ચપટી ઉજાસ…179

 

 

                                                                                                       એકલતા ..

મમ્મી, પપ્પા અને જય ઊપડી ગયા છે. સાત સમંદર પાર..દૂર દૂર.. ટચુકડૂં પ્લેન મારા સ્વજનોને લાઇને ઊડી ગયું અને હું જોતી રહી ગાઇ..બસ જોતી રહી ગઇ. કશું કરી શકવા અસમર્થ. બિલકુલ લાચાર..બેબસ..હવે અહીં મારું કોણ રહ્યું ? મારો પતિ.. અખિલ તો કદી મારો હતો જ નહીં..અને હવે ..? હવે હું ને મારી એકલતા..મારો સૂનકાર..

જતી વખતે મમ્મી મને વળગીને ચોધાર આંસુ એ રડી પડી હતી. એના મનમાં દીકરીની ચિંતા હોય એ સ્વાભાવિક હતું. હું બહાદુર બનીને મમ્મીને સાંત્વન આપતી હતી. મમ્મી મારી ચિંતા ન કરતી. તારી દીકરી ભૂખી યે નથી ને તરસી પણ નથી.  પપ્પા  અને જય પણ ઢીલા પડી ગયા હતા. જયની આંખમાં અનેક સપના તરવરતા હતા. મને કહે,

‘  જૂઇ, જોજે ને હું ત્યાં જઇને ખૂબ ભણીશ..ખૂબ કમાઇશ અને પછી તને પણ  ત્યાં  બોલાવી લઇશ..પપ્પા કહે, બેટા સાચવીને રહેજે.. અમે ફોન કરતા રહીશું. મેં માથું હલાવ્યું. એ સિવાય હું બીજું કરી પણ  શું શકવાની હતી ?  

ખેર..દરેક માનવીએ પોતાનો ક્રોસ જાતે જ ઉપાડવો રહ્યો ને ?

હમણાં સાસુમાની રજા લઇને મેં સંગીત  શીખવાનું ચાલુ કર્યું છે. ભીતરના અજંપાને હલકો કરવા માટે કદાચ સંગીતથી વધારે અસરકારક બીજું કશું  નથી એવું મને લાગતું હતું. સાસુમાએ ખુશી ખુશી રજા આપી.મને એ સમજી શકે છે. એમના તરફથી કદી કોઇ બંધન નથી આવ્યું.  અને કદાચ એમને લીધે જ હું કોઇ વિરોધ સિવાય અહીં ટકી રહી છું. દીકરાનું દુખ તો એમને છે જ..હવે મારે એમને વધારે દુખી નથી કરવા. એમની મજબૂરીનો, વ્યથાનો મને ખ્યાલ છે.હું પતિને છોડીને ચાલી જવાનો વિચાર કરું તો પણ એ લોકો મને સહકાર આપવાના જ.એની ખાત્રી છે.અને કદાચ એટલે જ હું એ વિચાર કરી શકતી નથી. બંધન હોય ત્યાં મુક્તિનો ખ્યાલ હોય અહીં આ ઘરમાં મને બીજા કોઇ બંધન નથી. 

  હવે હું મારા દુખને..મારી વેદનાને સંગીતના સૂરમાં વહાવતી રહું છું. મને સારું લાગે છે. પૂરી લગન અને મહેનતથી હું રિયાઝ કરતી રહું છું. આમ  પણ  મારા નેચર પ્રમાણે હું જે કામ હાથમાં લઉં એમાં પૂરી નિષ્ઠા  અને લગનથી મચી રહું છું. .એમાં મારું સર્વસ્વ રેડી રહું છું. મહેનત કરવામાં હું પાછું વાળીને જોતી નથી. સંગીતની પ્રેકટીસ કરતી હોઉં..એ ક્ષણૉમાં હું પૂરી સભરતાથી જીવતી હોઉં છું. સંજોગોને મેં સ્વીકારી લીધા છે. કયારેક સંગીત કલાસમાં બધા મારી મશ્કરી કરતા રહે છે. ઘેર જઇને પતિદેવને રોજ રાત્રે સંગીત સાંભળવાની સજા કરે છે કે શું ?

હવે મને તમાચો મારીને ગાલ લાલ રાખતા આવડી ગયું છે. મારે ભાગે આવેલું પાત્ર હું સારી રીતે ભજવતા શીખી ગઇ છું. અંદર અને બહાર બેવડું જીવન જીવવા હવે મારે બહું  પ્રયત્ન નથી કરવા પડતા..સંજોગો માણસને કેટકેટલું શીખવાડી દેતા હોય છે.

વચ્ચે  મારા નાના, નાની પણ  વારાફરથી દુનિયાને અલવિદા કરી ગયા હતા.  સંસારનું ચક્ર ચાલતું રહે છે. છેલ્લે નાની મૃત્યુ પામ્યા ત્યારે હું ચાર દિવસ મામાને ઘેર ગઇ હતી.

