સંબંધસેતુ..

 

સંબંધસેતુ..

નક્કરપણામાં પણ નિયત પોલાણ હોવું જોઇએ
નહીતર ગમે તે સાજ હો, રણકાર નહીં નીકળી શકે

જીવનમાં ઘણી વખત આપણે માણસોને, સગાઓને, મિત્રોને ઓળખવામાં થાપ ખાઇ જતા હોઇએ છીએ. કોઇ બેચાર વાતો પરથી કોઇ વ્યક્તિને કદી જજ કરી શકાય નહીં. એ રીતે મૂલવવા જઇએ તો હમેશા ખોટું  તારણ જ નીકળે.. જુદા જુદા સંજોગોમાં માણસ જુદી જુદી રીતે વર્તતો હોય છે. એથી જયારે પૂરી વાતની જાણ ન હોય ત્યારે કદી કોઇ વાતનો કે કોઇ માણસનો ન્યાય તોળવા ન બેસી જવું જોઇએ કે કોઇ વ્યક્તિ વિશે સાચો ખોટો અભિપ્રાય બાંધી લેવાની ઉતાવળ કદી ન કરવી જોઇએ. આપણે પોતે પણ ઘણી વાર ધાર્યા કરતા સાવ જુદું વર્તન કરતા હોઇએ છીએ.. બની શકે સામી વ્યક્તિને પણ આપણું એ વર્તન ખૂંચતું હોય. પણ આપણે મોટે ભાગે  બીજાએ શું કરવું જોઇએ..કેવી રીતે કરવું જોઇએ એનો જ વિચાર કરતા હોઇએ છીએ..જાત સામે આયનો ધરવો બહું અઘરી વાત હોય છે. આજે કોઇ આવી જ વાત..

પાયલ પરણીને  સાસરે આવી. પિયરમાં અને સાસરામાં પણ આર્થિક રીતે સધ્ધર કહી શકાય એવી સ્થિતી હતી. પાયલના હાથમાં પિયરમાં કદી રસોડાનો ચાર્જ નહોતો આવ્યો. ઘરમાં ભાભી અને મમ્મી બંને હતા એથી કદીક ભૂલથી રસોડામાં ગઇ હોય એટલું જ. હા સગાઇ પછી બે ચાર મહિનામાં  થોડું શીખવાનો પ્રયત્ન કર્યો હતો. પણ જવાબદારી કદી નહોતી આવી.

અહીં સાસરામાં જેઠ, જેઠાણી, તેમની એક નાની  પુત્રી  અને પોતે બે અને સાસુ, સસરા એમ કુલ સાત જણાનું  કુટુંબ હતું. ઘરમાં બધાનો સ્વભાવ સારો હતો. તેથી ખાસ કોઇ પ્રશ્નો નહોતા. સાસુ પણ રસોડામાં મદદ કરાવતા રહેતા. એકવાર ઉતાવળમાં કોઇ બરણી ઉપર મૂકવા જતા પાયલથી પડી  ગઇ. અને તૂટી ગઇ. આખા વરસનું અથાણું પણ ગયું અને બરણી પણ ગઇ. પાયલના સાસુ ત્યાં જ હતા તેણે પાયલને જરા મોટેથી  કહ્યું,

જરા ધ્યાન રાખીને કામ કરવાનું.. ખબર છે આજે  કેટલું નુકશાન થયું ? આવું આપણને ન પોસાય. જરાક સંભાળીને કામ કરવાનું. પાયલને ગમ્યું તો નહીં.પણ પોતાનો વાંક હતો એટલે કશું બોલી નહીં.

