અત્તરગલી

અત્તરગલી..

                                                                                      આનંદી કાગડો બનીશું?  

હમણાં રોજ સવારે ચાલવા જવાનું શરૂ થયું છે. એકવાર આળસ છોડીને જો ઉઠી જવાયું તો પછી કોઇ ડાઘાડૂઘી વિનાની વહેલી સવારનું સૌન્દર્ય અચૂક માણી શકાય.  મનની દ્રષ્ટિ ખુલ્લી હોય તો  મનને  જાણે પાંખ ફૂટે..અને સામે દેખાતા  અનેક દ્રશ્યો એક નવા સ્વરૂપે નજર સામે ઉઘડી રહે. કુદરતનું દરેક તત્વ દરેક જાણે પોતાની વાત કરવા તલપાપડ… એમની  વાતમાંથી  અનેક અર્થ ઉઘડી રહે અને મન સભરતાથી છલકી રહે. વિચાર તો માનવહ્રદયનું તીર્થ છે. આચાર વિનાના વિચારનો કોઇ અર્થ નથી એ વાત સાવ સાચી છે અને છતાં વિચાર  હશે તો જ કદી આચાર બની જીવનમાં ઝળકી ઉઠશે..અને જીવનઘડતરનો પાયો નખાશે. મનમાં વિચારની એક ચિનગારી જાગે..એક બીજ ઉગે  પછી જ અનુકૂળ સંજોગો મળે તો અને  ત્યારે આચારની લીલીછમ્મ કૂંપળ ફૂટી શકે.

આજે સવારે હમેશની જેમ ફરવા જતી હતી ત્યાં એક સૂકાયેલા  વૃક્ષ પર નજર પડી. સાવ ઠૂંઠા જેવું થઇ ગયું હતું.  મારી માફક અનેક લોકોની નજર તેના પર પડતી જ હતી. બે જણા સાથે મળીને તેને કાપતા હતા.  કૂહાડીના ઘા ધડાધડ  પડતા હતા. અને નાના, મોટા ટુકડાં વૃક્ષથી અલગ થઇને નીચે પડતા હતા.જોતજોતામાં તો એક વૃક્ષનું લાકડામાં રૂપાંતર થઇ ગયું.  હું મનોમન વિચારતી હતી  કયારેક આ  પણ લીલુછમ્મ વૃક્ષ હશે. તેની ઉપર  પણ લીલાછમ્મ પર્ણ હશે, ખુશ્બુદાર પુષ્પ  લહેરાતા હશે, પતંગિયા કે ભ્રમર નો ગુંજારવ હશે.  ફળોથી કયારેક લચી પડયું હશે. અને આજે તેની આ દશા ?  તેને કેટલું દુ:ખ થતું હશે ?  સૂકાઇ ગયું એટલે આમ ક્રૂરતાથી કાપી નાખવાનું ? ઉપયોગ પૂરો થઇ ગયો એટલે સાવ આવું  કરવાનું ?

મેં  લાકડાના એક ટુકડા પાસે જઇ  હળવેથી પૂછયું, ‘ તને કેટલું  દુ:ખ થતું હશે નહીં ? તું સૂકાઇ ગયું એટલે તને  કાપી નાખે છે. લોકો ખરા નિર્દયી બની ગયા છે. ‘

મારા પરમ આશ્વર્ય વચ્ચે લાકડાના તે ટુકડાએ હસીને જવાબ આપ્યો.  

’ ના રે,  દુ:ખ શાનું ?  અત્યારે ભલે મને કાપી નાખ્યું છે.  એક લીલાછમ્મ વૃક્ષમાંથી હું હવે લાકડાનો ટુકડો બની ગયો છું. પરંતુ એનું દુ:ખ શા માટે ? હવે હું બીજી રીતે જીવીશ.

મેં પૂછયું, ‘ એટલે ? બીજી વળી કઇ રીતે ? ‘

’ અરે, હવે હું સરસ મજાનું ટેબલ કે ખુરશી બનીશ…મારી ઉપર બેસીને કોઇ જમશે..કોઇ નાનકડું બાળક મારી ઉપર બેસીને કિલકિલાટ કરશે..અને હું ફરી મહોરી ઉઠીશ. કે પછી કોઇ નાનકડી ટીપોય બનીશ…અને તો મારી ઉપર કોઇ સરસ મજાનું ફલાવરવાઝ ગોઠવાશે..સુન્દર મજાના ફૂલોથી હું યે સુશોભિત થઇ ઉઠીશ, કે પછી ખાલી કોઇ નાનકડું સ્ટૂલ બનીશ તો પણ શું ? કોઇને ઉપર ચડવામાં મદદરૂપ તો બની શકીશ ને ? બસ…મારું જીવ્યું સાર્થક…અને કદાચ આમાંથી કશું ન બની શકું તો કોઇ ગરીબના ઘરનો ચૂલો તો જરૂર સળગાવી શકીશ…બસ…એટલું કરી શકીશ તો યે મને કોઇ અફસોસ નહીં હોય. કોઇ પણ રીતે કોઇને કામ આવી શકું એટલે મારું જીવન તો સાર્થક જ ને ?

