ચપટી ઉજાસ..171

 

ચપટી ઉજાસ.. 171  

                                                                                   લગ્નના પડઘમ

હવે ઘરમાં મારા લગ્નના પડઘમ વાગવા લાગ્યા છે. તારીખ નક્કી થઇ ગઇ છે. તૈયારીઓ શરૂ થઇ રહી છે. મારી દોડાદોડી વધી ગઇ છે. મારે ખરીદી માટે મારા સાસુ અને નણંદ બંને સાથે રોજ જવું પડે છે. કહેવાય એમ છે કે અમારે બધું અર્પિતાની ( જૂઇ નહીં.. ) પસંદનું જ લેવું છે. આખરે પહેરવાનું એને છે ..એને જ ન ગમે તો શું કામનું ? આટલું મોંઘુ લઇએ અને ન ગમે એના કરતા અમે તો એની પસંદગીનું જ લઇ દઇએ..

અને મને સાથે લઇ જાય છે. પણ જે સાડી કે જે વસ્તુ હું પસંદ કરું એ એમને ગમતું નથી. અને આખરે લેવાય છે એમની જ પસંદગીનું..તને આ જ સારું  લાગશે..બરાબરને બેટા ? તને ગમ્યું ને ? મારે હકારમાંજ માથું હલાવવાનું રહે છે.

હું કોઇ કલર પસંદ કરું તો આર્યા તુરત બોલી ઉઠે છે..શું ભાભી તમે પણ ? કયા જમાનાની પસંદ છે તમારી ? તમે તો કોલેજમાં ભણ્યા  છો તો પણ..

અરે ભાભી,આ કલર તમને નહીં સારો લાગે.. આ જુઓ..છે ને એકદમ નવો..સમથીંગ ડીફરંટ.. ?

અને હું ચૂપ રહું છું. સાસુ, નણંદ અંદરોઅંદર   ચર્ચા કરીને નક્કી કરી લે છે. આમ  ખરીદી મને પૂછીને થતી રહે છે.

 મમ્મી, દાદીમા ફૂલ્યા નથી સમાતા. માલા માસી કે બીજા સગાઓ આગળ મારા નસેબના..મારા સાસરાવાળાઓના ગણગાન ગાતા થાકતા નથી.અને મારે માટે કેવી કેવી ખરીદીઓ થાય છે એનું વિગતવાર ..રસભર્યું વર્ણન બધા પાસે થતું રહે છે. હું મૌન બનીને સાંભળતી રહું છું મને મનમાં કંઇક ખૂંચતું રહે છે. ભાવિ ધૂધળું હોય એવો ભાસ થતો રહે છે. પણ ….. હું મૌન છું.. એક શ્રધ્ધા  રાખીને બેઠી છું. કોની ઉપર શ્રધ્ધા ?  અખિલ..મારા પતિ  પર ?  ભગવાન પર ?  કે મારા નસીબ પર ?  મારા સંસ્કાર  પર ?  

અહીંથી પણ ખરીદી કરવાની છે. પણ મને તો એ લોકોની સાથે જવામાંથી સમય જ નથી મળતો. મારે નિરાંતે ઘરના લોકો સાથે થોડા છેલ્લા દિવસો રહેવું છે. મન ભરીને વાતો કરવી છે..પણ એ શકય નથી બનતું. મેં મમ્મીને કહી દીધું છે કે તમને લોકોને જે ગમે..જે લેવું હોય તે લઇ લો..મને કોઇ વાંધો નથી. મમ્મીને ઉમંગી ફૈબા યાદ આઅવે છે. આજે એ હોત તો ખરીદીનો બધો ચાર્જ તેમની પાસે જ હોત. ફકત ખરીદી નહીં.. મારા લગ્નની પૂરી જવાબદારી તેમણે હોંશે હોંશે નિભાવી હોત.. અને હું  મનની વાત તેમની આગલ કહીને હળવી થઇ શકી હોત..ફૈબા, તમે કયા ખૂણામાં સંતાયા છો ? તમારી જૂઇના લગ્ન વખતે પણ નહીં આવો ? તમારા આશીર્વાદ વિના..તમારા ચપટીક વહાલ વિના જ મારે નવજીવનને પંથે પ્રયાણ કરવાનું છે ? 

