવાર હરિદ્વાર જઇ આવી હતી..પણ શોધી ન શકી. ત્યાંના લોકલ છાપામાં જાહેરાત  આપી જોઇ.પણ પરિણામ શૂન્ય.. કદાચ હરિદ્વારનું કહીને બીજી કોઇ જગ્યાએ રહ્યા હોય તો પણ ખબર નથી. હવે જીવનમાં કશું  અશકય નથી  લાગતું. એમને આવવું હશે તો ગમે ત્યારે આવી શકશે.. હું તો કયાંય ખોવાઇ ગઇ નથી જ ને ? એમ માની મન મનાવી લઉં છું.  એમને આવવું જ હોત તો કયારના આવી શકયા હોત..પણ તેમના મન ઉપર ભગવો રંગ  બરાબર ચડી ગયો હશે. એવું માનવું ગમે છે.

વચ્ચે કુંજકાકા અને મમ્મીના બહું આગ્રહથી ચાર મહિના અમેરિકા જ ઇ આવી. ત્યાં બધાને મળીને સારું  લાગ્યું. ત્યાંની લાઇફ વિશે ઘણું જાણ્યૂં.. માણ્યું.  જય ત્યાં સેટ થઇ ગયો છે. મમ્મી, પપ્પાને પણ ફાવી ગયું છે. મમ્મીને દેશ , વતન યાદ આવી જાય છે. અને એ સ્વાભાવિક પણ છે જ ને ? માનવી ગમે તેટલો દૂર જાય તો પણ વતનની માટીની મહેક  ભૂલી  શકતો નથી. એના મૂળિયાનો સાદ એના કાનમાં..એના અંતરમાં ગૂંજતો રહે છે. જોકે ત્યાં દેખાતા ડોલરનો સાદ બીજા ઘણાં સાદને દબાવી દેવા સમર્થ નીવડતો હોય છે..એ પણ હકીકત છે.  બંને દેશના કલ્ચરમાં ફરક તો હોવાનો જ.. અને એવે સમયે દેશ તેવો વેશ એ સૂત્ર યાદ રાખીને એ મુજબ જીવતા શીખવું જોઇએ.. મમ્મીએ  અહીં સામાન્ય રીતે  હમેશા સાડી જ પહેરી છે. એને અમેરિકામાં જેનાકાકીએ જિન્સ તો  નહીં  પણ સલવાર કમીઝ પહેરતી તો ચોક્ક્સ કરી દીધી છે. અહીં પણ મમ્મી બધા માટે રસોઇ બનાવે છે. કાકા, કાકી બંને જોબ કરે છે. મને પણ  કાકાએ ખૂબ ફેરવી.  મને બધા સાથે મજા આવી. વાતાવરણ ..દેશ, કાળ બધું  પરિવર્તન પામતા ઘણી હળવાશ અનુભવાઇ.. મનની ઉદાસીનતા ને થોડા સમય પૂરતી વિસરી શકાઇ. મમ્મીના ખોળામાં માથું રાખી ઘણી વાતો કરી.  મમ્મીનો હાથ મારા માથા પર ફરતો રહ્યો જેમાંથી મને શાતા મળતી રહી.  અમે મા દીકરીએ કદાચ જીવનમાં પહેલીવાર અહીં મા દીકરીની જેમ નહીં પણ બે મિત્રો..બે સરખી ઉમરની સાહેલીઓની જેમ વાતો કરી. ઉમર અને સામાજિક સંબંધોને ઘડીવાર ભૂલીને અમે બે  સ્ત્રીઓ  એકમેકમાં ઓતપ્રોત થઇ રહી. મમ્મીએ પણ ઘણી  વાતો કરી..વરસો બાદ મમ્મીના મનના બંધ દરવાજા ખૂલી શકયા હતા..મને ઘણી વાતોની ખબર નહોતી.એ બધી પહેલીવાર સાંભળી..સમજી… બાપ રે..! મમ્મી  વરસો સુધી પોતાની ભીતરમાં આટલી આગ છૂપાવીને બેઠી હતી.. !  દરેક સ્ત્રીની ભીતરમાં આવી કોઇ ચિનગારી..કોઇ તણખો કે કદી કોઇ જવાળામુખી..લાવા ભભૂકતો  રહેતો  હશે ?

અમે બંને એ મળીને ફરી એકવાર ફૈબાને પણ યાદ કર્યા. મારા  અને જયના  શૈશવની વાતો કરીને બધા ખૂબ હસ્યા. કુંજકાકાનો દીકરો ઓમ તેમનાથી અલગ રહે છે.. તે પણ મને મળવા આવ્યો હતો. પૂરો અમેરિકન હતો..દિલનો બહું પ્રેમાળ લાગ્યો. તે કહે..

મારા ડેડનો દેશ ઇંડીયા છે..પણ મારો દેશ તો અમેરિકા જ છે ને ? એની વાત ખોટી પણ કયાં હતી ? અહીં   સાથે રહેવા છતાં માતા પિતા અને બાળકોના દેશ  અલગ અલગ બની જતા હોય છે. માતા પિતા તેમના દેશને  ભૂલી નથી શકતા અને અહીં રહેવા છતાં આ દેશની દરેક વાત સ્વીકારી નથી શકતા..ખાસ કરીને સંતાનો અને માતાપિતા વચ્ચેના સંબંધો એક પ્રશ્નાર્થ બની જાય છે. ખેર! એ ચર્ચા કરવાનો મને કોઇ અધિકાર નથી. મારે એકવાર બધાને મળવું હતું..મળાઇ ગયું એનો સંતોષ  હતો. ખાસ કરીને મમ્મી સાથે દિલની વાતો થઇ શકી એનો આનંદ અને સંતોષ લઇને હું પાછી ફરી. મને વાત કરીને મમ્મી હળવી બની હતી. મારી અમેરિકા યાત્રાની એ ફલશ્રુતિ .. કાકાએ ત્યાં બીજા લગ્ન કરી લેવા માટે ઘણી  સમજાવી.પણ  મારું મન જયાં સુધી એ માટે તૈયાર ન થાય ત્યાં સુધી હું શો જવાબ આપું ? કાકાએ કહ્યું

‘  બેટા, મન ખુલ્લુ રાખજે..કોઇ દરવાજા સજ્જડ રીતે બંધ કરીને બેસી ન જતી. અને કયારેય પણ જરૂર પડે તો મને એક સાદ કરજે..’    

 

One thought on “chapti ujas..182

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s