chapti ujas 178

 

ચપટી  ઉજાસ.. 178

                                                                                               મનના ઉધામા..

મમ્મી, પપ્પાને દસ દિવસ પછી નીકળવાનું છે. હમેશ માટે  અમેરિકા જાય છે. ખાસ તો દીકરાના સપના  પૂરા કરવા માટે.. અહીં જય સરખું ભણતો નહોતો. કદાચ ત્યાં સેટ થઇ જાય અને આગળ આવે તો બધી ચિંતા મટી  જાય. માબાપના દિલમાં સંતાનોના ભવિષ્યથી વધારે મોટો..વધારે મહત્વનો વિચાર  બીજો કોઇ હોતો નથી. સંતાનના  ઉજ્જવળ ભાવિ માટે તેઓ ગમે તે કરી છૂટવા તૈયાર હોય છે. એ જ સંતાનો જયારે મોટા થાય ત્યારે ?  માબાપના ભાવિનો વિચાર કરવાની..એને માટે ગમે તે કરી છૂટવાની ભાવના વાળા સંતાનો સમાજમાં કેટલા ટકા હશે ?  માતાપિતા માટે એમની પ્રાયોરીટી હમેશા એમના  સંતાનો હોય છે. જયારે પુખ્તવયના સંતાનોની  પ્રાયોરીટી બદલાઇ જતી હોય  છે.ગમે કે ન ગમે સમાજનું આ સામાન્ય ચિત્ર છે. અને એનો જીવતો જાગતો પુરાવો એટલે વધતા જતા  વૃધ્ધાશ્રમો અને એમાં રહેવા માટે બનેલા લાંબા વેઇટીંગ લીસ્ટ.. અલબત્ત અપવાદરૂપ સંતાનો પણ હોય જ છે. પરંતુ કમનસીબે એમની સંખ્યા ઘણી  ઓછી દેખાય છે. 

મનમાં ન જાણે હમણાં આવા વિચારો કેમ ચાલ્યા કરે છે. કદાચ જય માટે આ ઉમરે વિદેશમાં જઇને ત્યાં સેટ થવાનો સંઘર્ષ કરવા તૈયાર થતા મમ્મી, પપ્પાને જોઇને આવા વિચારો આવતા હશે..મમ્મી, પપ્પા જવાથી મારે માટે  હવે પિયરના દરવાજા બંધ થઇ જશે. પણ હું તો  સાસરે કેટલી સુખી છું ! એટલે મારી ચિંતા કરવાની જરૂર જ કયાં છે ?

હકીકતે મારા જીવનમાંથી સુખ નામનું પતંગિયુ તો ન જાણે કયારે ..કયાં ઊડી  ગયું છે. અને કમનસીબે હું  એની પાછળ  દોડી શકું એમ પણ  નથી. એ તરફ જવાના રસ્તા કોઇએ સજ્જડ  બંધ  કરી દીધા છે. સુખ એટલે શું ? સુખની વ્યાખ્યા શું ? સુખ, દુખ બધા મનના જ ખેલ માત્ર ? મનમાં તો કેટકેટલા પ્રશ્નો  ઉઠતા રહે છે. આક્રોશ ઉમટતો રહે છે. બધું છોડીને કયાંક દૂર દૂર ભાગી જવાના વિચારો મનમાં  જનમતા  રહે છે. અને મનમાં જ મરતા  પણ રહે છે. મારા લગ્ન જીવનનો કોઇ અર્થ નથી રહ્યો. એક સ્ત્રી  મોટે એનાથી મોટું દુખ બીજું કયું હોઇ શકે ? અને એ પણ એના  કોઇ વાંક ગુના વિના..કયા દોષની સજા હું ભોગવી રહી છું ? હું પરણેલી છું ? કુંવારી છું ?  કે પછી.. ?