આજે કુંજકાકા , અને જેના કાકી  આવ્યા છે. તેમનો દેકરો નથી આવ્યો. હવે તે મોટો થઇ ગયો છે અને કાકાથી અલગ રહે છે. ત્યાં સંતાનો મોટા થાય પછી તેમની દુનિયા  અલગ થઇ જતી હોય છે.કાકાએ કહ્યું કે એ તો જેવો દેશ તેવો વેશ.. જો એ ન સ્વીકારીએ તો દુખી થવાય. દાદીમાને ગળે એ બધી વાત ઉતરતી નથી. એમને કાકાના દીકરાને..પૌત્રને જોવાનું બહું મન હતું. પણ એ શકય નહોતું.

જેના કાકી , કુંજકાકા અને મમ્મી  ત્રણે  મળીને ખરીદી અને બીજા કામ પતાવતા રહે છે. હું બંને ઘર વચ્ચે ફંગોળાતી રહું છું. અખિલ ધંધાના  કામે બહારગામ ગયા છે. હવે જવાબદરી બધી કાકાએ ઉપાડી લીધી છે. તેમને ખૂબ હોંશ છે. કન્યાદાન કરવા મમ્મી, પપ્પાની સાથે કાકા, કાકી પણ બેસવાના છે. એવું નક્કી થયું છે. કન્યાદાન..શબ્દ સાંભળીને  મને  મનમાં જ વિચાર આવે છે કન્યા..શું દાન કરવાની વસ્તુ છે ?  અને ખરેખર જો એમ હોય તો દાન કરનારનું સ્થાન લેનાર કરતા ઉંચુ હોવું જોઇએ.. પણ અહીં તો એવુ6 દેખાતું નથી. કન્યાપક્ષવાળાએ તો વર પક્ષ કહે એમ કરતા રહેવાનું છે. મારા પપ્પાને કહેવામાં આવ્યું છે કે અમારી પાસે ઘણું છે..એટલે તમે કંઇ નહીં આપો તો પણ ચાલશે..પણ અમારી જાનને સારી રીતે સાચવવી પડશે. અમારું ખરાબ ન દેખાવું જોઇએ.  અમે સમોવડિયામાં કરવાને બદલે અમારાથી ઉતરતા કુટુંબમાં કર્યું છે. એટલે તમારે એક દિવસ તો સાચવી લેવું પડશે.

 પપ્પાને હા પડવા સિવાય બીજું કશું  કરવાનું  હતું જ નહીં.

કાકાને આવા શબ્દો સાંભળવા ન ગમ્યા. એ કશુંક બોલવા જતા હતા પણ પપ્પાએ એને રોકયા.

અરે, ભાઇ, એમ ગમે તે બોલે એ સાંભળી કેમ લેવાય ? આપણે કઇ સદીમાં જીવીએ છીએ ?

કુંજ, શાંત  થા..આપણી જૂઇને આવું  સરસ ઠેકાણું મળ્યું છે એ કંઇ ઓછા નસીબની વાત છે ?  અને આપણે દીકરીવાળા છીએ..સાંભળવાજોગ છીએ..

કોણે કહ્યું આપણે..

કાકાને વચ્ચે જ અટકાવીને પપ્પા બોલ્યા..

કુંજ, તું ભૂલી ન જા આ ઇંડીયા છે. પણ  ભાઇ.. એનો અર્થ એ નથી કે..

બસ.. બસ..હવે  તારી સુધારાની વાતુ બંધ રાખજે.. દાદીમા બોલ્યા. એક સુધારાવાળી તો ગઇ..નામ બોળીને.. અને..

અચાનક દાદીમા  અટકી ગયા.ને ચૂપ સાવ ચૂપ થઇ ગયા. ફકત દાદીમા જ નહીં ઘરમાં  બધા મૌન થઇ ગયા. એક ચૂપકીદી ઘરમાં છવાઇ રહી.    

3 thoughts on “ચપટી ઉજાસ..171

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s