અત્તરગલી..

 

અત્તરગલી..

                                                                              શબ્દકોષ તો આપણા સૌ પાસે છે ને ? 

તું જ છીણી, તું જ શિલ્પી , અને પથ્થર પણ તું..

ઘડી લે આકાર જીવનનો.. જેવો તું ચાહે તેવો તું..

માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. એમ આપણે સૌએ અનેક વાર વાંચ્યું હશે..સાંભળ્યું હશે.

પરંતુ કદી એ અનુભવ્યું  છે ખરું ? એ વાકયની સત્યતાની પ્રતીતિ કદી કરી છે ? આપણે તો કંઇ પણ આડું અવળું થાય તો નસીબને કે ઇશ્વરને દોષ દઇને બેસી જઇએ છીએ.. મારા નસીબ જ ફૂટેલા છે ત્યાં શું થાય ? પરંતુ દરેક વખતે શું ખરેખર નસીબનો જ વાંક હોય છે ? આપણો કોઇ વાંક..કોઇ ભૂલ નથી હોતી ?

આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે પહેલા જાત સાથે સંવાદ કરવો પડે.  આપણી પોતાની ઉલટ તપાસ કરવી પડે. જે કદાચ અઘરી અને અણગમતી વાત છે. એવી બધી પળોજણ કરવાને બદલે સીધો અને સટ ઉપાય.. દોષનો ટોપલો સીધો નસીબ પર.. “ મારા  નસીબ જ ફૂટેલા છે ત્યાં શું થાય ? “

પણ એવું યે બની શકે કે આપણા હાથનું પાત્ર  જ કાણાવાળું  હોય જેની તરફ જોવાની દરકાર આપણે ન કરી હોય કે પછી ચૂકી ગયા હોઇએ. ઇશ્વર આપે તો યે લેવાની પાત્રતા તો આપણે જાતે જ કેળવવી પડે ને ?

 કયાંક વાંચેલી એક વાત યાદ આવે છે. બે માણસો વચ્ચેનો આ  નાનકડો સંવાદ થોડામાં  કેટલું બધું કહી જાય છે. એક માણસ બીજાને પૂછે છે.

‘ આવી  ગંદી  શાયરીઓ તેં રચી  છે  ? ‘

હા..

કયા પુસ્તકનો આધાર  લઇને ?

આ..

હાથમાંનો શબ્દકોષ બતાવતા પહેલા  માણસે જવાબ આપ્યો. અને સામે પૂછયું.

અને પરમાત્માની આવી સરસ સ્તુતિઓ તેં  રચી ?

હા..

અરે વાહ.. તેં કયા પુસ્તકની મદદ લીધી ? પહેલા માણસે થોડા વ્યંગમાં પૂછયું. 

બીજા માણસે જવાબ આપ્યો.

આ..કહેતા બીજા માણસે હાથમાં રહેલું પુસ્તક તેના તરફ લંબાવ્યું.

પહેલો માણસ તેના હાથમાં રહેલા શબ્દ કોષ તરફ જોઇ રહ્યો.

આધાર તો બંને માણસોએ એક જ પુસ્તક..શબ્દ કોષનો લીધો હતો. 

પરંતુ  બંનેના સર્જનમાં તફાવત કેવડો મોટો !

જીવનનું પણ કંઇક આવું જ છે ને ? આપણે બધા પરમના  એક અંશ રૂપ છીએ. આપણને બધાને  ઇશ્વરે બે હાથ, બે પગ, બે આંખ , બે કાન, એક જીભ અને  એક મગજ વગેરે  બધા અવયવો આપ્યા છે. હવે એ હાથથી આપણે શું કરીએ છીએ, એ પગથી કયાં જઇએ છીએ ? એનો આધાર તો આપણી પોતાની ઉપર જ ને ? એ પગથી મંદિરે પણ જઇ શકાય અને દારૂના બારમાં પણ જઇ શકાય. જીભથી કડવા શબ્દો બોલીને વેરઝેર પણ ઉભા કરી શકાય, અપશબ્દો પણ બોલી શકાય અને એ જ જીભથી ઇશ્વરની સ્તુતિ પણ કરી શકાય કે કોઇની સાચી પ્રસંષા પણ કરી શકાય. બધો આધાર કોની પર ? અને એ પછી જે પરિણામ આવે એ માટે જવાબદાર કોણ ? નસીબ કે આપણે પોતે ?

