ચપટી ઉજાસ..173

 

 

ચપટી ઉજાસ.. 173  

                                                                          લાખ  ખરચીને અમે લાડી જીત્યા

આજે આ ઘરમાં મારો  આખરી દિવસ..આજે હું જૂઇ છું. કાલથી અર્પિતા બનીશ.. મારા શૈશવની..મારા અતીતની એક એક ક્ષણને ભીતરમાં સંગોપીને..કે પછી અહીં મૂકીને મારે આગળ વધવાનું છે. દરેક છોકરીની આ નિયતિ છે. નાનપણથી અમને કહેવામાં આવ્યું હતું..મોટાભાગની છોકરીઓની જેમ શૈશવથી હું પણ  સાંભળતી  આવી  હતી  કે સાસરે જશો એટલે ખબર પડશે..સાસુ ધોકો લેશે..લેશે..ત્યાં કંઇ મા નહીં હોય.. છોકરીને કશુંક  ગુમાવીને જ  કશુંક પામવાનું હોય છે ? અને એ પણ પમાશે જ એવી કોઇ ખાત્રી ખરી ?  

આજે મને પીઠી ચોળવામાં આવી હતી. સાથે મસ્તી મજાકનો દોર ચાલી રહ્યો હતો. ફૈબા અને માસી થાકયા  વિના કે રોકાયા વિના એક પછી એક ગાઇ રહ્યા હતા. ચારે તરફ હસી મજાકનું વાતાવરણ હતું.

ગોર મહારાજ કંઇક મંત્રો બોલી રહ્યા હતા. જે કદાચ એ પોતે એકલા જ સાંભળતા હતા. બાકી બધા તો પોતપોતાના કામમાં મશગૂલ હતા.

પીઠી ચોળાઇ ગયા પછી હું નહાવા ગઇ.  મને તૈયાર કરવા માટે પાર્લરવાળા બહેન આવી ગયા હતા. સોળે શણગાર સજાવાયા. હું ઝગમગ થતી હતી કે  મેં પહેરેલા ઘરેણાં એ સમજાય તેમ નહોતું.

મામા મારો હાથ પકડીને મને મંડપમાં લઇ આવ્યા. મારી નજર નીચી હતી. બસ..ગોરમહારાજ કહે એમ એક પછી એક વિધી થતી રહી. અત્યારે ગોરમહારાજનો જ માભો હતો. આ પળે તો એ પૂરા રાજાપાઠમાં હતા.  મારો હાથ અખિલના હાથમાં મૂકાયો. તન, મનમાં એક કંપન.. ગોર મહારાજ શ્લોક બોલતા રહ્યા. તાળીઓનો ગડગડાટ થતો રહ્યો. સપ્તપદીના વચનો લેવાયા.. જનમજનમ સાથે રહેવાના ફેરા ફરાયા. મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવાયું.  અને સેંથીમાં ચપટી સિન્દૂર  પૂરાયું..અને  લો, હું …જૂઇ સમીર શાહ હવે બની મીસીસ અર્પિતા અખિલ દેસાઇ.

 અમારો સંસાર હમેશા કંસાર જેવો મીઠો બની રહે એવી ભાવના સાથે  એકબીજાને કંસાર ખવડાવાયો.

અમે બધાને પગે લાગ્યા. મમ્મી  મને જોશથી વળગીને રડી પડી. મારી આંખોમાંથી પણ  શ્રાવણ ભાદરવો  વરસી રહ્યો હતો. અમે મા દીકરી કયાંય સુધી ભેટી રહ્યા.દાદીમાને પગે લાગી ત્યારે દાદીમા પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા. પછી તો કાકા, મામા, માસી, ફૈબા અને બધાને પગે લાગતી રહી..બધાના આશીર્વાદ લેતી રહી.. બધાને ભેટીને વિદાય લેતી રહી. અખિલ અકળાતો હતો. કેમકે મારે લીધે એને રોકાવું પડતું હતું. મારા સાસુ બોલ્યા,

અરે, તમારી દીકરી કયાં દૂર જાય છે ? ગામમાં જ તો છે..જયારે મળવાનું મન થશે ત્યારે તમે આવી શક્શો કે અર્પિતા પણ આવી શકશે. તમારી દીકરી અમારી પણ  દીકરી જ છે ને ? અમારા ઘરમાં એ રાજ કરશે રાજ.

