સંબંધસેતુ..

                                                                                           હું  લોહી  વેચતો  નથી.

નહી આવી શકે તારા ઘરે, તુ જીદ છોડી દે,
સંબંધો  એમ બન્ધાતા નથી અવસરો બદલવાથી..

જન્મથી જીવનની છેલ્લી ઘડી સુધી આપણે સૌ એક કે બીજા સંબંધોને જાળવતા હોઇએ છીએ.. નિભાવતા હોઇએ છીએ.. કયારેક સ્વાર્થથી તો કયારેક નિસ્વાર્થભાવે  પણ સંબંધો સચવાતા હોય છે અને સચવાવા પણ જોઇએ. જીવનમાં દરેક વખતે દરેક  કામ ફકત પૈસાથી નથી થઇ  શકતા .. ઘણીવાર જે કામ પૈસાથી નથી થઇ શકતા  તે કામ સંબંધથી આસાનીથી થઇ શકે છે. પરંતુ ઘણીવાર માનવી પૈસાના મદમાં જીવનનું પરમ સત્ય ભૂલી જતા  હોય છે. અને જયારે સમજાય ત્યારે ઘણું મોડું થઇ ગયેલું હોય છે.

અક્ષય ગર્ભશ્રીમંત ઘરમાં ચાંદીના ચમચા સાથે જનમ્યો  હતો  અને એવી રીતે મોટો  થયો  હતો. . શ્રીમંત પિતાનો એક નો એક પુત્ર હોવાને નાતે પાણી માગે ત્યાં દૂધ મળતું. તેમની બધી ઇચ્છા ..બધી જિદ પૂરી થતી. પરિણામે શૈશવથી તે જિદ્દી અને પોતાનું ધાર્યું કરવાવાળા બની રહ્યા. નોકરો ઉપર હુકમ કરીને તેમને ધમકાવવામાં બાળક અક્ષયને મજા આવતી. અને ત્યારે કોઇ ટોકવાવાળું નહોતું. અને ધીમે ધીમે મોટા થતા એ આદત હવે કાયમી  બની ગઇ. તેમના સ્વભાવનો એક અંશ બની ગઇ. પોતાને કોઇની જરૂર નથી.. બધાને પોતાની જરૂર પડે એવી ભ્રામક માન્યતા દ્રઢ થતી ગઇ.

સમય પસાર થતો રહ્યો. અક્ષયના લગ્ન થયાશ્રીમંત પિતાની પુત્રી વૈશાલી પણ લગભગ એવા સ્વભાવની હતી. આમ પતિ પત્ની બંને..   આવ ભાઇ હરખા..આપણે બે સરખા જેવા હતા. પૈસાના જોરે કામ થતા રહેતા. પણ કોઇને તેમનો સ્વભાવ ગમે એવો નહોતો. પણ અક્ષય અને  વૈશાલીને કોઇની પરવા કયાં હતી ?પોતાના પૈસાના ગુમાનમાં તેઓ મસ્ત રહેતા હતા.

લગ્નના ત્રણ વરસ બાદ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. હવે તો સુખમાં  ચાર ચાંદ લગી ગયા હતા. દાદા, દાદીએ એક વરસ સુધી  પૌત્રને  રમાડવાનો લહાવો માણ્યો હતો. અને પછી  એક ટૂંકી બીમારીમાં એક વરસના અંતરે બંને પ્રભુ પાસે પહોંચી ગયા હતા. જીવન એની ગતિએ વહેતું રહ્યું હતું.

