અત્તરકયારી..સાચી સાધના..

 

અત્તરકયારી

સાચી સાધના

થોડા દિવસ પહેલા  અહીં અમેરિકામાં એક મોટા બાબાનું  પ્રવચન ગોઠવાયું હતું. યજમાનની સાથે મારે પણ જવાનું હતું. અમારા એ મિત્રને ખૂબ ઉત્સાહ અને હોંશ હતા. અરે, બહું જ્ઞાની છે..બહું સરસ બોલે છે. અહીં ઘેર બેઠા ગંગા આવી છે તે લાભ લેવો જ જોઇએ ને ? આવો અવસર જલદી નથી મળતો. જમવાની બધી વ્યવસ્થા ત્યાં જ કરાઇ છે. ઘેર આવીને બનાવવાની કશી લપ નહીં. અને અમે તેમની મહાન વાણી સાંભળવા ઉપડયા.નામ તો નહી આપી શકાય..કેમકે અનેક લોકોની ધાર્મિક લાગણી દૂભાતા વાર નથી લાગતી. પરંતુ મજાની વાત એ છે કે  અહીં અમેરિકા જેવા ભૌતિકવાદી દેશમાં પણ   બાબાઓ અને કહેવાતા સંતોની કોઇ કમી નથી. સાધુ મહાત્માઓની આખી  ફોજ અહીં   અવારનવાર ઉતરી આવતી હોય છે. ભક્તોને ખર્ચે અને જોખમે. તેમની વાણીમાં ચોક્કસપણે એક વશીકરણ હોય છે, ચબરાકિયાપણૂં હોય છે. લોકોને શું ગમે છે, શું જોઇએ છે કે શું સાંભળવું છે એની એમને પૂરી જાણકારી હોય છે. શ્રોતાઓની નાડ પારખતા એમને બહું સરસ રીતે આવડતું હોય છે. અને બહું ઉત્તમ વકતા હોય છે. કયાં શું બોલાય એની પૂરી પરખ હોય છે. વચ્ચે વચ્ચે હાસ્યના ફુવારા છોડતા પણ આવડતું હોય છે. સમયને અનુરૂપ વાત કરી શકવાની ક્ષમતા આવા બાબાઓ પાસે ભરપૂર હોય છે. એમાં શંકાને કોઇ સ્થાન નથી. ત્યાગની મસમોટી વાતો કરીને આસાનીથી તેઓ લાખો રૂપિયા કમાઇ લેતા હોય છે.

આજે  આ એક વ્યાપાર બની ગયો છે.બહું વ્યવસ્થિત વ્યાપાર..કોઇ મૂડી રોકાણ સિવાય અને ખોટ ન જવાની ખાત્રી આપતો વ્યાપાર. દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિએ..આના સંદર્ભમાં કયાંક વાંચેલું એક જાણીતું ઉદાહરણ યાદ આવે છે.

 

વાત ચીન દેશની છે. ચીનમાં માત્સુ નામનો એક મોટો સાધક થઇ ગયો. એની સાધનાનો કોઇ જોટો નહોતો. એની ખ્યાતિ દૂર દૂર સુધી પ્રસરેલી હતી.  તે  શહેરથી દૂર એક નાનકડી ઝૂંપડીમાં  રહેતા હતા. જયાં લોકોની કોઇ અવરજવર નહોતી. કોઇ ખલેલ પહોંચાડનાર નહોતુ. એવી એકાંત જગ્યાએ રહીને  પ્રભુની આરાધના કરતા રહેતા. પૂરો સમય  એ ફકત ઇશ્વરની આરાધનામાં જ રત રહે.

એક દિવસ એના ગુરૂ ફરતા ફરતા ત્યાં આવી ચડયા અને એની પાસે ઉભા. પણ આ સાધક સાધનામાં એવો તો મગ્ન હતો કે પોતાની સામે પોતાના ગુરુજી આવીને ઉભા છે તેની પણ તેને જાણ ન થઇ.   તે તો બસ પોતાનામાં મસ્ત હતો.

ગુરુએ શિશ્યને એની સાધનામાંથી જાગૃત કર્યો નહી. પરંતુ   તેમણે હાથમાં એક ઇંટ લીધી. અને એ ઇંટને એક પથ્થર પર ઘસવા માંડી.
થોડી વારે માત્સુ સાધનામાંથી જાગ્યો ત્યારે તેણે જોયું કે ગુરુજી ઇંટને પથ્થર પર ઘસી રહ્યા હતા.

માત્સુએ આ જોઇ આશ્વર્યથી ગુરુજીને પૂછયું.

‘આપ નાના છોકરાની જેમ ઇંટને આમ પથ્થર પર કેમ ઘસી રહ્યા છો ?