 પતિનો પ્રેમ મારા નસીબમાં નથી. આપણી ભારતીય સંસ્કૃતિ કે સંસ્કાર મુજબ  ઋણાનુબંધ કે નસીબ એવા કોઇ શબ્દો વડે મનને..જાતને અશ્વાસન આપવાનો મિથ્યા પ્રયત્ન કરતી રહું છું. કયાં સુધી આ બધું સહન કરી શકીશ ? આખરે કયાં સુધી ? જે પતિના મનમાં મારું કોઇ સ્થાન નથી તો  એના ઘરમાં રહેવાનો મને શો હક્ક છે ? કયા હક્કથી હું આ ઘરમાં રહું છું. ?  હું અખિલની પત્ની નથી એણે મને પત્ની માનવાનો સાફ ઇન્કાર  કરી દીધો છે. અને છતાં હું આ ઘરની વહુ જરૂર છું. આને વિધિની વક્રતા જ કહેવી રહીને ?

એક સ્ત્રીને સુખી થવા માટે શું જોઇએ ?  બીજાની તો મને ખબર નથી પરંતુ મને તો સુખી થવા માટે ..ખુશ રહેવા હમેશા કોઇની લાગણીની..કોઇની હૂંફની… સ્નેહની જરૂર પડતી રહી છે. એ સ્નેહ આપવાનો પ્રયાસ મારા સાસુમા વત્તે ઓછે અંશે કરે છે. પણ એ પ્રેમ મારી ભીતરની સ્ત્રીને પૂરતો નથી. સાસુમા પરોક્ષ રીતે મને કહેતા રહે છે..કે મારે અખિલને જીતવાનો પ્રયત્ન કરવો જોઇએ.. એના મનને વાળવાનો પ્રયત્ન  મારે જ કરવો રહ્યો.

પણ મારી રીતે એ પ્રયત્ન હું અનેકવાર કરી ચૂકી છું..પણ જે વાત સાંભળવા જ તૈયાર ન હોય તેને કેવી  રીતે ? મને જયાં જવું હોય ત્યાં જવા  માટે એ મને કયાં રોકે છે ? અખિલ તો એમ જ માને છે કે હું એને જવાનું કહું છું  છતાં એ જતી નથી..કેમકે  મને પૈસાનો લોભ છે.આવું મૉટું ઘર મૂકીને હું કયાં જવાની ? અહીં મને શું દુખ છે ? હું તો આખો દિવસ જલસા કરું છું. નહીંતર ચાલી ન જાઉં ?

પણ  અખિલને કોણ સમજાવે ?  એક સ્ત્રીનું  ઘરબાર છોડીને ચાલી જવું એટલે શું ? આજે પણ સ્ત્રીનું એનું પોતાનું  આગવું વ્યક્તિત્વ કયાં ? સમાજે એનો સ્વીકાર દીકરી, પત્ની, મા , બહેન કાકી, મામી, કે ભાભી તરીકે જરૂર કર્યો છે એનું મહત્વ પણ  સ્વીકારાયું છે. પરંતુ એક સ્ત્રીનો ફકત  સ્ત્રી તરીકે સ્વીકાર આજે પણ કયાં થઇ   શકયો છે ?  પતિ બીજી સ્ત્રીને રાખીને  કહી શકે  છે..કે હું આના વિના નહીં રહી શકું..તારે જે કરવું હોય તે કરી શકે છે. પણ આવા શબ્દો એક સ્ત્રી..એક પત્ની પોતના પતિને  કહે તો ?  કયો પુરૂષ આ શબ્દો સહન કરી લેશે કે ચલાવી લેશે ? એ સ્ત્રીની દશા શું થાય એની કલ્પના પણ થરથરાવી દે છે. એના ઉપર તુરત પતિતાનું..બદચલનનું , ચરિત્રહીનનું , કુલ્ટાનું  એવા કેટલાયે લેબલ..લાંછન લાગી જાય..

પતિતા હમેશા સ્ત્રી જ હોઇ શકે..કોઇ પુરૂષ પતિત ન હોઇ શકે.. આ આપણો સુધરેલો..એકવીસમી સદીનો   સમાજ ! જયાં નારી સ્વાતંત્રની વાતો થઇ શકે..પણ  એથી વિશેષ કશું  નહીં..

મનમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાતું રહે છે. મુઠ્ઠી  જેવડા  મનના ઉધામા દિવસરાત ચાલતા રહે છે.     

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s