ઓહ.. આ તો પેલા આનંદી કાગડા જેવી  વાત થઇ. ગમે તે અવસ્થામાં ખુશ રહેવાનું. કોઇ ધારે તો પણ  દુ:ખી કરી જ કેમ શકે ?  વાહ..આનાથી ઉત્તમ બીજું શું હોઇ શકે ? સંજોગો તો આપણે ફેરવી શકતા નથી. પરંતુ દરેક પરિસ્થિતિને અનુકૂળ બનવાની કળા તો જરૂર શીખી શકીએ. અને દરેક અવસ્થામાં આપણે તો હસી શકીએ..સાથે સાથે અન્યને પણ કઇ રીતે મદદરૂપ બની શકીએ તેનો વિચાર કરી શકીએ તો આપણું દુ:ખ તો કયાંય વિસરાઇ જાય. અને કદાચ બીજાને મદદરૂપ થતાં થતાં આપણી પરિસ્થિતિનો પણ કોઇ ઉકેલ મળી આવે…અને પેલા સૂકા લાકડાની માફક આપણે મહોરી ઉઠીએ…દુ:ખમાં યે મહોરવાની આ જીવનકલા આપણે શીખી શકીશું ?

પવનના સૂસવાટા બોલતા હોય , વાયરાએ રૌદ્ર  રૂપ ધારણ કર્યું હોય, એવા વાવાઝોડાના સમયે એક નાનકું તણખલું સ્વાભાવિક રીતે જ દૂર દૂર ફેંકાઇ જવાનું.. એવે સમયે પણ એ તણખલું આનંદથી  હસીને ગાઇ  શકે છે. અરે, વાહ.. મેં તો આસમાનની સહેલ કરી લીધી  ! 

એક તિનકેને કિસી તૂફાનકે સાથ ઉડકર જબ લિયા આકાશ છૂ..

નાનકડાં તણખલાની પણ જો આ જીવન દ્રષ્ટિ હોય તો આપણે તો માનવી છીએ..ઇશ્વરનું પરમ સર્જન છીએ.. પરમાત્માનો એક અંશ છીએ.. આપણે આવી જીવન દ્રષ્ટિ કેમ ન કેળવી શકીએ ? સુખમાં તો સૌ કોઇ હસી શકે..ગાઇ શકે.. સંઘર્ષની  ક્ષણે ગાઇ શકીએ,  પીડાની પળૉમાં પણ જીવન સંગીત ચાલુ રહી શકે અને ચહેરા પર સ્મિતની હળવી લહેરખી ફરકી શકે તો જીવનમાં કોઇ ફરિયાદને અવકાશ ન રહે. જે આપણા હાથની વાત નથી એનો હસીને કે રડીને સ્વીકાર કરવાનો જ છે તો હસીને  શા માટે ન કરવો ?

ઇશ્વરમાં જો ખરેખર માનતા હોઇએ તો આપણી શ્રધ્ધામાં કચાશ કેમ ચાલે ?

સર્જનહાર પર ભરોસો રાખવો તો પછી પૂરો જ રાખવો જોઇએ ને ?

અને

તો આપણે પૂરા વિશ્વાસથી ગાઇ શકીશું..

શાના દુ:ખ અને શાની નિરાશા ?

 મુકુલે મુકુલે મુખરિત આશા…

દોસ્તો, બનીશું ને આનંદી કાગડો ? 

( published in GGN regular column “atargali “

3 thoughts on “અત્તરગલી

 1. …પ્રિય આદરણીય નિલમદીદી,જય શ્રી કૃષ્ણ। ફૂલ-ગુલાબી યાદ ટહુકાં સહ હું તમારી
  સમક્ષ,,,હા તમારી વાત સાથે હું સત્યાંશની મહોર લગાવું છું। જીવન જીવવાની સૌ
  ને સો કળાયે માનવી શીખી જાય તો તો જીવન “સ્વર્ગ” બની જાય !! ન તો રહે
  ફરિયાદ,,,ન ગામ ,,,ન દુ:ખ,,ન પીડા ,,,,બસ સર્વત્ર લીલી હરિયાળી!! વાહ,હું તો
  આનંદિત,,,કલ્લોલિત,

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s