ચપટી ઉજાસ..180

 

ચપટી ઉજાસ.. 180

                                                                                       કાળની થપાટ..

બે મહિના વીતી ગયા એ ગોઝારા દિવસને.. પણ આજે યે  એ દ્રશ્ય નજર સામે તરવરી રહે છે. એ કારમું  દ્રશ્ય ભીતરમાંથી ખસતું નથી. સમયની એક ફૂંક..કાળની એક થપાટ માનવીના આખા જીવતર ઝેર જેવું બનાવી શકે છે. ભલભલા ચમરબંધી કાળની લપડાક પાસે  પાસે લાચાર બની રહે છે.  વરસો સુધે એબેસીને વિચાર કર્યા કરીએ તો પણ  જેની કલ્પના ન કરી શકીએ એને ક્રૂર  હકીકત બનાવતા સમયદેવતાને કેટલી વાર લાગે ? ક્ષણમાત્ર .. એક નાનકડી ક્ષણમાં કેટકેટલું બની શકે ? અનંત શકયતાઓ વામન એવી ક્ષણમાં સમાયેલી છે એ સત્ય માનવીને અનુભવે જ સમજાય છે. એ સત્ય  ફકત બોલવાથી કે લખવાથી સંપૂર્ણપણે પામી શકાતું નથી.

અને એ સત્યનો અનુભવ થયે આજે બે મહિના વીતી ચૂકયા છે. એક જોરદાર  એકસ્માત…અખિલની કારની પૂરપાટ દોડી  આવતા એક ટ્રક સાથે ટક્કર… અને … કોઇ કશું કરી શકે તે પહેલા  ક્ષણમાત્રમાં  અખિલનું અસ્તિત્વ આ ધરતી પરથી ભૂંસાઇ ગયું.

અકસ્માતના એ સમાચારે અખિલના માત પિતા આઘાતથી અર્ધા પાગલ જેવા બની ગયા તો હું સાવ હતપ્રભ .. બાજુમાં  જ રહેતા સગાઓ બધા દોડી આવ્યા હતા. પણ કોઇ કશું કરી શકે તે પહેલા જ અખિલનો આત્મા અનંતની સફરે ઉપડી ગયો હતો.  મારી ઉપર આજ સુધી કયું લેબલ લગાડી શકાય એની મને જાણ નહોતી. હવે મારી ઉપર એક લેબલ લાગી ગયું હતું..વિધવાનું લેબલ..અખિલની વિધવા..જેની સધવા હું હતી કે નહીં એની ખબર નથી પણ એની વિધવા હું જરૂર બની.

એક જીવતો..હસતો રમતો  માણસ ક્ષણવારમાં એક છબી બનીને રહી ગયો. આવું પણ બની શકે એવી કદી કલ્પના પણ નહોતી આવી. અખિલ સથે મારે જે સંબંધ હોય તે..પણ સમાજની દ્રષ્ટિ એ મારો પતિ હતો. હું એના નામનું મંગળસૂત્ર  પહેરીને ફરતી હતી.એના ઘરમાં રહેતી હતી એની સાથે ચોરીના ચાર ફેરા ફરી હતી.  એ બધું  મિથ્યા નહોતું જ. અખિલે મને પત્ની માની હતી કે નહીં .મારો સ્વીકાર કર્યો હતો કે નહીં એ જુદી વાત હતી  પણ  મેં  એને જ મારો પતિ માન્યો હતો..એને સમજાવવાના …મારો કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા. કમનસીબે હું સફળ નહોતી થઇ. પણ એથી શું ?

આજે એની અણધારી વિદાયે હું એની  વિધવા બની હતી એ હકીકતનો ઇંકાર કેમ થઇ શકે ? આજે બે મહિના વીતી ગયા છે આ  વાતને..હજુ મન  સ્વીકારવા તૈયાર નથી થતું.. કે અખિલ ખરેખર આ દુનિયામાં નથી અને હવે એ કદી પાછો નહીં આવે.છ ફૂટનો માણસ એક  નાનકડી  મટકીમાં પૂરાઇને ..ફૂલ બનીને નદીના વહેતા નીરમાં ભળી ગયો હતો. અમારા બધાના  લંબાયેલા હાથ ખાલી ..સાવ ખાલી જ રહ્યા હતા. શૂન્ય નજરે અમે અખિલને ..એ મટકીને પાણી સાથે સરતી જોઇ રહ્યા હતા.. જોઇ રહ્યા હતા..અમે કોઇ એને સ્પર્શી શકીએ  એમ નહોતા.માનવી કેટલો મજબૂર છે ! કુદરત આગળ કેટલો વામણૉ છે.. જીવન અને મૃત્યુ કુદરતે પોતાના હાથમાં રાખ્યા છે. એમાં કોઇની ડખલગીરી ..કોઇની નારાજગી કે કોઇની જોહુકમી ચાલતી નથી.

