ચપટી ઉજાસ..175

 

ચપટી ઉજાસ.. 175

                                                                                     ઉપેક્ષિતા..

સમયની સાથે નવા નવા લગ્નજીવનનો રંગ ફિક્કો પડતો જાય છે. લાગણીના ઉછાળા શમતા જાય છે. પ્રેમની ભરતીના મોજામાં થોડી ઓટ આવતી અનુભવાય  છે. અંદરના ઉમળકાના પૂર  ઓસરવા  લાગે છે. ચાર દિનની ચાંદનીની ચમક ઝાંખી થતી દેખાય છે.. લાગણીના ઊછળતા  ઉભરા શમવા લાગે છે.. લગ્ન જીવનના  શરૂઆતના  સમયને ઊડવા માટે પાંખો હોય છે. આવું આવું સાંભળેલું..વાંચેલું.. પણ..

મને  તો પહેલા જ દિવસથી  આવું કશું અનુભવવાની તક જ ન મળી. કોઇ ઉભરા..આવેગો જનમ્યા જ નહીં.. પ્રેમની ભરતીનો રંગ મેં કદી જોયો, જાણ્યો  કે માણ્યો જ નહીં.. હાથમાં હાથ પરોવી અમે કદી બે ડગલા પણ સાથે ચાલી જ ન  શકયા. કોનો દોષ કાઢું ?  મારા સ્વભાવની ઉપરવટ જઇને પણ એકાદ બે વાર અખિલને સમજાવવાના પ્રયત્નો કરી જોયા..પણ વાત શરૂ થાય એ પહેલા તો..

’ મારે કોઇ સલાહ સૂચનો નથી સાંભળવા.. અને બીજી વાર મારી સાથે કયારેય આ  વાતની ચર્ચા.. કે શરૂઆત કરવી નહીં. તને અહીં ન ગમે..અયોગ્ય લાગતું હોય તો તું તારે ઘેર કે .જયાં પણ જવું હોય ત્યાં જઇ શકે છે. અહીં રહેવું હોય તો આ જ રીતે રહી શકીશ… મને તારે માટે કોઇ લાગણી નથી ને થવાની પણ નથી.’  

અખિલની આવી સ્પશ્ટ વાત પછી મેં એ દિશાનો પ્રયત્ન છોડી દીધો. કદીક અખિલને સદબુધ્ધિ આવશે , એની ભૂલ સમજાશે  એવી કોઇ આશાના પાતળા તાંતણા પર જીવન જીવાતું રહ્યું. હમેશ માટે પિયર જવાનો કોઇ અર્થ નહોતો. દાદીમા શબ્દો..કે એમના વિચારોથી હું કયાં અજાણ હતી ?  ..

સાસરેથી દીકરીની અર્થી જ નીકળે “  એવી એમની માન્યતાને લીધે એ લોકો મને  કોઇ આસ્વાસન આપીને ..સમજાવી પટાવીને ફરીથી અહીં જ મૂકી જવાના…મને અહીં ખાવા પીવાનું ..પહેરવા ઓઢવાનું  એવા કોઇ દુખ થોડા છે ? કોઇ મને માર પીટ કરે છે… બીજી કોઇ રીતે હેરાન કરે છે.. એવા દેખીતા કોઇ દુખ હોત તો હું બીજાને દેખાડી શકત..પણ આ તો ભીતરના દૂઝતા જખમ  જે ન કોઇને દેખાડી શકાય..ન કહી શકાય ..અને ન સહી શકાય છતાં સહ્યે જ છૂટકો હતો.  દેખાડી શકાય એવા દુખોની જ સમાજને ચિંતા કે પરવા હોય છે. બાકી બધી તો મનની આળપંપાળ કહેવાય.. જીવનમાં  વત્તે ઓછે અંશે સુખ કે દુખ કોના ભાગે નથી આવતા ? બધા દિવસો એક્સરખા નથી હોતા..આવી  પાર વિનાની સૂફિયાણી વાતો મારે સાંભળવાની આવશે.. આ બધી વાતની મને જાણ હતી જ.

