ચપટી ઉજાસ..181

 સમયના  ચકરાવે..  

કાળે ફરી એકવાર કરવટ બદલી.. અને બદલાયો મારા જીવનનો રાહ.. સમયદેવતાએ જાણે આળસ ખંખેરી છે.  અત્યાર સુધી કશું નહોતું બદલાતું..એ  સઘળું  હવે એટલી તો ઝડપથી બદલાઇ રહ્યું છે. કે હું સમજી નથી શકતી..આ બધું શું થઇ રહ્યું છે. અને હવે પછી શું થશે એની ખબર નથી પડતી..અને છતાં મારે એ બધું સ્વીકારવાનું છે…  ચૂપચાપ  સ્વીકારવાનું છે. એક મોજું શમે ન શમે અને ત્યાં દરિયામાં બીજું મોજું આવી ચડે.. એવી જ રીતે  હજુ તો જીવનનો એક વળાંક… કુદરતનો એક ઘા  હું સમજી શકું..પચાવી શકું એ પહેલા જ મારે માટે બીજું કશું તૈયાર હોય છે.

અખિલના મૃત્યુના  આઘાતની હજુ તો કળ વળી નહોતી..હું  એ આંચકામાંથી  હજુ તો બહાર નહોતી આવી ત્યાં.. એક દિવસ અચાનક મારા સાસુ, સસરા. ઘરબાર અને  મને  છોડીને હમેશ માટે  હરિદ્વાર ચાલ્યા ગયા. જતા પહેલા મને એવો કોઇ અણસારો પણ ન આપ્યો . અને એમના ગયા પછી બીજે દિવસે મને એક કાગળ મળ્યો. જેમાં લખ્યું હતું..

‘ બેટા, અમારા આ પગલાથી તને  આઘાત લાગશે..પણ ખબર નહીં કેમ અમારું મન હવે સંસારમાંથી ઉઠી ગયું છે. અખિલના અકાળે અવસાને અમને વિચારતા કરી દીધા છે..અને સંસાર નિરર્થક લાગે છે. અમે હવે અમારી બાકીની જિંદગી માટે એક નવો રાહ અપનાવવાનું નક્કી કર્યું છે.

બેટા, તારી સામે જિંદગીનો લાંબો પંથ બાકી છે. બેટા, અમારી ઇચ્છા છે કે તું તારું નવું જીવન ફરી એકવાર તારી ઇચ્છા મુજબ શરૂ કરે. અખિલના પ્રેમની વાત છૂપાવીને અમે એના લગ્ન તારી  સાથે કરાવ્યા હતા અમારી એ ભૂલ કે પાપ જે ગણે તે ..પણ એના પ્રાયશ્વિત માટે બીજું તો શું કરી  શકીએ ?  તને દિલથી આશીર્વાદ આપીએ છીએ..  આ બંગલો તારા નામે કરી દીધો છે..અને બીજી પણ  બધી મિલકત કાયદેસર રીતે તારા નામે કરી નાખી છે. અમારા આશીર્વાદ કે શુભેચ્છા તરીકે તું એ સ્વીકારીને અમને અમારી ભૂલની માફી આપીશ એવું માગીએ છીએ..બેટા, એ સ્વીકારીને અમને માફી આપીશ ને ?  એ મિલ્કતનું તારે જે કરવું હોય તે તું કરી શકે છે. એમાં અમારો કે બીજા કોઇનો હક્ક દાવો નથી. બધી જોગવાઇ કાયદેસર રીતે અમે કરી જ લીધી છે. આ સાથે એ બધા કાગળો..દસ્તાવેજો મોકલ્યા છે. અને તને જયાં સમજ ન પડે ત્યાં આપણા  વકીલ અંકલ જેને તું ઓળખે છે એ ઘેર આવીને તે તને બધું  સમજાવી જશે. એમની પર અમને પૂરો વિશ્વાસ છે.  બેટા,  તું બીજા લગ્ન કરીને સંસાર માંડી સુખ અને શાંતિ પામે એવી ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ.. અમને શોધવાનો કે અમારી પાછળ આવવાનો પ્રયત્ન ન કરીશ. અમે અમારી રીતે ખુશ છીએ..સુખી છીએ..અને  તારા નવજીવનમાં તું પણ સુખી થા એવી અમારા અંતરની ભાવના છે. ‘

