સંબંધસેતુ..

                                                                                                    એક મજાનો સેતુ..

 

 

 

તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !

 

 

 

ગિરાબહેનને  શૈશવથી સંગીતનો શોખ..ભગવાને ગળામાં કુદરતી મીઠાશ પણ ભરપૂર આપેલી. પરંતુ નાનકડું ગામ…અને ઘરમાં જૂનવાણી વાતાવરણ…એમાં દીકરીની જાતને એમ રાગડા તાણતા શીખવાની મોકળાશ કયાંથી મળે ? કોણ આપે ? સ્કૂલના કોઇ નાનકડા કાર્યક્રમમાં ગાવાની તક મળતી..અને ગિરા ખીલી ઉઠતી.

તારે ઘેર જ ઇને જે નખરા કરવા હોય તે કરજે..

કોલેજમાં જવાનો તો સવાલ જ ઉભો ન થયો. બારમું ધોરણ પાસ કર્યું ત્યાં તો  મા બાપે  સાપના આ ભારાના હાથ પીળા કરાવીને પોતાની જવાબદારી પૂરી કર્યાનો..ભાર હળવો કર્યાનો હાશકારો લીધો.

ગિરા પરણીને પોતાને ઘેર આવી. હવે તો ગિરા શહેરમાં અને પોતાને ઘેર આવી હતી.શૈશવથી શ્વસેલ સપના હવે જરૂર પૂરા થશે એવી એક આછી પાતળી આશા છાના ખૂણે બન્ધાઇ. પરંતુ થોડા સમયમાં જ ખબર પડી ગઇકે શહેર મોટું હોવાથી કોઇ ફરક નથી પડતો. ઘરમાં તો એ જ જૂનવાણી વાતાવરણ..એ જ રીતિરિવાજો..અને અહીં તો વહુની ભારેખમ પદવી. ઘરમાં સાસુએ ઘડેલ ચોક્કસ નીતિનિયમોના દાયરામાંથી ચસકી શકવાનો સવાલ જ નહોતો. શમણાં તો સળવળવાનું નામ પણ લઇ શકે તેમ નહોતા. પોતાના ઘરનો બધો યે ભ્રમ વરાળ થઇને ઉડી ગયો.

પતિ પાસે પણ મનના આગળિયા ખૂલવા ન પામ્યા.. અને વરસો વીતતા રહ્યા. હવે તો ગિરાને યાદ પણ નથી આવતું કે પોતાને ગાતા આવડે છે..કે પોતે ગાઇ શકે છે. જીવનની જંજાળમાં અટવાતી ગિરા…ગિરાબહેનના માથામાં સફેદી ડોકિયા કરવા લાગી હતી. મનમાં હતું કે દીકરી આવશે તો પોતે એને સંગીત જરૂર શીખડાવશે…પણ…એ ઇચ્છા યે અધૂરી જ રહી. બે દીકરાઓની માતા બની..ઘરમાં દીકરાની માનું ગૌરવ મળ્યું.

અને હવે બંને દીકરાઓના લગ્ન કરી દીધા હતા. મોટા દીકરાની નોકરી બીજા શહેરમાં હોવાથી તે લગ્ન કરીને દૂર ગયો. નાના દીકરો લગ્ન પછી પણ સાથે જ રહ્યો. હવે ગિરાબહેન વહુ મટી સાસુ થયા હતા.આર્થિક રીતે કોઇ પ્રશ્ન નહોતા. વહુ પણ સારી મળી હતી. ઘરનો બધો વહેવાર..જવાબદારી સાચવી લેતી હતી. ગિરાબહેન નવરા..સાવ નવરા ધૂપ બની ગયા. વહુએ ઘરમાં બ્યુટી પાર્લર ચાલુ કર્યું હતું. ઘરની અને પાર્લરની બંને જવાબદારી નિભાવવાની તેનામાં કુશળતા હતી. ગિરાબહેને એક દિવસ ડરતા ડરતા પતિ પાસે વાત મૂકી જોઇ…

મોકો જોઇને એક દિવસ ભીતરમાં સંતાયેલ શમણાં સળવળી ઉઠયા..