પરંતુ કહેવાયું  છે ને કે અતિ પરિચય હમેશા અવજ્ઞાને પાત્ર હોય છે. આપણને બે હાથ,  બે પગ કે બે આંખનું સાચું મૂલ્ય કદી સમજાયું જ નથી હોતું.

પરંતુ જે વ્યક્તિને આંખ નથી,   એક પગ નથી કે  હાથ નથી.. કોઇ અકસ્માતમાં  એમના કોઇ અવયવ છિનવાઇ ગયા છે. એવી વ્યક્તિને પૂછો.. આંખ વિનાના જીવનની કલ્પના તો કરી જુઓ.. અરે, થોડી વાર કયારેક લાઇટ ચાલી જાય અને અંધકારમાં રહેવું પડે ત્યારે આપણે સૌ કેવા હાંફળા ફાંફળા બની જઇએ છીએ અને અધીર બનીને  લાઇટ આવવાની પ્રતીક્ષા કરીએ છીએ. તો જેનું પૂરું  જીવન અન્ધકારમય હોય એમનો વિચાર આવે છે ?

કયારેય સમજાય છે  કે ઇશ્વરે  આપણા દરેક અવયવો સલામત રાખીને આપણને કેટલું  બધું આપ્યું છે  ? એનો  સમુચિત ઉપયોગ ન કરીને આપણે એનો  અનાદર કર્યો ન કહેવાય ? અને એના દ્વારા ઇશ્વરનો અનાદર ન કર્યો કહેવાય ? એવો હક્ક આપણને છે ખરો ?

ઇશ્વરે આપેલી આ અદભૂત ભેટને સાચી રીતે સમજીએ અને એનો યોગ્ય ઉપયોગ કરીએ, વિવેકબુધ્ધિ વાપરીએ તો આપણા ભાગ્યવિધાતા આપણે પોતે જરૂર બની શકીએ.. એમાં શંકાને કોઇ સ્થાન નથી. કેવો ઉપયોગ, કેવી રીતે ? એ માટે જરૂરી છે આપણી વિવેક બુધ્ધિનો ઉપયોગ કરવાનો. પોતપોતાની શક્તિ અને ક્ષમતા મુજબ આપણે  એનો ઉપયોગ કરી શકીએ. આપણી પાસે જે શક્તિ હોય, જે આવડત હોય એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એ આપણી ફરજ ન કહેવાય ? ફરજ કોના પ્રત્યે ?  ઘર  પ્રત્યે,  કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે અને સૌથી વધારે આપણી જાત પ્રત્યેની ફરજ.  એના પ્રત્યે બેદરકાર રહેવાનું માનવીને ન શોભે ? માનવી જેવો અવતાર મળ્યો છે. એને સાર્થક કરવો જ  રહ્યો ને ?

ગાંધીજીના ત્રણ વાંદરાને યાદ કરીશું ?

બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો.. ઇશ્વરે  આપેલા અંગોનો આ જ તો સમુચિત ઉપયોગ. અને અંતે એક પ્રશ્નરૂપે આ મારું  નાનકડું કાવ્ય….

રાત પડી છે તો

સવાર પડશે જ

કેટલો વિશ્વાસ છે

આપણને સર્જનહાર પર ?

એટલો જ વિશ્વાસ

સર્જનહાર  પણ  રાખી શક્શે

આપણી પર ?

કે..

માનવ છે તો

માનવતા  દાખવશે જ ? 

3 thoughts on “અત્તરગલી..

 1. બહુ જ પ્રેરણાદાયી લેખ .

  આપની વાર્તાઓમાં અને આવા ચિંતન લેખોમાં જીવન માટે કોઈ ને કોઈ સંદેશ હોય છે .

  સાહિત્યની એ જ તો હોવી જોઈએ પરિભાષા .

  જે લખે એ લેખક પણ બહુ ઓછા લેખકો જીવન ઉપયોગી સાહિત્ય પીરસી જાણે છે .

  Like

 2. ‘અત્તરગલી’માંથી સરસ સુગંધ મળી રહે છે,મળતી રહે છે.તેથી સૌ કોઇને વારંવાર આવવું ગમે છે.
  પણ તમારો પ્રશ્ન ?…..સદીઓથી પૂછાતો આવ્યો છે. સહેલા જવાબને માનવ અઘરો બનાવવામાં પડ્યો છે એવું નથી લાગતુ?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s