 કાગળ વાંચીને હું રીતસર  રડી  જ પડી.. હવે કોઇ મારું ન રહ્યું.  મને તો હતું કે  હવે આખી જિંદગી સાસુ સસરા સાથે રહીને પસાર થઇ જશે.. પણ.. એ આશા યે ઠગારી નીવડી.. હું અપાર સંપત્તિની માલિક..  પણ એકાકી..સાવ એકાકી… મને આ પળે ફરી એકવાર ઉમંગી ફૈબા યાદ આવી ગયા..

ફૈબા, તમે કયાં છો ? તમારી જૂઇને તમારી જરૂર છે.. એ હવે એકલી છે. કોઇ એનું નથી. ફૈબા મારો સાદ પણ તમે નથી સાંભળતા ? એવા  ક્રૂર તો તમે કયારેય નહોતા.. તમે એવા તો કયા પ્રદેશમાં જઇને વસી ગયા છો કે તમારી લાડલી જૂઇનો સાદ પણ તમારા સુધી નથી પહોંચતો. ?  

મારો વલોપાત ચાલતો રહ્યો. મારા આંસુ લૂછવાવાળું તો હવે કોણ રહ્યું ? મને આજ સુધી એકવાર પણ એવો વિચાર નથી આવ્યો કે ફૈબા મને ભૂલી ગયા હશે.. એ જયાં પણ  હશે એની  જૂઇને ભૂલી ગયા હતા એમ ફૈબા પોતે કહે તો પણ  હું એ માની શકું ..સ્વીકારી શકું તેમ નથી. મારા આ વિશ્વાસને દસ વરસ સુધી જે સ્નેહ ફૈબા પાસેથી મને મળ્યો છે..એનું પીઠબળ છે.

પણ એ બધાનો કોઇ અર્થ આ પળે તો નહીં  જ ને ? આ પળે મારી આસપાસ કોઇ નથી જેને ખભ્ભે માથું રાખી હું બે આંસુ સારી શકું.. મનની વાત કહીને હળવી બની શકું.. સમયના આ કેવા ચકરાવે હું ચડી છું ? જીવનના આ કયા પડાવે હું આવીને ઊભી છું ?

મારા સાસુ, સસરા પણ હવે અહીં મારી પાસે નથી અને હું બિલકુલ એકલી છું એ વાત મેં અમેરિકા મમ્મી, પપ્પાને કહી નહીં. હવે મમ્મીની તબિયત એવી સારી નથી રહેતી.. એની મને ખબર છે..દીકરીના દુખે એને ભાંગી નાખી છે.. મને અમેરિકા આવવા માટે કેટલું કહેતી રહી હતી..પણ ખબર નહીં મારું મન કેમ ન માન્યું .. અહીં હોઇશ તો કદીક ફૈબા મળશે એવી કોઇ છૂપી આશા મનના કોઇ અગોચર ખૂણામાં અભાનપણે સચવાઇ હશે..? હવે મમ્મી, પપ્પાને મારી એકલતાની વાત કરીને તેમને ડીસ્ટર્બ કરવા દુખી કરવાનું મન નથી થતું. મારો ભાર હું જાતે જ એકલી જ ઉપાડીશ..

એકલા આવ્યા અને એકલા જવાનું.. એ વાત સાવ સાચી છે..પણ આવવા અને જવાની આ ઘટમાળની વચ્ચે જીવવાનું પણ ખરું ને ? અને સાવ એકલા જીવાતું નથી એ પણ એક સત્ય ખરું ને ?

    

2 thoughts on “ચપટી ઉજાસ..181

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s