 હુ બધાની નજરમાં બિચારી બની રહું.. એવી દયામણી..લાચાર અવસ્થા મને કોઇ રીતે મંજૂર નહોતી. .  તો પછી  મનની  વાત મનમાં જ રાખીને મારું સ્વમાન અકબંધ રાખીને કેમ ન જીવવું ? શા માટે કોઇ પાસે રોદણા રડવા ?  કોઇ કશું કરી શકે તેમ નથી.. તો પછી જે છે એનો સ્વીકાર જ કરવો રહ્યો ને ? એ સિવાય બીજું શું થઇ શકે એની કોઇ કલ્પના પણ મને નહોતી આવતી. ઉમંગી  ફૈબા હોત તો એને પૂછી શકાત.. કોઇ એવી બહેનપણી પણ નહોતી કે જેને ખભ્ભે માથું રાખી હળવી થઇ શકું.. મારો ભાર મારે પોતે ..એકલીએ જ ઉંચકવાનો હતો. અને કદાચ જીવનનું એ જ એકમાત્ર સનાતન સત્ય છે.

અહીં ઘરમાં  પણ મેં કોઇને કોઇ વાતનો અણસાર ન આવવા દીધો. બધું બરાબર છે..એવો દંભ કરી જાતને અને અન્યને હું છેતરતી રહી. બહું થાય ત્યારે એકાંતમાં ધોધમાર વરસી રહેતી. અને કોઇના લૂછવાની રાહ જોયા સિવાય એ ખારા પાણી જાતે જ લૂછી નાખતી. સાસુમા  ઘણી વાર આડકતરી રીતે જાણવાનો પ્રયત્ન કરતા.. મને કદીક તેમની ઉપર ગુસ્સો પણ  આવતો કે પોતાને દીકરાના મનની વાતની જાણ હોવા છતાં મારી જિંદગી શા માટે બગાડી ? કે પછી લગ્ન થવાથી દીકરો આપમેળે સુધરી જશે અને ઘી ના ઠામમાં  ઘી પડી રહેશે..એવી કોઇ  ઠગારી આશાને સહારે આ બધું કર્યું હતું ? જે હોય તે મારા નસીબે આવેલી પીડા મારે જીરવવી જ રહી. સાસુમા ઉપરનો ગુસ્સો  પણ  ક્ષણિક જ રહેતો. મારા જ નસીબનો વાંક..એમાં કોઇ શું કરી શકે ? આમ પણ સાસુમા મારું ધ્યાન રાખતા. કદાચ બધી વાતની જાણ હોવા છતાં બધું  છૂપાવીને લગ્ન કર્યા એની કોઇ અપરાધ ભાવના મનના છાને ખૂણે હશે ? જે હોય તે..પણ મારી સાથે તે સારી રીતે રહેતા.

સસરાજી ની મોટી મોટી વાતો ચાલતી રહેતી એમને ઘરમાં કોઇ રસ નહોતો. બહાર બધું સારું દેખાવું જોઇએ.. સમાજમાં ચોક્કસ સ્થાન આબરૂ  જળવાઇ રહેવી જોઇએ.એથી વિશેષ એમને મન કશું જ નહોતું. આર્યા એની કોલેજમાં અને પછી મોટે ભાગે બહાર ફરતી રહેતી. એના મિત્રોનો પાર નહોતો. શ્રીમંત ઘરની, લાડકોડમાં ઉછરેલી..મોઢે ચડાવેલી દીકરી કેવી હોય ? બસ..આર્યા એવી જ હતી. એ કોઇની વાત સાંભળતી નહીં. પોતાની મરજી મુજબ જીવતી..અને પોતાની  વાતમાં કોઇની  દખલગીરી ચલાવી લેતી નહીં. સાસુમા કદીક કશું  કહે તો પણ ઉધ્ધતાઇથી  સામે જવાબ  આપતા અચકાતી નહીં. સાસુમા મનમાં જ સમસમી ને બેસી રહેતા. યુવાન દીકરીને શું  કહે..કેટલું કહે ?

આમ ઘરમાં બધાના લય તાલ , રંગ ઢંગ જુદા જુદા હતા. આમાં મારા જીવનનો  મૂળ લય તો કયાં અદ્રશ્ય  થઇ ગયો હતો..એની મને પણ ખબર નહોતી પડતી.. હું..જૂઇ..હવે એક ઉપેક્ષિતા સ્ત્રી હતી.. મારા જીવનનો લય ખોરવાયો હતો..મને કોઇ દિશા સૂઝતી નહોતી.કયારેક કોઇ ચિનગારી સાંપડશે ખરી ? .  

    

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s