એવામાં અક્ષયની તબિયત બગડી. જાતજાતના ટેસ્ટ થતા રહ્યા. વધુ પડતા શરાબને લીધે લીવર ડેમેજ થયું હતું. ઓપરેશન સિવાય બીજો કોઇ ઉપાય નહોતો. પરંતુ  અક્ષયનું હીમોગ્લોબીન બહું ઓછું હતું. તેથી ઓપરેશન પહેલા લોહી આપવું  પડે તેમ હતું. પરંતુ અક્ષયનું બ્લ્ડ ગ્રુપ બહું રેર ગણાતું.આર.એચનેગેટીવ પ્રકારનું હતું.. જે સહેલાઇથી મળી શકે એમ નહોતું. લોહી મેળવવા માટે વૈશાલી બધે તપાસ કરતી રહી. પરંતુ કોઇનું લોહી મેચ નહોતું થતું. એવામાં ખબર પડી કે તેમના માળીનું લોહી આ પ્રકારનું છે. વૈશાલીના જીવમાં જીવ આવ્યો. માળી તો ના  પાડી જ્ કેમ શકે ? તે તો તેનો નોકર હતો. માગશે એટલા પૈસા આપી દેશું..પછી પૂરું.

વૈશાલીએ માળીને બોલાવ્યો. તેના લોહીની જરૂર પડી છે એમ કહ્યું. વૈશાલીના વર્તનમાં ..તેના શબ્દોમાં આજે પણ ઉધ્ધતાઇ હતી. તેણે બીજી કોઇ વાત કરવાને બદલે.. કોઇ વિનંતી કે સારા શબ્દોને બદલે સીધું માળીને કહ્યું,

બોલ, તારે કેટલા રોપિયા જોઇએ છે લોહી આપવાના કહેતા વૈશાલીએ પર્સ ખોલ્યું.

માળી ડઘાઇ ગયો. પોતે જાણે લોહીનો વેપારી હોય એમ તેને પૂછવામાં આવ્યું હતું કે બોલ, તારા લોહીનો શું ભાવ છે ?

માળી બે ચાર ક્ષણ તેની ઉધ્ધત શેઠાણી સામે જોઇ રહ્યો. પછી પૂરી મક્કમતાથી બોલ્યો.

હું લોહી વેચવાનો ધંધો નથી કરતો. મારે લોહી નથી આપવું. તમે બીજો કોઇ લોહી વેચનાર વેપારી હોય તો શોધી લો..

કહીને માળી આજે  વૈશાલીની વાત સાંભળવા પણ રોકાયો. તેના મનમાં આક્રોશ પ્રગટયો હતો. પૈસાવાળાઓ સમજે છે શું એમના મનમાં ? આમ પણ તે મજબૂરીને લીધે બંગલામાં કામ કરતો હતો.બાકી તેને દિલથી લોકો માટે કોઇ આદર નહોતો .

તે જવાબ આપ્યા સિવાય  સીધો પોતાને ઘેર ચાલ્યો ગયો. વૈશાલી તો ડઘાઇ ગઇ. આવી તો તેણે કલ્પના પણ નહોતી કરી.. તેને તો એમ હતું કે તે માળી માગશે એટલા પૈસા આપી દેશે..અને વાત પૂરી. પણ અહીં તો એની ધારણાથી બધું વિપરીત થયું. તેણે બૂમ પાડીને માળીને બોલાવવાનો પ્રયાસ કરી જોયો. પણ તેની બૂમ સાંભળીને પણ આજે માળી રોકાયો નહીં.

હવે  વૈશાલીને થોડી વાર તો ગુસ્સો આવ્યો. એક સામાન્ય નોકર પોતાને ના પાડી કેમ શકે ? તેણે ઘરના બીજા નોકરને માળીને ઘેર તેને બોલાવવા મોકલ્યો કે  જો તે નહીં આવે તો તેની નોકરી હમેશ માટે જશે..એવી ધમકી પણ આપી.  જો  પૈસા ઓછા પડતા હોય તો તે વધારે આપવા તૈયાર છે. એમ પણ કહેવડાવ્યું.

હજુ વૈશાલીની વાતમાંથી પૈસા જતા નહોતા.

થોડીવારે નોકર વીલે ચહેરે પાછો આવ્યો. અને કહ્યું કે માળીને હવે અહીં આમ પણ નોકરી કરવી નથી. અને તે પોતાનું લોહી વેચવા નથી માગતો.

