ચપટી ઉજાસ 162

  હું ને મમ્મી..   

હમણાં મોટા ફૈબા આવ્યા હતા. તેમની દીકરી આભાએ  થોડા સમય પહેલા કોઇ  મવાલી જેવા છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા હતા. અને  એક વરસ પછી એને છોડીને ઘેર પાછી આવી હતી. અને સાથે બે મહિનાની દીકરી પણ લાવી હતી. મોટા ફૈબા તો આમ પણ જૂનવાણી હતા.અને એમાં દીકરીએ આવું કર્યું તેથી ખૂબ દુખી હતા. તે તો આભાને પાછી ઘેર રાખવા માટે તૈયાર જ નહોતા.. પણ આભાદીદી ખૂબ રડયા હતા.. અને માફી માગી હતી.. ત્યારે બધા સગાઓએ  ફૈબાને ખૂબ સમજાવ્યા હતા..કે જે થયું તે થયું..પણ હવે દીકરીને કંઇ મરવા થોડી દેવાય છે ? અને આ નાની છોકરીનો શું વાંક ? તમે કાઢી મૂકશો તો એ બિચારી  આવડીક છોકરીને લઇને કયાં જશે ? છોરું કછોરું થાય પણ માવતરથી  કંઇ કમાવતર ન થવાય.. દીકરીએ ભૂલ કરી છે..એની સજા એને મળી ગઇ છે. એ પસ્તાય છે. પણ હવે જાય કયાં ?

અને આવી કેટલીયે સમજાવટ પછી ફૈબા એને ઘરમાં રાખવા તૈયાર થયા હતા. એ પછી  લોકેલાજે  આભાદીદી ઘરમાં તો રહી શકયા હતા..પણ ફૈબા એની સાથે કામ પૂરતું જ બોલતા. આભાદીદીનો સ્વભાવ પહેલેથી એવો સારો નહોતો જ. પણ હવે સંજોગોએ તેમને   થોડા બદલ્યા  હતા. પરંતુ માણસની મૂળભૂત પ્રકૃતિ એમ જલદીથી થોડી બદલાય ? થોડો સમય આભા દીદી શાંત રહ્યા હતા..પછી તેને ફરીથી રાબેતા મુજબ ફૈબા સાથે ઝગડા થવાના ચાલુ થયા હતા..ફૈબા કહેતા..હું તો થાકી ગઇ છું..આ છોકરીથી..

મારી આસપાસ આવા અનેક પ્રસંગો જોવા મળતા હતા.જે  મારા મનમાં અનેક  પ્રશ્નો જગાવતા હતા..પણ જવાબ આપી શકે તેવા ઉમંગી ફૈબા પોતે  એક પ્રશ્નાર્થ બનીને ન જાણે  દુનિયાના કયા ખૂણામાં અદ્રશ્ય થઇ ગયા હતા. મમ્મી મારી મૂંઝવણ  સમજતી.. પણ તે કશું  કરી શકે તેમ નહોતી. કયારેક અમે મા દીકરી વાત મનની વાત કરતા..પણ ન જાણે કેમ દિલનું ઐકય મમ્મી સાથે સન્ધાઇ શકયું નહીં. સામાન્ય વાતો …સ્કૂલની , ભણવાની એવી બધી વાતો તો મમ્મી સાથે થતી રહેતી.. પણ મનની કોઇ વાત કદી ઉઘડી શકતી નહીં. અને આમ પણ મમ્મી ઘરમાં એવી રીતે ઘેરાયેલી હતી.. કે તેની પાસે વધારે સમય બચતો પણ નહીં. મને લાગે છે..મમ્મીને સમજવાવાળું કોઇ તેની પાસે નહોતું. અને અમારા ઘરના વાતાવરણને લીધે ..એક મર્યાદાને લીધે હું પણ તેને કોઇ અંગત વાત પૂછી શકતી નહીં. જોકે  મમ્મી કહે તેમ પણ  નહોતી.દરેક વાતનો  મૌન સ્વીકાર એ જ કદાચ તેની નિયતી હતી..અને હવે એ જ તેનો સ્વભાવ બની ચૂકયો હતો. કદીક એકલી હોય ત્યારે છાનીમાની આંસુ લૂછી નાખતી મમ્મીને મેં અનેકવાર જોઇ છે. એવે સમયે હું તેની પાસે જઇને પૂછવાનો..તેને સાંત્વન આપવાનો પ્રયત્ન કરતી.. પણ મારા દરેક પ્રશ્નના જવાબમાં…  

‘ બેટા, તું નાની છે..તને એ બધી સમજ ન પડે..અને મને કોઇ તકલીફ નથી. આ તો કયારેય  તારા નાનાજી કે નાનીમા યાદ આવી જાય ત્યારે રડાઇ જાય છે. મા બાપ તો ગમે તે ઉમરે જાય તો પણ તેની ખોટ તો સાલે જ ને ? તેઓ યાદ તો આવે જ ને ?

હું કહેતી, મમ્મી, હવે હું એટલી નાની પણ નથી.. હવે હું સોળ વરસની થઇ છું. મને બધું સમજાય છે. તારી વાત હું સ્વીકારી શકતી નથી. તું મને તારી  વ્યથા કહેવા નથી માગતી એ હું જાણું છું. પણ મમ્મી સોળ વરસની દીકરી આ જમાનામાં તો મિત્ર જ ગણાય..’

 કાશ..મમ્મી મારી પાસે પોતાની પીડા ઠાલવી શકી હોત ..હું એ પીડાની ભાગીદાર બની શકી હોત.. અલબત્ત કદાચ એ પીડા ઓછી ન કરી શકત..પણ  ઠલવાઇને મમ્મી કદાચ હળાવાશ  અનુભવી શકી હોત.. અને અમારા  મા દીકરીનું એક અલગ ભાવવિશ્વ રચાઇ શકયું હોત..પણ કમનસીબે એ શકય ન બન્યું. દાદીમાને લીધે એને સતત મને સલાહ સૂચનાઓ  આપવી  પડતી. અને ગમે કે ન ગમે જાસૂસની જેમ મારી પૂછપરછ કરવી પડતી.. મારી ઉપર જાતજાતના બંધનો..નિયંત્રણો  લદાતા રહેતા.. દૂધનો દાઝેલો છાશ પણ  ફૂંકીને પીવે એવો ઘાટ ઘરમાં રચાયો હતો. ઉમંગી ફૈબ  અને આભા દીદીના એ પગલાનો ભોગ હુ બનતી હતી. હું એ બધું સમજતી હતી. અને એ સોળ વરસની ઉમરે મેં મનોમન નક્કી કરી લીધું હતું કે બનશે તો હું લગ્ન જ નહીં કરું.. અને કરવા જ પડશે તો જયાં મમ્મી, પપ્પા  કહેશે ત્યાં કરી લઇશ..  મારા નસીબમાં જે હશે તેનો સ્વીકાર કરીલઇશ..પણ મારા ઘરનાને  દુખ થાય એવું નહીં જ કરું. અને હું એવું કોઇ પગલું ભરું તો મમ્મીની શી દશા થાય એની મને પૂરી ખબર હતી. હું મમ્મીને ખૂબ પ્રેમ કરતી. અને મમ્મી પણ મને એટલો જ પ્રેમ કરે છે એની મને જાણ હતી જ.. ફકત એ પ્રેમ વ્યકત થવાની તક મળતી નહીં. એ અમારા મા દીકરી બંનેના કમનસીબ હતા.       

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s