ગુરુજીએ શાંતિથી જવાબ આપ્યો.

‘ આ પથ્થર પર ઇંટ ઘસી ઘસીને હું તેને દર્પણ બનાવીશ.

માત્સુ હસી પડયો.

‘  ગુરુજી તમે કેવી વાહિયાત વાત કરો છો ?   અરે, ગમે તેટલું ઘસો તો પણ  ઇંટ તે કદી દર્પણ બની શકે ખરી ? ‘

ગુરુજીએ તુરત શાંતિથી જવાબ આપ્યો.

માત્સુ, તને એટલી જાણ છે કે ઇંટને ગમે તેટલી ઘસીએ તો પણ એ દર્પણ ન બની શકે. તો પછી બેટા,  તું તારા મનરૂપી ઇંટને હમેશા ફકત  પ્રાર્થના અને સાધનારૂપી પથ્થર પર ઘસ્યા કરે છે. પણ એથી શું તારું  જીવન દર્પણ સમુ ચળકી શકે  ખરું ? અહી એકાંતમાં સાધના કરવાને બદલે કોઇ લોકોપયોગી કામમાં તું તારી જાતને જોડ. લોકોને મદદરૂપ બન. દુઃખિયાઓ અને અનાથોના આંસુ લૂછ. દુઃખ અને પીડાથી  તપ્ત બનેલા આત્માઓને આશ્વાસનના  જળથી સીંચ અને તેમના આત્માને શીતળ બનાવ. લોકોની સેવા કરતા બીજી કોઇ સેવા મોટી નથી. જા, ઊઠ, લોકો વચ્ચે જઇને વસ. તેમના દુઃખ દર્દને સમજવાનો, નિકટથી જાણવાનો પ્રયાસ કર. લોકોથી ભાગતા નહીં લોકોની વચ્ચે રહીને તેમની પીડાને, તેમના સંકટોને,  તેમના દુઃખોને શકય તેટલા  દૂર કરવામાં લાગી જા..એ સાધના કરતા બીજી કોઇ સાધના મોટી  નથી. ‘

માત્સુએ  ગુરુજીને પ્રણામ કર્યા અને એકાંત  છોડીને જનસમૂહમાં જઇને વસ્યો.

જનસેવા એ જ પ્રભુ સેવા એવી કહેવતથી આપણે અજાણ નથી જ ને ? ઇશ્વરની સેવા એટલે ઇશ્વરે બનાવેલા માનવોની સેવા. કોઇ પ્રવચનો સાંભળવા જવાની જરૂર નથી. કોઇ ત્યાગ, વૈરાગ્યની જરૂર નથી.  એટલો સમય જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં ગાળીએ તો ?

એક નજર કરીશું  તો આપણી આસપાસ જ  એવા અનેક  લોકો મળી આવશે જેમને એક કે બીજા પ્રકારની સહાયની જરૂર હોય જ છે. અરે, ઘણી વખત આપણા જ કોઇ સ્વજનને આપણી મદદની જરૂર હોય ત્યારે આપણે સિફતથી આંખ આડા કાન કરીને દૂર ખસી જતા હોઇએ છીએ..તો પછી આપણે ગમે તેવા સરસ પ્રવચનો સાંભળીએ.. એનો કોઇ અર્થ ખરો ?

ઇશ્વરે  સેવાની તક આપણને આપી છે..એમ માનીને દીન, દુઃખી લોકોને મદદ કરવાની કોઇ પણ  તક ઝડપી લેવી ન જોઇએ ? આપણે એવા લોકો માટે કશુંક કરી શકીએ એ શું ઓછા સદભાગ્યની વાત કહેવાય ?  અને એ અનુભવ આપણને જે આનંદ આપશે એ કંઇક અલગ જ હશે.

મોટા મોટા કામ, કે લાખો, કરોડો રૂપિયાના દાન  ન કરી શકીએ એનો કોઇ અફસોસ ન હોય. કરવા જેવા  અનેક નાનકડા કામો આપણા લંબાયેલા હાથની રાહ જોઇને તત્પર છે. આપણે મદદનો  હાથ લંબાવીશું ?  બની શકે આજે તમારું કામ જોઇને આવતી કાલે એમાં બીજા હાથ પણ ભળે અને એક  દીપથી  અનેક દીપ  જલે ને એક નવા સમાજના નિર્માણમાં આપણે પણ આપણો નાનકડો ફાળો જરૂર નોંધાવી શકીએ.બસ જરૂર છે માત્ર શરૂઆતની..એક પગલું આગળ મૂકવાની.

અને એ જ તો છે જીવનની સાચી સાધના.. શું કહો છો દોસ્તો ?

( published in Gujarat Guardian date 8th May 2013 )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s