ચપટી ઉજાસ..176

 

 

                                                                                 એક નાનકડું ઝરણું..

સારા કે માઠા દિવસો કોઇના રોકયા રોકાતા નથી.. એ ન્યાયે મારા જીવનના દિવસો..મહિનાઓ ખાસ કોઇ મોટી ઘટનાઓ વિના પસાર થતા રહે છે. મન થાય ત્યારે મારે ઘેર બધાને મળવા જાઉં છું. ઘરમાં એવી કોઇ રોકટોક નથી. મારા સાસુ કદાચ મને સમજી શકયા છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી શકે…સ્વીકારી શકે એ બહું મહત્વની વાત ન કહેવાય ?  તેમને કદાચ  ખ્યાલ આવી ગયો છે મારા  અને અખિલના સંબંધ વચ્ચેનો..પણ મેં કદી કોઇ ફરિયાદ નથી કરી કે  મારા વર્તનમાં પરોક્ષ રીતે પણ મેં એવું કળાવા નથી દીધું.  

 હું અતર્મુખી હતી અને હવે વધારે અંતર્મુખી બની રહી. સવાર આખી તો ઘરના કામમાં  કયાં નીકળી જાય છે કંઇ ખબર નથી પડતી.  મહેમાનોની અવરજવર પણ ઘરમાં ચાલતી રહે છે.  હવે હું અર્પિતા નામથી ટેવાઇ ગઇ છું. એક નાનકડા  આયખામાં માણસ પોતાની જાત સાથે જ કેટકેટલા સમાધાન કરતો રહે છે. બહાર જુદી અને અંદર એક જુદી  જ દુનિયા સાથે જીવાતું રહેતું હોય  છે. મેં ઘરની બધી જવાબદારીઓ ઉપાડી લીધી છે..કોઇ ફરિયાદ વિના..એટલે  અખિલ સિવાય ઘરમાં બધા ખુશ છે. અખિલને એ બધી વાત સાથે જાણે કોઇ લેવદેવા નથી. મને કયારેક થાય છે.. મારે જો અખિલ સાથે જ સંબંધ નથી..તો આ ઘરમાં હું કયા હક્કદાવે રહું છું ? સમાજની દ્રષ્ટિએ હું અખિલની પત્ની છું ..પણ સાચી વાત..અને એ સાચી વાતની વેદના મારું મન જ જાણે  છે.

જે સ્ત્રી પતિથી  ઉપેક્ષિતા હોય એ કઇ રીતે ભીતરમાં પીડાનો ઓથાર ભંડારીને જીવતી હશે એનો ખ્યાલ કોઇને આવી શકે ખરો ? વેદનાના નગારા વગાડવા મને ગમતા નથી. મારી વેદના મને મુબારક..એ  વેદના.. એ પીડા જ મારા જીવનનું ચાલકબળ બની રહો.. હું આ ઘરની વહુ છું ..અને છતાં અખિલની કંઇ જ નથી. એક ઓરડામાં..એક પલંગ પર સૂતેલા અમે બંને એકમેકથી કેટલા દૂર છીએ.. એ કોણે જાણી શકે ? અખિલને મન થાય ત્યારે ઘેર આવે છે.  કયારેક આખી રાત ઘેર નથી આવતો. ઘરમાં બીજાને બહાના બતાવી દે છે.દોસ્તો સાથે બહારગામ ગયો હતો.  કામ હતું..હોઠ સાજા તો ઉત્તર જાજા..અને આમ પણ  પુખ્ત વયનો  પરણેલા દીકરો જે ધંધો સંભાળતો હોય એને વધારે પૂછપરછ પણ કોણ કરે ? શા માટે કરે ? અને મારી આગળ તો કોઇ બહાના બતાવ્યા સિવાય એ બિન્દાસથી કે પછી બેશરમીથી કહી દે છે કે એની પ્રિયતમા સાથે હતો. અને હું એક પતિવ્રતા સ્ત્રી ચૂપચાપ સંભળી લઉં છું . કેમકે અમારો ઝગડો.. અમારી આ વાત આ રૂમની ચાર દીવાલની બહાર જાય એ મને મંજૂર નથી. એટલે જાત ઉપર જુલમ ગુજારતી રહું છું . માગીને..દયાથી.. કોઇ હક્ક મારે નથી જોઇતા.. મારી પાસે બીજે કયાંય જવાણું  ઠેકાણું નથી..અને  હોય તો પણ હું જવા નથી માગતી..જે ઘરની ખુશી માટે બધું સ્વીકાર્યું છે એ ખુશી જળવાઇ રહે..મારું સુખ જોઇને મારા મમ્મી, પપ્પા  ખુશ થતા રહે.. એ જ મારે માટે  સૌથી મોટી..અગત્યની વાત છે. બીજું તો તેમને માટે કશું  કરી શકું એમ નથી.. એક દીકરી તરીકે એટલી  ખુશી આપવાની તો મારી ફરજ ખરી કે નહીં ? દીકરી સોનાના ઢગલમાં આળૉટે છે..એના ઘરમાં..એના જીવનમાં સુખનો  સમંદર છલકે છે. એ ભ્રમ  તેમને ખુશી આપે છે તો તેમનો એ ભ્રમ મારે તોડવો નથી. જીવનમાં કેટલાક ભ્રમ પણ  જાળવી રાખવા જેવા હોય છે.