એકાદ મહિનો તો ઘર સ્વજનોથી ભરાયેલું રહ્યું. જવા જેવડી ઉમર નહોતી ..ભરયુવાનીમા અકાળે થતું મોત વધારે પીડાદાયક બની રહે છે. મોટી ઉમરે ગયા..બધું સુખ માણીને પાછળ લીલીવાડી મૂકીને ગયા કે બીમાર હતા તે છૂટયા એવા કોઇ  આશ્વાસન  પણ આવે સમયે લઇ  શકાતા નથી. આવે સમયે તો વેઠવાની હોય છે ફકત પીડા .. વેદના..અને જીવનભર એ વેદનાનો ઓથાર લઇને જીવતરનો  ભાર ઉંચકવાનો.. એ જ નિકટના સ્વજનોની નિયતી.

મમ્મી, પપ્પા પણ અમેરિકાથી દોડી આવ્યા હતા. દીકરીના દુખમાં ભાગ પડાવવા.. બધા મને સમજાવતા હતા..આશ્વાસન આપતા હતા પણ મારી ભીતર જાણે કંઇ સ્પર્શતું જ નહોતું. અખિલ સાથે ભલે દિલનો નાતો નહોતો બંધાયો..પણ એથી મને એને માટે કોઇ લાગણી નહોતી એવું થોડું હતું ?  મારામાં ભારતીય સંસ્કાર હતા અને એ સંસ્કાર પ્રમાણે એ મારો પતિ હતો..એ કદી ન મિટાવી શકાય એવું સત્ય હતું. મારા જીવનમાં  અખિલના  પ્રવેશથી  કદાચ ખાસ કશું ઉમેરાઇ નહોતું શકયું..પરંતુ એના જવાથી  મારામાંથી  કશુંક બાદ ચોક્ક્સ થઇ ગયું હતું એનો એહસાસ મને થતો હતો. હવે મારી આગળની જિંદગી કેવો વળાંક લેશે એની મને ખબર નથી. એક વ્યક્તિ જતા જીવનના કેટકેટલા સમીકરણો બદલાઇ જતા હોય છે ?  અને કોઇની સહાનુભૂતિ કે કોઇની દયા ઉપર જીવતર નથી જીવાતું..ગમે તેટલા પ્રેમ પછી પણ જનારની પાછળ જઇ શકાતું નથી કે જનાર પાછું ફરી શકતું નથી. કમ સે કમ એ જ સ્વરૂપે તો નહીં જ.. આત્મા અમર છે એવું આશ્વાસન પણ કયાં કામ આવે છે ? અને છતાં જીવન ચાલતું રહે છે..ચાલવું જોઇએ..  

મારી વ્યથાને ભીતરમાં જ સમાવીને હું મારા  સાસુ, સસરાને સાંત્વન  આપવા મથી રહી છું. આખરે એ અખિલના જન્મદાતા છે.. જુવાન પુત્રને પોતાના સ્વહસ્તે અગ્નિને સોંપવો એટલે શું ? એ  શબ્દોમાં સમાવવાની કે સમજાવવાની વાત નથી. કેટલીક વાતો..સંવેદના… શબ્દોથી પર હોય છે. એમની પીડા હું અનુભવી શકું છું. એક માની વેદના મને સમજાય છે..અનુભવાય છે.. મનમાં એક ચિત્કાર ઉઠે છે. અનેક પ્રશ્નો જાગે છે.. પણ કોઇ જવાબ નથી મારી પાસે.. કદાચ કોઇ પાસે જવાબ નથી.   

આવતી કાલે ભાવિના ગર્ભમાંથી મારા માટે  કેવી ક્ષણો પ્રસવશે એ કોણ કહી શકે ? હવે પછી મારું  જીવન કેવો આકાર પામશે ? ભાવિના ગર્ભમાં મારા માટે  શું છૂપાયેલું હશે ?    

5 thoughts on “ચપટી ઉજાસ..180

  1. .”જેની સધવા હું હતી કે નહીં એની ખબર નથી પણ એની વિધવા હું જરૂર બની” સુંદર એક વાક્ય જે નાયિકાની મનોદશાને સ્પ્રર્શી જાય છે.
    ચીમન પટેલ ‘ચમન’

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s