હવે મારી પાસે ઘણો સમય છે. અને મને સંગીતનો શોખ છે..હું સંગીતના કલાસમાં જાઉં ?

સંગીત ?આ વળી શું ભૂત ભરાયું છે ? આ ઉમરે વળી સંગીત ? લોકો શું કહેશે ? વહુ શું ધારશે ? અરે, દેવ દર્શને જા.. જોઇએ તો કોઇ મહિલામંડળમાં જા…રોજ સવાર સાંજ મંદિરે જતી જા..હવે ધરમધ્યાન કરવાના દિવસો છે. આ ઉમરે એવા કોઇ નવા નખરા..નવા ધખારા કરવાની કોઇ જરૂર નથી..આપણા ઘરમાં જે શોભતું હોય તે જ શોભે.

તે દિવસે તો વાત અટકી ગઇ. પણ ગિરાબહેન હવે હાર માનવાના મૂડમાં નહોતા. પતિને પોતે જરૂર સમજાવશે.અને ફરી એક દિવસ પતિ મૂડમાં લાગ્ય અત્યારે ગિરાબહેને વાત કાઢી.થોડી દલીલો પછી ન જાણે કેમ આજે પતિએ હ પાડી.

ઠીક છે..તને આટલું બધું  મન છે તો કર.

ગિરાબહેન રાજી રાજી.. પતિ આમ આટલી સહેલાઇથી માની જશે એવી કલ્પના નહોતી..પણ આજે કોઇ સારા મૂહુર્તે વાત થ હતી અને બધું પાર ઉતર્યું હતું. કાલે જ સંગીતકલાસમાં જ ઇ ફોર્મ  લઇ આવશે. પોતે બધી તપાસ કરી જ રાખી હતી.

પરંતુ બીજે દિવસે વહુને તાવ આવ્યો ને ગિરાબહેન જઇ ન શકયા. થોડા દિવસ તાવ ચાલ્યો.. ગિરાબહેનને થયું મોડા ભેગું મોડું..આમ વહુને તાવમાં મૂકીને થોડું જવાય ? ગિરાબહેન સંવેદનશીલ હતા. વહુની સેવા હસતા મોંએ કરતા રહ્યા..આટલા વરસો વહી ગયા તો આટલા દિવસોમાં શું ખાટું  મોળું થઇ જવાનું ?

પણ..ના..માનવીની બધી ધારણાઓ એમ સાચી કયાં  નીવડતી હોય છે ? થોડા દિવસોમાં તો કેટકેટલી ઉથલપાથલ માનવજીવનમાં સર્જાઇ શકે છે એનો અનુભવ સમય અનેકવાર કરાવતો જ રહે છે ને ?

વહુનો તાવ ઉતર્યો ત્યાં જ..ગિરાબહેનના પતિ અચાનક સાવ સાજા નરવા સૂતા હતા..તે  ઉંઘમાં જ મોટું ગામતરું કરી ગયા. અને ગિરાબહેન પર વૈધવ્યનો બોજ ખડકાઇ ગયો.

બે મહિના સુધી તો આઘાતની કળ પણ ન વળી શકી..આઅચાનક શું થ ઇ ગયું ?

સગાવહાલાઓથી ઘર ઉભરાતું રહ્યું.

સમય કદી થોભતો નથી. ધીમે ધીમે બધા ફરી એકવાર પોતાના રુટિનમાં ગોઠવાતા ગયા. કોઇન અજવાથી જીવન અટકી નથી જતું.જેના વિના નહીં જ જીવી શકય એવુઍં લાગતું હોય તેના ગયા પછી પઁઅ જીવન ચાલતું જ રહે છે. અને ચાલવું જ જોઇએ.

 

સમયની સાથે ગિરાબહેન પણ થોડા સ્વસ્થ થયા. પણ હવે શું કરવું ? જીવનમાં અચાનક ઉભરાઇ આવેલ ખાલીપ હવે કેમ ભરવો ?

બધા દેવદર્શન કરવાની..ભગવાનમાં જીવ પરોવવાની સલાહ ..સૂચનાઓ આપતા રહ્યા. પણ એમ કોઇના કહેવાથી  શું થઇ શકે છે ?