ઘેર જાઉં છું ત્યારે મમ્મી ઘણીવાર  ફેરવી ફેરવીને પૂછતી રહે છે..બેટા, તું ખુશ તો છે ને ? કોઇ પ્રોબ્લેમ તો નથી ને ? તારો ચહેરો મને  કેમ ફિક્કો  લાગે છે ?

અરે, મમ્મી, જો કોઇ પ્રોબ્લેમ હોય તો આમ મન ફાવે એમ તારે પાસે આવી જઇ શકું ? મારું મન પડે એમ હું કરી શકું છું..એની તને ખબર છે જ ને ? અને મારા સાસુ તારી પાસે મારા વખાણ કરે છે ને ?

હા.. અને એ સાંભળીને દાદીમા તો ફૂલ્યા  નથી સમાતા હવે તો મારી જૂઇ આમ ને મારી જૂઇ  એમ બધાને કહેતા થાકતા નથી.

દાદીમા પણ એનો દુર્બળ બનેલો હાથ મારે માથે ફેરવી રહે છે. અને મારી ઉપર આશીર્વાદનો વરસાદ વરસાવી રહે છે.જય પણ ધીમે ધીમે સુધરતો જાય છે. હવે  એ પહેલા જેટલું રખડતો નથી અને  ભણવામાં થોડું ધ્યાન આપે છે. એ સારી વાત છે. લાગે છે..અહીં ધીમે ધીમે બધું થાળે પડતું જાય છે. મારા મનમાં  ઉમંગી ફૈબાની યાદ જીવંત છે.  મારા જીવનનું એ પાત્ર કદી મારી અંદરથી ભૂંસાઇ શકે તેમ નથી.  કાળ  જેવો કાળ પણ  માનવીની સ્મ્રતિઓને કયાં  ભૂંસી શકે છે ? એ જયાં  પણ હોય ત્યાં સુખી હોય..ખુશ હોય એટલે ઘણું.. અને એમને  દુખી કરી  શકવા કંઇ  આસાન નથી એની મને જાણ છે. સતત હકારાત્મક અભિગમ અને ગમે તેવા સંજોગો અવ્ચ્ચેથી પણ  એ પોતાનો રસ્તો કરી જ લેવાના..જેમ નાનકડું ઝરણું ગમે તેવા કાળમીંઢ ખડક વચ્ચેથે પણ પોતાનો રસ્તો  શોધીને કલકલ કરતું વહી રહે છે  એની જેમ જ..  ફૈબા પણ આવું ગાતું  ઝરણું જ છે. .એના ગીત એ જયાં હશે ત્યાં સલામત હશે. એવી શ્રધ્ધા જાગતી રહે છે.  મારી એ શ્રધ્ધા અખંડ રહો..    

6 thoughts on “ચપટી ઉજાસ..176

 1. નીલમ મેમ . . . આ હપ્તો ફરી પ્રસિધ્ધ થઇ ગયો . . . હમણાં હમણાથી આવું બહુ થયું છે , કદાચિત અગાઉથી જ તારીખ વાર ગોઠવેલા હપ્તાઓમાં કઈક ભૂલ થઇ ગઈ લાગે છે . . .