હા.. એ વિશ્વાસે તો સોંપી છે અમારી દીકરી.. તમે એનું ધ્યાન રાખવાવાળા છો પછી અમારે કયાં  ચિંતા છે ?

બંને પક્ષ વચ્ચે અરસપરસ આવા વાકયોની આપ લે થતી રહી.

ચાલો, હવે જરા જલદી કરો..અમારે પણ ઘેર જઇને ઘણી વિધિ કરવાની છે. પછી મોડું થશે..

પપ્પાને અને કાકાને પગે લાગતી વખતે  તો જાણે મારી ભીતર આંસુનો સમંદર છલકયો હતો. પપ્પાને મેં કદી રડતા નહોતા જોયા પણ આજે પપ્પા  અને કાકા બંનેની  આંખો કોરી નહોતી રહી શકી.મારા સસરા સામે પપ્પા બે હાથ જોડીને ઊભા હતા.. અને હું અનરાધાર વરસતી હતી.

મારા સાસરાવાળાઓ મોટેથી ગાતા હતા.. “ લાખ ખરચીને અમે  લાડી જીત્યા રે “

વાતાવરણમાં શરણાઇના કરૂણ મંગલ સૂર વહેતા હતા. અમે  શણગારાયેલી મોટરમાં  બેઠા..પૈડુ સિંચાયું. અને ગાડી લાડી લઇને ચાલી.

થોડીવારમાં અમે ઘેર આવી પહોંચ્યા. આખો બંગલો ઝગમગતો હતો. હું બંગલા સામે જોઇ રહી. આજથી આ મારું ઘર..મારું સરનામું હતું. મારા આ સરનામે હું મને તો મળી શકીશ ને ?  

સાસુમાએ અમને પોંખ્યા. એક કંકુભરેલી થાળીમાં મારા પગ મૂકી મારા કંકુ પગલા કરાવાયા. હું એક પછી એક ધીમા ડગ ભરતી ચાલતી રહી. અમે ગણેશ સ્થાપના પાસે આવીને બેઠા. હવે રિવાજ મુજબ અમારે થોડી રમત રમવાની હતી. કદાચ આવા કોઇ રિવાજ આવનાર નવવધૂને મોકળાશ ..થોડી હળવાશ આપી શકે અને એ  વિરહની વેદના ભૂલીને નવા વાતાવરણમાં ગોઠવાઇ જાય  એવા કોઇ હેતુથી કરાયા હશે. આપણા વડવાઓ કેવા દૂરંદેશી હશે ? નાના મોટા દરેક રિવાજો પાછળ એ સમયના સ્થળ અને સંજોગો પ્રમાણે એક કે બીજું કારણ અવશ્ય હોય છે.

કંકુવાળી થાળીમાંથી વીંટી  શોધવાની કે કોડા કોડીથી રમવાની બધી રમતમાં અખિલ જ જીત્યો. મારી નણંદ આર્યા ખુશ થઇને બોલી ઉઠી. મને ખબર જ હતી કે અખિલભાઇ જ જીતશે..હવે ઘરમાં અખિલભાઇનું જ રાજ ચાલવાનું.

સાસુમા કહે.આમ પણ  અખિલ કયારે હાર્યો છે ? હાર એને પસંદ જ નથી. બધા સગાઓ એક કે બીજી કોમેન્ટ કરતા રહ્યા. મસ્તી મજાક ચાલતા રહ્યા. હું બિલકુલ મૌન હતી. સાચું કહું તો અત્યારે હું સાવ બાઘા જેવી બની ગઇ હતી. જાણે મને કંઇ ખબર જ નથી પડતી. અખિલના ચહેરા પરના ભાવ મને સમજાતા નહોતા.

આ પળે તો મેં આંખો બંધ કરી સામે બિરાજેલા વિઘ્નહર્તા ગણેશજીને ભાવપૂર્વક વંદન કરીને એટલું જ કહ્યું,

“ હે ગણપતિબાપા.. મારી જીવનનાવને..હેમખેમ પાર ઉતારજો..”           

 

 

5 thoughts on “ચપટી ઉજાસ..173

  1. ચલચિત્રની જેમ સુંદર વર્ણન કરી વાંચકને અંત સુધી પકડી રાખવામાં તમારી કલમને સલામ.
    ચીમન પટેલ ‘ચમન’

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s