ચપટી ઉજાસ..167

 

ચપટી ઉજાસ.. 167

                                                                                       જાણીતું ઘર..

હમણાં તો મારો હાશકારો સલામત છે. મારું બી.એસ.સી.નું છેલ્લું વરસ તો હેમખેમ પૂરું થઇ જશે એવું લાગે છે. ઘણી વખત જીવનમાં  એવું બને છે કે આપણે આપણા આગ્રહો મૂકી દઇએ અને પરિસ્થિતીને સરેન્ડર થવાની તૈયારી મનોમન  રાખી હોય ત્યારે પરિસ્થિતી સામેથી આપણને અનુકૂળ  થઇ જતી જોવા મળે છે. મેં બધું ઘરવાળા ઉપર છોડી  દીધું હતું..કોઇ આગ્રહ, કોઇ શરત વિના..અને એટલે કે પછી બીજું કોઇ કારણ હોય પણ હમણાં દાદીમા થોડા શાંત થયા છે.  ઘરમાં મારા લગ્ન માટેની જે ઉતાવળ…અધીરતા હતી તે હવે થોડી ઢીલી પડી હોય  એવું મને લાગે છે.

જોકે મમ્મીએ કહ્યું કે દાદીમા હવે પહેલા છોકરાઓના જન્માક્ષર મગાવે છે. અને તારા જન્માક્ષર સાથે મેચ કરાવે છે. જો જન્માક્ષર મળે તો જ આગળ વાત કરવાની છે. અને હજુ જન્માક્ષર મેચ થાય એવું પાત્ર મળ્યું નથી. માટે તું તારે એવી ચિંતા કર્યા સિવાય તારા  ભણવામાં ધ્યાન રાખ. મારી તો ઇચ્છા એવી છે કે તું બી.એસ.સી. પૂરું કરીને પછી આગળ ભણે.. ખૂ બ ખૂબ આગળ વધે. જયની તો ખબર નથી પડતી કે તે શું કરશે ? જય આ વખતે માંડ બારમા ધોરણમાં પાસ થયો હતો. અને કોલેજમાં બી.કોમ.માં એડમીશન લીધું હતું.  પણ તેને તો  ભણવા કરતા કોલેજલાઇફ માણવામાં વધારે રસ હતો.  હવે તો દાદીમા પણ તેને ખીજાતા હતા..પણ હવે જય કોઇને જલદી ગણકારતો નહોતો. પપ્પાથી થૉડો ડરતો હતો.. બાકી તો બધા સાથે ગમે તેમ બોલી નાખતા અચકાતો નહીં. મારા વખાણ મમ્મી કરે તો મમ્મીને ગમે તેમ કહી દેતો. મેં મમ્મીને ના પાડી હતી કે તમારે જય આગળ મારા વખાણ કરવા જ નહીં. નકામું તેને ખરાબ લાગે છે.

મને પણ આગળ ભણવાનું મન તો બહું હતું..પણ એ શકય બનશે કે કેમ એ શંકા હતી. શકય નહીં જ બને એવું લાગતું હતું. બની શકે લગ્ન પછી મને સારું ઘર..સમજદાર પતિ મળે અને હું આગળ ભણી શકું. એવી આશા આજના જમાનામાં  વધુ પડતી તો ન કહેવાય ને ?  પણ એ બધું જો અને તો વચ્ચેની વાત છે. માનવ જીવન આવા કેટલાયે જો અને તો વચ્ચે ઝૂલતું કે લટકતું રહે છે.