ગિરાબહેનને ફરી એકવાર સંગીતના કલાસ યાદ આવ્યા. પતિએ તો હા પણપાડી હતી.પરંતુ હવે જો આ વાત કોઇને કહે તો બધા એમ જ કહેને કે પતિને નામે ચરી ખાય છે. હવે પતિ કયાં રોકવા આવવાનો છે ? બાકી તેને ઓળખતા લોકો કોઇ સ્વીકારવ અતૈયાર ન જ થાય કે તેમણે હા પાડી હતી..

હવે વર નથી..એટલે ફાવ એતેમ ભટકવાની છૂટ મળી છે..કુટુંબમં તો બધા એમ જ વિચારવાના હતા..એનાથી ગિરાબહેન અજાણ નહોતા જ.

સેવાપૂજામાં ધ્યાન પરોવવાનો પ્રયત્ન કર્યો..વિશ્ણુસહશ્ત્ર નામ લેતા લેતા તુલસીપત્ર ચડાવતા રહ્યા..ભજનો ગાતા રહ્યા. બસ…એમ જ સમય પસાર કરતા રહ્યા.

ત્યાં એકવાર તેમને ભજન ગાતા સાંભળી તેમની વહુ..ધરા કહે,

મમ્મી, તમે સરસ ગાવ છો..તમારા ગળામાં કેવી મીઠાશ છે..તમે થોડી પધ્ધતિસરની તાલીમ લો તો ?

ગિરાબહેન આશ્વ્રયથી ધરા સામે  જોઇ રહ્યા.

ધરાએ કહ્યું,

મમ્મી, સાવ સાચું કહું છું..તમે કોઇ સંગીતકલાસ જોઇન કરી લો..તમને ઘણું શીખવા મળશે…અને તમારો સમય સરસ પસાર થશે. સંગીતજેવું વરદાન તો બીજું એકે નથી.

પણ…લોકો…’

ગિરાબહેન બોલવા ગયા

મમ્મી.લોકોની ચિંતા છોડો..જેને બોલવું હશે તે બે ચાર દિવસ બોલશે..આપણે એ સાંભળવાની કોઇ જરૂર નથી..આપણી જિંદગી આપણી રીતે જીવવાનો દરેકને હક્ક છે. અને તમે કયાં કશું  ખોટું કરો છો ? શીખવા માટે કોઇ ઉમર નથી હોતી.

આ તો પોતાના જ મનની વાત…

અને અઠવાડિયામાં જ ગિરાબહેનના સંગીતકલસ ચાલુ થ ઇ ગયા. ગિરાબહેન વહુને અંતરના આશીર્વાદ આપી રહ્યા.

આજે તો આ  વાતને દસ વરસ વીતી ચૂકયા છે. ગિરાબહેન આજે પોતે સંગીતના કલાસ શરૂ કર્યા છે. અને તેમાં સૌથી પહેલી શિષ્યા છે તેમની વહાલી નાનક્ડી  પૌત્રી. એક જીવન સભર બનીને છલકી ઉઠયું છે. એક વહુએ સાસુની જીવનને ચેતનાથી ભરી દીધું..અને બીજાના જીવનમાં ખુશી ભરી શકનાર કયારેય પોતે તેનાથી વંચિત રહી શકે ખરું ?

કોણ કહે છે..સ્ત્રી..જ સ્ત્રીની દુશ્મન છે ?

સંબન્ધનો કેવો મજાનો સેતુ..અને તે પણ બે સ્ત્રીઓ વચ્ચે..સાસુ ..વહુ વચ્ચે…

શીર્ષક પંક્તિ… વિવેક  ટેલર

 ( સ્ત્રી સાપ્તાહિકમાં નિયમિત પ્રકાશિત થતી શ્રેણી ) 

2 thoughts on “સંબંધસેતુ..

  1. DRD,JSK.wish u a true n terrific Thursday as it passes…vaah! manodil khushrang hina!!! varasadi vaayraamaa vasanti chhatanaa!! ha!sarvtr aavaa j samndh setu rachai jaay to dharti par j swarg!!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s