સાસુ રસોડામાં   સાથે જ હોવાથી નાની નાની વાતમાં તેમની સલાહ સૂચના..જેને પાયલ કચકચ કહેતી એ ચાલુ જ રહેતી. લોટમાં આટલું મોણ ન નખાય. ગેસ ઉપર તપેલી મૂકીને પછી જ ગેસ ચાલુ કરવાનો..નકામો ગેસ કેટલો બળી જાય.. કોઇ પણ નાની નાની  વાતમાં કરકસર કરવાની તેમની સલાહોથી પાયલ કંટાળી જતી. પોતે પિયરમાં કેવી બિન્દાસથી કરતી. અહીં તો તેને ડર જ લાગતો. અને એ ડરમાં ને ડરમાં જ તેનાથી વધારે ભૂલો થતી રહેતી કે પછી વધારે નુકશાન થતું રહેતું અને સાસુનું સાંભળવાનું થયા કરતું. જોકે  સાસુ ફકત તેને એકલીને જ કહેતા હતા એવું નહોતું.. ઘરના બધાને એ સલાહ સાંભળવાની આવતી. ખાસ કરીને વધારે ખર્ચો થાય કે કોઇ નુકશાન થાય ત્યારે કરકસર કરવાની સલાહ અચૂક આવતી. દરેક વાતમાં વિચારી વિચારીને પૈસા કેમ બચાવાય એના નવા નવા આઇડીયા તેમની પાસે તૈયાર જ હોય.

અને આમં સૌથી વધારે સાંભળવાનો વારો પાયલનો જ આવતો. કેમકે બાકી બધા તેમના પ્રમાણે રહેવા ટેવાઇ ગયા હતા..અને તેમના સાંભળવાથી પણ ટેવાઇ ગયા હતા. પાયલ માટે હજુ બધું નવુ6 હતું.

જોકે આ જ સાસુ બધા જમવા બેસે ત્યારે અન્નપૂર્ણાનો અવતાર બની જતા. પાયલે  કોઇ દિવસ થોડું ઓછું ખાધું હોય ત્યારે  આગ્રહ કરીને અચૂક તેને ખવડાવીને  જ જંપતા. કયારેક મંદિરે ગયા હોય ત્યારે ત્યાંથી આવે ત્યારે પાયલને ભાવતી ફરાળી પેટિસ લાવવાનું કદી ભૂલતા નહીં..અને પ્રેમથી ખવડાવતા. જેઠાણીની બેબી એક મિનિટ પણ  રડે તો સાસુથી સહન ન થતું..કામ તો થયા કરશે..હું કરી નાખીશ..પણ  છોકરું રડે એ મને ન પોસાય.એ તો ભગવાનનું સ્વરૂપ છે. પૂજા કરવા બેઠા હોય ત્યારે પણ  જો બેબીનો અવાજ સંભળાય તો સાસુ બધું પડતું મૂકીને દોડયા જ હોય.

આમ સાસુનું વ્યક્તિત્વ પાયલને કદી સમજાતું નહીં. કયારેક  સાસુ બહું કડક લાગતા તો કયારેક સ્નેહાળ લાગતા..કયું સ્વરૂપ સાચું ને કયું ખોટું એ નક્કી નહોતું થતું. કયારેક પતિને કહેતી તો એ હસતા હસતા કહેતા,

થોડો સમય થવા દે..મમ્મી સાથે વધારે સમય રહીશ એટલે એમને સાચી રીતે ઓળખી  જઇશ.

એવામાં એક દિવસ પાયલની વીંટી કયાંક ખોવાઇ ગઇ. હાથમાંથી કયારે કયાં સરી ગઇ કંઇ ખબર ન પડી. અને આ એ જ વીંટી હતી જે  પહેલીવાર  સાસુને  પગે લાગી  હતી ત્યારે  સાસુએ  તેને  આપેલી. વીંટી શોધી શોધીને પાયલ થાકી. પણ મળી નહીં.. જેઠણીએ અને બધાએ શોધી. સાસુ ત્યારે બહાર ગયા હતા.. પાયલ ગભરાતી હતી. તે રડવા  જેવી થઇ ગઇ હતી. હવે સાસુને શું  જવાબ આપશે ? નાની એવી વાતમાં ખીજાનાર સાસુ આવડું મોટું નુકશાન જોતા શું  કહેશે ? શું કરશે ? જેઠાણીએ તેને ચિંતા ન કરવા કહ્યું,

પાયલ, ન મળે તો થયું..એમાં ચિંતા  કરીને શું ફાયદો ? નકામો જીવ ન બાળીશ..

પણ ભાભી, બાને ખબર પડશે ત્યારે..

ત્યારે બા કંઇ નહીં કહે..હું તેમને ઑળખું છું ને ?

‘ અરે જરાક નુકશાન થાય તો પણ  બા..