હમણાં  મોટા ફૈબાના દિયરના દીકરાનું માગું આવ્યું હતું. મારા માટે..મોટા ફૈબાનું તો બહું મન હતું..તે દાદીમાને કહે, જાણીતું ઘર હોય તો બીજી કોઇ ચિંતા રહે જ નહીં . એમને આપણી જૂઇ ગમે છે. છોકરો થોડું ઓછું ભણ્યો છે પણ  ધંધામાં સારું કમાય છે.  ઘરનો ધંધો છે એને કંઇ નોકરી કરવા તો જવાનું નથી. બીજું શું જોઇએ ? જૂઇ રાજ કરશે અહીં.. એને તો ફૈબાને ઘેર જ રહેવાનું છે એવું થશે. સાસરા જેવું એને લાગશે જ નહીં . અમારું તો સન્યુકત કુટુંબ છે..તમે બધાને ઓળખો છો..અને હવે કંઇ અમારું કુટુંબ પણ પહેલા જેવું જૂનવાણી નથી રહ્યું. તમે વિચાર કરી જોજો.

 દાદીમા તો તરત તૈયાર થઇ ગયા..આ તો સાવ  ઘરનું જ કહેવાય.. જાણીતું હોય તો બીજી કોઇ ચિંતા જ નહીં. મોટીની સાથે જ રહેવાનું..

હું તો ગભરાઇ જ ગઇ. વરસો પહેલાં  મોટા  ફૈબાને ઘેર એકવાર જવાનું થયેલું.અને એમના ઘરનું વાતાવરણ..વિચારો કેવા જૂનવાણી  હતા એની મને ખબર હતી. એ છોકરાને પણ મેં જોયો હતો.  એ ઘરમાં રહેવાની મારી કોઇ રીતે તૈયારી નહોતી.  હું મૂંઝાતી હતી. દાદીમાને અને બધાને ગમે એ રીતે કરવાનું નક્કી તો કર્યું હતું. પણ આવા ઘરમાં..આવી રીતે ?

પણ ભગવાન મારી મદદે આવ્યા કે શું ? એ ઘરની વાત સાંભળીને પપ્પા  જ ખીજાઇ ગયા. નથી કરવું મારે જાણીતામાં. એવા ઘરમાં મારે જૂઇને નથી દેવી.

કેમ શો વાન્ધો છે એ ઘરમાં ?

અરે, આખું ઘર હજુ અઢારમી સદીમાં જીવે છે. . બા..મહેરબાની કરીને મારે મોઢે વધારે બોલાવતા નહીં..સો વાતની એક વાત..જૂઇને એ ઘરમાં હું કોઇ રીતે મોકલી શકું એમ નથી. તું ના પાડી દેજે..કોઇ પણ બહાનું કાઢી દેજે..

કહીને પપ્પા ગુસ્સે થઇને ચાલ્યા ગયા. મમ્મી અને હું એકબીજા સામે જોઇને  ખુશ થયા.અમને બંનેને હાશ થયું. દાદીમા એકલા એકલા બબડતા હતા..

બહું માથે ચડાવશો ને તો પછી માથે ઓઢીને રોવાનો વારો આવશે.. ત્યારે ખબર પડશે.. જે થાય તે મારે શું  ? તમારી દીકરી છે. ઉંડી ખાડમાં નાખો..હું તો હવે કોઇ છોકરાનું કહેવાની જ નથી ને ! એના માબાપને જે કરવું હોય એ કરે.ભલે રાખી  મૂકે છોકરીને ઘરમાં..પાછી છોકરી રહી રૂપરૂપનો અંબાર ને ? કોઇ રાજકુંવર આવવાનો હશે એને માટે ..

દાદીમા બોલતા રહ્યા. પણ એ બોલ્યા એના કરતા  મોટા ફૈબાના ઘરથી  હું છૂટી હતી એનો  આનંદ કયાંય વધારે હતો.. 

2 thoughts on “ચપટી ઉજાસ..167

  1. આવા લેખો આવી બાળાઓના ભાવિ સ્વપ્નાઓને તોડતા રોકશે એમાં જ તમારી સફળતા, સમાજ્સેવા ને સમયનો સદૌપય કર્યો ગણાશે/લેખાશે.
    ‘ચમન’

    Like

Leave a reply to Yashpal Jadeja જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.