વૈશાલી હવે થોડી ગભરાઇ. લોહીની વ્યવસ્થા નહીં થાય તો ?જેમ જેમ  સમય વીતતો જતો હતો તેમ તેમ જોખમ વધતું જતું હતું.

ત્યાં વૈશાલીની મમ્મી આવ્યા. શું થયું બેટા, લોહી મળ્યું ? તું તો કહેતી હતી ને  તારા કોઇ  માળીનું લોહી જમાઇને મેચ થાય તેમ છે. તેં એને પૂછયું

હા.. પણ મમ્મી એણે લોહી આપવાની ના પાડી.

ઓહ..ના પાડી..? હવે કોઇનું લોહી તો પરાણે લઇ શકાય. હવે  શું કરીશું ? તેની મમ્મીના અવાજમાં  ચિંતા ભળી હતી.

હવે તો મમ્મી, મને યે નથી સમજાતું કે શું કરવું ? પણ માળીએ લોહી આપવાની કેમ ના પાડી ? તેં એને પરિસ્થિતી સમજાવી નહીં ?

મેં તો  બધું કહ્યું..અરે એ માગે તેટલા પૈસા આપવાનું પણ કહ્યું.. પણ એ જિદ્દીએ તો એક જ વાત પકડી રાખી..

હું કંઇ લોહીનો વેપારી નથી. લોહી વેચવાનો ધંધો નથી કરતો..

આવું સંભળાવીને તે ચાલ્યો ગયો. મેં નોકરીની ધમકી આપી એને પણ ગણકારી.

વૈશાલીની મમ્મી એક મિનિટ દીકરી સામે જોઇ રહી.એને બધી વાત સમજાઇ . પોતે દીકરીએન સંસ્કાર નહોતી આપી શકી. ભાડૂતી  આયા પાસે ઉછરેલી દીકરી પાસેથી બીજી શું આશા રાખી શકાય ? તેને પોતાની ભૂલ તો ઘણાં  સમયથી  સમજાઇ હતી. પણ સમય વીતી ગયા પછી. ખેર ! જે હોય તે અત્યારે એ બધો વિચાર કરવાનો સમય નથી. તેણે કહ્યું

હું માળીને ઘેર જાઉં છું. તું પણ મારી સાથે ચાલ.

એને ઘેર ?

હા..અને તારે હું કહું એમ કરવાનું છે જો અક્ષયની જિંદગી બચાવવી હોય તો..

વશાલી આશ્વર્યથી  મા સામે જોઇ રહી. મા એ જિદ્દીને  કેમ મનાવી શકશે ?

મા દીકરી બંને માળીને ઘેર પહોંચ્યા. માળી તેમને પોતાને ઘેર આવેલા જોઇ રહ્યો. તેના ચહેરા પર કઠોરતા અને મક્કામતા હતી.

ત્યાં વૈશાલીની મમ્મી આવી.

ભાઇ, મારી નાદાન દીકરીને તું માફ કરી શકીશ ? હું લોહી માટે નથી આવી. પરંતુ મારી દીકરીએ પૈસાના  અભિમાનમાં તારું લોહી ખરીદવાની વાત કરી ભૂલની માફી માગવા આવી છું. લોહી કોઇનો જીવ બચાવવા માટે માગી શકાય..ખરીદી ન શકાય એની કોઇ કીમત ન લગાવી શકાય. ભાઇ, મારી દીકરીની બહું મૉટી ભૂલ થઇ ગઇ છે. તારી વાત સાચી છે..તું તો ભાઇ  ઝાડવા ઉછેરનારો છે.. લોહી વેચનારો નહીં. વૈશાલીતેં નાના માણસનું અપમાન કર્યું છે. એની માફી માગ પછી આપણે બીજી જગ્યાએ લોહીની તપાસ કરવા જશું. નહીંતર ભલા માણસના નિસાસા આપણને  બધેથી  પાછા કાઢશે

 વૈશાલીએ મા સામે જોયું. તેને જાણે પળે કશુંક સમજાઇ રહ્યું હતું. તેણે  બે હાથ જોડી માળીને સોરી કહ્યું.

