ચપટી ઉજાસ..168

 

ચપટી ઉજાસ.. 168

                                                                  જીવનનો નવો વળાંક  

મારી ફાઇનલ યરની એક્ષામ નજીક આવતી હતી. હું એની તૈયારીમાં બીઝી હતી. આગળ ભણવા મળશે  કે કેમ એ ખબર નથી ..પણ જયાં સુધી ભણું  છું ત્યાં સુધી તો સારી રીતે જ કરીશ.

‘  જો, જૂઇ, જે કામ કરીએ એમાં કદી વેઠ નહીં ઉતારવાની. આપણું કામ  હમેશા ઉત્તમ જ હોવું જોઇએ..;’ મારા કાનમાં ઉમંગી ફૈબાના શબ્દો ન જાણે કયાંથી પડઘાઇ ઉઠયા.અને મારી આંખ અનાયાસે ભીની બની ઉઠી.

દિવસો વહેતા રહે છે. આજે જે વર્તમાન છે એ બીજે દિવસે અતીત બનીને સરી જાય છે. અને કદીક સ્મૃતિ બનીને મનમાં ઝ્બકી રહે છે. આજે મારું શૈશવ હાથતાળી  દઇને અતીત બનીને કયાંયે સરી ગયું છે. રહી ગઇ છે એની યાદો.. ખાટી મીઠી યાદો.. એ તો સમયનો ક્રમ છે.એનો મને અફસોસ નથી..પણ  મને તો અફસોસ છે..મારા જીવનના સૌથી અગત્યના..સૌથી પ્રિય પાત્રના અચાનક મારા જીવનમાંથી અદ્રશ્ય  થઇ ગયાનો.. જેને હું લાખ કોશિશ છતાં શોધી નથી શકતી. મનમાં રહીને રહીને પ્રશ્ન જાગે છે.. કે ખરેખર ફૈબા મને ભૂલી ગયા હશે ? એ તો ધારે તો મારો સંપર્ક કરી શકે તેમ છે. એમને કયારેય મન નહીં થયું હોય ? પ્રશ્નો તો હમેશની જેમ અનેક છે. પણ કોણ આપે જવાબ મને ?

બધું ભૂલી હું વાંચવામાં મન પરોવતી રહું છું. આજે કોલેજેથી આવી ત્યાં  દાદીમાએ ધડાકો કર્યો.

આજે એક છોકરો  મને જોવા  આવવાનો હતો. દાદીમાની કોઇ બહેનપણીની દીકરીનો દીકરો હતો. નામ હતું અખિલ. દાદીમા તેના અને તેના ઘરના વખાણ કરતા થાકતા નહોતા. આ વખતે મમ્મી પણ કદાચ ખુશ હતી. દાદીમાની સાથે સહમત હતી એવું મને લાગ્યું. એનો ઉત્સાહ દેખાઇ આવતો હતો.

જૂઇ, તું નસીબદાર છે..આવા મોટા ઘરનું માગુ સામેથી આવ્યું છે. વળી જાણીતું કુટુંબ.. એની દાદી વનિતા સાથે મારે વરસોના બહેનપણા.. આજે એનો પૌત્ર અખિલ તને જોવા આવવાનો છે. જો એને તું ગમી  ગઇ તો સમજી લે કે તારા ભાગ્ય ખૂલી ગયા.

અને દાદીમાના કહેવા મુજબ મારા ભાગ્ય અંતે ખૂલી ગયા. અખિલ તે દિવસે આવ્યો હતો..તેના એક મિત્ર સાથે.. અને મારી ઉપર પસંદગીની મહોર મારી ગયો હતો. હવે આવા શ્રીમંત અને ખાનદાન કુટુંબનો એક નો એક દીકરો..રંગે રૂપે પણ કંઇ નાખી દેવા જેવો નહીં  જ..અને આમ પણ  હું કયાં  ઐશ્વર્યા રાય હતી ? મારો વાન તો આમ પણ પહેલેથી  ઘઉં વર્ણો હતો.અને અમારું ઘર કંઇ થોડું ગર્ભશ્રીમંત હતું ? સામનય ઘરની હું સામાન્ય છોકરી.. અને એમાં આવું ઘર મળે પછી છોકરીને કોઇ થોડું પૂછવા રોકાય ? મને  ફોર્મા લીટી ખાતર પૂછવામાં આવ્યું..પણ મારા જવાબની રાહ જોયા સિવાય જ જવાબ હા  જ હોય એવું કલ્પી લેવામાં આવ્યું હતું. આમ પણ માણસને પોતાની મનગમતી કલ્પના કરી લેવાનું ગમતું જ હોય છે ને ? અને પાછા  અમારા તો પૂરા છત્રીસ ગુણ મળતા આવતા હતા. આકાશી ગ્રહોએ પણ અમારા મેળાપ ઉપર પોતાની મંજૂરીની મહોર લગાવી દીધી હતી. પછી બીજું શું જોઇએ ?

અને સારો દિવસ, સારું  ચોઘડિયું જોઇ એક દિવસ મારી સગાઇ થઇ ગઇ.મારી દુનિયા બદલાઇ. હું બહું ખુશ કે બહું નાખુશ પણ નહોતી. ભીતરમાં કંઇક ખૂંચતું હતું..પણ શું ? એ મને પોતાને જ નહોતું સમજાતું. આ પ્રસંગે  ફૈબા નથી એને લીધે આવું થાય છે કે શું ? હું મારી જાતને જ મનોમન પૂછતી રહી. સગાઇમાં ખૂબ ધામધૂમ  થઇ. આમ  તો વર પક્ષે ખૂબ ધામધૂમ કરી એમ કહેવું વધારે યોગ્ય ગણાશે.અખિલે મારા હાથમાં ઝગમગતી સાચા હીરાની વીંટી પહેરાવી. મારે સાસરેથી કેટલા બધા ઘરેણા..કપડાં..અને બીજી અઢળક ચીજો મારે માટે આવી હતી.  દાદીમા તો બધી માંદગી ભૂલી ગયા હતા. અને પોતાની બહેનપણીને વળગીને રડતા હતા કે હરખાતા હતા એ જ સમજાતું નહોતું. મમ્મી પણ દીકરીને મળેલો  આવો વૈભવ જોઇને ખુશ હતી.પોતાની દીકરીને આવું સરસ ઠેકાણું મળશે એની તો એણે યે કલ્પના નહીં કરી હોય.  એક સંબંધની સાથે બિલાડીના ટોપની જેમ અનેક સંબંધો મારી આસપાસ..મારા જીવનમાં ફૂટી નીકળ્યા હતા. હું કંઇક વિચિત્ર સંવેદના અનુભવતી હતી.. મારા જીવનમાં અચાનક આવેલા આ મોડને કદાચ હજુ હું પૂરી રીતે સ્વીકારી નહોતી શકી. મારે માટે આ બધું એકદમ અણચિંતવ્યું હતું. એક તો  છેલ્લા પરીક્ષા વરસની પરીક્ષા આપવાની બાકી હતી.. એક જ મહિનાની વાર હતી પરીક્ષાને..અને વચ્ચે આ બધું અચાનક બની ગયું. હું જૂઇ, આજે જીવનના એક નવા વળાંક પર આવીને ઊભી હતી. જયાં મારે એક નવી ભૂમિકા  નિભાવવાની હતી. એ ભૂમિકામાં હું  સફળ થઇશ  કે નિષ્ફળ એ ખબર નથી. આ વળાંક મારે માટે કેવો નીવડશે એની પણ  જાણ નથી. હે ઇશ્વર, મારો આ નવો પથ મંગલમય બની રહેશે ને ?   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s