કહેતા પાયલ રીતસર રડી જ પડી. જેઠાણીએ તેને પાણી આપ્યું અને શાંત કરી ત્યાં જ સાસુ બહારથી આવ્યા. પાયલને રડેલી જોઇને તેમણે તુરત પૂછપરછ શરૂ  કરી.

બધી વાત સાંભળી હસીને  બોલ્યા..

અરે મારી પાયલ તો સાવ ગાંડી  છે. હું બીજી વીંટી કરાવી આપીશ..બસ ? અરે, એવી તો કેટલીયે વીંટીઓ મારી વહુ ઉપર હું ઓળઘોળ કરી શકું એમ છું. તું ચિંતા ન કર.

પાયલ તો રડવાનું પણ ભૂલી ગઇ. તેણે સાસુ સામે જોયું. સાસુએ હસીને કહ્યું,

હું કંઇ વાઘ દીપડો છું ? મારાથી  બીક લાગે છે ?

ગભરાટમાં પાયલથી હા પદાઇ ગ ઇ.

એમ હું  વાઘ છું કે દીપડો ? બોલ તો..એટલે મને યે ખબર પડે.. સાસુના અવાજમાં કદી ન જોયેલી મસ્તી .. મજાક હતા.

પાયલ ગૂંચવાઇ..ના..હું એમ કહેતી હતી કે…

કે આજે સાસુ ધોકો લેશે નહીં ?

બેટા, મને ખબર છે મારો સ્વભાવ ..કરકસરની મારી ટેવ.. પણ બેટા, તને ખબર છે એ ટેવે જ એકવાર આ કુટુંબને ઉગારી લીધું હતું. પછી તો સાસુએ  ઘણી  વાત કરી. એકવાર કેવી રીતે ખોટ ગઇ હતી ત્યારે કરકસર કરીને બચાવેલા પૈસા કેવા કામ આવ્યા હતા અને રસ્તો નીકળ્યો હતો. અને પાંચ વરસ તો કેવી કરક્સરથી ઘર ચલાવવું પડયું હતું.. એ બધી વાત કરી અને ઉમેર્યું,

બેટા, કાલની કોને ખબર છે ? કરકસરની..બચાવવાની આદત પડી હોય તો કયારેક કામ આવે. મારો સ્વભાવ જ હવે પડી ગયો છે એટલે બોલ્યા સિવાય રહી  નથી શકાતું. બાકી તમે બંને મારા ઘરની લક્ષ્મી છો.. એને દુખી કરીને હું સુખી થોડી થઇ શકવાની ? બસ… આજથી હું ધ્યાન રાખીશ..તમને ખીજાવાય નહીં એનું.. મારી વહુ મને વાઘ દીપડો સમજે એ કેમ પોસાય ?

પાયલ અચાનક જ બોલી ઉઠી..

ના..બા..તમે તમારે ખીજાજો અને પછી આવો પ્રેમ પણ કરજો..મને જરાયે ખરાબ નહીં લાગે..

સાચ્ચે જ ?

હા..બા..હું  કદાચ તમને ઓળખી નહોતી શકી..

‘ અરે.. આ ખબર નથી પડતી કયારનો કૂકરનો ગેસ ધીમો કરવાની ? ગેસ કેટલો મોંઘો છે ખબર છે ? ‘ સાસુ મોટેથી બોલી ઉઠયા.

હવે પાયલ અને તેની જેઠાણી હસી પડયા.. ત્યં સસરાજી આવ્યા.   બધાને સાથે  હસતા જોઇને તે  બોલ્યા.. એક મિનિટ હું કેમેરો લેતો આવું.. આ સમૂહ હાસ્યનો ફોટો તો જોઇએ હોં..

અહીં સંબંધોનો કેવો મજાનો સેતુ હતો..સંયુકત કુટુંબમાં થોડી થોડી  સમજદારી  બધા દાખવે ત્યારે સુખ કદી ગેરહાજર રહી શકતું  નથી.અને જે ઘરમાં સુખ અને સમજણ હોય એવી ઘરમાં રહેવું કોને ન ગમે ? શું કહો છો ? 

( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )   

શીર્ષક  પંક્તિ.. ડો. મહેશ રાવલ 

One thought on “સંબંધસેતુ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s