માળી તો જોઇ રહ્યો. શેઠાણી તેની માફી માગી રહી હતી..

ભાઇ, ચાલ, હવે એને  માફ કરી દેજે હોં.. અમે જઇએ,, બીજે લોહીની તપાસ કરવા જવાનું છે. મોડું થાય છે. ભગવાન તને સુખી રાખે ભાઇ..અને હા..તારી નોકરી અંગે આણે જે કહેવડાવ્યું હતું એ પણ એની ભૂલ હતી હોં..

કહેતા    વૈશાલીનો હાથ પકડી તેની મમ્મી દરવાજા તરફ ચાલી.

ત્યાં માળીનો અવાજ આવ્યો.
બેન, હું યે આવું છું. મારું લોહી કોઇને બચાવવાના કામમાં આવી શકતું હોય તો એનાથી મોટું પુણ્ય બીજુ કયું હોય ? અમે કંઇ તમારી જેમ  દાન ધરમ નથી કરી શકતા.. એક પુણ્ય  કમાવાનો મોકો ભગવાને આપ્યો છે તો હું પાછો નહીં પડું.. તો બેને.. વાકય  અધુરૂ રાખીને  માળી તેમની સાથે જ બહાર નીકળ્યો.

વૈશાલી તો જોઇ રહી. તેની મમ્મીએ માળીનો આભાર માન્યો. અને બધા જલદી જલદી હોસ્પીટલે પહોંચ્યા.

ભગવાનની કૃપાથી ઓપરેશન સરસ રીતે સફળ થયું હતું. અક્ષયની જિંદગી બચી ગઇ હતી.

  વાતને મહિના વીતી ગયા હતા. હવે  રોજ સવારે અક્ષય અને વૈશાલી માળી સાથે ચા પીતા બગીચામાં  બેસે છે અને પછી માળી કામે ચડે છે.

અક્ષય અને વૈશાલીનો જાણે નવો અવતાર થયો છે. હવે એમની વાતમાંથી  પૈસો શબ્દ અદ્રશ્ય થઇ ગયો છે.

 હવે તેમના જીવનમાં  સંબંધોના નવા નવા સેતુઓ બંધાઇ રહ્યા છે. હવે પૈસાને નહી જં સંબંધને..માનવતાને જીવનમૂલ્યોને મહત્વ અપાઇ રહ્યું છે.   વાતાવરણમાં હવે તેમનો પુત્ર મોટો થઇ રહ્યો છે. સૌથી મોટી  વાત કહેવાય ? એક નવી પરંપરા સ્થપાઇ રહે ત્યારે એનો વિશુધ્ધ આનંદ કંઇક અલગ હોય ને ? આપણે  કોઇ પણ આવી કોઇ ભૂલ તો  નથી  કરી રહયા ને ? પૂછીશું  જાતને સવાલ ?

 શીર્ષક પંક્તિ..હિતેન આનંદપરા..

 

4 thoughts on “સંબંધસેતુ..

 1. સુંદર અને સૌને સમજવા જેવો આ લેખ છે.

  હિતેન આનંદપરા વિશે જાણવાની ઇંતેજારી એટલે થઇ કે ‘આનંદપરા’ એ જો ગામનું નામ હોય તો એ ગામ મારા ગામ ‘કૈયલ’ નજીકનું છે. એમ હોય તો મને થોડી વઘારે માહિતિ મળશે જેથી જુની ઓળખાણની ખાણ ખોદી શકાય?!
  આભર સહિત..
  તમારું ધ્યાન દોરું છું…’ટાઇપો એરર’ >>>>>>”વશાલી આશ્વર્યથી મા સામે જોઇ રહી.”
  ‘ચમન’

  Like

 2. આભાર..ટાઇપીંગની ભૂલનું ધ્યાન દોરવા બદલ પણ આભાર.
  હિતેન આનંદપરા.. એ આપણા બહું મજાના કવિનું નામ છે.મુંબઇમાં રહે છે. અને કવિતા માસિકના એડીટર છે..જે જાણ માટે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s