  જુઈ’ની કથા સાથે તાદાત્મ્ય એટલા માટે જોડાઈ ગયું છે કારણકે આવી જ એક ઘટના નજીકના વર્તુળમાં ઘટેલી અને અનુભવેલી જોઈ છે . . . અને એ પણ આટલા જ ઘૂંટેલા દર્દ સાથે 😦

  Like

 2. સોરી નીરવભાઇ અને ધ્યાન દોરવા બદલ આભાર. યેસ બધા હપ્તા ઓલરેડી મૂકી દીધા છે ( 200 ) જે દર ચાર કે પાંચ દિવસે આવતા રહેશે. એકીસાથે મૂકવાથી આવી ભૂલ થઇ છે.
  વાંચવા અને પ્રતિભાવ આપવા બદલ હ્રદયપૂર્વક આભાર. જૂઇ સાથે તાદાત્મય જોડાઇ ગયું છે એ જાણી આનંદ થયો. આ શ્રેણી જનસત્તા, લોકસતામાં હમણાં જ પૂરી થઇ. 200 હપ્તા પ્રકાશિત થઇ ચૂકયા છે. અને પુસ્તકરૂપે એમેઝોન ડોટ કોમ પર પણ પ્રાપ્ય છે.જે જાણ ખાતર..
  અંત વિશે કોઇ કલ્પના ? ફરી એકવાર આભાર સાથે.

  Like

  • અંત વિષે તો કોઈ કલ્પના નથી . . . પણ , હા જુઈ પોતાનું સ્વાભિમાન અને ગૌરવ પુન: પ્રાપ્ત કરશે , એ તો નક્કી . . . અને આદર્શ રીતે તો તેવી જ અંગત અપેક્ષા રહે .

   . . . જિંદગીમાંથી આપણને કથાબીજ મળે છે અને તેજ કથાબીજમાંથી કોઈ પ્રેરણા લઈને પોતાની જિંદગીમાં નવી આશા પૂરે છે અને નવો માર્ગ પણ ખોળી કાઢે છે .

   Like

 3. “એ જયાં પણ હોય ત્યાં સુખી હોય..ખુશ હોય એટલે ઘણું.. અને એમને દુખી કરી શકવા કંઇ આસાન નથી એની મને જાણ છે. સતત હકારાત્મક અભિગમ અને ગમે તેવા સંજોગો અવ્ચ્ચેથી પણ એ પોતાનો રસ્તો કરી જ લેવાના..જેમ નાનકડું ઝરણું ગમે તેવા કાળમીંઢ ખડક વચ્ચેથે પણ પોતાનો રસ્તો શોધીને કલકલ કરતું વહી રહે છે”

  આમાં જુઈ ની તેની ફોઈ પ્રત્યેની લાગણી જ્ણાય છે.
  છતાં, ફોઈ ને જાણ હોવાં છતાં કે આમાં જુઈ ને કેટલું સહન કર​વું પડશે, ફોઈએ પોતાની જ ખુશી પસંદ કરી. અગર ફોઈ એ આવું પગલું ના ભર્યુ હોત તો જુઈ ને પણ પોતાની ખુશી મળી હોત. આવા અનેક કીસ્સાઓ ખૂબ નજીક થી જોયા અને અનુભ​વ્યા છે. જે માં મોટી છોકરી સ્વાર્થી થ​ઈ ને પોતાની ખુશી જ પસંદ કરે છે અને નાની છોકરી આખી જિંદગી બધા ને ખુશ કરવામાં તેની નાનાં મા નાની ખુશી પણહોમી દે છે.
  આમાં માતા-પિતા જાણી જોઈને અજાણ રહિને પોતાની જ​વાબદારી માં થી હાથ ધોઈ નાખે છે. આ વાર્તા એ વાસ્ત્વિક્તાનો જ અરીસો છે. જે મા પિતા જે ઘરનો મુખી છે તે મૌન છે. કેટ્લાય પ્રસંગો આમાં એવા થયાં છે, જે પ્રત્યે પિતા સ્વાર્થી થ​ઈ ને ના હોવા સમાન વર્તે છે.

  Like

 4. જિજ્ઞા બહેન ખૂબ ખૂબ આભાર વાંચવા અને ખાસ તો પ્રતિભાવ આપવા બદલ.

  ઉમંગી ફોઇએ પોતાની ખુશી પસંદ કરી છે કે બીજું કશું ? એ વાત આગળ આવવાની જ છે. એ માટે છેલ્લે સુધી રાહ જોવી પડશે.
  યેસ..તમારી વાત એકદમ સાચી છે. પિતા અહી મોટે ભાગે મૌનરહ્યા છે. જે યોગ્ય નથી.પણ એમનું પાત્ર એ જ રીતે સર્જાયું છે. માનવીનું મન બહું સંકુલ છે અને આ પાત્ર દ્વારા અહી મારે એ જ તો દર્શાવવું હતું. બધા પાત્રને આદર્શ કેવી રીતે બતાવી શકાય ? માનવીની નબળાઇ એ પણ જીવનની એક વાસ્તવિકતા તો ખરી જ ને ?
  ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સાથે પ્રતિભાવ આપતા રહેશો. આપનો દરેક અભિપ્રાય મારે માટે મહત્વનો બની રહે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s