નિયતીમાસીની દીકરી  પલકના પણ હવે લગ્ન થઇ ગયા છે. એ એના પતિ  સાથે આવી હતી. બહું હસમુખો હતો એનો પતિ. બંને વચ્ચેનો સ્નેહ હું જોઇ શકી.મને આનંદ થયો. પલક માટે મને ખૂબ લાગણી હતી એ સાચા અર્થમાં ખુશ છે એ હું જોઇ શકી. પલકને મારા અને અખિલના સંબંધ વિશે કોઇ શંકા આવી હતી કે શું ? તેણે  મારા ભીતરને ઉલેચવા ખૂબ પ્રયત્ન કર્યો. પણ મેં તો દિલના દરવાજા બંધ કરીને ..એને તાળા મારીને ચાવી જાણે સમંદરમાં વહાવી દીધી હતી. હવે એ કેમ ખૂલે ?  ન જાણે કેમ પણ કોઇ જ પાસે એ દરવાજા એ ખોલવાની મને ઇચ્છા જ નથી થતી.   મારે ખૂલવું જોઇએ એમ માનું છું પણ છતાં ખૂલાતું નથી એ પણ હકીકત છે.મનના કારણ ઘણી વાર સાવ અકારણ પણ હોય જ છે ને ?કદીક વિચારું છું કે ઉમંગી ફૈબા અત્યારે હોત તો મને શું સલાહ આપત ? શું કહેત ? મને કયારેક એમની બહું ખોટ સાલે છે. દુનિયાની ભીડમાં એકયાં ખોવાઇ ગયા છે ? એમને મારી યાદ કદી આવતી હશે ખરી ? પ્રશ્નની સાથે જવાબ પણ મારું મન આપી રહે છે.હા, મને ચોક્કસ ખાત્રી છે એ મને કદી ભૂલી શકે જ નહી. 

તો કદીક અવળચંડુ મન કશુ અજુગતું પણ વિચારી રહે છે. ફૈબા આ દુનિયામાં છે તો ખરા ને ? અતિ સ્નેહ અનિષ્ટ્ની શંકા જ કરે ને ?

ઘણં સમય બાદ અમે બધા અહીં ભેગા થયા હતા. પ્રસંગ ભલે શોકનો હતો. પણ  નાની ઘણાં  સમયથી બીમાર હતા અને રિબાતા હતા એથી એ ગયા ત્યારે  બધાએ બિચારા છૂટી  ગયા એમ કહીને આશ્વાસન જ લીધું. મામીએ પોતે સાસુની  કેટલી સેવા કેવી રીતે કરી હતી એની વિગતવાર વાત બધા કુટુંબીજનો પાસે કરી.નાની કેટલું સુખ અને શાંતિ, સંતોષ  લઇને ગયા  હતા એ વાત આવનાર બધા પાસે સતત  કરતા રહ્યા. સાગરભાઇના લગ્ન પણ  થઇ ગયા છે. એ યુકે.માં છે. આવી શકે એમ નથી. બધાએ સંજોગોને આધીન જ રહેવું પડે છે ને ? અને કોઇ આવે કે ન આવે જનારને  એનાથી કોઇ ફરક કયાં પડતો હોય છે ?  કોણ આવ્યું  કે કોણ ન આવ્યું એની એને જાણ  પણ કયાં થવાની ? આપ મૂએ પીછે ડૂબ ગઇ દુનિયા.. પાછળથી જે પણ થાય ત..સારું કે ખરાબ.. પણ જનારને તો એ દેખવું યે નહીં ને દાઝવું પણ નહીં. એટલે સાગરભાઇ આવ્યો કે નહીં  એથી નાનીમાને કોઇ ફરક કયાં પડયો ? જે ફરક પડે છે તે વ્યક્તિને પોતાને પડે તો પડે..એને જે ફીલ થાય એ જ સાચું.

સ્વરામાસી હવે સરસ રીતે સેટલ થઇ ગયા છે. એમને મળીને મને બહું આનંદ થયો. એ કોલેજમાં ભણાવે છે અને પોતાના  વિધ્યાર્થીઓ  સાથે ખુશ છે.  અતીતની કડવી યાદોને ભૂલીને જીવનમાં આગળ વધતા રહ્યા છે. માનવીએ અતીતને ભૂલીને  આગળ વધતા રહી વર્તમાનમાં જીવવું જ રહ્યું.

હું અહીં આવીને થોડા દિવસો બધું ભૂલીને બધા સાથે એંજોય કરતી રહું છું. બધાને મળવાનો આનંદ માણી રહી. હવે બધા મારી મસ્તી કરે છે..જૂઇ, હવે સારા  સમાચાર કયારે આપે છે ? હું બાઘાની માફક પૂછનારની સામે જોઇ રહું છું. કોઇ જવાબ આપ્યા સિવાય મૌન રહીને એક ફિક્કું સ્મિત વેરી રહું છું.

       

8 thoughts on “ચપટી ઉજાસ…179

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s